પ્રેમાલાપ પછી પહેલાં પેટપૂજા

Published: Nov 29, 2019, 14:01 IST | Varsha Chitaliya | Mumbai

કૅલિફૉર્નિયાની યુનિવર્સિટીના સંશોધનકર્તાઓનું કહેવું છે કે તેત્રીસ ટકા યંગ ગર્લ્સ માત્ર ખાણીપીણીનો જલસો કરવા ડેટ પર જાય છે. છોકરીઓને ડેટિંગ કરતાં વધુ ખાવામાં રસ હોય છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એનો જવાબ યંગસ્ટર્સ પાસેથી મેળવીએ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

કોઈ યુવક પ્રેમમાં પડે ત્યારે તે યુવતીને સૌથી પહેલાં લંચ અથવા ડિનર માટે ઇન્વાઇટ કરે છે. યુવતી હા પાડે તો ગ્રીન સિગ્નલ સમજીને આગળ વધે છે. પ્રથમ ડેટિંગ અને પ્રપોઝલની આ સ્ટાઇલને લગભગ બધા જ યુવાનો ફૉલો કરે છે. એના પરથી એક વાત ક્લિયર છે કે લવ-અફેરમાં ખાણી-પીણીનો રોલ મહત્વનો છે. બે વ્યક્તિ પ્રેમમાં હોય અને કૅફેમાં ખૂણાના ટેબલ પર ગોઠવાઈ રોમૅન્સ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ તાજેતરમાં કૅલિફૉર્નિયાની યુનિવર્સિટીએ જે અહેવાલ રજૂ કર્યા છે એમાં બીજી દિલચસ્પ વાતો પણ સામે આવી છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે હવે લવ-અફેરની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજે ૩૩ ટકા યુવતીઓ રોમૅન્સ માટે નહીં પણ ખાણી-પીણીનો જલસો કરવા માટે ડેટ પર જાય છે એટલું જ નહીં, તેઓ મોંઘી-મોંઘી આઇટમો ઑર્ડર કરી પ્રેમીનાં ખિસ્સાં ખંખેરી નાખે છે. સાયન્સ કહે છે કે સ્ત્રીનું પેટ ભરેલું હોય તો તેનામાં પ્રેમ કરવાની ભૂખ ઊઘડે છે. જોકે માત્ર ખાવા માટે થઈને યુવતીઓ ડેટ પર જાય એ વાત ગળે નથી ઊતરતી પણ ફૂડી કૉલ જેવી કોઈ અવસ્થા હોઈ શકે છે. જી હા, મનોવૈજ્ઞાનિકો યુવતીઓની આ અવસ્થાને ફૂડી કૉલ કહે છે. ભોજન વગર ભજન ન થાય એ તો સમજ્યા પણ શું ભોજન વગર પ્રેમ પણ ન થાય? ગર્લ્સ ખરેખર ખાઉધરી હોય છે? આવા અનેક સવાલોના જવાબ યુવાનો પાસેથી મેળવીએ.  

ફૂડ સાથે ચેન્જ થાય છે ગર્લ્સનો મૂડ: કેવિન કામદાર, ઘાટકોપર

છોકરીઓને ખાવામાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે એવું રિસર્ચ સાચું જ છે એવો મત વ્યક્ત કરતાં પ્રોડક્શન એન્જિનિયરિંગનો ૨૦ વર્ષનો સ્ટુડન્ટ કેવિન કામદાર કહે છે, ‘છોકરીઓને ખાવા-પીવાની જગ્યાએ મળવાનું વધુ પસંદ હોય છે. તમારે તેમની સાથે કંઈ પ્લાન કરવું હોય તો એવી પ્લેસ શોધવી પડે જ્યાં ટેસ્ટી ફૂડ મળતું હોય. યે તો ટેસ્ટ કિયા હૈ, કુછ ઔર ટ્રાય કરતે હૈં ના, ફલાણી જગ્યાએ તો પહેલાં જઈ આવ્યા છીએ જેવાં નખરાં તેમનાં જોયાં છે. મોટા ભાગની ગર્લ્સને રિપીટ પ્લેસ પસંદ પડતી નથી અને રિપીટ ફૂડ પણ ન ફાવે. તેઓ ખાઉધરી હોય છે એવું તો નહીં કહું. હા, ઘણીબધી ડિશિસ ટ્રાય કરવાનો શોખ હોય છે. કૅફેમાં બેઠાં હોઈએ ત્યારે સામાન્ય રીતે બૉયઝ પોતે મંગાવેલી ડિશ જ ખાતા હોય છે, જ્યારે ગર્લ્સ પોતાની ડિશ તો ખાશે જ સાથે મૈં થોડા સા ટેસ્ટ કરતી હૂં કહીને બાકીના બધાની ડિશમાંથી હાથ મારશે. ગર્લ્સનો મૂડ ફૂડ સાથે ચેન્જ થાય છે એવો મારો અનુભવ છે. કદાચ ફૂડ પેટમાં ગયા પછી રોમૅન્સનો મૂડ બનતો હોય એવું શક્ય છે. જો મારે કોઈ છોકરીને ડેટ પર લઈ જવી હશે તો કૅફેમાં લઈ જઈશ. આમ પણ કૉલેજની કૅન્ટીનમાં મજા નથી આવતી. રોમૅન્સ અને પ્રાઇવસી માટે કૅફેનું એન્વાયર્નમેન્ટ બેસ્ટ છે.’ 

છોકરીઓની ફૂડ હૅબિટના લીધે બૉયઝ પર પ્રેશર વધ્યું છે : માધવ સંઘવી, વિલે પાર્લે

એક વાર અમે બે-ત્રણ બૉયઝ નાસ્તો કરતા હતા ત્યાં મારી એક સો-કૉલ્ડ ફ્રેન્ડનો ફોન આવ્યો કે યાર ક્યાં છે તું? મેં કહ્યું મીઠીબાઈની સામે ઢોસા ખાઉં છું. એટલી વારમાં તો પાછળથી મારા શોલ્ડર પર હાથ રાખીને કહે હાય! એ સામેના રોડ પરથી અમને ઢોસા ખાતાં જોઈ ગઈ તો ફોન કર્યો. આવી ગઈ તો ઑફર તો કરવું જ પડેને એવો જવાબ આપતાં મેકાટ્રૉનિક્સ વિષયમાં બીટેકનો અભ્યાસ કરતો ૨૧ વર્ષનો માધવ સંઘવી કહે છે, ‘છોકરીઓ ફૂડી હોય છે એમાં કોઈ શંકા નથી. કેટલીક ગર્લ્સ તો સારું ફૂડ ન મળે તો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. અત્યારે મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ છોકરીને પ્રપોઝ કરવું હશે તો હું કૉમન ફ્રેન્ડની પાર્ટી અથવા કૅફે પસંદ કરીશ. મારું માનવું છે કે કૅફેના પીસફુલ વાતાવરણમાં બેઠેલી બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય તો રોમૅન્સનો મૂડ આપોઆપ બની જાય છે, એને ફૂડ સાથે ડાયરેક્ટ સંબંધ નથી. જોકે છોકરીઓની ફૂડ હૅબિટના કારણે આજકાલ ઘણા બૉય્‍ઝ ઇન્સિક્યૉરિટી ફીલ કરવા લાગ્યા છે. તેમના પર ગર્લફ્રેન્ડને સારી જગ્યાએ ટ્રીટ આપવાનું પ્રેશર વધ્યું છે. જો એમ ન કરે તો બ્રેકઅપના ચાન્સિસ વધી જાય. બૉય્‍ઝને તો ટપરીની ચા પણ ચાલી જાય છે, પરંતુ ગર્લફ્રેન્ડને ખુશ કરવા તેઓ ફૂડ પર ફોકસ કરતા થયા છે.’

હું ખૂબ ફૂડી છું પણ એના માટે કંઈ ડેટ પર ન જાઉં : ખુશી શાહ, અંધેરી

હું પોતે ફૂડી છું એટલે મને આ રિસર્ચ સાચું લાગે છે એવો જવાબ આપતાં કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની કૉમર્સ સ્ટુડન્ટ ખુશી શાહ કહે છે, ‘ગર્લ્સને ક્યારેક તીખું તો ક્યારેક ચટપટું ખાવાની ઇચ્છા થતી હોય છે. છોકરાઓની તુલનામાં ફૂડ ટેસ્ટિંગમાં છોકરીઓને વધુ રસ પડે એ નૅચરલ છે. મને સ્ટ્રીટ ફૂડનો ચસકો છે. મન થાય તો એકલી-એકલી ચાટ ખાવા ઊપડી જાઉં અથવા બહારથી મગાવી લઉં. બહુ દિવસ સુધી નવું ફૂડ ટ્રાય ન કર્યું હોય તો ફ્રેન્ડ્સ સાથે પ્રોગ્રામ બનાવું. રેસ્ટોરાંમાં કે કૅફેમાં તમે જોજો, ગર્લ્સ દસ વખત મેનુ વાંચશે પછી ઑર્ડર કરશે જ્યારે બૉયઝ કહેશે કંઈ પણ મગાવો, અમને ફાવશે. આ બાબત તેઓ ઍડ્જસ્ટેબલ હોય છે. ફૂડની ચૉઇસમાં ગર્લ્સ કૉમ્પ્રોમાઇઝ નથી કરતી એ સાચું, પણ એની માટે કંઈ તેઓ ડેટ પર ન જાય. જોકે આજકાલ ડિફરન્ટ જગ્યાએ ખાવા-પીવા લઈ જાય તેમ જ શૉપિંગનો ખર્ચ ઉપાડે એવો બૉયફ્રેન્ડ બધાને ગમતો હોય છે. હું હજી કોઈના પ્રેમમાં પડી નથી એટલે કહી ન શકું કે ભવિષ્યમાં મારી ડિમાન્ડ શું હશે. ફૂડ માટે તો હું એકલી બધે પહોંચી જાઉં છું તેથી મને લાગે છે કે ડેટ માટે કૅફે નહીં, મરીન ડ્રાઇવ અથવા બીચ પર્ફેક્ટ પ્લેસ છે.’

છોકરીઓ ફૂડી નહીં, ડાયટ-કૉન્શિયસ હોય છે - શ્રેયા લહેરી, કાંદિવલી

ડાયટ-કૉન્શિયસ ગર્લ્સનું ફોકસ ફૂડ ક્યાંથી હોય એવો સામો પ્રશ્ન કરતાં વીસ વર્ષની ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગની સ્ટુડન્ટ શ્રેયા લહેરી કહે છે, ‘હકીકતમાં બૉય્‍ઝ ફૂડી હોય છે. કૉલેજમાં અમારું ટિફિન ક્યારે તેઓ ઝાપટી જાય છે એની ખબર પણ પડતી નથી. ગ્રુપમાં પ્રોગ્રામ બનાવીને તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હો તો બૉય્‍ઝ રીતસરના ખાવા પર તૂટી પડે છે. હા, ગર્લ્સને નવી-નવી ડિશિસ ટ્રાય કરવાનો શોખ હોય છે એ વાત સ્વીકારું છું પણ તેઓ માત્ર ટેસ્ટિંગ કરે છે, ઝાપટતી નથી. અત્યારે તો મોટા ભાગની ગર્લ્સ ફિગર મેઇન્ટેન કરવા ડાયટ પર ધ્યાન આપતી હોય છે તેથી તેમનામાં ફૂડ કૉલિંગ જેવી અવસ્થા જોવા મળે એવી શક્યતા ઓછી છે. લવ-અફેર માટે બેસ્ટ પ્લેસ કઈ હોવી જોઈએ એ પ્રેમમાં પડનારી બે વ્યક્તિઓ પર ડિપેન્ડ કરે છે. જો બન્ને જુદા-જુદા એક્સપરિમેન્ટ કરવાની શોખીન હોય તો તેમના માટે ફૂડકોર્ટ કે અન્ય કૅફે બેસ્ટ જગ્યા છે. અત્યારની જનરેશન ડેટિંગ માટે સામાન્ય રીતે કૉફીશૉપ પસંદ કરે છે. અહીં ઘોંઘાટ નથી હોતો અને તમે લાંબો સમય સુધી બેસી શકો છો. કૉફીની ચુસકી, પ્રાઇવસી અને વાતો થાય છે. આવી જગ્યાએ ફૂડના ઑપ્શન ખૂબ ઓછા હોય છે તેથી ખાવા માટે ડેટિંગ પર જાય છે એવું કહેવું યોગ્ય નથી.’

સાઇકોલૉજિસ્ટ શું કહે છે?

સાઇકોલૉજિકલ સ્ટડી પ્રમાણે કોઈ પણ વસ્તુની મનમાં તીવ્રતા જાગે એટલે તમે એને શોધવા ફાંફાં મારવા લાગો. એમાં જો તમને કોઈ વસ્તુનું ઍડિક્શન હોય તો તમને શાંતિથી જંપવા ન દે. કોઈ કામમાં તમારું કૉન્સન્ટ્રેશન ન રહે. યંગ જનરેશનમાં આજકાલ જન્ક ફૂડનું ઍડિક્શન એટલું વધી ગયું છે કે એના માટે તેઓ કોઈ પણ માર્ગ અપનાવવા લાગ્યા છે. આ એક પ્રકારનો માનસિક રોગ છે એમ જણાવતાં બોરીવલીનાં સાઇકોલૉજિસ્ટ હિરલ શાહ કહે છે, ‘ફૂડ કૉલિંગ બીજું કંઈ નહીં, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર છે. છોકરી હોય કો છોકરો, આ રોગ કોઈને પણ થઈ શકે છે. ફૂડ માટે છોકરીઓ ડેટિંગ પર જાય છે એવો રિપોર્ટ દરેકને લાગુ ન પડે, પરંતુ શક્ય છે છોકરીઓમાં આ બાબત વધુ જોવા મળતી હોય. આપણે ત્યાં સામાન્ય રીતે યુવકો ખર્ચો ઉપાડતા હોય છે. નવી-નવી વાનગીઓ ટેસ્ટ કરવા મળે, તમારા શોખ પૂરા કરે એટલે સ્વાભાવિક છે જ્યારે જન્ક ફૂડ ખાવાની તીવ્રતા જાગે તમે ઑટોમૅટિકલી એ તરફ વળી જાઓ. યુવક તરફથી એક વાર રિસ્પૉન્સ મળે એટલે તમારી નેક્સ્ટ ઍક્શન પણ એ જ દિશામાં હોય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK