મુંબઈ, થાણેમાં રિક્ષાભાડું ક્યારથી વધશે?

Published: 12th October, 2011 19:57 IST

છેલ્લા એક મહિનાથી મુંબઈગરાઓનો શ્વાસ અધ્ધર કરી મૂકનારી રિક્ષાવાળાઓની ભાડાવધારાની માગણી તો સરકારે સ્વીકારી લીધી છે, પણ એ અમલમાં ક્યારથી  મુકાશે એની કોઈને હજી જાણ નથી. મુંબઈના રિક્ષાવાળાઓની ૧૯ રૂપિયા સુધીની ભાડાવધારાની માગણીને બદલે આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ)ના કમિશનરે ૫૦ પૈસા વધારી તો આપ્યા, પણ  એ ક્યારથી સામાન્ય લોકો અને રિક્ષાવાળાઓ પર લાગુ કરવામાં આવશે એનો કોઈ પાસે યોગ્ય જવાબ નથી.

 

કાજલ ગોહિલ-વિલ્બેન

મુંબઈ, તા. ૧૨

એનું કારણ આપતાં ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન.  મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૫૦ પૈસાનો જે વધારો નક્કી થયો છે એ મુજબ નવાં ભાડાં ક્યારથી લાગુ થશે એ યોગ્ય રીતે હાલમાં તો કહી શકાય એમ નથી,  કારણ કે નવાં રેટ-કાર્ડ એક વાર છપાઈને બજારમાં આવ્યા પછી જ નવાં ભાડાં લાગુ કરી શકાશે.’

મુંબઈ આરટીઓની હેલ્પલાઇન ખરેખર લોકોને કેટલી મદદરૂપ થઈ રહી છે એ વિશે મોરેએ કહ્યું હતું કે ‘અમારી હેલ્પલાઇન લોકોને યોગ્ય સેવા પૂરી પાડી રહી છે  અને લોકો એનો વધુ ને વધુ ફાયદો લઈ રહ્યા છે. એનું ઉદાહરણ એ છે કે ગયા વર્ષમાં અમને  રિક્ષાવાળાઓની ૫ાંચ હજાર ફરિયાદ મળી હતી, જેનો નિવેડો  લાવવા અમે બરાબર કામે લાગેલા છીએ.’

એક તરફ વેસ્ટર્ન મુંબઈમાં રિક્ષાનાં ભાડાં વધી રહ્યાં છે એવામાં નવી મુંબઈના રિક્ષાવાળાઓને નવી મુંબઈ આરટીઓ અને એમએમઆરટીએ (મુંબઈ મેટ્રોપૉલિટન  રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી)એ રિક્ષાનાં ભાડાં ૧૪ રૂપિયાની જગ્યાએ ૧૧ રૂપિયા કરવા કહ્યું છે. એ વિશે માહિતી આપતાં વાશી આરટીઓના ડેપ્યુટી ઑફિસર સંજય  રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે નવી મુંબઈમાં પેટ્રોલની રિક્ષા ચલાવતા ચાલકોને વિનંતી કરી છે કે તેઓ તેમની રિક્ષામાં ૩૧ ઑક્ટોબર સુધીમાં સીએનજી  (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ)નો ઉપયોગ કરવા લાગે, જેથી અમે ૧ નવેમ્બરથી એમએમઆરટીએને રિક્ષાનું ભાડું ૧૪ રૂપિયાથી ઘટાડીને ૧૧ રૂપિયા કરવાની પ્રપોઝલ  મોકલી શકીએ.

નવી મુંબઈ આરટીઓ લોકોની ભલાઈ માટે ભાડાં ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છે એવામાં કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમની હેલ્પલાઇન કામ કરતી નથી. એ  વિશે ખુલાસો આપતાં સંજય રાઉતે કહ્યું હતું કે અમે હેલ્પલાઇન નંબરનો ફોન એક કર્મચારીના હાથમાં આપ્યો છે અને એ જરૂરી નથી કે તે દરેક વખતે ફોન ઉપાડી શકે  એવી પરિસ્થિતિમાં હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK