જે ગામમાં શો એ જ ગામના ઍક્ટર

Published: 12th January, 2021 16:24 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

‘દેરાણી જેઠાણી’ નાટકમાં અમે આ ફન્ડા અપનાવ્યો અને સુરતમાંથી બાળકલાકાર અને નર્સને લીધાં

જુનિયર સુપરસ્ટાર: તથાગત કપિલદેવ શુક્લ, જેની ઉંમર જોઈને અમે ગભરાઈ ગયા હતા, પણ તેણે તો સચિન તેન્ડુલકરની જેમ ઑડિટોરિયમમાં ચોક્કા-છક્કા ફટકારી ઑડિયન્સનાં દિલ જીતી લીધાં હતાં.
જુનિયર સુપરસ્ટાર: તથાગત કપિલદેવ શુક્લ, જેની ઉંમર જોઈને અમે ગભરાઈ ગયા હતા, પણ તેણે તો સચિન તેન્ડુલકરની જેમ ઑડિટોરિયમમાં ચોક્કા-છક્કા ફટકારી ઑડિયન્સનાં દિલ જીતી લીધાં હતાં.

પોણાચાર લાખ રૂપિયા.

અધધધ કહેવાય એવી રકમ આપીને અમે અશોક પાટોળે પાસેથી ‘બા રિટાયર થાય છે’ના હિન્દી-ગુજરાતી રાઇટ્સના અને ‘પતિ નામે પતંગિયું’ના લાઇફટાઇમ રાઇટ્સ ખરીદ્યા. જ્યારે આપણી ગુજરાતી રંગભૂમિમાં બધાને આ રકમની ખબર પડી ત્યારે તેમની આંખો રીતસર ફાટી ગઈ હતી. બધાને એમ હતું કે આ વધારેપડતો ખર્ચ અમે કરી નાખ્યો છે, પણ મને ખબર હતી કે આ ખર્ચો નહીં, ઇન્વેસ્ટમેન્ટ હતું, જે એક દિવસ ઊગી નીકળવાનું હતું. ગયા અઠવાડિયે તમને કહ્યું હતું એમ અમારા સિવાય એક બીજું નિર્માતાઓનું ગ્રુપ ‘બા રિટાયર થાય છે’ના રાઇટ્સ માટે પ્રયત્ન‌શીલ હતું. એ નિર્માતાઓ હતા જે. અબ્બાસ, વિનય પરબ, અરવિંદ રાઠોડ અને પદ્‍મારાણી, પણ અમે લેખકને ઑફર જ એટલી મોટી આપી કે લેખકે તેમને જણાવવાની તસ્દી પણ લીધી નહીં. ફરી તમને હું ‘દેરાણી જેઠાણી’ નાટકની વાત પર લઈ જાઉં.

મેં અગાઉ કહ્યું હતું એમ, ‘દેરાણી જેઠાણી’ નાટક બહુ સરસ ચાલતું હતું, પણ તમને પહેલાં કહ્યું હતું એમ, આ નાટકનું નક્કી કર્યું ત્યારે જ એમાં એક બાળકલાકારની ખૂબ મહત્ત્વની કહેવાય એવી ભૂમિકા હતી, એના વગર નાટક ચાલે એમ જ નહોતું. નાટકનાં રિહર્સલ્સ વખતે જ મેં ડિરેક્ટર હરિન ઠાકર સાથે ચોખવટ કરી હતી કે બાળકલાકારને આપણે ટૂર પર નહીં લઈ જઈ શકીએ. ટૂરને કારણે બાળકની સ્કૂલ બગડે એ કોઈ પેરન્ટ્સ ચલાવી ન લે. ઍટ લીસ્ટ એ સમયે તો કોઈ જ નહોતું ચલાવતું. હવે ટીવી અને બીજા બધા સ્કોપ વધ્યા છે એટલે પેરન્ટ્સ થોડી બાંધછોડ કરતા થયા છે, પણ પહેલાં એવું નહોતું. બાળકનું કૅરૅક્ટર મહત્ત્વનું અને એના વિના જ બહારગામની ટૂર કરવાની. આવી સિચુએશન વચ્ચે અમે નક્કી કર્યું કે આપણે જે સિટીમાં નાટક લઈ જઈએ ત્યાંથી લોકલ બાળકલાકારને આપણે કાસ્ટ કરી લઈશું. મુંબઈમાં મારમાર ચાલતા નાટક વચ્ચે અમારી પહેલી ટૂર આવી સુરતની.

હવે અમારે સુરતમાં બાળકલાકાર શોધવાનો હતો. નાટકમાં બીજી પણ એક નર્સની ભૂમિકા હતી, જે પ્રમાણમાં ખૂબ નાની, પણ અત્યંત મહત્ત્વની હતી. એના માટે પણ એવું નક્કી થયું કે મુંબઈથી કોઈ કલાકારને સાથે લઈ જવાને બદલે આપણે એ રોલ માટે પણ સુરતથી જ કોઈક આર્ટિસ્ટ શોધી લઈશું. શોના એકાદ કલાક પહેલાં રિહર્સલ્સ કરાવીને કલાકાર તૈયાર કરી લેવાય એ સાઇઝનું એ કૅરૅક્ટર હતું. આ નર્સના રોલ માટે અમને સુજાતા નામની એક છોકરી મળી ગઈ, જેને અમે ફાઇનલ કરી લીધી.

બાળકલાકાર માટે અમે હરિન ઠાકરને કહ્યું કે તમે સુરત જાઓ, ૧૦ દિવસ હોટેલમાં અમારા ખર્ચે રહો અને ત્યાં લોકલ બાળકલાકરને શોધીને તેને તૈયાર કરો. સુરતમાં અમે કપિલદેવ શુક્લને બાળકલાકાર શોધવાની જવાબદારી સોંપી હતી. શોના દિવસે સાંજે ૭ વાગ્યે અમે સુરત પહોંચ્યા અને રાતે સાડાનવ વાગ્યે શો. સીધા થિયેટર પર ગયા. હરિનભાઈ કહે કે છોકરો રેડી છે. અમારા આશ્ચર્ય વચ્ચે માત્ર ચાર વર્ષની ઉંમરનો છોકરો અમારી સામે આવ્યો.

તથાગત તેનું નામ.

તથાગતને જોઈને અમે ડરી ગયા કે આવડો નાનો છોકરો કેવી રીતે પર્ફોર્મ કરશે. રોલ પણ ખાસ્સો મોટો અને નાટકનો સેકન્ડ ઍક્ટ તો આખેઆખો તેના પર. નાટકનો ઘણોખરો મદાર તેના પર્ફોર્મન્સ પર આધારિત હતો. છોકરાનો લુક અને તેનું અપિયરન્સ જોઈને અમે ખુશ થયા, પણ તેની ઉંમરે અમને ગભરાવી દીધા, પણ સાહેબ, છોકરાએ શું રોલ કર્યો, અદ્ભુત. એ છોકરાએ જ્યારે કૃષ્ણ, યશોદા અને દેવકીવાળો સીન કર્યો ત્યારે મીનળ પડિયાર રીતસરની રડી પડી.

તથાગત સુરતના રંગકર્મી કપિલદેવ શુક્લ અને હેમા શુક્લનો દીકરો. આ હેમાબહેન શુક્લ એટલે અભિનેતા ધર્મેશ વ્યાસનાં સગાં બહેન. તથાગતે સાબિત કર્યું કે મોરના ઇંડાંને ચીતરવાનાં ન હોય.

સુરતમાં અમે ‘દેરાણી જેઠાણી’ના પચ્ચીસેક શો કર્યા અને સુરતી લાલાઓએ નાટકને રીતસર વધાવી લીધું. અમને મળેલા આ અધધધ રિસ્પૉન્સમાં નાટકની પ્રોડક્શન ક્વૉલિટી અને બાકીના કલાકારોના અભિનય ઉપરાંત આ તથાગત શુક્લનો પણ બહુ મોટો ફાળો છે એ મારે કહેવું જ રહ્યું.

નાટક સુરતમાં બહુ સરસ રહ્યું. એ પછી અમદાવાદના શો આવ્યા. અમદાવાદમાં પણ અમે અઢળક શો કર્યા. અમદાવાદમાં પણ સદ્ભાગ્યે તથાગતે જ એ રોલ કર્યો અને ત્યાં પણ તેનાં અઢળક વખાણ થયાં, પણ અમદાવાદમાં નર્સની ભૂમિકા માટે અમે ત્યાંની એક લોકલ આર્ટિસ્ટને બોલાવી, સાવ નાનકડા એવા એ રોલ માટે આવેલી એ અિભ‌નેત્રીએ આગળ જતાં દેશ-દુનિયામાં ખૂબ મોટું નામ કર્યું જેની વાતો આપણે આગળ કરીશું.

‘દેરાણી જેઠાણી’ની ગુજરાત ટૂર શરૂ થઈ એટલે હવે અમારે મુંબઈ માટે પણ નવેસરથી પ્લાનિંગ કરવાનું હતું. જોકે અમે નવા નાટકની શરૂઆત કરીએ એ પહેલાં અમારા આ નાટકમાં એક રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. વિષ્ણુકુમાર વ્યાસનું બીજું કમિટમેન્ટ હોવાથી તેમણે નાટક છોડ્યું. વિષ્ણુભાઈની જગ્યાએ અમે ઉત્કર્ષ મજુમદારને લાવ્યા. ઉત્કર્ષ સાથે મારો જૂનો સંબંધ, મારો બહુ સારો મિત્ર પણ ખરો. તેં તેને વાત કરી કે તરત જ તેણે નાટક માટે હા પાડી. ઉત્કર્ષે પણ નાટકમાં બહુ સરસ કામ કર્યું અને નાટકની સ્મૂધનેસને જરા પણ અસર થવા દીધી નહીં.

નવા નાટકમાં અમારી પાસે હવે ‘બા રિટાયર થાય છે’ના રાઇટ્સ આવી ગયા હતા એટલે અમે એ નાટક કૌસ્તુભ િત્રવેદીના બૅનરમાં કરવાનું વિચારતા હતા. બાના રોલ માટે પદ્‍મારાણી સિવાય બીજું કોઈ વિચારી જ ન શકાય એટલે અમે પદ્‍માબહેન પાસે જવાનું વિચારતા હતા અને ત્યાં એક દિવસ મને આપણાં જાણીતાં લેખિકા વર્ષા અડાલજાનો ફોન આવ્યો કે સંજય, તું મને મળ, મારે તારી સાથે વાત કરવી છે.

હું તો ગયો વર્ષાબહેનના ઘરે. વર્ષાબહેને મને યાદ કરાવ્યું કે તેં અને શફી ઈનામદારે મને એક નાટક લખવાનું કહ્યું હતું, એ નાટક આખું રેડી થઈ ગયું છે. મિત્રો, તમને યાદ હોય તો આ વિશે મેં તમને વાત કરી હતી અને કહ્યું હતું કે કલ્પના દીવાનને લઈને અમે એક નાટક કરવાના હતા, પણ એ પહેલાં જ શફીભાઈએ ‘ઑલ ધ બેસ્ટ’ નાટકનું મુરત કરી નાખ્યું અને આ નાટક લટકી ગયું. નાટકનું ટાઇટલ હતું ‘શારદા.’

‘શારદા’નું પછી શું થયું અને કેવી રીતે એ નાટક પર અમે કામ ચાલુ કર્યું એની વાતો કરીશું આપણે આવતા અઠવાઠિયે.

જોકસમ્રાટ

જનહિતને ધ્યાનમાં રાખીનેઃ

સસલું કૂદાકૂદ કરે, એને કેટલી કસરત થાય તો પણ એ ૧પ વર્ષ જ જીવે અને કાચબો, આરામ કરે તો પણ ૩૦૦ વર્ષ જીવે. આ વિચારને અમલમાં મૂકીને ઠંડીમાં ગોદડું ઓઢી સૂઈ જાઓ. તેલ લેવા જાય કસરત કે મૉર્નિંગ વૉક.

ફૂડ ટિપ્સ: મુલ્ક-એ-મિસળ

મિત્રો, આપણે છેલ્લા થોડાં અઠવાડિયાંથી મિસળ-યાત્રા પર છીએ. આપણી આ મિસળ-યાત્રાનો આજે છેલ્લો હપ્તો છે. આવતા અઠવાડિયાથી નવી વરાઇટી સાથે આપણે મળીશું પણ એ પહેલાં વાત કરીએ બેસ્ટ મિસળની.

મુંબઈના બેસ્ટ મિસળના આસ્વાદ માટે મેં વાત કરી ઍક્ટર કુલદીપ ગોર સાથે. કુલદીપ ગોરની તમને ઓળખાણ કરાવું. ગુજરાતી સિરિયલ ‘સાવજ’માં તે લીડ ઍક્ટર હતો તો કુલદીપે મારા નાટક ‘નોકરાણી’, ‘લેડીઝ સ્પેશ્યલ’ અને બીજાં ઘણાં નાટકોમાં કામ કર્યું છે. કુલદીપ ખૂબ સારો ઍક્ટર અને એટલો જ સારો ‌સિંગર પણ, તે અમુક વાજિંત્રો વગાડવામાં પણ માહેર છે. મને કોઈકે કહ્યું કે કુલદીપ પણ િમ‌સળનો મોટો પ્રેમી છે એટલે મેં તેને ફોન કર્યો તો કુલદીપે મને કાંદિવલીમાં ઠાકુર કૉમ્પ્લેક્સમાં પૉલિટેક્નિક કૉલેજથી ડાબે વળીએ તો ત્યાં એક કૉર્નર પર પાટીલ મિસળવાળો છે એનું ઍડ્રેસ આપ્યું. હું તો પહોંચ્યો ત્યાં અને સાહેબ જઈને જોઉં તો શું!

કોવિડના સમયમાં પણ તેની લારી પર વીસ-પચ્ચીસ જણ ટોળે વળીને ઊભાં-ઊભાં મિસળની માગણી કરતા હતા. અદ્ભુત મિસળ, પ્યૉર કોલ્હાપુરી અને ઘાટી મસાલાથી છલોછલ. ઘાટી મસાલા વિશે ગુજરાતીઓને ખબર નહીં હોય. ઘાટી મસાલો એટલે ઘાટનો મસાલો, કોલ્હાપુરમાં જે ઘરે કાળો મસાલો બનાવે એનું સફેદ વટાણાનું ઉસળ હતું. એની ઉપર સેવ અને ગાંઠિયા નાખીને સાથે કાંદા-લીંબુ અને બે પાઉં આપે. લીંબુ સાથે આપવાનું કારણ દરેક વખતે ટેસ્ટ જ નથી હોતું, પણ લીંબુને કારણે વાનગી જલદીથી પચી જાય એટલે એ આપવામાં આવતું હોય છે. સુપર્બ મિસળ અને મેં તો ઉપરથી રસો પણ લીધો હતો. રસો એટલે એમાં વટાણા ન હોય, પણ માત્ર ગ્રેવી હોય. માત્ર ૪૦ રૂપિયામાં આ મિસળ આપે છે.

ક્યારેય ઠાકુર કૉમ્પ્લેક્સ તરફ જવાનું થાય કે એ બાજુએ રહેતા હો તો હાઇવેથી ઠાકુર કૉમ્પ્લેક્સમાં નાઇન્ટી ફીટ રોડ પર જેવા આપણે પૉલિટેક્નિક કૉલેજ તરફ વળીએ કે પહેલા કૉર્નર પર જ પાટીલ મિસળવાળો બેસે છે. ક્યારેય કોલ્હાપુરી તીખુંતમતમતું મિસળ ખાવાનું મન થાય તો અચૂક જજો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK