અત્યારે રિહર્સલ્સ રહેવા દે, આપણે સીધો શો જ કરીએ

Published: Jul 28, 2020, 09:35 IST | Sanjay Goradia | Mumbai

અશોક ઠક્કરને હાર્ટ-અટૅક આવતાં તેમના રિપ્લેસમેન્ટ-રૂપે મેં રિહર્સલ્સ શરૂ કર્યાં પણ જેવો હું પહેલો ડાયલૉગ બોલ્યો ત્યાં બધા ઍક્ટર હસવા માંડ્યા એટલે પદ્માવરાણીએ મને અમદાવાદના જયશંકર સુંદરી હૉલના સ્ટેજ પર આ શબ્દો કહ્યા હતા, જે આજે પણ મને યાદ છે

ગોલ્ડન મોમેન્ટ્સ: અશોક ઠક્કર અને પદ્માકરાણી ‘બા રિટાયર થાય છે’ના એક દૃશ્યમાં.
ગોલ્ડન મોમેન્ટ્સ: અશોક ઠક્કર અને પદ્માકરાણી ‘બા રિટાયર થાય છે’ના એક દૃશ્યમાં.

‘કહેજે કે બાપુજીનું રિપ્લેસમેન્ટ હું કરવાનો છું...’

અમદાવાદમાં ‘બા રિટાયર થાય છે’નો પહેલો શો શરૂ થયો અને અમારા ઍક્ટર અશોક ઠક્કરને હાર્ટ-અટૅક આવ્યો. પહેલાં વી. એસ. હૉસ્પિટલ અને એ પછી પ્રાઇવેટ ડૉક્ટરને અમે મળ્યા, પણ બધાની એક જ સલાહ હતી કે હવે અશોકભાઈને ટોટલી બેડ-રેસ્ટ કરવા દો. પ્રાઇવેટ ડૉક્ટરે તો સલાહ પણ આપી કે તેમને આજે ને આજે મુંબઈ રવાના કરી દો. ડૉક્ટરે ઇન્ડિયન ઍરલાઇન્સ પર ચિઠ્ઠી પણ લખી આપી. હું ગંભીરતા સમજી ગયો એટલે મેં પ્રોડક્શન-મેનૅજર રાજુ વાગડિયાને અશોકભાઈ સાથે હોટેલ પર રવાના કર્યો અને તેને બે વાતની તાકીદ કરી; એક, અશોકભાઈનો બધો સામાન લઈને તાત્કાલિક ઍરપોર્ટ પર પહોંચીને ડૉક્ટરે આપેલા લેટર પર ટિકિટ કરાવીને અશોકભાઈને મુંબઈ રવાના કરે અને બીજી તાકીદ, બધા કલાકારોને તાત્કાલિક જયશંકર સુંદરી હૉલ પર પહોંચવાનું કહે, મારે રિહર્સલ્સ કરવાનાં છે.

‘કહેજે કે બાપુજીનું રિપ્લેસમેન્ટ હું કરવાનો છું...’

એ સમયે મારી ઉંમર ૩૨ની અને મારે પદ્‍મારાણીના પતિનો રોલ કરવાનો હતો. અઘરું કામ હતું. થ્રૂ-આઉટ આખા નાટકમાં આ રોલ હતો અને આ અગાઉ મેં એક જ નાટક ‘કરો કંકુના’ કર્યું હતું જેમાં થ્રૂ-આઉટ મારો રોલ હતો. એ રોલ માટે પણ મેં દોઢ-બે મહિના રિહર્સલ્સ કર્યાં હતાં અને અત્યારે તો મારી પાસે એવો કોઈ ટાઇમ જ નહોતો. કહો કે માંડ દોઢેક કલાક હતો. ખબર બધી, નાટક આખું મોઢે, પણ એ તો રિહર્સલ્સમાં સતત હાજર રહેવાની અને નાટકના પ્રોસેસને માણવાની આદતને કારણે. ઍક્ટર તરીકે ડાયલૉગ-ડિલિવરી કરવાની વાત જુદી, પણ મિત્રો, એ સમયે અમદાવાદમાં અમારે શો સાચવવાનો હતો, કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે.

બધા તાબડતોબ હૉલ પર તો આવી ગયા અને સૌ પોતપોતાની રીતે ગોઠવાઈ પણ ગયા. જેવી મેં સ્ટેજ પર એન્ટ્રી કરી અને જેવો હું ડાયલૉગ બોલ્યો કે તરત બધા કલાકારો હસી પડ્યા, ખડખડાટ.

ફરી પાછો ડાયલૉગ બોલ્યો. ફરી પાછા બધા હસવા લાગ્યા. આવું સતત અડધો કલાક સુધી ચાલ્યું, પણ સાથીકલાકારોનું હસવાનું બંધ થાય જ નહીં.

બધાએ કહ્યું, ‘સંજયભાઈ, તમે બહુ ફની લાગો છો. ડાયલૉગ બોલો છો કે તરત જ હસવું આવી જાય છે.’ એક કલાકારે તો એવું પણ કહ્યું કે ‘લાગતું જ નથી કે તમે બાપુજીના રોલમાં હો, તમે બાપુજી લાગી જ ન શકો.’ એકમાત્ર પદ્‍માબહેન એવાં હતાં જેમણે મારો પક્ષ લીધો અને કહ્યું કે ‘સંજય ગભરાટ નહીં રાખ. તેં આટલા શો જોયા છે, મને ખાતરી છે કે તું ડાયલૉગ તો ભૂલીશ જ નહીં.’

‘હા, પણ રિહર્સલ્સ તો...’

હું કંઈ વધારે કહું એ પહેલાં તો પદ્‍માબહેને મને કહી દીધું,

‘તું આ લોકોનું સાંભળીશ તો વધારે નર્વસ થઈશ. અત્યારે રિહર્સલ્સ રહેવા દે, આપણે સીધો શો જ કરીએ.’

‘પણ બહેન...’

‘માન મારી વાત, તું જા. અત્યારે જઈને પહેલાં તું તારા ગેટઅપ અને કૉસ્ચ્યુમની તૈયારી કર. આપણે સીધો શો જ કરીએ.’

‘બહેન... ગડબડ થઈ તો...’

મારા ચહેરાના હાવભાવ જોઈને પદ્‍માબહેન સમજી ગયાં. તેમણે મને હૈયાધારણ આપતાં કહ્યું,

‘ડાયલૉગમાં કંઈ આગળપાછળ થયું તો હું સાચવી લઈશ, ભરોસો રાખ.’

પદ્‍માબહેનની ધરપતથી મને શાંતિ પણ થઈ અને મારો કૉન્ફિડન્સ પણ વધી ગયો. હું તરત જ કૉસ્ચ્યુમ માટે ગયો. શો પર મેં મારા ઘરનાં કપડાં મગાવી લીધાં હતાં, પણ તો પણ મને થયું કે ચાલ, અશોકભાઈનાં કપડાં ટ્રાય કરું અને મારા આશ્ચર્ય વચ્ચે અશોકભાઈનાં કપડાં એટલે કે નાટકમાં બાપુજી જે કપડાં પહેરતા હતા એ મને હૂબહૂ થઈ ગયાં. જેવો હું એ કપડાં પહેરીને બહાર આવ્યો કે મારી સામે ફાલ્ગુની દવે આવી. જોઈને ચીસ પાડી ઊઠી,

‘મને બે ઘડી થયું કે અશોકભાઈ જ સામે આવી ગયા. સંજયભાઈ, તમે ડિટ્ટો અશોકભાઈ જેવા જ લાગો છો...’

ફાલ્ગુની તો આભી જ બની ગઈ. જોકે આમ પણ મારા અને અશોકભાઈના ચહેરામાં અને બૉડીમાં ઘણું બધું સામ્ય હતું.

ચાલો, પહેલો જંગ હું જીતી ગયો. મેકઅપમૅનને કહ્યું કે મને બુઢ્ઢો બનાવી દે. ચહેરા પર કરચલીઓ અને માથામાં સફેદો. બની ગયો હું અદ્દલોઅદ્દલ બાપુજી.

હવે શરૂ થવાની હતી બીજી અને મુખ્ય લડાઈ, પણ સાહેબ, આપણે તો રહ્યા ઍક્ટર-જીવ. મનન અને ચિંતન કરીને મનમાં ને મનમાં તૈયારી ચાલુ કરી દીધી અને નાટક શરૂ થયું.

મારી એન્ટ્રી આવી. હું સ્ટેજ પર ગયો અને એક પણ ડાયલૉગ ભૂલ્યા વગર મેં સડસડાટ નાટક પૂરું કર્યું. જ્યાં લાફ્ટર આવતાં હતાં એ દરેક જગ્યાએ લાફ્ટર લીધાં અને ઇમોશનલ સીનમાં કરેક્ટ ઇમોશન પણ આપ્યાં. આટલો મોટો રોલ મેં પાર પાડ્યો એટલે બધાએ રાહતનો શ્વાસ લીધો.

નાટકનો શો પૂરો થયા પછી હું પદ્‍માબહેન પાસે ગયો. તેમણે આપેલા કૉન્ફિડન્સ વિના આ શો શક્ય જ નહોતો. ગુજરાતી રંગભૂમિ પર જવલ્લે જ આવું બન્યું હોય કે બે કલાકમાં કોઈનું રિપ્લેસમેન્ટ આવ્યું હોય અને કોઈ ઍક્ટરે એ કર્યું હોય.

મેં પદ્‍માબહેનનો આભાર માન્યો અને તેમના આશીર્વાદ લીધા અને હોટેલ પર પાછા જઈને મેં બાકીના ત્રણ શો વધારે સારી કઈ રીતે કરી શકું એનું મનોમન કામ ચાલુ કર્યું. સવારે મેં શફીભાઈને ફોન કર્યો અને કહ્યું કે ચિંતાની વાત નથી. આપણા રેગ્યુલર શો જેવો જ સરસ શો ગયો છે.

‘પતા હૈ સંજય...’

ઍક્ચ્યુઅલી શફીભાઈને રાતે જ ખબર મળી ગયા હતા કે અશોકભાઈવાળો રોલ મેં કર્યો અને નાટક બહુ સારું ગયું. સાચું કહું મિત્રો, શફીભાઈએ મને ન તો શાબાશી આપી કે ન તો શફીભાઈ આ વાતથી ખુશ થયા હતા, જે વાત મને એ સમયે ગમી નહોતી. મને દુઃખ થયું કે શફીભાઈને રાતે જ ખબર પડી ગઈ હતી તો પણ તેમણે રાજી થઈને રાતે ફોન કેમ ન કર્યો. શફીભાઈએ આવું શું કામ કર્યું હશે એ મારા માટે એ સમયે અકળ હતું, પણ આ વાતનું અનુસંધાન આપણે આગળ હવે ત્યારે લઈશું જ્યારે સંજય ગોરડિયા એક મોટો અને સેલેબલ ઍક્ટર બને છે. એ સમયે શફીભાઈના આ વર્તનની આપણે ચર્ચા કરીશું. એ સમયે તો હું નાટકનો નિર્માતા માત્ર હતો. મને ઍક્ટિંગમાં રસ પણ નહોતો રહ્યો એ પણ એટલું જ સાચું. મેં રોલ કર્યો અને એ રોલ લોકોને ગમ્યો એ મારા માટે મહત્ત્વનું હતું જ નહીં, મારા માટે તો મહત્ત્વનું એ જ હતું કે મારા નાટકનો શો સચવાઈ ગયો અને નાટકને નુકસાન ન થયું. આ જ મહત્ત્વ અને આટલું જ મહત્ત્વ. મિત્રો, મને અત્યારે કહેવું છે કે લોકોએ ક્યારેય મને ઍક્ટર તરીકે સિરિયસલી લીધો જ નહીં અને મેં પણ મારી જાતને ક્યારેય ઍક્ટર તરીકે સિરિયસલી લીધી નહીં. આની પાછળની એક ત્રિરાશિ એવી પણ બેસે કે મેં ક્યારેય મારી જાતને ઍક્ટર તરીકે સિરિયસલી લીધી નહીં અને એટલે જ લોકોએ પણ મને ઍક્ટર તરીકે સિરિયસલી લીધો નહીં. મિત્રો, યાદ રાખજો કે તમે તમારી કદર નહીં કરો તો તમારી કદર કરવાનું બીજા કોઈને સૂઝશે નહીં.

‘બા રિટાયર થાય છે’ની વધુ ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે મળીશું આવતા મંગળવારે, પણ તમને ખબર છે કે તમારે શું કરવાનું છે. ઘરમાં રહો, સલામત રહો અને કોરોનાને હરાવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK