કોને કારણે જેઠાલાલને આજની આ પૉપ્યુલરિટી ટચ નથી થતી?

Published: 27th September, 2020 17:00 IST | Rashmin Shah | Mumbai

આવો સાંભળીએ સંજય ગોરડિયા અને દિલીપ જોષીની વાતો

સંજય ગોરડિયા, દિલીપ જોષી
સંજય ગોરડિયા, દિલીપ જોષી

સૂત્રધાર : રશ્મિન શાહ

આ અને આવા અનેક સવાલના જવાબ આપે છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોષી. સામે જો ઇન્ટરવ્યુઅર ફ્રેન્ડ હોય, કરીઅરનો હમસફર હોય તો ઇન્ટરવ્યુ આપવાનો આનંદ પણ બદલાઈ જાય. એવું જ બન્યું છે દિલીપ જોષી સાથે. કારણ, ‘મિડ-ડે’ વતી ઇન્ટરવ્યુ લેવાની જવાબદારી બીજા કોઈએ નહીં, જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાએ સંભાળી હતી. ‘૯૦ના દસકામાં સંજય ગોરડિયાના પ્રોડક્શનમાં નાટક કરનારા દિલીપ જોષી અહીં મન મૂકીને વાત કરે છે. વાતોનો વિષય સ્વાભાવિક રીતે દેશની સૌથી લાંબા કૉમેડી ટીવી-શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને એનું લીડ કૅરૅક્ટર જેઠાલાલ ગડા છે, છતાં આત્મીયતા બે મિત્રોની છે. સિરિયલના શરૂઆતના દિવસોથી માંડીને પોતાની ભાવિ પેઢી વિશે વાત કરતાં દિલીપ જોષી સંજય ગોરડિયા પાસે સહજ રીતે સ્વીકારે છે કે ‘જો પ્રમુખસ્વામીનો સત્સંગ ન મળ્યો હોત તો આ સફળતાને લીધે મારું છટકી ગયું હોત’

SG: ૩૦૦૦ એપિસોડ, દિલીપ! સચ અ બિગ અચીવમેન્ટ. કેવો રહ્યો દેશની સૌથી લાંબી ટીવી-સિરિયલના લીડ ઍક્ટર હોવાનો અનુભવ, એ જર્ની વિશે થોડી વાત કરને.

DJ: બુધવારે હું ઘરે બેઠો હતો ત્યારની વાત છે. વાત થઈ કે આવતી કાલે ૩૦૦૦ એપિસોડ પૂરા થશે તો મેં એમ જ ‘સોની લિવ’ પર પહેલો એપિસોડ જોયો કે બહુ વર્ષો થઈ ગયાં જોયો નથી તો જોઈએ ત્યારે શું કર્યું હતું, કેવા લાગતા હતા બધા. એપિસોડ જોયો અને એ જોતો હતો ત્યારે એવી ફીલિંગ હતી કે શરૂ કર્યું ત્યારે સપને પણ વિચાર્યું નહોતું કે ૩૦૦૦નો માઇલસ્ટોન આ શો પૂરો કરશે...

SG: વચ્ચે તને એક વાત પૂછવાની, તું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ક્યારેક જુએ કે પછી વચ્ચે-વચ્ચે કે દરેક એપિસોડ કે પછી ક્યારેય જુએ નહીં?

DJ: દરેકેદરેક એપિસોડ જોઉં. ઍકૅડેમિકલી પણ જરૂરી છે. શું છે કે આમ રોજેરોજનું કામ ચાલતું હોય, ફૅક્ટરીની જેમ એકધારું... આપણે સેટ પર સીન આપીએ પછી તો જોવા ન મળે કે શું થયું ને આપણે કેવું કર્યું... તો ઍકૅડેમિક ઇન્ટરેસ્ટ માટે પણ જોઈએ તો ખબર પડે. ઘણી વાર એડિટરની ભૂલ થતી હોય કે કોઈ શૉટ તેમનાથી નાખવાનો રહી ગયો હોય કે કોઈ ઍન્ગલ એવો હોય કે પછી કોઈ વાર એવું બને કે આપણને જોતી વખતે ખબર પડે કે આ લાઇન આમ નહીં ને આમ લેવાની જરૂર હતી. એવરીડે ઈઝ અ લર્નિંગ ડે.

SG: કરેક્ટ, હવે ‘સોની લિવ’વાળી વાત કન્ટિન્યુ કરીએ, તેં પહેલો એપિસોડ જોયો...

DJ: હા, એપિસોડ જોતી વખતે એ દિવસ યાદ આવી ગયો, પહેલો દિવસ જે આ શૂટિંગનો હતો. એટલી ખબર હતી કે તારક મહેતાની આ સિરીઝ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ છે એ વસ્તુ તો બહુ સારી જ છે, નો ડાઉટ, અદ્ભુત છે જ... અને આપણે બધા નાના હતા ત્યારથી આ વાંચતા જ આવ્યા છીએ. જેઠાલાલને મેં પણ નાનપણમાં વાંચ્યા છે, પણ પછી સપનેય ખ્યાલ નહોતો કે એક દિવસ ભગવાન આવી ઑપોર્ચ્યુનિટી આપશે કે જેઠાલાલનું પાત્ર તું ભજવે અને એના પર સિરિયલ બને. સિરિયલ બનશે એટલું જ નહીં, એટલી લોકપ્રિય બને કે આખી દુનિયામાં, જ્યાં આપણા ઇન્ડિયન છે ત્યાં બધે જ તેને લોકચાહના મળે... અને સંજય, અક્રૉસ ઑલ એજ-ગ્રુપ. નાના બે-ત્રણ વર્ષના બાળકથી લઈને ૮૦-૯૦ વર્ષના વડીલ અને ક્લાસ-માસ બન્નેમાં, બધાને આટલા લેવલની અપીલ કરે, પણ એક વાત છે... તને પણ ખબર જ છે, આપણે સાથે ‘જલસા કરો જંયતીલાલ’માં કામ કર્યું, ‘છાનું ને છપનું કંઈ થાય નહીં’ કર્યું... આપણા થિયેટરનું જે વર્ક-કલ્ચર છે, આપણું જે અપબ્રિગિંગ છે કે જે કરવું એ નિષ્ઠાથી કરવું કે પછી શ્રેષ્ઠ કરવાની કોશિશ કરવી. ક્યાંય થૂંકપટ્ટી નહીં કે પછી ચાલને ચાલી જશે એવું પણ નહીં. ભગવાનની દયાથી આ જે ઍટિટ્યુડ છે, આ જે આપણું થિયેટરનું અપબ્રિગિંગ છે એ ખૂબ કામ લાગ્યું. આજની તારીખમાં પણ. મને આ બધા નંબર જ લાગે છે. ૨૦૦૦ પૂરા થયા અને ૩૦૦૦ એપિસોડ પૂરા થયા. મને હજી પણ એમ જ લાગે છે કે આપણી સિરિયલ હમણાં શરૂ થઈ છે અને આપણે કામ કરવાનું છે. થિયેટરમાં આપણે કહીએ છીએ એને પ્રયોગ, દરેક શો એ પ્રયોગ છે. દરેક શોએ આપણે મોમેન્ટ ક્રીએટ કરવાની હોય છે. ભલે આપણે મહિનામાં ૨૫-૩૦ શો કરતા હોઈએ. અડધી રાતે કોઈ ઉઠાડે આપણને અને ડાયલૉગ બોલાવે તો બોલી જઈએ એમ છતાં પણ શો પર્ફોર્મ કરતા હોઈએ ત્યારે એમ જ બોલવાનું હોય જાણે આપણે પહેલી વાર એ લાઇન બોલી રહ્યા છીએ. થિયેટરની આ ટ્રેઇનિંગ અહીં કામ લાગે છે. અમુક પૂછે પણ ખરા કે આ એકને એક રોલ...

SG: મારો નેક્સ્ટ સવાલ એ જ હતો...

DJ: પૂછવો છે સવાલ કે પછી જવાબ આપી દઉં? (બન્ને હસે છે અને વાત આગળ વધે છે) અમુક પૂછે પણ ખરા કે આટલાં વર્ષોથી એક ને એક રોલ કરવામાં તમારાથી બોર નથી થવાતું? ના, જરાય નહીં. એનું કારણ પણ એ જ છે કે એવરી ડે ઇટસ્ અ ન્યુ ચૅલેન્જ. પાત્રો એ જ છે, સેટિંગ એ જ છે, વાતો પણ એ જ છે અને તો પણ મને નવી ચૅલેન્જ લાગતી રહે છે. કારણ કે હું આપણી નાટકની ટ્રેઇનિંગને યાદ કરું કે રોજ આપણે એક જ શો કરવાનો છે તો આપણે એમાં ફ્રેશનેસ લાવીએ છીએ. ફ્રેશનેસ ક્યારે આવે, જ્યારે તમે એ કામને એન્જૉય કરતા હો. કૉમેડી નાટકમાં ઇમ્પ્રૂવાઇઝ કરવાનું જ હોય. જો કરતાંરહીએ તો જ આપણો સબ્જેક્ટ ફ્રેશ રહે, એ જ વાત, એ જ વિચાર અહીં અપ્લાય થાય છે. ભલે અહીં રોજેરોજે કરીએ તો પણ. રાઇટર લખે જ છે, પણ દરેક વખતે કંઈ સારું ન જ આવતું હોય. આપણે સમજી શકીએ કે તેમની પણ મર્યાદા છે જાતજાતની અને એમાં રોજેરોજ લખવાનું છે એ મોટી મર્યાદા છે તો પછી હવે આપણે આપણી રીતે શું શ્રેષ્ઠ કરી શકીએ છીએ એ જોવાનું અને આપણા અનુભવના આધારે જે બેસ્ટ કરી શકીએ એ ભગવાનને યાદ કરીને કોશિશ કરવાની. ઘણી વાર તો ભગવાનની દયાથી સરસ પન્ચિસ મળી જાય, શું લખાઈને આવ્યું હોય અને ઍક્ચ્યુઅલમાં એ ભજવાય ત્યારે આખી વાત બદલાઈ જાય. બધું સરસ થઈ જાય.

SG: દિલીપ, જેઠાલાલ માટે તને ઑફર કેવી રીતે આવી?

DJ: અસિતભાઈના મનમાં જ હતું. એમાં થયું એવું કે તેમણે મને ઑફર કરી, પણ એ સમયે હું હેમંત ઠક્કરની ‘મૈં ઐસી ક્યું હૂં?’ સિરિયલ કરતો હતો. ૨૦ દિવસનું કમિટમેન્ટ હતું અને સિરિયલ સહારા પર આવતી હતી. અસિતભાઈએ મને પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે હું ઑલરેડી કમિટેડ છું. આમાં હવે બીજું કામ કેવી રીતે થાય ,પણ સંજય, મારી ડેસ્ટિનીમાં લખાયું હશે અને પેલી સિરિયલ બંધ થઈ ગઈ. તું માનીશ સંજય, એ સિરિયલ બંધ થવાના સમાચાર પણ અસિતભાઈએ જ મને આપ્યા. આશિતભાઈને પહેલાં ખબર પડી કે સિરિયલ બંધ થવાની છે એટલે તેમણે જ મને પાછો ફોન કર્યો કે એ સિરિયલ તો બંધ થવાની છે. હવે? આપણે કીધું હવે તો કરાય જને ભાઈ!

SG: તૈયારી, તૈયારી શું કરી તેં?

DJ: તૈયારી જેવું તો કંઈ નહોતું. ઑનેસ્ટ્લી... અને સંજય, નાનપણથી તારક મહેતાની કૉલમ વાંચતા જ એટલે આમ તો ઘણું બધું ક્લિયર હતું. તું એ કૉલમનાં કૅરૅક્ટર જો...

SG: અરે કૉલમ પરથી એક આડસવાલ મનમાં આવ્યો, તેં વાંચી હોય એવી કઈ નૉવેલ પરથી સિરિયલ કે ફિલ્મ બને એવું તું ઇચ્છે?

DJ: ઘણુંબધું વાંચ્યું છે, પણ સાચું કહું, મેં લાઇફમાં કંઈ પ્લાન કર્યું જ નથી અને હંમેશાં ભગવાને જ્યારે જે પરિસ્થિતિમાં જેવું કંઈ આપ્યું એને મેં નિષ્ઠાથી નિભાવવાની કોશિશ કરી છે એટલે એવું જરા પણ નહીં કે આ કરવા મળે કે પેલું કરવા મળે તો. અને તને કહ્યું પણ મેં, ક્યારેય વિચાર્યું જ નહોતું કે મને એક દિવસ જેઠાલાલનું પાત્ર કરવા મળશે.

SG: તને ફરી ઑપ્શન મળે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું જેઠાલાલ સિવાયનું તું કોઈ બીજું પાત્ર કર, તો તું કયું કૅરૅક્ટર પસંદ કરીશ?

DJ: ઍક્ચ્યુઅલી, આ કરતી વખતે જ મને આશિતભાઈએ ઑફર કરી હતી, ચંપકલાલ કે જેઠાલાલ, હું તને ચૉઇસ આપું છું. કહ્યું પણ હતું કે મને ખબર છે કે બેમાંથી તું જે પણ રોલ કરીશ એ સરસ કરીશ, પણ મેં કીધું કે ચંપકલાલ તો કોઈ કાળે હું લાગું નહીં અને આમ તો જેઠાલાલ પણ ન લાગું. કારણ ખબર જ છે તને. આપણે જે રીતે તારક મહેતાની કૉલમ વાંચતા આવ્યા છીએ, જે તારક મહેતાનું કૅરૅક્ટરનું વર્ણન છે જેઠાલાલ માટેનું, યાદ કર તું. પતલો છે જેઠાલાલ, ચાર્લી મુસ્તેચ છે તેને પણ મેં આશિતભાઈને કીધું કે માળામાંથી સોસાયટી અને એવા જેકોઈ બીજા ચેન્જિસ કર્યા છે તો હું કોશિશ કરી શકું જેઠાલાલની, પણ ચંપકલાલ કોઈ કાળે ન થાય મારાથી.

SG: આ તો પહેલાંની વાત થઈ, પણ ધારો કે આજની વાતમાં તને જેઠાલાલ સિવાયનું કોઈ કૅરૅક્ટર કહે તો કયું કૅરૅક્ટર કરવાનું ગમે?

DJ: દયાનું છે, પણ એ તો હવે કેવી રીતે... (બન્ને ખડખડાટ હસે છે, હસવાનું લગભગ એકાદ મિનિટ ચાલ્યા પછી) ના સાચે મારું ફેવરિટ કૅરૅક્ટર છે એ. એ એટલું મેડ અને એટલું સૉલિડ છે અને દિશા કરતી પણ જબરદસ્ત રીતે. દિશા પણ તારી ખોજ છે સંજય. તારી સાથે તેણે પહેલી વાર કામ કર્યું.

SG: હા રે, બધા મિત્રો જ છે... ઍનિવેઝ, જેઠાલાલ કોના વિના અધૂરા કહેવાય. દયા વિના કે પછી તારક મહેતા, ટપુ કે ચંપાલાલ વિના?

DJ: દયા વિના. સિરિયલની વાત કરું તો જેઠાલાલ અને દયાની કેમિસ્ટ્રી ઊભી થઈ એ એટલી સંદર રીતે વણાઈ કે બધાને માટે લવેબલ બની ગઈ. જેઠા-દયાની કેમિસ્ટ્રી બધાને ગમી બહુ અને એને લીધે પણ સિરિયલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.

SG: દિલીપ, આ જેઠાલાલ અને દિલીપ જોષી વચ્ચે કોઈ સામ્ય ખરું?

DJ: ના, જરાય નહીં (બન્ને ફરીથી ખડખડાટ હસે છે). જેઠાલાલને બબીતા છે, આપણી લાઇફમાં કોઈ છે નહીં એવું અને જેઠાલાલની લાઇફમાં દયા જેવી વાઇફ છે, આપણી લાઇફમાં દયા જેવી વાઇફ નથી.

SG: જેઠાલાલનો કયો ગુણ તું તારી પર્સનલ લાઇફમાં અપનાવે કે પછી તેં અપનાવ્યો છે?

DJ: આઇ થિન્ક જેઠાલાલનું ઇનોસન્સ. તું જો જેઠાલાલની ઇનોસન્સ બહુ અપીલિંગ છે અને આપણે માટે એ બહુ અઘરું છે, જેઠાલાલ જે બતાવે છે એવું થઈ ન શકે. પાડોશી સાથે ગમે એટલો ઝઘડો થયો હોય તો પણ થોડી વારમાં એ બધું ભૂલીને બૅક ટુ સ્ક્વેર વન. જેઠાલાલ ખરેખર બહુ ભલો માણસ છે, વેરી ગુડ સૉલ. કોઈનું બૂરું નથી ઇચ્છતો અને કોઈનું બૂરું કરતો પણ નથી. ઈવન ધો તેના નોકર નટુકાકા છે, બાઘા છે એને માટે પણ તે ક્યારેય ખરાબ નથી વિચારી શકતો. જો તને યાદ હોય તો એક એપિસોડ હતો, જેમાં બાઘાની સગાઈ થવાની હતી. બાઘાની સગાઈ થઈ ત્યારે તે ઘરમાં નોકર બન્યો હતો. કયો શેઠ આજના સમયમાં પોતાના નોકર માટે નોકર બને.

SG: સેમ અધર વે, જેઠાલાલનો કયો અવગુણ એવો છે જે તને નથી ગમતો અને તેં તારી લાઇફમાંથી પણ એને બાદ કર્યો હોય.

DJ: જેઠાલાલનું આળસુપણું. મોડેથી ઊઠવાનું અને એય લહેરીલાલાની જેમ રહેવાનું. કૅરૅક્ટર માટે બરાબર છે, પણ બાકી જો એ રિયલ લાઇફમાં અપનાવ્યું હોત તો આજે ૩૦૦૦ એપિસોડ ન થયા હોત.

SG: દિલીપ ઑનેસ્ટ જવાબ, સિરિયલની સક્સેસનો જશ તું કોને આપે?

DJ: સૌપ્રથમ તારક મહેતાને જ આપવો પડે. મૂળ વસ્તુ જે છે એ એટલી પ્રબળ છે કે વાત જ ન થાય. એટલાં બધાં કૅરૅક્ટર છે અને બધાં કૅરૅક્ટરને એટલું મહત્ત્વ મળે છે કે આ એક ગ્રેટ સર્જન જ હોઈ શકે. આ સિવાય જો જશ કોઈને આપવાનો હોય તો એ છે આશિત મોદી, અમારા પ્રોડ્યુસર. કહેવું પડે કે તેમને આ વિચાર આવ્યો અને તેઓ પોતાના આ વિચારની સાથે એકદમ ઊભા રહ્યા. ત્રણ-ચાર વર્ષ સુધી તેમણે મહેનત કરી. એટલી ચૅનલોમાં પિચ કર્યું અને એ પછી પણ તેઓ જરા પણ નાસીપાસ થયા વિના એક જ રટ પર અકબંધ રહ્યા કે મારે આ કરવું જ છે. આશિતભાઈના કન્વિક્શનને ખરેખર સૅલ્યુટ છે.

SG: ‘દુનિયા રંગરંગીલી’ પણ તેમની જને, એમાં તારું સાઉથ ઇન્ડિયનનું કૅરૅક્ટર બહુ સરસ હતું.

DJ: રાઇટ.

SG: દુનિયા જેઠાલાલને નિયમિત જુએ છે અને સ્ટ્રેસમાંથી રિલીવ થાય છે, પણ આ જેઠાલાલ નિયમિત શું જુએ છે?

DJ: રિયલ લાઇફના જેઠાલાલને?

હા...

હંઅઅઅ... ‘ફ્રેન્ડ્સ’ સામે આવી જાય તો જોઈ લઉં. સારી કૉમેડી હોય તો જોઉં અને હા, કાર્ટૂન બહુ જોવાં ગમે. ટૉમ ઍન્ડ જેરી અને ચાર્લી ચૅપ્લિન મારા ફેવરિટ.

SG: સુપરહિટ સિરિયલ ‘ખીચડી’ પરથી ફિલ્મ બની તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પરથી કેમ નહીં?

DJ: હાઇપોથેટિકલ લેવલની વાત છે, પણ તોયે કહું તો મને એમ લાગે કે જો ફિલ્મ બનાવવી હોય તો મોટા લેવલની બનાવવામાં આવે તો બરાબર છે. બાકી તો મફતમાં જો રોજ ઘરમાં બેસીને બધું જોવા મળતું હોય તો પછી શું કામ કોઈ ૩૦૦ રૂપિયાની ટિકિટ ખર્ચીને થિયેટરમાં જોવા માટે જાય.

SG: આટલો બિઝી થઈને પણ તું સ્વામિનારાયણ સંપ્રદાય માટે સમય કાઢી લે છે, સેવા કરે, દર્શન માટે જાય. કેવી રીતે આ શક્ય બને? ચેન્જ તારામાં...

DJ: બહુ, બહુ એટલે બહુ જ ચેન્જ. હું તો પ્રાર્થના કરું કે બધું બરાબર સમયે થયું અને રાઇટ સમયે પ્રમુખસ્વામી મહારાજના સત્સંગમાં હું આવી ગયો. એવું નહીં કે મને ખબર નહીં, ખ્યાલ હતો મને, પણ કૃપા કહો તો એ ૨૦૦૮ના ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થઈ. સત્સંગમાં જવાનું શરૂ કર્યું એ પહેલાં બીએપીએસ માટે નાનું-નાનું શૂટિંગ કરતો, પણ આપણા દેવલ પંડ્યા મને એક કાર્યક્રમમાં લઈ ગયા અને ધીરે-ધીરે રંગ લાગતો ગયો, પણ હું કહીશ કે સાચે જ રાઇટ ટાઇમે સત્સંગ મળી ગયો અને બધી બારીઓ ખૂલી ગઈ. તેમને લીધે જ આજે આ પૉપ્યુલરિટી મને ટચ જ નથી થતી. જો એ ન હોત તો આજે કદાચ મારું છટકી ગયું હોત... તો

SG: કદાચ... આ સફળતાને પચાવી ન શક્યો હોત.

DJ: કરેક્ટ અને કદાચ નહીં, ૧૧૦ ટકા પચાવી ન શક્યો હોત અને સંજય, બહુ અઘરું પણ છે આ સક્સેસ પચાવવું.

SG: તું વર્ષો સુધી સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ નહોતો થયો. ઇન્સ્ટાગ્રામ પર પણ તું હમણાં આવ્યો. કેવી રીતે દૂર રહી શકાય આ બધા વળગણથી? અમે નથી રહી શકતા...

DJ: ઓલ્ડ સ્કૂલનો છુંને... મને આજે પણ મેસેજ કરવાનું ગમતું નથી. મને એમ થાય કે આપણે જેમ પહેલાં ફોન કરીને વાત કરતા મિત્રો સાથે એમ આપણે સીધી વાત કેમ નથી કરતા! આ મેસેજ તો બહુ ફૉર્મલ લાગે છે. સોશ્યલ મીડિયામાં પણ મને એમ થાય કે એક તો આપણે એઝ ઇટ ઈઝી બિઝી છીએ, એમાં ક્યાં પાછા આ બધામાં જોડાઈએ. આવો સમય વેડફવાકરતાં એ સમય આપણે આપણી ફૅમિલી સાથે, મિત્રો સાથે ન ગાળીએ અને એવું જ માનું છું કે એમ જ કરવું જોઈએ.

SG: કોરોના પછી ટીવી જોવાની લોકોની નજર બદલાઈ છે...

DJ: અરે, માત્ર ટીવી જોવાની નહીં, જીવન જીવવાની પણ આખી નજર બદલાઈ ગઈ છે. સૌથી પહેલાં તો હવે બધાને પોતાના સમય અને પૈસાની કિંમત વધારે સમજાવા માંડી છે, રિલેશનની કિંમત સમજાવા માંડી છે. આટલા સમય સુધી મળી ન શક્યા એટલે આત્મીયતા શું કહેવાય એ પણ સમજાયું છે. પહેલાં શું થતું કે ચલને આજે નહીં, કાલે મળીશુ, પછી મળીશું પણ લૉકડાઉનનું જે બન્યું એમાં બધાને સમજાયું કે ના રે, જ્યારે મોકો મળે ત્યારે મિત્રોને મળી લેવાનું, ફૅમિલી સાથે બેસ્ટ સમય ગાળી લેવાનો એટલે લોકોની ઓવરઑલ જીવન જીવવાની જે રીત હતી, જે ઍટિટ્યુડ હતો એ પણ બદલાયો છે.

SG: ડિજિટલ પ્લૅટફૉર્મનું પણ બહુ મોટું વર્ચસ ઊભું થઈ ગયું છે. તું જોતો હોય છે વેબ-સિરીઝ?

DJ: હા, હા. બહુ સારું કામ થઈ રહ્યું છે, પણ મને ખાલી એક વસ્તુ નથી ગમતી. ગાળાગાળી, જે અનનેસેસરી આવે છે, એમ થાય કે શું છે આ બધું. કેટલી સરસ વેબ-સિરીઝ હતી પેલી ‘બંદિશ બૅન્ડિટ્સ’...

SG: અરે, બહુ સરસ.

DJ: એમાં એમ થાય કે એક જ કૅરૅક્ટર, જે પોતે કમ્ફર્ટેબલ નથી એટલે તેના મોઢે અનનેસેસરી ગાળો બોલાવવામાં આવી છે. જરૂર શું છે એની. તું જો, આ રાજક પૂર, હૃષીકેશ મુખરજીએ કેવું ટાઇમલેસ કામ કર્યું છે, એ કૃતિ આજે પણ જોઈએ તો મજા આવે. એ લોકોને ક્યાં જરૂર પડી હતી એમાં ગાળો લેવાની. તો આમાં જરૂર શું છે?

SG: ઍગ્રી...

DJ: આ ગાળાગાળીને કારણે ડિજિટલ પ્લૅટફૉર્મ સારું હોવા છતાં એક ચોક્કસ એક્સટેન્ડથી આગળ નહીં વધે. આ મારું માનવું છે.

SG: મૂળ તું નાટકનો જીવ, લગભગ દસેક વર્ષથી તેં નાટક નથી કર્યાં. સ્ટેજ મિસ...

DJ: હા યાર, દરરોજ મિસ કરું છું. આપણે સ્ટેજ પર જોને કેટલું કામ કર્યું. અત્યારે પણ સેટ પર આપણા સ્ટેજવાળા, નાટકવાળા છે જ. હમણાં જ તારો પેલો લેખ આવ્યોને ‘કરો કંકુના’ નાટકના મેકિંગવાળો. પેલા આપણા ‘મિડ-ડે’નો...

SG: હા...

DJ: એ આર્ટિકલમાં અમિત ભટ્ટનો પણ ફોટો હતો. અમિત, આપણો ચંપકલાલ... મેં અમિતને ફોટો ફૉર્વર્ડ કરીને કીધું કે એલા જો, તારો ફોટો આવ્યો. અત્યારે અમિતનો દીકરો ડિટ્ટો એ સમયના અમિત જેવો જ લાગે.

SJ: હેં, શું વાત કરે છે?

DJ: હા, ડિટ્ટો અમિત. બહુ દાંત કાઢ્યા ત્યારે... જૂની વાતો યાદ કરી. તન્મય પણ આપણી થિયેટરલાઇનનો જ. બહુ મિસ કરું છું સ્ટેજને યાર...

SG: તને તારા જ નાટકમાંથી કોઈ નાટકને રિવાઇવ કરવાનું મન થાય?

DJ: હા, થાયને, ઇનફેક્ટ, બે નાટક રિવાઇવ કરવાનું મન થાય. એક તો આપણું ‘જલસા કરો જયંતીલાલ’. સંજય તને એક વાત કહું. હમણાં લૉકડાઉનમાં મનેજૉનીભાઈ (લીવર)નો ફોન આવ્યો. નાટક આવતું હશે ક્યાંક તો તેણે આખું નાટક પાછું જોયું. મને કહે, બાપુ, બાપુ ક્યા  કરતો યાર. ક્યા બોલું યાર, શું કામ કર્યું છે તેં, મજા પડી ગઈ. મારાથી રહેવાયું નહીં એટલે ફોન કર્યો. નાટક ક્યા બનાયા હૈ તુને...

SG: દિલીપ, તું માનીશ નહીં, પણ ડીવીડીમાં જે નાટકો શૂટ થયાં છે એમાં સૌથી સારું નાટક જો કોઈ શૂટ થયું હોય તો એ આ નાટક છે.

DJ: વેરી ટ્રુ...

SG: બીજું કયું નાટક તુ રિવાઇવ કરવા માગે છે?

DJ: ‘બાપુ તમે કમાલ કરી.’

SG: એ જને, જેમાં તું છેલ્લે સ્ત્રીનું પાત્ર ભજવતો, તેં જ એ ડિરેક્ટ કર્યું હતું.

DJ: હા સંજય, આ બન્ને નાટકના એકેક શોની જે મજા આવી છે વાત નહીં પૂછ. અદ્ભુત. જો મને આ બે નાટક રિવાઇવ કરવા મળે તો મજા પડી જાય. ભગવાન કૃપા કરે તો...

SG: હવે નવી પેઢી આવી ગઈ છે ત્યારે તારાં બાળકો શું કરે છે? આપણી લાઇનમાં આવશે એવું લાગે છે?

DJ: મારી દીકરી નિયતિને આ લાઇનમાં બહુ રસ નથી. નિયતિ ઇન્ટરનૅશનલ પબ્લિશિંગનું ભણી છે લંડનમાં. તેણે પાંચ કૉફી-ટેબલ બુક એડિટ કરી છે અને નિયતિને એમાં જ રસ છે. અને દીકરો રુત્વિક. તેને આ બધામાં રસ છે, પણ તેને વધારે ઇન્ટરેસ્ટ ડિરેક્શનમાં છે.

રૅપિડ ફાયર રાઉન્ડ

SG: દિલીપ જોષીને ગમતો ઍક્ટર અને ઍક્ટ્રેસ?

DJ: આપણી નજરમાં તો એક જ ઍક્ટર, બચ્ચનસાહેબ.

SG: અને ઍક્ટ્રેસ?

DJ: માધુરી સિમ્પલ.

SG: દિલીપ જોષીની ફેવરિટ ફૂડ ડિશ

DJ: ઘરની બાના હાથનાં દાળ, ભાખરી અને ચૂરમાના લાડુ.

SG: દિલીપ જોષીને ન ગમતી વ્યક્તિ

DJ: કોઈ એવું તો... (વિચારે છે) ના, એમ તો કોઈ પર્મનન્ટ નથી એવું.

SG: દિલીપ જોષીને કંટાળો આવે ત્યારે તે શું કરે?

DJ: નૉર્મલી કહું તો કંટાળો આવતો જ નથી. જીવનમાં એટલી શાંતિ છે કે નિરાંત લાગે છે. ઈવન લૉકડાઉનમાં કંઈ જ કામ નહોતું ત્યારે ઘરે આરામથી પ્રવચન સાંભળ્યું. શાંતિ મળે મનને. કંટાળાનો અવસર જ નથી આવતો. પ્રમુખસ્વામીએ કહેલાં બે વાક્યોએ મારી જિંદગી બદલી નાખી છે. પહેલું, મોળી વાત કરવાની જ નહીં અને બીજું, બીજાના ભલામાં આપણું ભલું. નૉર્મલી શું થાય ખબર છે, આપણે આપણું જ વિચારીએ છીએ. મારું શું, મારું ક્યાં, પણ આ વાતમાં તેમણે આ મારાપણાને જ ઉડાડી દીધું. બીજાનું ભલું તો ઑટોમૅટિક તારું ભલું થશે જ.

SG: કોરોના સામે મળી જાય તો તું એને શું કહે?

DJ: ક્યાં મળવાનું આપણને એ?

SG: હાઇપોથિટેક વિચારને...

DJ: હંઅઅઅ... સાચું કહું, આ ભગવાનની જ લીલા છે, કંટાળેલા ભગવાને જ આ કર્યું છે એવું મને લાગે છે. તું જોઈશ ભવિષ્યમાં તો આની પાછળનું રહસ્ય જે છે એ સારા માટેનું જ દેખાશે. પૉઝિટિવ સાઇડ જોઈને કહું છું. દુનિયાભરનનાં વેહિકલો બંધ થઈ ગયાં. એણે કેટલી સાઇન આપી, સુનામી, વાવાઝોડાં, પણ માણસ છેને વાયડો, એ સમજ્યો જ નહીં એટલે માસ્ટર સ્ટ્રોક માર્યો. ક્લાસરૂમમાં હોયને એવું. મોટા અવાજે કહી દીધું, ચૂપ બધા. મેં ક્યાંક વાંચ્યું કે ઓઝોન લેયરમાં એક મોટું ગાબડું હતું એ આ પૉલ્યુશન ગયું એમાં બૂરાઈ ગયાં. વેહિકલો બંધ રહ્યાં, ટ્રેનો બંધ રહી. તું જો, પહેલી વાર બન્યું આ બધું. હકારાત્મકતા જ કહેવાય આ બધી સૃષ્ટિની. એની લીલા અપરંપાર કરે છે. સારા માટે જ થાય છે. બહુ સારું થયું કે કોરોના આવ્યું. અફકોર્સ, ઘણાના સ્વજન પણ ગયા એને કારણે એનું દુઃખ પણ છે, પરંતુ બધાનો સમય લખાયો જ છે. જવાનું છે ત્યારે જવાનું જ છે. બચી શકવાના છે તેને બચાવી જ લેવાય છે. તું જો, ઘણી વાર નથી વાંચતા આપણે કે ચાર-ચાર દિવસ પછી પણ કાટમાળમાંથી જીવતા નીકળ્યા માણસ. રામ રાખે તેને કોણ ચાખે, એવું જ છે આ બધું.

SG: ધારો કે તને ટાઇમ કૅપ્સ્યૂલ મળી જાય અને નવેસરથી કરીઅર સેટ કરવા મળે તો શું બનવાનું ગમે?

DJ: સારો સિંગર. સોનુ નિગમ કે કિશોરકુમાર જેવો. સંગીત જે છે એ અદભુ્ત છે. મને આજે પણ વસવસો છે કે હું ગાઈ નથી શકતો કે મને એકાદ વાંજિત્ર વગાડતાં નથી આવડતું.

SG: તું ગાઈ તો શકે છે, સાંભળ્યો છે તને મેં, પણ હા, તાલીમની સમજણ...

DJ: એ જ તો વસવસો છે કે તાલીમ ન લઈ શક્યો. સંગીત માટે સાધના જોઈએ, ભગવાને જો એવું આપ્યું હોત અને ટાઇમ કૅપ્સ્યૂલ મળી જાય કે એવો કોઈ મોકો મળે તો હું સિંગર બનવાનું પસંદ કરું. અદ્ભુત આનંદ છે એમાં, તમે એકલા હો અને તાનપૂરો લઈને બેસી ગયા હો. એય એની જે મજા છે એ અવર્ણનીય છે. મારી દૃષ્ટિએ એ મેડિટેશન જ છે, એક પ્રકારની સાધના જ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK