ગયા ના ગયા ગુરુવારનો રીકૅપ.
બિરલા પ્રોડ્યુસર્સ ગીલ્ડ ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધા ૧૯૭૨-’૭૩નું રિઝલ્ટ ડિક્લેર થયું એટલે જેમને ઇનામ મળ્યું એ કૉલેજોના પ્રતિસ્પર્ધીઓ અને ઇન્ચાર્જ પ્રોફેસર તથા જોવા આવેલા વિજેતા કૉલેજના વિદ્યાર્થીઓ જોશમાં આવી ગયા હતા. ઢોલ, ત્રાંસા, બ્યૂગલ, થાળી, ખંજરી, વ્હિસલ વગાડતાં બિરલા ઑડિટોરિયમમાંથી નાચતાં-નાચતાં બહાર બિરલાના કૅમ્પસમાં આવીને ગોકીરો કરતા અને નારાઓ લગાડતાં ધમાલ કરવા લાગ્યા. કેસી, એનએમ, ભવન્સ, લાલા કૉલેજિસના સ્ટુડન્ટ્સ નાચગાન અને મસ્તી-તોફાને ચડ્યા હતા.
જે કૉલેજોને ઇનામ નહોતાં મળ્યાં એમાંથી અમુક કૉલેજના પ્રતિસ્પર્ધીઓ નિરાશ થઈને વીલા મોઢે, મોઢું છુપાવીને બહાર નીકળી ગયા હતા. અમુક પ્રતિસ્પર્ધીઓને પાર્શિયાલિટી અને ભ્રષ્ટાચારની બૂ આવી એટલે જજને નીંદતાં, ગાળો ભાંડતાં; સહકલાકારોની ભૂલો, ચોખામાંથી કાંકરા વીણે એમ વીણતાં મહિનાનો થાક ઉતારવા મિત્રો સાથે રેસ્ટોરાં અને બાર તરફ વળ્યા.
અમુક કૉલેજના માથાભારે વિદ્યાર્થીઓ અને જેમનું રિઝલ્ટ સાંભળીને માથું ભારે થઈ ગયું હતું એવા છપ્પન ઇંચની છાતી ધરાવતા વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ચડીને ભારે ધમાલ મચાવી દીધી અને જજ અને પ્રોડ્યુસર્સ ગીલ્ડની એકાંકી નાટ્ય સ્પર્ધાના સેક્રેટરી કાંતિ મડિયાને ઘેરી વળ્યા. તેમણે તેમની કૉલેજને ઇનામ કેમ ન મળ્યું અને જજે ઓળખાણ-પિછાણ-લાગવગનો ઉપયોગ કરીને લાગતા-વળગતાઓને ઇનામ પીરસી દીધાં હોવાના દોષનો ટોપલો જજ અને કાન્તિ મડિયાને માથે ઠાલવી દીધો. હું બહાર જવાની જગ્યાએ ત્યાં જ ખોડાઈ ગયો.
સ્ટેજ પર આર્ગ્યુમેન્ટ્સ કરતા વિદ્યાર્થીઓ હળવે-હળવે કલાકારમાંથી ટપોરીઓમાં ફેરવાઈ રહ્યા હોય એમ લાગતું હતું. આ જ કલાકાર વિદ્યાર્થીઓમાંથી ઘણાખરા તો સિનિયર પ્રોફેશનલ કલાકારોને બાઅદબ-બામુલાયઝા ફરમાવતતા પીપૂડી વગાડતા પગે પડતા હતા અને ઇનામ જાહેર થતાં બદલાઈ ગયા. આને કહેવાય લાહોલ વિલા કુવત. જે રીતે એ વિદ્યાર્થીઓ જજ જસવંતસરને ગાળો ભાંડતા હતા અને કાન્તિ મડિયાની સ્પર્ધાને ષડ્યંત્રમાં ખપાવીને મનમાં ફાવે એમ એલફેલ બોલતા હતા એ જોઈ-સાંભળીને આઘાત અને આંચકો લાગ્યો.
કાન્તિભાઈ સમજાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અમુક કૉલેજના અમુક વિદ્યાર્થીઓ તેમના પર ચડી બેઠા. સ્ટેજ જાણે કુરુક્ષેત્રનું મેદાન હોય એમ લાગ્યું. હું બધું મનદુઃખ સાથે સાંભળી રહ્યો હતો. સાવ નજીકની વ્યક્તિ જ્યારે દુશ્મનમાં ફેરવાઈ જાય કે એ વ્યક્તિ જે વખાણતી હોય તે વખોડતી થઈ જાય. જે તમારા પર પ્રશંસાનાં ફૂલ વરસાવતી હોય એ જ કાંટાળો તાજ પહેરાવે. એવી-એવી વાતો સંભળાવે કે સાંભળતાં કાનમાં કીડા પડી જાય. પ્રેમમાં પડી પરણેલાં પતિ-પત્ની જ્યારે ઝઘડે ચડી જાય અને છૂટાછેડા લેવાની નોબત આવે ત્યારે બન્ને કેટલીબધી હલકી કક્ષાએ પહોંચી જાય કે કોર્ટમાં ઘણી વાર જજને કાનમાં આંગળી નાખવાનું મન થઈ જાય. આવો જ હાલ અત્યારે સ્ટેજ પર બોલતા અમુક ઘવાયેલા કલાકારોનો હતો. તેઓ હળવે-હળવે બેફામ બની રહ્યા હતા. એમાંના અમુક લોકોએ તો સ્પર્ધામાં ભાગ પણ નહોતો લીધો. તેઓને તો ગુજરાતી સેલિબ્રિટીઝ સાથે ભીડવાની મજા આવી રહી હતી. તેઓ જાણે હારેલા કલાકારોના ભાઈલોગ હોય કે વકીલ હોય એમ બધાને લબડધક્કે ચડાવી રહ્યા હતા. આ બાજુ કાન્તિ મડિયાની ફેવરના અમુક કલાકારો અને પ્રોડ્યુસર્સ ગીલ્ડના કમિટી મેમ્બરો સ્ટેજ પર ભેગા થઈ ગયા હતા. શ્રી જસવંત ઠાકરને હળવેકથી બહાર કાઢ્યા. તેમને રિપ્લેસ કરવા બીજા આર્ટિસ્ટો આર્ગ્યુમેન્ટ્સમાં ગોઠવાયા. હું સ્ટેજ પર આ તમાશો જોતો હતો. મારી કૉલેજના બે-ત્રણ બંદાઓ મને બોલાવવા આવ્યા. ત્યાં તો મેં કોઈકના મોઢેથી, મોટા અવાજે ગાળ પછડાતી સાંભળી. હું ચોંક્યો. મેં પાછળ વળીને જોયું તો મહારાષ્ટ્ર કૉલેજ, બુરહાની કૉલેજ, અંજુમન ઇસ્લામ કૉલેજ, સિદ્ધાર્થ કૉલેજ અને ચિનાઈ કૉલેજના વિદ્યાર્થીઓ તડાફડી ફોડતા જણાયા. એમાંથી ચિનાઈનો એક વિદ્યાર્થી જોશમાં આવીને અનાપશનાપ, ખતરનાક ગાળ બોલ્યો. મારાથી રહેવાયું નહીં એટલે મેં પેલાને ધમકીવાળા સૂર સાથે ગાળ બોલવાની ના પાડી. પેલો ભુરાયો થયેલો દુઃશાસન મારા પર તૂટી પડ્યો. મને ગાળ આપીને બોલ્યો, ‘તને ઍક્ટિંગનું ઇનામ મળે એ માટે તેં આને કેટલા ખવડાવ્યા.’
સહન કરવાની મારી શક્તિ પર તેણે ઘા ઝીંક્યો. હું સીધો તેના પર ધસ્યો. પહેલી ફેંટ મેં ઝીંકી દીધી. બન્ને બાથમબાથ પર આવી ગયા. અમને માંડ-માંડ કાન્તિભાઈ અને બીજા આસપાસ ઊભા રહેલા લોકોએ છોડાવ્યા. મારો ગુસ્સો શમ્યો નહોતો. તે પણ મારા જેટલો જ કે મારાથી વધારે ગુસ્સામાં હતો.
અમે હુમલો કરવા આગળ વધ્યા અને એ લોકો જ્યાં ઊભા હતાં ત્યાં જ ઊભા હતા. હોંકારા-પડકારા-ગોકીરા સાથે આમનેસામને તૂટી પડીએ ત્યાં જ પરી, મારી માનેલી મોટી બહેન પન્નાને લઈને હાજર થઈ ગઈ. પન્ના વચમાં આવીને ઊભી રહી ગઈ... આઉટ ઑફ બ્લુ, અચાનક પન્નાને જોઈને હું ડઘાઈ ગયો. તે અને મહેન્દ્ર બન્ને આખી સ્પર્ધા દરમ્યાન શાંત પ્રેક્ષક તરીકે હાજર રહ્યાં હતાં. રિઝલ્ટના દિવસે પણ હાજર હતાં. રિઝલ્ટ આવ્યા બાદ પન્ના અને મહેન્દ્રએ બહાર મારી રાહ જોઈ. હું અંદર સ્ટેજ પર ચાલતી ભાંજગડનો સાક્ષી બનીને તૂતૂમૈંમૈંમાં ઓતપ્રોત થઈ ગયો હતો ત્યારે પન્ના અને મહેન્દ્ર પરીને મેસેજ આપીને ગયાં કે તેઓ બિરલાની બાજુની હોટેલ બાલવાસમાં બેઠાં મારી રાહ જોશે.
પરી અને ઝરણાંને મારા શાગિર્દોએ ફુટાડ્યાં ત્યારે પરીને શંકા ગઈ અને તે દૂરથી જોતી ઊભી રહી ગઈ. જ્યારે અમે મારામારીની તૈયારી કરતા હતા ત્યારે પરીએ બાલવાસમાં જઈને પન્નાને સમાચાર આપ્યા એટલે પન્ના અને મહેન્દ્ર રેસ્ટોરાંમાંથી ટેબલ પર આવેલી ઇડલી અને ઢોસાની ડિશ પડતી મૂકી પૈસા ચૂકવીને પાછાં બિરલા પર ભાગતાં આવ્યાં.
પન્નાએ અમને આગળ વધતા અટકાવ્યા. અમારાં નસીબ સારાં કે પન્ના સમયસર આવી ગઈ, નહીંતર અમારી જિંદગીનાં પાનાંઓ પર બીજી જ કહાની લખાઈ ગઈ હોત.
હું મારી ટીમ સાથે અટકી ગયો.
સામેની ટીમના પ્રોફેસર જેવું કોઈક તેમને સમજાવી રહ્યું હતું ત્યાં જ અચાનક સાઇરન વગાડતી પોલીસ-જીપ આવતી સંભળાઈ.
બન્ને ટીમ છૂમંતર થઈ ગઈ. આખી ગૅન્ગ વેરવિખેર થઈને ગાયબ થઈ ગઈ.
પરી મને સપોર્ટ કરવા માનસિક અને આર્થિક રીતે તૈયાર જ હોય. પન્નાના સ્વભાવને લીધે તે કે.સી.ની લાઇબ્રેરીમાં પૉપ્યુલર હતી.
આજે તો તે બૉમ્બે હૉસ્પિટલની સિનિયર ઍનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની હેડ છે. મારા જીવનમાં આવેલી વન ઑફ ધ ફાઇનેસ્ટ હ્યુમન બીઇંગ.
બાલવાસમાં અમે ગયાં ત્યાં સુધી પન્ના કાંઈ ન બોલી. મહેન્દ્ર પણ ચૂપ હતો. હું મારી હોશિયારીમાં ચાલતો હતો. જાણે મેં કોઈ મહાન કામ કર્યું હોય. મારી ચાલ તીસમારખા જેવી થઈ ગઈ હતી.
પન્નાએ બાલવાસમાં પ્રવેશતાની સાથે મને ઝાટકવાનું શરૂ કર્યું. એક પન્ના જ હતી જેની સામે હું સામો જવાબ ક્યારેય આપી નહોતો શક્યો. આપણે વિચાર્યું ન હોય એથી વધારે વગર અપેક્ષાએ જેણે આપણા જીવનમાં કૉન્ટ્રિબ્યુશન કર્યું હોય તેને કેમ કરી દલીલો કરીને ઠેશ પહોંચાડાય? નો, નેવર, નૉટ પૉસિબલ! પન્ના મારા જીવનમાં આવી મહેન્દ્રને લીધે. થૅન્ક્સ મહેન્દ્ર ડિયર. પ્રવીણ સોલંકી સાથે મેળવ્યા તેં, પન્ના સાથે દોસ્તી
કરાવી તેં.
પન્ના વાઘણની જેમ મારા પર તૂટી પડી હતી. મને લેફ્ટ-રાઇટ લઈ નાખ્યો. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. એક વાક્ય મારા કાનમાં ગુંજતું રહ્યું, ‘તું નક્કી કર કે તારે કલાકાર થવું છે કે મવાલી? તું થવા માગશે એને હું સપોર્ટ કરીશ, પણ તું નક્કી કર મક્કમ બનીને. તું ફેમસ
બન્ને રીતે થઈ શકશે, પણ મને જવાબ કાલે
ને કાલે જોઈએ. જવાબ ન આપી શકતો
હોય તો તારી સાથે સંબંધ રાખીને કોઈ
મતલબ નથી.’
આજે તેણે મારામાં નવા લતેશનો ઉમેરો કર્યો!
આખી રાત એક જ વિચાર અને વાત મારા મનમાં પન્નાના અવાજમાં પડઘાતી રહી. બીજા દિવસે જવાબ આપવાનો હતો. શું જવાબ આપીશ? વાંચીએ આવતા ગુરુવારે...
માણો અને મોજ કરો જાણો અને જલસા કરો
જીવન એક જલસો છે. જ્યારે જેને મળશો ત્યારે હસતાં-હસતાં મળીને આભાર જેટલો જેનો માની શકાય એટલો માનશો તો જીવવાનો નશો ચડશે. ‘જલસા જેટલા કરશો એટલો આનંદ આત્માને મળશે’નો આભાસ ભોગવશો. આનંદ, પરમાનંદ, સતચિતાનંદ જેવા શબ્દોને ખોલો અને પ્રભુ કે કુદરત કે સુપરપાવરે બનાવેલી દુનિયા સરસ છે એમ બોલો. થૅન્ક યુ દૃશ્ય-અદૃશ્ય જીવજંતુ, પશુ-પક્ષી, મનુષ્ય, ઝાડ-જંગલ, દેવી-દેવતા, જળ-ચેતન, જીવ-શિવ સૌનો આભાર. આ જાણો અને જલસા કરો.
(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)