એકલવ્ય, ગુરુ દ્રોણાચાર્ય અને બેસ્ટ કામની નીતિ

Published: 17th October, 2020 20:17 IST | Sanjay Raval | Mumbai

એકલવ્યને કોઈના સર્ટિફિકેટની જરૂર નહોતી અને તમારે પણ એ જ નીતિ રાખવાની છે. કોઈ સર્ટિફિકેટ ન આપે, કોઈ વખાણ ન કરે તો પણ તમારે તમારું બેસ્ટ કામ કરતા રહેવાનું. બેસ્ટ બનવાની એ જ સાચી નીતિ અને એ જ સાચી રીત

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જે કરો એ બેસ્ટ કરો.

આ ટોપિક પર આપણે અગાઉ વાત કરી છે અને આજે પણ આપણે આ જ વિષય પર વાત કરવાની થાય છે. યાદ રાખજો કે કોઈ પણ કામ કરવા માટે તમારે એ કામની પૂર્વતૈયારીઓ કરવી પડે અને જેકાંઈ કરવું હોય એ બેસ્ટ જ કરવાનું છે એટલે એની પૂર્વતૈયારીઓ પણ બેસ્ટ કરવાની છે. તમે શરૂઆત કરો નાના કામથી. દરેક માણસ આ જ રીતે પોતાની શરૂઆત કરે અને એ જ સાચી રીત કહેવાય, પણ જો કોઈ એમ કહેતું હોય કે તેણે સીધી જ મોટા કામથી શરૂઆત કરી હતી તો માનવું કે તેને એ કામ વારસામાં મળ્યું છે કે પછી કોઈએ તેને સીધી જ મોટી જવાબદારી આપી દીધી છે. નાના લેવલથી કામ કરવામાં એક તકલીફ છે. તમે જ્યારે નાના લેવલથી શરૂઆત કરો ત્યારે હંમેશાં એક ખાસ પ્રકારનો ડર રહ્યા કરે કે શું થશે, કેવી રીતે કરીશ, શું કરવાનું છે, ક્યાંથી શરૂ કરીશ, કેવી રીતે શરૂ કરવાનું છે અને કેવી રીતે કામ પૂરું થશે?

દોસ્તો, આ પ્રકારનો ડર દરેકને નવું કામ શરૂ કરતી વખતે લાગતો જ હોય છે એટલે આવા ડરથી ગભરાવું નહીં, પણ યાદ રાખવું કે કોઈ પણ કામ ત્યાં સુધી જ અઘરું છે જ્યાં સુધી એ આવડતું નથી. કોઈ કામ આવડવા માંડે તો પછી એ જ કામ સહેલું થઈ જાય અને જે કામ સહેલું થઈ જાય એ જ કામ જો એકધારું ચાલતું રહે તો એ કામમાં ધીમે-ધીમે માસ્ટરી આવી જાય અને જો એક વાર માસ્ટરી આવી જાય તો એ એક જ કામ અલગ-અલગ ૧૦૦ રીતે કે પછી ૧૦૦૦ રીતે પણ તમે કરી શકો અને એના શૉર્ટકટમાં પણ તમે માસ્ટર બની જાઓ. આ જ હકીકત છે અને આ હકીકત હોય તો પછી ડર શું કામ રાખવાનો. એક સમય હતો જ્યારે મને પણ ડર લાગતો હતો કે બધા વચ્ચે બોલવાનું આવે ત્યારે શું બોલીશ અને કેમ બોલીશ, લોકોને મારું બોલવાનું ગમશે કે નહીં, મારા પર લોકો હસશે તો કેવો ફજેતો થશે? આટલા લોકો મળવા માટે આવે છે એ લોકો મારી કેવી છાપ લઈને જશે? આને સ્ટેજ-ફીઅર કહેવાય અને આ સ્ટેજ-ફીઅર પરથી જ મને ખબર પડી કે ક્યારેય જજમેન્ટલ નહીં થવાનું અને સામેની વ્યક્તિના જજમેન્ટની ચિંતા પણ નહીં કરવાની. આ કૉલમ લખવાની શરૂ કરી ત્યારે એવો જ ડર મને મનમાં હતો કે હું લખીશ એ કેવું લખીશ અને લોકો એ વાંચશે તો તેમને કેવું લાગશે, પણ મને સમજાઈ ગયું કે મારે જજમેન્ટલ બનવાની જરૂર નથી. મારે મારું કામ બેસ્ટ રીતે કરવાનું છે અને આ એક જ સચ્ચાઈ છે. આ સચ્ચાઈ સમજી લીધા પછી હવે હું જેકંઈ બોલું છું, લખું છું કે પછી કામ કરું છું એ દરેક દિવસે અલગ હોય છે અને એમાં કંઈક નવીન ઉમેરો કરવાનો પ્રયત્ન કરતો રહું છું.

તમે પણ નવી શરૂઆત કરો અને તમે ધીરે-ધીરે આગળ વધો અને એ શરૂઆતની સાથે-સાથે એ પણ યાદ રાખો કે જે કામ હાથમાં છે એ બેસ્ટ જ કરવું છે. બેસ્ટ કરવા માટે મનમાં ગાંઠ વાળી લો કે આ કામ મારા કરતાં સારું બીજું કોઈ કરી શકશે નહીં, આ કામ માટે તમે જ બેસ્ટ છો અને એટલે જ તમે એ કામ કરી રહ્યા છો. ભલે તમે નોકરી કરતા હો કે પછી તમારો પોતાનો ધંધો હોય. કૉમર્સ ભણતા હો કે પછી સાયન્સ અને બાઇક ચલાવતા હો કે કાર કે પછી ફાઇટર પ્લેન, પણ આ બેસ્ટ રિઝલ્ટ આપવાની આદત છોડતા નહીં. ઘણાને તમે જોજો, તે બાઇક કે કાર ચલાવતા હશે ત્યારે એકદમ પર્ફેક્ટ રીતે ચલાવવાનું કામ કરશે. જરા પણ ભૂલ ન કરે. જરા પણ જજમેન્ટ ખોટું ન પડે અને તેમણે જે રેડિયસથી કારને વાળી હોય કાર એ જ પ્રમાણે કોઈને પણ અડ્યા વગર નીકળી જાય અને જેની બાજુમાંથી કાર પસાર થઈ હોય તેને પણ સહેજઅમસ્તો ડર ન લાગ્યો હોય. આવું કેમ? આ જે કૉન્ફિડન્સ છે એ કૉન્ફિડન્સ બેસ્ટ રિઝલ્ટ આપવા માટેનો છે. જીવનમાં જો કોઈ કામ કરવાનું હોય તો એમાં પહેલું કામ છે બેસ્ટ કામ કરવું અને બીજું કામ છે કે બેસ્ટ કરવાની નીતિને સતત વળગેલા રહેવું. મેં આગળ કહ્યું એમ, તમે કોઈ કામ સતત બેસ્ટ રીતે કરતા રહો તો પછી તમને એ કામમાં ફાવટ આવી જ જવાની છે અને પછી તમારું કોઈ જજમેન્ટ ક્યારેય ખોટું પડવાનું નથી. આ જજમેન્ટ લાવવા માટે તમારે સતત હાર્યા અને થાક્યા વગર કામ કરતા રહેવાનું છે. જો તમે બેસ્ટ કરવાની આદત કેળવવા માગતા હો તો એક જ કામને સરસમાં સરસ રીતે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે પૂરું કરવાની નીતિ રાખો, તમને એક દિવસ ચોક્કસ બધું બેસ્ટ કરવાની આદત પડી જશે.

નાના હતા અને સ્કૂલમાં ભણવા જતા ત્યારે ટીચર હોમવર્ક ચેક કરતા અને પછી હોમર્વકમાં ગ્રેડ આપવાનું કામ કરતા. આ હોમવર્કમાં જયારે A+ ગ્રેડ આવે ત્યારે કેટલો આનંદ થાય. એના પછી જ્યારે ટીચર લેશન આપે ત્યારે આપણે એવું જ લેશન કરીએ કે ટીચર બીજી વખત પણ A+ ગ્રેડ જ આપે. પ્રૉબ્લેમ એ થયો છે કે આ નાનપણની આદત હવે આપણામાં રહી નથી, હવે કોઈ વખાણ કરવાનું નથી એની આપણને ખબર પડી ગઈ છે એટલે જ આપણે કોઈ કામને A+ ગ્રેડની કૅટેગરી સુધી લઈ જતા નથી. જેવું કામ હાથમાં આવે કે બસ, કરવા ખાતર એ કરી નાખો છો. શું ફરક પાડવાનો છે. હા, સાચું છે આ શું ફરક પડવાનો છે, પણ સામેવાળાના દૃષ્ટિકોણથી એ સાચું છે, તમારે માટે આ સાચું નથી, તમારે માટે તો આ ખરાબ જ છે. જે કામ તમે કરવા ખાતર કરીને આપી દીધું છે એ જ કરવા ખાતર કામ કરવાની નીતિ તમારામાં ધીરે-ધીરે ઘર કરવાનું શરૂ કરી દેશે અને તમે ક્યારેય કોઈ કામ બેસ્ટ નહીં કરી શકો.

વિચારો ફક્ત કામ પતાવી દેવાના રસ્તે ચાલો તો તમારી આદત પણ એ જ થવાની છે. બેસ્ટ કરવાની આ રીત જ નથી. બેસ્ટ કરવા માટે તો તમારે સતત બેસ્ટ કરવાની રીતો વિશે હોમવર્ક કરતા રહેવું પડે અને હોમવર્ક કરતા રહો તો અને તો જ ધીમે-ધીમે તમને A+ ગ્રેડ લેવાની આદત પડે અને એ આદત પછી બધું કામ બેસ્ટ કરવું એ તમારી રીત બની જાય.

કોઈ વખાણ ન કરે તો ચિંતા નહીં કરવાની. અરીસા સામે ઊભા રહેવાનું અને જાતને શાબાશી આપવાની અને કહેવાનું કે ‘વાહ, શું કામ કર્યું છે. આગળ પણ આવી જ સારી રીતે કામ કરતા રહેજો.’

શું જરૂર છે તમારે બીજા લોકોના સર્ટિફિકેટની. તમે જ તમારી જાતને મૂલવીને શાબાશી આપી શકો છો અને એમાં કોઈ ટૅક્સ પણ નથી લાગવાનો. વખાણ માટે કે પછી શાબાશી માટે તમારે બીજાની રાહ જોવાની જરૂર નથી. તમારી જાતને આપેલી શાબાશી પણ તમને એક નવું જોમ આપશે અને એ જોમ થકી જો કામ બેસ્ટ રીતે કરતા રહેશો તો દુનિયા એક દિવસ તમને શોધવા નીકળશે અને પછી એ લોકો તમને શાબાશી આપશે. કહો જોઈએ, એકલવ્યને કોણે બાણ પકડતાં અને નિશાન લેતાં શીખવ્યું હતું? જેટલી વખત એકલવ્ય ફેલ થતો ત્યારે તેને કોણ સધિયારો આપવા આવતું? જ્યારે પણ તે બેસ્ટ રીતે નિશાન તાકતો ત્યારે તેને કોણ શાબાશી આપતું?

જવાબ છે, કોઈ નહીંને?

એકલવ્યે મનોમન નક્કી કર્યું હતું કે જેને મેં મનથી ગુરુ માન્યા છે એ આજે નહીં તો કાલે, પણ મને ઓળખી જશે અને એ જે દિવસે ઓળખી જશે એ દિવસ એ જ મારી શિષ્ય-ભક્તિ. કયા દિવસે ગુરુ તેને ઓળખશે એની તેને ખબર નહોતી એટલે તે પોતાની રીતે બેસ્ટ કરતો રહ્યો અને દરેક ક્ષણને બેસ્ટ રીતે જીવવા માંડ્યો. તમારે પણ એ જ રીતે બેસ્ટ કરવા માટેનીઆદત રાખવાની છે. દુનિયા જે દિવસે પૂજવા આવે ત્યારે તમારે પૂજનીય બનવાનું છે અને એની શરૂઆત આજથી કરવાની છે.

આજથી અને આ ઘડીથી.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK