જ્યારે કેદાર શર્માએ ગુસ્સે થઈને રાજ કપૂરને જોરદાર તમાચો ઠોકી દીધો

Published: May 10, 2020, 21:34 IST | Rajani Mehta | Mumbai Desk

વો જબ યાદ આએ: કેદાર શર્મા (અંગ્રેજીમાં તેમનું નામ લખાતું Kidar Sharma). તેમની કલમમાંથી આપણને ૨૧૩ ગીતો મળ્યાં. તેમણે ભલે ઓછું કામ કર્યું, પણ એ આછું નહોતું.

રાજ કપૂર
રાજ કપૂર

જ્યારે ‘બાલમ આય બસો મેરે મન મેં’ (દેવદાસ – ૧૯૩૫ - કે. એલ. સૈગલ - તિમિર બરન), ‘તેરી દુનિયા મેં દિલ લગતા નહીં, વાપસ બુલા લે’ (બાવરે નૈન - ૧૯૫૦ – મુકેશ - રોશન), ‘સુન બૈરી બલમ સચ બોલ રે ઈબ ક્યા હોગા’ (બાવરે નૈન -૧૯૫૦ – રાજકુમારી –રોશન), ‘મેરે ખયાલોં મેં આ કે ગલે લગ જા મુઝે, કે આજ ફિર રોને કો જી ચાહતા હૈ’ (ગુનાહ -૧૯૫૩ - તલત મેહમૂદ – જમાલ સેન), ‘હાલે દિલ ઉનકો સુનાયા ન ગયા’ (ફરિયાદ – ૧૯૬૪ - સુમન કલ્યાણપુર – સ્નેહલ ભાટકર), ‘કભી તનહાઈયોં મેં યું હમારી યાદ આએગી’ (હમારી યાદ આએગી - ૧૯૬૨ - મુબારક બેગમ – સ્નેહલ ભાટકર) જેવાં સદાબહાર ગીતો સાંભળીએ ત્યારે આપણે ફિલ્મનું નામ, ગાયક કલાકાર અને સંગીતકારને યાદ કરીએ એ સાથે એક નામ યાદ કરવું જોઈએ એ છે આ ગીતોના રચયિતા કેદાર શર્મા. (અંગ્રેજીમાં તેમનું નામ લખાતું Kidar Sharma). તેમની કલમમાંથી આપણને ૨૧૩ ગીતો મળ્યાં. તેમણે ભલે ઓછું કામ કર્યું, પણ એ આછું નહોતું. 

કેદાર શર્માનો જન્મ (૧૨ એપ્રિલ ૧૯૧૦) પંજાબમાં સિયાલકોટ નજીક આવેલા નરોવાલમાં (હાલ પાકિસ્તાન) થયો હતો. અમ્રિતસર સ્કૂલમાં ભણતા ત્યારથી ફિલોસૉફી, કવિતા, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીનો શોખ હતો. ફિલ્મોની ઘેલછા એટલી હતી કે ભાગીને મુંબઈ આવ્યા, પરંતુ કોઈ કામ ન મળ્યું એટલે પાછા આવ્યા. ૧૯૩૨માં અમ્રિતસરની ખાલસા કૉલેજમાંથી ઇંગ્લિશમાં માસ્ટર્સ કર્યું. કૉલેજની ડ્રામૅટિક સોસાયટીમાં સક્રિય હતા. ભણતર પૂરું કર્યું. ૧૯૩૨માં કમલા સાથે લગ્ન થયાં. આ તરફ હજી ફિલ્મોનો મોહ છૂટતો નહોતો એટલે નસીબ અજમાવવા કલકત્તા ન્યુ થિયેટર્સ પહોંચ્યા. નસીબજોગે ત્યાં પૃથ્વીરાજ કપૂર સાથે ઓળખાણ થઈ જેણે કે. એલ. સૈગલ સાથે પરિચય કરાવ્યો. નસીબની બલિહારી જુઓ કે તેમણે ન્યુ થિયેટર્સના દેબકી બોઝને ભલામણ કરી અને કેદાર શર્માને ફિલ્મ ‘ઇન્કલાબ’ (૧૯૩૨) માટે પેઇન્ટિંગ અને પોસ્ટર બનાવવાનું કામ મળ્યું. ત્યાર બાદ ‘ધૂપછાંવ’ (૧૯૩૪) અને ‘પૂજારન’ (૧૯૩૫)માં કેદાર શર્માએ પોતાની કાબેલિયત પુરવાર કરી.
૧૯૩૫માં ‘દેવદાસ’ માટે ગીત અને સંવાદ લખવાનો તેમને મોકો મળ્યો. કે. એલ. સૈગલની આ ફિલ્મનાં ગીતોએ ધૂમ મચાવી. કેદાર શર્મા એક જાણીતું નામ બની ગયા. ‘દેવદાસ’થી બે વ્યક્તિઓ એસ્ટાબ્લિશ થઈ. ગીતકાર અને સંવાદ લેખક તરીકે કેદાર શર્મા અને કૅમેરામૅન તરીકે બિમલ રૉય. ત્યાર બાદ ડિરેક્ટર તરીકે તેમને બે ફિલ્મો મળી ‘તુમ્હારી જીત’ અને ‘ઔલાદ’. ૧૯૪૧માં આવેલી ‘ચિત્રલેખા’ અત્યંત લોકપ્રિય થઈ અને આમ કેદાર શર્મા એક મોટું નામ બની ગયા. સફળતાથી ઉત્સાહિત થઈને તેમણે પોતાની કંપની શરૂ કરી અને ફિલ્મ ‘નીલકમલ’ની શરૂઆત કરી; જે રાજ કપૂરની પહેલી ફિલ્મ હતી.
એક આડ વાત. કલકત્તામાં થયેલી પહેલી મુલાકાત બાદ પૃથ્વીરાજ કપૂર અને કેદાર શર્મા મિત્રો બની ગયા હતા. પૃથ્વીરાજની અનિચ્છા હોવા છતાં રાજ કપૂરની જિદને કારણે પિતાએ તેમને કેદાર શર્માને ત્યાં ફિલ્મ મેકિંગની આંટીઘૂંટી સમજવા મોકલ્યા. તેમની એક શરત હતી કે રાજ કપૂરે છેક નીચલા હિસ્સાના મદદનીશની હેસિયતથી કામ શરૂ કરવું પડશે. આમ કેદાર શર્માના ચોથા અસિસ્ટન્ટ તરીકે ક્લૅપર-બૉયની કામગીરીથી રાજ કપૂરની શરૂઆત થઈ.
ક્લૅપર-બૉય તરીકે દરેક દૃશ્યની શરૂઆતમાં રાજ કપૂર કૅમેરા સમક્ષ ક્લૅપ આપતા. (એક લાકડાના બોર્ડ પર ફિલ્મના દશ્યનો નંબર લખ્યો હોય જેથી ઍડિટિંગ કરવામાં સહાય મળે. એ બોર્ડને શૂટિંગ શરૂ કરતાં પહેલાં કૅમેરા સમક્ષ દર્શાવીને ક્લૅપ આપવી પડે.) રાજ કપૂરની આદત હતી કે ક્લૅપ આપતાં પહેલાં અરિસામાં જોઈ, સરસ વાળ ઓળીને આવે જેથી તેમનો ગોળમટોળ ચહેરો ક્લૉઝ-અપમાં આવે. તેમની આ ઘેલછા કેદાર શર્માથી છાની નહોતી. એક દિવસ ખૂબ નજીકથી ક્લૅપ આપવા જતાં બુઢ્ઢા રાજાનો રોલ કરતા અભિનેતાની દાઢી બોર્ડમાં ફસાઈ ગઈ અને એ દૃશ્ય કટ કરવું પડ્યું. આ કારણે કેદાર શર્માએ ગુસ્સે થઈને રાજ કપૂરને જોરદાર તમાચો ચોડી દીધો. ત્યાર બાદ તેમને ખૂબ પસ્તાવો થયો. મિત્રપુત્રની સાથે આવી હરકતને કારણે આખી રાત તેમને ઊંઘ ન આવી.
બીજે દિવસે તેમણે રાજ કપૂરને બોલાવીને કહ્યું, ‘બેટા, મને માફ કરજે. કાલે હું તારી સાથે સખતાઈથી વર્ત્યો. મને ખબર છે કે તું ફિલ્મોમાં કામ કરવા માટે કેટલો ઉત્સુક છે. લે આ ૫૦૦ રૂપિયાનો ચેક. મારી પોતાની ફિલ્મ શરૂ કરું છું ‘નીલકમલ’ એમાં તારે હીરોનો રોલ કરવાનો છે.’ આમ ૧૯૪૪માં ૧૯ વર્ષની ઉમ્મરે રાજ કપૂરે ૧૩ વર્ષની મધુબાલા સાથે ‘નીલકમલ’થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી.
એક ઇન્ટરવ્યૂમાં કેદાર શર્મા એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘એ સમયે ન્યુ થિયેટર્સમાં બંગાળી કલાકારોને એક આદત હતી. કોઈ પણ સીન કરતાં પહેલાં તેઓ હિન્દી કલાકારોને ડિટેલમાં સમજાવતાં અને કઈ રીતે દૃશ્ય ભજવવાનું છે એ વિશે ચર્ચા કરતા એટલે સમયની બરબાદી થતી. હિન્દી સંવાદો મારા લખેલા હોય એટલે હું ઇચ્છતો કે આ કામ મારું છે. આ બાબતે દેબકી બોઝ સાથે મારી માથાઝિક થતી. એક ફિલ્મમાં તો એવું થયું કે કાઝી નઝરૂલ ઇસ્લામે ( જે ત્યાર બાદ બંગલા દેશના મહાન કવિ ગણાયા) લખેલા એક ગીત સામે મેં વાંધો લીધો. રાધા કૃષ્ણના એ પ્રેમગીતમાં તેમણે જે શબ્દપ્રયોગ કર્યા હતા તે આપણા હિન્દુ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડે તેવા હતા. વાત ન્યુ થિયેટર્સના સર્વેસર્વા બી. એન. સરકાર સુધી પહોંચી. મેં કહ્યું, ‘જો આ બદલવામાં નહીં આવે તો પ્રેક્ષકો થિયેટરને આગ લગાડશે.’ મારી વાત તેમને સમજાઈ. છેવટે મેં એ ગીતમાં સુધારા વધારા કર્યા. ત્યાં હું દિલ દઈને કામ કરતો એ છતાં રાજી નહોતો. એક દિવસ મેં કહ્યું, ‘મને ૬૦ રૂપિયાનો પગાર મળે છે. હવે ૭૦ કરો.’ તો દેબકી બોઝ બોલ્યા, ‘તમને લાગે છે કે તમે એને લાયક છો?’ મારે એ જ સાંભળવું હતું. તરત મેં નોકરી છોડી અને મુંબઈ આવ્યો.
મુંબઈમાં હું રણજિત સ્ટુડિયોના ચંદુલાલ શાહને મળ્યો. પગારની વાત મેં તેમના પર છોડી. તમે માનશો તેમણે મને (મહિનાના) ૫૦૦૦ રૂપિયા ઑફર કર્યા. તે દિવસોમાં હું સ્ટાઇલમાં જીવતો. મારી પાસે સાત ગાડી હતી. અઠવાડિયાના દરેક દિવસ માટે હું જુદી-જુદી ગાડી વાપરતો. એ જમાનાની વાત જ અલગ હતી.
ફિલ્મ હિસ્ટોરિયન અને મિત્ર માણેક પ્રેમચંદ સાથેની વાતચીતમાં કેદાર શર્મા વીતેલા યુગની અનેક રસપ્રદ યાદો શેર કરતાં કહે છે. ‘૧૯૪૦માં મેં ‘ચિત્રલેખા’ ડિરેક્ટ કરી, જેનાં દરેક ગીત રાગ ભૈરવીમાં હતાં. (૧૯૬૪માં એ. કે. નડિયાદવાલા માટે ફરી એક વાર ‘ચિત્રલેખા’નું ડિરેક્શન કર્યું જેના સંગીતકાર રોશન હતા અને ગીતકાર હતા સાહિર લુધિયાન્વી). સંગીતકાર ઝંડે ખાનને જ્યારે મેં આ સૂઝાવ આપ્યો ત્યારે તે રાજી નહોતા. મને કહે કે ‘ઑડિયન્સને એક જ રાગમાં દરેક ગીત નહીં ગમે. તેમની દલીલ હતી, ‘કોઈ એકસાથે કેટલા રસગુલ્લા ખાઈ શકે?’ મેં કહ્યું, ‘એ તો કંદોઈ પર નિર્ભર છે.’
એવી જ રીતે મારી ફિલ્મ ‘સુહાગ રાત’માં દરેક ગીત રાગ પહાડી પર આધારિત હતાં. મને આવા પ્રયોગ કરવા ગમતા. લોકોને કઈક નવું આપવું જોઈએ. નિષ્ફળતાના ડરથી જો તમે એક્સપરિમેન્ટ ન કરો તો આગળ ન વધી શકો. તમને ખબર છે, જમાલ સેન ઢોલક વગાડતા હતા. તેમને સંગીતકાર બનવું હતું એટલે એક દિવસ મને એક રાજસ્થાની ગીત ગાઈને સંભળાવ્યું અને મેં મારી ફિલ્મ ‘શોખિયાં’ (૧૯૫૧)માં તેમને સંગીતની જવાબદારી સોંપી.
‘ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ના ટાઇટલ સૉન્ગ માટે એક ગરીબ માણસ દિલ્હીના દરિયાગંજના ધાબામાં રોજ આવતો. ત્યાંના જ્યુક બૉક્સ પર આ ગીત પાંચ વાર સાંભળવા અને એક રૂપિયાની કૉફી, એમ રોજના છ રૂપિયા ખર્ચતો. તેની આ હેસિયત નહોતી. એ હંમેશાં બડબડ કરતો. ‘ઉસ હરામઝાદેને મુજે બરબાદ કર દિયા.’ એનો અર્થ સમજ્યા? તે મારી વાત કરતો હતો.’
તમારી આજ સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ એ પ્રશ્નના જવાબમાં કેદાર શર્મા કહે છે, ‘મારી હવે પછીની ફિલ્મ અને દરેક ફિલ્મ પછી મારો આ જ જવાબ હશે. એક જીવનમાં તમે કઈ નથી કરી શકતા. કશુંક ઉત્તમ કરવું હોય તો ત્રણ-ચાર જન્મ લેવા પડે.’
લગભગ ૫૦ વર્ષની કારકિર્દીમાં કેદાર શર્મા ૩૦ ફિલ્મો સાથે પેઇન્ટર, ગીતકાર, સ્ટોરી, સ્ક્રીનપ્લે રાઇટર અને પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે સંકળાયેલા રહ્યા. તેમની યાદગાર ફિલ્મો છે ‘દેવદાસ’, ‘વિદ્યાપતિ’, ‘ઔલાદ’, ‘ચિત્રલેખા’, ‘નીલકમલ’, ‘સુહાગ રાત’, ‘જોગન’, ‘બાવરે નૈન’, ‘શોખિયાં’, ‘રંગીન રાતેં, ‘ફરિયાદ’, ‘હમારી યાદ આએગી’. પંડિત જવાહરલાલ નેહરુએ તેમનાં ગીત સાંભળીને તેમને દિલ્હી બોલાવ્યા અને ચિલ્ડ્રન્સ ફિલ્મ્સ સોસાયટીના ચૅરમૅન બનાવ્યા. અનેક નવી પ્રતિભાઓને તેમણે બ્રેક આપ્યો જેમ કે રાજ કપૂર (નીલકમલ), ગીતા બાલી (સુહાગ રાત), માલા સિંહા (રંગીન રાતે ), માધવી (હમારી યાદ આએગી), ઝેબ રહેમાન (જલદીપ), સંગીતકાર જમાલ સેન (શોખિયાં), ભૂષણ (મૈખાના) અને અનેક બીજા કલાકાર-કસબીઓ. પુત્ર અશોકની બાલકલાકાર તરીકેની પહેલી ફિલ્મ હતી ‘જલદીપ’. ત્યાર બાદ તે ‘હમારી યાદ આએગી’ અને ‘ફરિયાદ’માં હીરો બન્યો.
તેમની ફિલ્મોમાં એક ખાસ ‘કેદાર શર્મા ટચ’ હોય જે જોવા રસિકો તેમની ફિલ્મોની રાહ જોતા. સ્ટન્ટ ફિલ્મોની નાયિકા મહેતાબને પહેલી વાર તેમણે સામાજિક ફિલ્મ ‘ચિત્રલેખા’માં હિરોઇન બનાવી. માલા સિંહા અને ચાંદ ઉસ્માની, એ બે નાયિકાવાળી ફિલ્મ ‘રંગીન રાતેં’માં ગીતા બાલીને પૂરી ફિલ્મમાં પુરુષની ભૂમિકા આપી. કદાચ આજ સુધીનો આ રેકૉર્ડ છે. અમુક કૅરૅક્ટર આર્ટિસ્ટ તેમની ફિલ્મોમાં હોય જ. સંગીતકાર સ્નેહલ ભાટકર કહે છે, ‘તે લોકો મૃત્યુ પામ્યાં ત્યારે જ શર્માની ફિલ્મોમાંથી ગયા. હું છું ત્યાં સુધી શર્મા મને છોડશે નહીં.’
શ્યામ રંગ, સ્ત્રૈણ અવાજ અને નાના કદના કેદાર શર્માએ મોટા ગજાની ફિલ્મો આપી, જે હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં એક નવો ચીલો ચાતરવા માટે કારણભૂત બની. લોકપ્રિયતાને કેવળ સફળતાના માપદંડથી માપતા લોકો માટે કેદાર શર્મા યાદ કરવા લાયક નામ નહોતું. ગોસીપ કૉલમિસ્ટો તેમના અભિનેત્રી ગીતા બાલી માટેના એકતરફી પ્રેમને બદનામ કરીને ખાસ્સું નામ કમાયા છે. ‘વન વે ટ્રાફિક’ જેવી પ્રેમની અનેક કથાઓ ઘર-ઘરના ઇતિહાસમાં દફનાવેલી મળશે. મોટા ભાગની વ્યક્તિઓની એક જ કરુણતા હોય છે જે નામ જન્મોત્રીમાં કોતરાયેલું હોય છે, તે કંકોતરીમાં છપાયેલું નથી હોતું. કવિ રમેશ પારેખની જેમ સૌ પોતાની સોનલને સંબોધીને ગીતો નથી લખી શકતાં. એ બાબતમાં કેદાર શર્મા થોડા નસીબદાર હતા. પત્ની કમલાને તે લાડથી ‘કમ્મો’ કહેતા. પત્નીના અચાનક નિધન પછી તે દરેક હિરોઇનમાં પોતાની કમ્મો શોધતાં. એટલે જ ‘સુહાગ રાત’માં ગીતા બાલીના પાત્રને ક્મ્મો નામ આપ્યું હશે. આ ફિલ્મ બાદ તેઓ પોતાની દરેક ફિલ્મમાં ગીતા બાલીને શોધતા હોય એવું જેને લાગ્યું હોય એમાં કેદાર શર્માનો વાંક કેટલો એ શોધવાની ભૂલ આપણે નથી કરવી.
જીવનના સૂર્યાસ્તે તેમણે પોતાની આત્મકથા લખી ‘The one and lonely Kidar Sharma’. તે કહેતાં આમાં ઘણો દારૂગોળો ભર્યો છે. તેના અંતિમ પાના પર તેમણે લખ્યું, ‘Not written by an angel, and angles should avoid it.’ સ્ફોટક સામગ્રીને કારણે જ જીવતેજીવ તેમને કોઈ પબ્લિશર નહીં મળ્યો હોય. ૧૯૯૯ની ૨૯ એપ્રિલે તેમના અવસાન બાદ ૨૦૦૦માં એનું પ્રકાશન થયું.
એ હકીકત છે કે કલાકાર ભીતરથી એકલો હોય છે. એ એકલતા જ તેની સર્જકતા માટેનું ઈંધણ હોય છે. અંતિમ વેળાએ કેદાર શર્માના હોઠ પર આ જ સ્વરચિત ગીત રમતું હશે એ નક્કી છે. ‘આંખો મેં તેરી યાદ લિયે જા રહા હૂં મૈં
દિલ સે તુજે દુઆએ દિયે જા રહા હૂં મૈં
***
આપણા જેવા ‘ડાઈ હાર્ડ’ સંગીતપ્રેમીઓ તેમને યાદ કરીએ ત્યારે કેદાર શર્મા ઉપર બેઠા આ ગીતથી તેમના હોવાનો અહેસાસ કરાવતા હશે એમાં કોઈ શંકા નથી.

કભી તનહાઈયોં મેં યું, હમારી યાદ આયેગી
અંધેરે છા રહે હોંગે, કે બીજલી કૌંધ જાયેંગી

પૃથ્વીરાજની અનિચ્છા હોવા છતાં રાજ કપૂરની જિદને કારણે પિતાએ તેમને કેદાર શર્માને ત્યાં ફિલ્મ મેકિંગની આંટીઘૂંટી સમજવા મોકલ્યા. તેમની એક શરત હતી કે રાજ કપૂરે છેક નીચલા હિસ્સાના મદદનીશની હેસિયતથી કામ શરૂ કરવું પડશે. આમ કેદાર શર્માના ચોથા અસિસ્ટન્ટ તરીકે ક્લૅપર-બૉયની કામગીરીથી રાજ કપૂરની શરૂઆત થઈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK