આ બધું તો આવી જ ગયું છે, હવે શું કરીશું?

Published: 4th October, 2020 18:44 IST | Dr Dinkar Joshi | Mumbai

કોઈ પણ માણસ એક ચોક્કસ જીવનરીતિમાંથી બીજી જીવનરીતિમાં રહેવા માટે બળપૂર્વક ધકેલાઈ જાય છે ત્યારે તેના આરંભના દિવસો અવશ્ય સુખમય હોતા નથી, પણ વખત જતાં એ બધું ગોઠવાઈ જાય છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

પૃથ્વી ઉપર ભારે વિષમ ભૌગોલિક પરિસ્થિતિ પ્રવર્તે છે. ટુન્ડ્રા, હિમાલય કે સાઇબિરિયા જેવા પ્રદેશોમાં માઇનસ ૩૦, ૪૦ કે ૫૦ ડિગ્રી તાપમાન સહજ છે. એ જ રીતે સહરાના રણ કે અન્ય વિષુવવૃત્ત પ્રદેશોમાં પ્લસ ૧૫૦ ડિગ્રી પણ સહજ છે. ઈશ્વરે સર્જેલો માણસ આ બન્ને અંતિમ છેડે પણ પોતાની રીતે જીવે છે. સમુદ્રમાં જ્યાં ઍટ્લાન્ટિક અને પૅસિફિક મહાસાગરો મળે છે ત્યાં ગરમ પાણી અને ઠંડા પાણીના પ્રવાહો પણ મળે છે. ઠંડા પાણીમાં વસતી જળચર સૃષ્ટિ અને ગરમ પાણીમાં વસતી જળચર સૃષ્ટિ અહીં પણ પોતપોતાની રીતે ઠંડા પાણીમાં અને ગરમ પાણીમાં જીવ્યા કરે છે. ગમે તેવી આકરી પરિસ્થિતિમાં પણ જીવ્યા કરવાની પ્રકૃતિએ પ્રાણીમાત્રને શક્તિ આપી છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા છે.

છેલ્લા છ મહિનાથી કોરોના નામની મહામારીએ સમગ્ર સૃષ્ટિનું સદીઓથી સચવાયેલું જીવનનું માળખું ખોરવી નાખ્યું છે. ઉત્તર ધ્રુવમાં રહેતા માણસથી માંડીને દુનિયાભરમાં આપણે સૌકોઈ વિક્ષિપ્ત થઈ ગયા છીએ. કોરોના શું છે એની વાસ્તવિકતા હજી સુધી કોઈ જાણતું નથી. દરદીને હૉસ્પિટલમાં રાખીને બેપાંચ લાખ રૂપિયાનું બિલ બનાવી નાખનારા ડૉક્ટરો પાસે હજી સુધી આની કોઈ દવા નથી. કોરોના થયા પછી બધા દરદીઓ કંઈ મરી નથી જતા. લગભગ ૭૫થી ૮૦ ટકા દરદીઓ સાજા થઈને ઘરભેગા થાય છે. માંડ બેથી ત્રણ ટકા દરદીઓ મરણ પામે છે. આમ કોરોનાનો મૃત્યુ દર કંઈ બહુ ન કહેવાય. આટલો અથવા તો આનાથી વિશેષ મૃત્યુ દર બીજા સામાન્ય રોગોનો પણ હોય છે. આજે પરિસ્થિતિ એવી પ્રવર્તે છે કે ફલાણા મકાનમાં કોરોનાના બે કેસ છે એવું કાને પડતાવેંત સાંભળનારાઓના ચહેરા પર કશોક અદૃશ્ય ભય ફેલાઈ જાય છે. આ મકાન ખાસ્સું દૂર છે પણ પોતાની શેરીમાં છે એટલા માત્રથી પોતાને જ કોરોના થયો હોય એમ લોકો ડરવા માંડે છે.

કોરોનાથી ડરવાનું કોઈ કારણ નથી અને પોતે કોરોનાથી ડરતા નથી, કુદરતે નિર્માણ કર્યું હશે એ જ થાય એવી બહાદુરીપૂર્વક વાત કરનારા પણ જો ખરેખર કોરોના આવી પડે એટલે કે માત્ર શરીરનું તાપમાન ૯૯ ડિગ્રી થાય કે તરત જ અંદરથી ડરવા માંડે છે. આમાં કશું અસ્વાભાવિક નથી. ગમે તેવો માણસ પણ નાકા પર મૃત્યુનો પડછાયો પડેલો જુએ કે તરત જ અંદરખાનેથી ડરવા માંડે છે. માણસ મૃત્યુથી ડરે એમાં કશું ખોટું નથી પણ પાણીમાં રહેવું અને મગરથી ડરવું એ બન્ને વાત એકીસાથે થઈ શકે નહીં.

કોરોનાએ માણસના જીવનના માળખાને જે રીતે વિખેરી નાખ્યું છે એ વિચારવા જેવું છે. હસ્તધૂનન કરવું એ આપણી એટલે કે ભારતીય પરંપરા નથી એ વાત સાવ સાચી, પણ વરસોથી રોજિંદા જીવનમાં આ હસ્તધૂનન એક ભાગ થઈ ગયું હતું. અચાનક એને બ્રેક લાગી ગઈ છે. આજે પણ પરસ્પર મળતાવેંત હસ્તધૂનન કરી બેસીએ છીએ અને પછી તરત જ કશુંક ખોટું થઈ ગયું હોય એમ હાથ પાછો ખેંચી લઈએ છીએ. પરસ્પરને મળવા માટે ઘરે જવું એ જાણે કે અપરાધ થઈ ગયો છે. છ મહિનાથી લૉકડાઉન નામનું ઘનઘોર વાદળ ઝળૂંબી રહ્યું છે એટલે ક્યાંય સામાજિક અવરજવર રહી નથી. સાંસ્કૃતિક કાર્યક્રમોએ પોતાનો માર્ગ કાઢી લીધો છે. કોર્પોરેટ મીટિંગોએ પણ પોતાનો માર્ગ શોધી લીધો છે. હવે સહુ સામસામે મળે તો છે પણ એને વર્ચ્યુઅલ મીટિંગ કહે છે. તળપદા શબ્દો વાપરીને કહીએ તો આને આંગળી ચાટીને પેટ ભરવા જેવી વાત કહેવાય.

કેટલાય પરિવારોમાં બાળકો દિવસોથી નજરકેદ થઈ ગયાં છે. રમવાનું, ફરવાનું કે કસરત કરવાનું લગભગ અટકી ગયું છે. આમેય મેદાની રમતો ઓછી થઈ ગઈ હતી. હવે કોરોનાના પ્રતાપે લગભગ બંધ થઈ ગઈ છે. કોઈક દલીલબાજ એવું કહી શકે કે ઘરમાં કસરત કે રમત થઈ શકે ખરી. મુંબઈમાં રમત કે કસરત થઈ શકે એવી પખતાણ કેટલાં ઘરોમાં છે? મહિનાઓથી ઘરમાં પુરાયેલાં આ બાળકોના સત્ત્વ વિશે કોઈએ વિચાર કર્યો છે ખરો?

એ જ રીતે શિક્ષણનો પ્રશ્ન પણ વિચારવા જેવો. પ્રાથમિક શાળાથી માંડીને કૉલેજના ઉપલા ધોરણ સુધી કોરોનાને પરાજિત કરવા ઈ-લર્નિંગ શરૂ થયું છે. શિક્ષણ અટકાવી ન દેવાય. વિદ્યાર્થીઓને મહિનાઓ સુધી કમરામાં કેદ રાખીએ અને કશું શિક્ષણ ન આપીએ એ તો અપરાધ થયો કહેવાય. આ અપરાધ ટાળવા માટે ઈ-લર્નિંગની વ્યવસ્થા થઈ છે એ સારી વાત છે, પણ આ ઈ-લર્નિંગ ખરેખર લર્નિંગ બનીને વિદ્યાર્થીઓ સુધી પહોંચતું નથી. એનાથી અધ્યાપક અભ્યાસક્રમ પ્રમાણે પાઠ કડકડાટ સમજાવી જાય છે પણ વિદ્યાર્થીઓ સુધી એ ખરેખર પહોંચે છે કે નહીં એની ખાતરી થતી નથી. વિદ્યાર્થીઓની નવી પેઢી આ ઈ-લર્નિંગની તસુએ તસુ કળા જાણે છે અને પરિણામે શિક્ષણના નામે જે ધોધ વછૂટે છે એની સાથે સારી પેઠે ગમ્મત કરી શકે છે. અહીં એક એવો વિચાર પણ કરવા જેવો કે દરેક વિદ્યાર્થી પાસે આ ઈ-લર્નિંગ માટે જે ઉપકરણો જોઈએ એ ઉપલબ્ધ હોય છે ખરાં?

થોડા મહિનાઓ પહેલાં આપણા બંધ ઘરની કોલબેલ રણકી ઊઠતી ત્યારે ઘરમાં રહેલા સૌને વિચાર આવતો કે કોઈક મહેમાન આવ્યા લાગે છે. મહેમાનને આવકારો આપવા માટે કોઈક દોડીને ઘરના દરવાજા પાસે જતું. આજે કોલબેલ રણકી ઊઠે છે ત્યારે ઘરમાં રહેલા સૌને એક જાતનો પ્રશ્ન સતાવે છે – અત્યારે કોણ હશે? બહારના કોઈક માણસને ઘરમાં કેમ લેવાય? બહારનો માણસ ગમે એટલો નજીકનો સગો હોય તો પણ તેનાં વસ્ત્રોમાં કોરોનાનો ચેપ લાગેલો હોય અને તે આપણા ઘરમાં બેસે તો આપણને પણ ચેપ લાગી જાય. આમ માણસ-માણસ વચ્ચેનો વ્યવહાર જાણે કે ઠપ્પ થઈ ગયો છે.  

કોઈ પણ માણસ એક ચોક્કસ જીવનરીતિમાંથી બીજી જીવનરીતિમાં રહેવા માટે બળપૂર્વક ધકેલાઈ જાય છે ત્યારે તેના આરંભના દિવસો અવશ્ય સુખમય હોતા નથી, પણ વખત જતાં એ બધું ગોઠવાઈ જાય છે. લગભગ છ મહિના જેટલો સમય બંધ બારણે વિતાવ્યા પછી હવે નવેસરથી જિંદગી શરૂ કર્યા વિના છૂટકો નથી. આર્થિક રીતે પણ સરકારી આંકડાઓ ગમે તે કહેતા હોય, પણ વ્યવહારિક અનુભવો જે કહે છે એની સામે આંખ આડા કાન કરી શકાય એમ નથી. બંધ બારણે અને બંધ બજારે આપણે કેટલો સમય જીવી શકીએ? કોરોનાથી ખૂબ સાવચેત રહીએ પણ એની હસ્તીનો હવે કેમ ઇનકાર થઈ શકશે? એ છે અને છે જ. અત્યારની પળે આપણી પાસે એ શું છે એની જ કશી ટકોરાબંધ માહિતી નથી ત્યાં એનો નાશ કરી શકે એવા ઉપાયોની શી વાત કરવી? માણસ બુદ્ધિશાળી છે અને આજનું વિજ્ઞાન એને પહોંચી વળવા માટે સમર્થ છે, પણ અત્યારે આ સમય સાચવી લેવાની સમજદારી એ જ એનો ઉકેલ છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK