અમદાવાદમાં ‘એક્કો રાજા રાણી’નો શો હતો અને હરિન ઠાકરે ઠાકોરભાઈ ઑડિટોરિયમ પર આવીને મને કહ્યું,

Updated: 24th November, 2020 15:55 IST | Sanjay Goradia | Mumbai

સંજય, મારે તને એક વાર્તા સંભળાવવી છે...એમ કહી તેમણે મને નાટકની અડધી વાર્તા કિધી

મીઠા લાલની ભેળ માણતા સંજય ગોરડિયા
મીઠા લાલની ભેળ માણતા સંજય ગોરડિયા

ગયા મંગળવારે ભાઈબીજની રજા પછી આપણે આજે ફરી મળીએ છીએ, લગભગ ૧૫ દિવસ પછી, એટલે વાતનું અનુસંધાન જોડવા જૂની વાત રિવાઇન્ડ કરી લઈએ. આપણે વાત કરતા હતા અમારા નાટક ‘એક્કો રાજા રાણી’ની. પ્રવીણ સોલંકીના નાટક ‘ષડ્‍યંત્ર’માં નવા સુધારાવધારા સાથે કરેલા આ નાટકમાં અમે ડિરેક્ટર તરીકે કાન્તિ મડિયાને રિપીટ કરવાને બદલે અમિત દિવેટિયાને લાવ્યા તો નાટકમાં અમિતભાઈએ એક મહત્ત્વનો કહેવાય એવો રોલ પણ કર્યો. મુખ્ય ભૂમિકામાં દીપક ઘીવાલા, જે અમારા આગલા નાટક ‘જમા ઉધાર’માં પણ લીડ રોલમાં હતા. મિત્રો, અહીં મારે એક વાત કહેવી છે. સારા કલાકાર કે સારા કસબીને બને ત્યાં સુધી છોડવા નહીં. એક કામ પૂરું થાય એટલે તરત જ તેમને માટે બીજું કામ તૈયાર રાખવું. જરૂરી નથી કે દરેક વખતે આપણા માટે જ પ્રોજેક્ટ બનાવવા. ટીમ વિખેરાય નહીં અને સારા કલાકાર-કસબીઓ ટીમમાંથી જુદા ન પડે એના માટે પ્રોજેક્ટ કરવાના હોય. મેં અનેક પ્રોજેક્ટ એવી રીતે કર્યા છે. વાત કરીએ ‘એક્કો રાજા રાણી’ની. દીપક ઘીવાલા અને અમિત દિવેટિયા ઉપરાંત નાટકમાં અલીરઝા નામદાર, નિમિષા વૈદ્ય-વખારિયા, નીતિન ત્રિવેદી, રાજેશ મહેતા અને ફાતિમા શેખ પણ હતાં. નાટક રિલીઝ થયું અને બૉક્સ-ઑફિસ પર ઠીકઠાક રહ્યું. શો આવવા માંડ્યા અને આવતા એ શોની વચ્ચે એક દિવસ એવો આવ્યો કે દીપકભાઈએ નાટક છોડી દીધું અને બીજું નાટક ફાઇનલ કરી એમાં લાગી ગયા. લાઇનસર શો હતા, કરવું શું હવે? બહુ લાંબી વિચારણા કરીને હું અને કૌસ્તુભ ત્રિવેદી પહોંચ્યા કાન્તિ મડિયા પાસે. જઈને તેમને કહ્યું કે તમે અમને દીપકભાઈવાળા રોલનું રિપ્લેસમેન્ટ કરી આપો. ઓરિજિનલ નાટક ‘ષડ્‍યંત્ર’માં મડિયા આ રોલ કરતા હતા અને નાટક પણ તેમણે જ ડિરેક્ટ કર્યું હતું, પણ અમે આ બન્ને કામમાં તેમને બાકાત રાખ્યા હતા એટલે સહેજ કચવાટ તો મનમાં હતો જ, પણ મડિયા ખૂબ મોટા મનના માણસ હતા, ગણીને ગાંઠે બાંધવાનું તેમને આવડે નહીં. હું અને કૌસ્તુભ મડિયાને ભાઈદાસ પર મળ્યા અને તેમને વાત કરી. મડિયાએ તેમની ટિપિકલ સ્ટાઇલથી આખી વાત સાંભળી અને જવાબ આપ્યો, ‘હું મનમાં કોઈ કડવાશ રાખતો નથી, હું તમારું આ નાટક કરીશ.’ આવા હતા અમારા કાન્તિ મડિયા. અમને હંમેશાં તેમણે બાળકોની જેમ જ રાખ્યા અને એવો જ વ્યવહાર કર્યો છે. અમારી ન ગમતી વાત કે ભૂલ તેમણે હસતા મોઢે માફ કરી દીધી છે અને એ દિવસે પણ તેમણે એ જ કર્યું તો આગળ પણ તેઓ આ જ કરતા રહેવાના હતા. આગળની વાત સમય આવ્યે કરીશું, પણ અત્યારે આપણે વાત આગળ વધારીએ નાટક ‘એક્કો રાજા રાણી’ની. આ નાટક લઈને અમે ગુજરાતની ટૂર પર ગયા. અમદાવાદમાં શો હતા એ દરમ્યાન એક શોમાં હરિન ઠાકર મળવા આવ્યા. હરિન ઠાકર સાથે મારે વર્ષોજૂનો સંબંધ, સારી મિત્રતા પણ પછી વચ્ચેનો થોડો સમય અમારી વચ્ચે અબોલા રહ્યા. બેમાંથી કોઈ સંપર્ક ન કરે અને એ પછી તેઓ એક દિવસ અચાનક નાટકના શોના સમયે અમદાવાદના ઠાકોરભાઈ હૉલમાં પ્રગટ થયા. ‘સંજય, મારે તને એક વાર્તા સંભળાવવી છે...’ અહીં મારે તમને એક વાત કહેવી છે. ક્યારે કયો રાઇટર ‘દીવાર’, ‘શોલે’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ લઈને આવી જાય એ કોઈ કહી શકે નહીં એટલે ઍક્ટર-પ્રોડ્યુસર તરીકે આંખ-કાન હંમેશાં ખુલ્લાં રાખવાં જોઈએ. આ ઉપરાંત સબ્જેક્ટને સૂંઘવાની ક્ષમતા પણ કેળવવી જોઈએ. મેં પણ બહુ સારા પ્રોજેક્ટ સામે ચાલીને આવ્યા પછી છોડ્યા છે અને એ પછી મને એને માટે ભારોભાર અફસોસ પણ થયો છે. એની વાતો પણ આપણે આગળ કરીશું. અત્યારે વાત કન્ટિન્યુ કરીએ હરિન ઠાકરની. ‘સંજય, મારે તને એક વાર્તા સંભળાવવી છે...’ મેં કહ્યું, સંભળાવો વાર્તા. તેમણે વાર્તા શરૂ કરી અને ઇન્ટરવલ સુધી મને સંભળાવી. ઇન્ટરવલ પૉઇન્ટ પર પહોંચીને તેમણે કહ્યું કે કેવી લાગી વાર્તા, નાટક બનાવવું છે? મેં કહ્યું કે વાર્તા સારી છે, લખવાનું ચાલુ કરો. તેમણે પૂછ્યુંઃ ‘ડિરેક્ટ કોણ કરશે?’ સામાન્ય કહેવાય એવો સવાલ કર્યો તેમણે અને મેં જવાબમાં કહ્યું, ‘તમે... તમે જ ડિરેક્ટ કરશો.’ જવાબ સાંભળીને હરિનભાઈ અચંબિત થઈ ગયા. તેમના મનમાં તો ક્લાઇમૅક્સ સુધીની વાર્તા ક્લિયર હતી, પણ તેમણે મને જાણીજોઈને ઇન્ટરવલ સુધીની જ વાર્તા સંભળાવી હતી. આવું કરવા પાછળનું એક કારણ હતું. અગાઉ તેમણે એક નાટક લખ્યું હતું. વાર્તા બહુ સરસ હતી. એ વાર્તા તેમણે ગુજરાતી નાટકના એક પ્રોડ્યુસરને સંભળાવી. વાર્તા સાંભળીને તો પ્રોડ્યુસર છૂટો પડી ગયો અને પછી તેણે પોતાના રાઇટરને બોલાવીને એ વાર્તા પરથી નાટક લખાવીને રજૂ કરી દીધું અને એમાં હરિન ઠાકરને કોઈ ક્રેડિટ નહોતી આપી. હરિનભાઈ બહુ ઝઘડ્યા એટલે માંડ-માંડ તેમને વાર્તાકાર તરીકેની ક્રેડિટ મળી અને શોદીઠ પ૦૦ રૂપિયાનું કવર આપવાનું નક્કી થયું, પણ અમુક શો સુધી જ એ કવર મળ્યું, એ પછી તો કવર પણ આપવાનું બંધ કરી દીધું.

sanjay go

મુંબઈની ગુજરાતી રંગભૂમિના પ્રોડ્યુસરનો આવો અનુભવ થવાને કારણે અમદાવાદના હરિન ઠાકરે મને ઇન્ટરવલ સુધીની જ વાર્તા સંભળાવી હતી. તેમને મનમાં હતું કે નાટક લખવા આપશે તો હું આગળ વાર્તા સંભળાવીશ, પણ મેં તો નાટક લખવા ઉપરાંત ડિરેક્ટ કરવાની જવાબદારી પણ તેમને આપી એટલે તેઓ ખુશ થઈ ગયા પણ મિત્રો, અહીં એક નાનકડી સ્પષ્ટતા કરું. મેં કોઈ મહાન કામ નહોતું કર્યું, મારો આ જ સ્વભાવ રહ્યો છે. હું માણસ પર વિશ્વાસ રાખું, જે માણસ સારી અને અસરકારક વાર્તા ઘડી શકે, જે વાર્તા પરથી નાટક લખવા માટે સક્ષમ હોય એ ડિરેક્ટર પણ સારો બની જ શકે. જો હું રાઇટરને જ ડિરેક્શન સોંપું તો તે પોતાની જવાબદારી પણ વધારે સારી રીતે સમજીને કામ કરે. મેં હા પાડી એટલે તેમણે નાટક પર કામ શરૂ કર્યું. એ સમયે જ મેં તેમને નાટકનું ટાઇટલ આપ્યું હતું, ‘દેરાણી જેઠાણી’. જોકે તેમને એ ટાઇટલ યોગ્ય લાગ્યું નહીં એટલે તેમણે તરત જ સવાલ કર્યો કે આમાં દેરાણી-જેઠાણી જેવું ક્યાં કંઈ છે. મેં તેમને એ આખો ઍન્ગલ સમજાવ્યો અને એ કન્વિન્સ થઈ ગયા. કાન્તિ મડિયા પણ અમારી સાથે ટૂરમાં જ હતા. મેં તેમને પણ વાત કરી કે નવું નાટક ફાઇનલ થઈ ગયું, જેનું ટાઇટલ છે ‘દેરાણી જેઠાણી.’ મડિયા થઈ ગયા લાલઘૂમ. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. મને કહે કે આવા કન્ટ્રી ટાઇટલ સાથે તું નાટકો કરીશ?! ખાડાની રંગભૂમિમાં કરજે તું તારા નાટકનો શો. મેં તેમને કહ્યું કે કાન્તિભાઈ શાંતિ રાખો, ટાઇટલ કમર્શિયલ છે. ટાઇટલથી પ્રેરાઈને લોકો નાટક જોવા આવશે, જોજો તમે. એ સમયે મેં તેમને કહ્યું પણ ખરું કે વાર્તા પણ સરસ છે અને નાટક સારું બનાવીશું. નાટક તૈયાર થાય એ પછી તમે જોવા આવજો. પછી નાટક ન ગમે તો તમે નાટકને બિન્દાસ વખોડજો અને અમને ગાળો આપજો. ‘આપીશ જ.’ મડિયાએ કહ્યું, ‘તારું નાટક ચોક્કસ જોવા આવીશ અને જો ગમ્યું નહીં તો અત્યારે જેમ આપું છું એમ જ ગાળો આપીશ, તૈયારી રાખજે...’

*****

ફૂડ ટિપ્સ: માટુંગામાં કાઠિયાવાડ

લૉકડાઉનમાં મુંબઈમાં છૂટ મળી એટલે હવે હું અંધેરીથી બોરીવલી સુધી કામ માટે જવા લાગ્યો છું. બે દિવસ પહેલાં સાંજે ૬ વાગ્યે હું કાંદિવલી કામ માટે ગયો અને રસ્તામાં, સાડાછ વાગ્યાની આસપાસ મને કકડીને ભૂખ લાગી. મને રોજ સાંજે નાસ્તો કરવાની ટેવ છે. રોજ તો ઘરેથી ઑફિસે નાસ્તો આવી જાય, પણ રસ્તામાં કેવી રીતે એ શક્ય બને. નાસ્તો બહાર જ કરવાનો વારો આવ્યો એટલે મને થયું કે ચાલો ભેળ કે પાણીપૂરી ખાઈ લઈએ. આઠેક મહિનાથી ખૂમચા પરની વરાઇટી ખાધી નહોતી એટલે મન થાય એ સ્વાભાવિક છે, પણ સાચું કહું, હિંમત થઈ નહીં ખૂમચા પર જઈને ખાવાની. મારો કઝિન વિશાલ ગોરડિયા કાંદિવલીમાં જ રહે. મેં તેને ફોન કર્યો કે ભાઈ કકડીને ભૂખ લાગી છે, તું મને ક્યાં ખાવા લઈ જાય છે? મને કહે કે હું તમને તમારી ફેવરિટ જગ્યાએ લઈ જાઉં. આ ફેવરિટ જગ્યા હતી વડગાદી. ટાઉનમાં જે કેમિકલ બજાર છે એને વડગાદી કહે છે. વડગાદીમાં મીઠાલાલ નામનો એક ભેળવાળો છે, એ ગોલ્ડન ભેળ પણ બનાવે છે. આ ગોલ્ડન ભેળમાં કચોરીનો ચૂરો કરીને એમાં સેવ, તળેલી ચણાની દાળ અને બીજી વરાઇટી નાખી એના પર તીખી અને મીઠી ચટણી મિક્સ કરીને આપે. અદ્ભુત ટેસ્ટ છે આ ગોલ્ડન ભેળનો. અગાઉ વડગાદી ગયો ત્યારે મેં આ ભેળ ખાધી છે. વિશાલે કહ્યું કે મીઠાલાલે મહાવીરનગરમાં દુકાન શરૂ કરી છે. દુકાન કહ્યું એટલે મારામાં હિંમત આવી. આપણે તો પહોંચી ગયા મીઠાલાલને ત્યાં. દુકાન એટલે પીત્ઝાથી લઈને પાસ્તા સુધી બધું હતું, પણ મૂળ વખણાય એની ભેળપૂરી, ગોલ્ડન ભેળ, સેવપૂરી ને એવું બધું. વડગાદીનો જૂનામાં જૂનો જે મીઠાલાલ ખૂમચો છે ત્યાં આજે પણ એનો બાપ ખુદ મીઠાલાલ બેસે છે અને દીકરાઓએ મહાવીરનગરમાં દુકાન શરૂ કરી છે. મિત્રો અદ્ભુત ટેસ્ટ, એવો જ જેવો વડગાદીમાં મળે છે. મિત્રો, ક્યારેય કાંદિવલી જાઓ તો મહાવીરનગરમાં મીઠાલાલ ભેળવાળાને ત્યાં અચૂક જજો, જલસો પડી જશે.

 sangofeedback@gmail.com

First Published: 24th November, 2020 15:48 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK