Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વડીલો બાળક જેવી જિદ કરે ત્યારે!

વડીલો બાળક જેવી જિદ કરે ત્યારે!

01 July, 2020 04:41 PM IST | Mumbai
Sejal Ponda

વડીલો બાળક જેવી જિદ કરે ત્યારે!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉન પૂરું થયા પછી ધીરે-ધીરે બધું સામાન્ય થાય એના પ્રયત્નો થઈ રહ્યા છે. એની સાથે-સાથે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે કોરોનાના ભયમાંથી મુક્ત થતાં હજી આપણને સહુને વાર લાગશે, પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે એવા વિચાર સાથે અને જીવનનિર્વાહ માટે હવે ઘરનો ઉંબરો ઓળંગવો આવશ્યક બની ગયો છે.
હજી પણ ઘરનાં વડીલો અને બાળકો માટે બહાર નીકળવું હિતાવહ નથી એવું સતત સંભળાયા કરે છે. ત્રણ મહિનાથી ઘરમાં ભરાઈ પડેલા વડીલો હવે સખત અકળાયેલા છે. તેમને હવે ટીવી સાથે બંધાયેલો નાતો તોડીને બહારની ખુલ્લી હવામાં મુક્તિનો આનંદ લેવો છે.
મોટા ભાગના વડીલોની આજની તારીખમાં ફરિયાદ છે કે અમને ઘરના છોકરાઓ બહાર જવા દેતા નથી. આ બાબતે ઘરમાં કંકાશ થાય છે, બોલાચાલી થાય છે, મનભેદ થાય છે. છોકરાઓના મનમાં ડર છે કે જો ઘરના વડીલો બહાર જશે અને ચેપ લાગી જશે તો! તેમના મનમાં વડીલો પ્રત્યે કાળજી છે અને વડીલો એટલા બધા અકળાઈ ગયા છે કે બહાર જવાની જિદ લઈને બેઠા છે ત્યારે છોકરાઓ થોડા આકરા થઈ તેમને વઢી કાઢે છે અને વડીલોનું મન ભરાઈ આવે છે. વડીલોને એમ લાગે છે કે ઘરના છોકરાઓ તેમની પર દબાણ કરી રહ્યા છે. અત્યારે મોટા ભાગના ઘરમાં આ સમસ્યા જોવા મળી રહી છે.
આ ઘટનામાં બન્ને જનરેશન પોતપોતાની જગ્યાએ એકદમ યોગ્ય છે. વડીલોને સતત ઘરમાં રહીને મૂંઝવણ થાય એ સ્વાભાવિક છે અને છોકરાઓને તેમના બહાર જવા પાછળ ચિંતા થાય એ પણ સ્વાભાવિક છે. અમુક સમયે વડીલો બાળક જેવા બની જાય છે જિદ્દી. આપણે નાના હતા ત્યારે ભૂલ કરતાં, જિદ કરતાં ત્યારે આપણા પેરન્ટ્સ આપણને ખીજાતા અને પછી થોડી વાર રહીને આપણી પાસે બેસી કેવા પ્રેમથી સમજાવતા. અત્યારે ઘરના છોકરાઓએ પેરન્ટ્સની આ જૂની ટ્રિક તેમની પર અજમાવવાની છે.
એકધારું સાથે રહેતા હોઈએ ત્યારે વિચારો અને સ્વભાવ ટકરાયા કરતા હોય છે. કાળજી એ પ્રેમ હોવાનો એક પુરાવો છે. જે વ્યક્તિની આપણે કાળજી કરતા હોઈએ એ વ્યક્તિ માટે આપણે પઝેસિવ બની જઈએ છીએ અને તે વ્યક્તિ જો આપણી કાળજીને, તેમના પ્રત્યેની ચિંતાને સમજી ન શકતી હોય અથવા પોતાનું ધાર્ય઼ું કરવા ઇચ્છતી હોય ત્યારે આપણું અકળાવું પણ સ્વાભાવિક છે. ચિંતા અને કાળજીને ન સમજનાર વ્યક્તિ પ્રત્યે આપણે ઘણી વાર ઉદ્ધત બની જઈએ છીએ. આ જ ઉદ્ધતાઈ પ્રૉબ્લેમનું મૂળ છે. વડીલોને જો કાળજીમાં ઉદ્ધતાઈનો અંશ દેખાઈ જાય તો તેમને દુઃખ થાય છે.
જિંદગીમાં અમુક સમય એવો હોય જ્યારે રિવર્સમાં જઈને નાનપણનો સમય યાદ કરવો પડે. પેરન્ટ્સે આપણને કઈ રીતે મોટા કર્યા. ક્યારે ટપાર્યા, અઢળક પ્રેમ આપ્યો એ યાદ કરવું પડે. ચૂપચાપ ઘરમાં બેસો, આવા શબ્દો વડીલોના મનમાં આક્રોશ પેદા કરે છે. શબ્દો
બહુ કમાલનું કામ કરી શકે છે, જો એનો યોગ્ય ઉપયોગ થાય તો. જિદને તોડવા માટે ઘણી વાર મગજ ઠંડું રાખી કામ કરવું પડે.
અત્યારે ચેપ ન લાગે એ માટે બહાર ન જવાની તાકીદ કરતા છોકરાઓની વાત ઘણા વડીલો માનતા નથી. આ માત્ર હાલનું ઉદાહરણ છે, પણ એવી ઘણી બાબતે વડીલો જિદ કરતા હોય છે. આ એવી ઉંમર છે જ્યારે વડીલ બાળક જેવા બની જાય છે એટલે જ તેમને બાળકની જેમ ટ્રીટ કરવાના હોય છે.
હાલની પરિસ્થિતિમાં વડીલ બહાર જવાની જિદ કરે ત્યારે એક કામ થઈ શકે. આપણે તેમની સાથે બહાર જઈ ૧૦ કે ૧૫ મિનિટ ખુલ્લી હવાનો અહેસાસ તેમને કરાવી શકીએ છીએ. ભલેને વડીલ જરા કચકચ કરશે. આપણને સાથે આવવા ના પાડશે એ છતાં જો આપણે ચૂપચાપ તેમની સાથે રહી, તેમની સેફ્ટીનું ધ્યાન રાખી, કોઈને અડી ન જવાય એ રીતે તેમની સાથે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં આંટો મારીએ તો થોડીક તેમને તેમની મૂંઝવણમાંથી રાહત થઈ શકે છે.
અમુક કિસ્સામાં વડીલો બિલ્ડિંગમાં આંટો મારીને આવું છું એમ કહી રસ્તાનો માહોલ જોવા નીકળી જાય છે, જે તેમના માટે જોખમ ભરેલું છે. એ સમયે ખુદ વડીલોએ સમજવાની જરૂર છે. અકળામણને બાજુ પર મૂકી વિચારવાની જરૂર છે કે જો ચેપ લાગ્યો તો એ પછીની પદ્ધતિઓ કેટલી ત્રાસદાયક છે અને ઘરમાં બધાને ભરખી શકે એવી છે એની જાણ તો હવે બધાને થઈ જ ગઈ છે. પોતાની અને પરિવારની સુરક્ષા માટે મનમાં થોડોક ડર રહેવો જરૂરી છે. જ્યારે આપણે સાવ બેફીકર થઈ જઈએ છીએ ત્યારે જોખમ વધી જાય છે અને પછી અફસોસ કરવો પડે કે એના કરતાં જિદ ન કરી હોત તો સારું હતું. કુદરતી આફતનો સમય શાંતીથી પસાર કરવામાં જ સમજદારી છે. સિવાય કે કોઈ બહુ મોટી મજબૂરી હોય અને કમાવા માટે બહાર જવું પડે. જો એવી કોઈ મજબૂરી નથી તો ઈશ્વરનો આભાર માની ઘરમાં બેસી રહેવું વધારે હિતાવહ છે.
જ્યારે બધું સામાન્ય થવાની સ્થિતિમાં છે ત્યારે સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે અને આ સમય જરા વધુ સંભાળવાનું છે. ઘરમાં રહીને શારીરિક અને
માનસિક બન્ને સ્વાસ્થ્ય જાળવવાનું છે. વડીલો આપણી સાથે રહે છે તો આપણે સૌથી વધુ નસીબદાર છીએ એ સમજજો અને અત્યારે તેમનાં મા-બાપ બની તેમને જરૂર સાચવજો.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 04:41 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK