Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગણપતિ બાપ્પા જ્યારે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર આવ્યા ત્યારે...

ગણપતિ બાપ્પા જ્યારે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર આવ્યા ત્યારે...

27 August, 2020 11:50 PM IST | Mumbai
Jayesh Chitalia

ગણપતિ બાપ્પા જ્યારે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર આવ્યા ત્યારે...

એક વાર ગણપતિ બાપ્પાને પોતાને મન થયું કે પૃથ્વી પરના લોકો મને કેટલું બધું માને છે

એક વાર ગણપતિ બાપ્પાને પોતાને મન થયું કે પૃથ્વી પરના લોકો મને કેટલું બધું માને છે


આજે એક કાલ્પનિક કથાથી વાતની શરૂઆત કરવી છે. આ કથા ભલે કાલ્પનિક છે, પરંતુ વાસ્તવિકતા બની શકે એવી છે અને વાસ્તવિકતામાં આવું બનતું પણ હશે તો આપણને ખબર નહીં પડતી હોય. એક વાર ગણપતિ બાપ્પાને પોતાને મન થયું કે પૃથ્વી પરના લોકો મને કેટલું બધું માને છે. કરોડો લોકો મારી ભક્તિ કરે છે, ઘેર-ઘેર મારી પધરામણી થાય છે, લોકોના જીવનમાં મારા આગમન સાથે ઉત્સાહ-ઉત્સાહ થઈ જાય છે. કોઈ મને પોતાના ઘરે દોઢ દિવસ રાખે, કોઈ પાંચ દિવસ, કોઈ દસ દિવસ. સાર્વજનિક ઉત્સવમાં તો મારાં દર્શન માટે લાં...બી કતાર લાગે. દેશના સેલિબ્રિટી લોકો મારાં દર્શને આવે. અખબારોમાં રોજ મારી તસવીરો, ટીવીમાં મારા વિડિયો ચાલ્યા કરે. પ્રસન્ન-પ્રસન્ન થઈ જવાય એવો માહોલ રચાય છે. આ વખતે કોરોનાના ભયને કારણે મંદિરો બંધ છે, સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે ઉત્સવો પર પણ નિયંત્રણ છે. ચાલો તો હું પોતે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર જઈ મારા નામના મોટા અને પ્રસિદ્ધ મંદિર પાસે પહોંચી જાઉં અને મારા ભકતોને રૂબરૂ મળું તો ખરો.
ગણપતિ બાપ્પા મંદિરની બહાર
ગણપતિ બાપા પોતે પોતાના મૂળ વેશમાં જ એક વિખ્યાત મંદિરની બહાર વૃક્ષ નીચે ઊભા રહી ગયા. લોકો ત્યાંથી સતત પસાર થઈ રહ્યા હતા. લાંબી કતારમાં ઊભા રહી ગણેશજીનાં દર્શન કરી હોંશભેર પાછાં ફરતા હતા. તેમના દરેકના હાથમાં લાડુ કે મોદક રહેતા. વૃક્ષ નીચે ઊભેલા ગણપતિએ પણ એકાદ ભક્ત પાસે મોદકની માગણી કરી તો એ ભક્ત ગણેશજીને કોઈ ભિક્ષુક સમજીને તેમના હાથમાં મોદક આપી ચાલ્યો ગયો. તેણે એવું માની લીધું કે આ કોઈ ભિક્ષુક બહુરૂપિયો બની ફરી રહ્યો છે. તેણે લોકોને આકર્ષવા ગણેશજીની જેમ સૂંઢ લગાડી છે, કૃત્રિમ મોટા કાન લગાડયા છે, મોટું પેટ બનાવ્યું છે સાથે સાચો ઉંદર પણ રાખ્યો છે. ઘણા લોકો તો તેમને દૂરથી જોઈને જતા રહેતા હતા. વળી અનેક લોકો તેને પાગલ સમજવા લાગ્યા. લોકોનું આવું બેહૂદું વર્તન જોઈને ગણેશજીએ લોકોને બૂમ પાડી-પાડી કહેવાનું શરૂ કર્યું. અરે, ભક્તજનો હું પોતે જ ગણપતિ છું, તમને મળવા આવ્યો છું. પરંતુ જેને લોકોએ વેશધારી, પાગલ અને ભિક્ષુક માની લીધો હોય તેનું સાંભળે કોણ? ઘણા તો હસવા લાગ્યા, મજાક કરવા લાગ્યા, નાના છોકરા કુતૂહલપૂર્વક તેની નજીક જઈ સૂંઢને સ્પર્શ કરવાનો અને ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યા. કેટલાક વૃદ્ધોને પણ બોલાવીને ગણેશજીએ સમજાવવાની કોશિશ કરી કે પોતે ખરેખરા ગણેશ છે અને ભક્તોને દર્શન આપવા, મળવા, તેમની ભક્તિને સાક્ષાત જોવા પૃથ્વી પર આવ્યા છે. પોતે કોઈ ઢોંગી બાપા નથી. પરંતુ વૃદ્ધો પણ તેમની વાતમાં આવ્યા નહીં. ઊલટાનું તેમણે તો મંદિરમાં જઈ સૌથી મોટા પૂજારીને ફરિયાદ કરી કે કોઈ ભિખારી ગણેશજીના નામે મશ્કરી અને અપમાન કરે છે, લોકોને છેતરે છે, પોતાને ગણપતિ બાપ્પા કહેવડાવે છે, તેને અહીંથી ભગાડો.
બાપ્પા અમારો ધંધો જામી ગયો છે!
આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખી પૂજારી પોતે બહાર આવ્યા અને ગણેશજી પર ગુસ્સો કર્યો, તેમને ધમકી આપી કે ભગવાનની આવી મજાક કરે છે? લોકોની આસ્થા સાથે ચેડાં કરે છે? પાપ લાગશે પાપ! ચલ ભાગી જા અહીંથી નહીંતર મંદિરની કોટડીમાં પૂરી દઈશું તને. ગણેશજીએ કહ્યું, ભલે પૂરી દો મને, હું અહીંથી નહીં જાઉં. પૂજારીએ તેમને મંદિરની અંધારી કોટડીમાં પૂરી દીધા. લોકોનો રોષ જોઈ કંઈક પગલાં લેવાં જરૂરી પણ હતું. ભીડ ચાલી ગઈ, મંદિરનાં દ્વાર બંધ થઈ ગયાં. અડધી રાતે એ પૂજારી મોટી મીણબત્તી લઈ પેલી અંધારી કોટડીમાં ગયા અને આરામથી બિરાજમાન ગણપતિ બાપ્પાને સીધા પગે પડી ગયા. પ્રભુ, મને ક્ષમા કરો, માફ કરો. મારે આવું કરવું પડ્યું. હું તમને ઓળખી ગયો હતો, પણ લોકોને હવે તમારાં સાચાં દર્શનમાં રસ નથી, તેઓ તમારી મૂર્તિથી જ રાજી છે. તેમની શ્રદ્ધા તમારી મૂર્તિમાં બેસી ગઈ છે. હવે કાં તમે અહીં આવીને હેરાન કરો છો? અમારા ધંધાપાણી પણ બરાબર ચાલી રહ્યાં છે. મંદિરને ભરપૂર આવક થઈ રહી છે, ક્યાં-ક્યાંથી લોકો દર્શન કરવા આવે છે. હવે તમે વાસ્તવિક સ્વરૂપે આવો તો એ લોકોને સ્વીકાર્ય નહીં બને. કૃપા કરી અમને અમારું કામ કરવા દો, લોકોને તેમની ભક્તિ કરવા દો. હવે તમારી જરૂર નથી. તમારી મૂર્તિ અને તમારા વિશેની વાતોથી જ કામ ચાલી જાય છે.
ભગવાન કરતાં તેમની મૂર્તિમાં વધુ રસ
વાસ્તવમાં આ મામલો માત્ર ગણેશજી પૂરતો સીમિત નથી, કોઈ પણ ભગવાન લઈ લો, કોઈ પણ ધર્મના લઈ લો, જો તેઓ ખરેખર પૃથ્વી પર આવીને લોકોને સાક્ષાત મળીને વાત કરે તો પણ લોકો તેમને સ્વીકારે નહીં; કારણ કે ભગવાન પાછા આવે એવી શ્રદ્ધા કરતાં ભગવાન પાછા ન આવે એવી તેમની શ્રદ્ધા વધુ દૃઢ અને મજબૂત બની ગઈ છે. લોકો કર્મકાંડ, પરંપરાગત ઉત્સવો, ભગવાનની ભક્તિની જાણે ચોક્કસ મોસમ આવે એમ એ મોસમને માણતા થઈ ગયા છે. વાસ્તવિક ભગવાન સાથે તેમને કોઈ સંબંધ નથી. આપણે ભગવાનની વાત કરીએ ત્યારે મૂર્તિ કેટલી સુંદર છે, વસ્ત્રો, શણગાર કેટલાં સરસ છે એવી વાત કરીએ છીએ. આપણે ભક્તિ અને શ્રદ્ધા વિશે એક બહુ ઊંડી અને વ્યાપક ગેરસમજ લઈને સદીઓથી જીવતા રહ્યા છીએ. હવે આને ડગમગાવવી ભગવાનના હાથમાં પણ હશે કે કેમ એ ભગવાન જાણે! આમ તો ભગવાનના હાથમાં બધું જ છે, તેમ છતાં આમ કરવાની ઇચ્છા ભગવાનની પોતાની ખરી કે પછી ભગવાન માણસોના જાગવાની જ રાહ જુએ છે?
ઈશ્વરના ગુણોનું પાલન કોણ કરે?
હાલ ગણેશોત્સવ જોરશોરમાં ચાલી રહ્યો છે, પરંતુ કોરોનાને કારણે જાહેર-સાર્વજનિક ઉત્સવમાં ઘણી કચાશ યા અભાવ દેખાય છે. જોકે ઘેર-ઘેર આવતા ગણેશમાં પણ લોકોનો અભાવ છે. લોકો અન્યના ઘરે જતાં ખચકાય છે, ભીડમાં જતાં ખચકાય છે. લોકો બીજાઓને વધુ પ્રમાણમાં ગણેશ દર્શન માટે પોતાના ઘરે આમંત્રણ આપતાં પણ સંકોચ અને ભય અનુભવે છે. બાય ધ વે, ગણપતિ બાપ્પા મોરયા છે, પુઢચ્યા વર્ષી લવકર યા પણ છે, પણ ગણપતિમાં શ્રદ્ધા રાખનારા ગણેશજીના કોઈ ગુણને પોતાના જીવનમાં ઉતારે છે ખરા? જેમ કે ગણેશજીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહેવાયું તો તેમણે માતા-પિતા પાર્વતી અને ભગવાન શંકરની આસપાસ પ્રદક્ષિણા કરી લીધી. આપણે આપણાં માતા-પિતા સાથે શું કરીએ છીએ આજે? દરેક જણ પોતાની જાતને જ પૂછી લે. ગણપતિ ઉંદરને પોતાનું વાહન માને છે, આપણે ઉંદરોને પકડી-પકડી મારીએ યા મરાવીએ છીએ. ગણેશજી વ્યાસજીના લહિયા થઈ ધર્મગ્રંથ લખવા બેસી જાય છે અને આપણે અહંકારના મદમાં રચ્યાપચ્યા રહીએ છીએ.
ભગવાનનું સુપર માર્કેટિંગ
આવી તો કેટલીય વાતો દરેક ભગવાન વિશે છે, પરંતુ આપણને ભગવાને જે કર્યું એમાં રસ નથી, આપણે એવું કરવાનો કે બનવાનો વિચાર સુધ્ધાં કરતા નથી. આપણે તેમની છબિ કે મૂર્તિને જ માની લઈએ છીએ, એને જ ભક્તિ ગણી લઈએ છીએ. ભગવાનને અઢળક ધન ચડાવી, સોનાના હાર પહેરાવી મોટા ભક્ત કહેવડાવીએ છીએ. આપણા નામની દાનની તકતીમાં આપણો રસ ઊંચો છે. આ જ ગણપતિની મૂર્તિ આપણા ઘરમાં બારે માસ હોય છે તેમ છતાં ગણેશોત્સવમાં ફલાણા-ઢીંકણા વિસ્તારના રાજામાં શ્રદ્ધા વધી જાય છે. તેના ચમત્કારોની વાતોમાં વધુ વિશ્વાસ બેસે છે. જે વાસ્તવમાં એક સુપર માર્કેટિંગ હોય છે, પ્રચાર હોય છે. આપણી ભક્તિમાં પણ સ્પર્ધા, ઈર્ષ્યા અને અહંકાર હોય છે. કોની મૂર્તિ કેટલી મોટી, કેટલી પ્રસિદ્ધ વગેરે જેવી વાતોમાં અટવાયા કરીએ છીએ.
શ્રદ્ધા-લાગણી સામે સવાલ નથી
અહીં ‍એક નમ્ર સ્પષ્ટતા સાથે કહેવું છે કે કોઈની પણ શ્રદ્ધા કે લાગણી સામે સવાલ કે શંકા ઉઠાવવાનો આશય નથી, પરંતુ ઈશ્વરને સાચા અર્થમાં ઓળખવા માટે જાગવાનો પ્રયાસ છે, સત્યને સમજવાનો પ્રયાસ છે. ઈશ્વર સતત અનેક સ્વરૂપે સામે જ ઊભો છે; આપણી આંખ ખૂલે, આપણે જાગીએ એટલી જ વાર છે. ચાલો આ વિષયમાં દરેક જણ પોતાની દૃષ્ટિએ કમ સે કમ વિચારવાનું તો શરૂ કરીએ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

ઈશ્વર તો બારે માસ ઑનલાઇન
હવે તો કોઈ પણ ઈશ્વરના મંદિરનાં દર્શન અને આરતી ઑનલાઇન કરવા-જોવા મળે છે. એ પણ બારે માસ. આપણી શ્રદ્ધા પણ વર્ચ્યુઅલ બની ગઈ છે. ભગવાન તો આમ પણ આજની ટેક્નૉલૉજી આવી એ પહેલાંના યુગોથી કાયમ માટે ઑનલાઇન જ રહ્યા છે. આપણે તેમને જોઈ કે ઓળખી શકતા નથી. ઈશ્વર વિવિધ સ્વરૂપે આપણી પાસે આવતા-જતા હોય છે. આપણે તેમને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. ઈશ્વર આપણી ભીતર પણ પહોંચીને બેસી રહ્યા છે, આપણે આપણી ભીતર જવામાં પણ અસમર્થ રહીએ છીએ; કારણ કે આપણે આવું હોઈ શકે એનો વિચાર પણ કરતા નથી અને એ સત્ય સમજવાનો પ્રયાસ પણ કરતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 11:50 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK