શું સ્ત્રી જાતે પોતાનો નિર્ણય લઈ શકે છે?

Published: 7th November, 2012 06:50 IST

ઓછું ભણેલી હોય કે શિક્ષિત, ઘણી મહિલાઓ આજેય પતિને પૂછ્યાં વગર એક ડગલું પણ આગળ વધી શકતી નથી. ક્યાંક આત્મવિશ્વાસની કમી હોય છે તો ક્યાંક તેને અભિપ્રાય આપવાનો અધિકાર જ નથી આપવામાં આવતોબુધવારની બલિહારી - કિરણ કાણકિયા


ગ્રૅજ્યુએટ થયેલી મલ્લિકાનો પોતાનો સંસાર છે. બે દીકરા અને બે દીકરી પરણેલાં છે. મલ્લિકાની જીવન પ્રત્યેની એક ચોક્કસ દૃષ્ટિ છે. વ્યાવહારિક સૂઝબૂઝ છે, સમજણ છે; છતાં પણ પોતાના નિર્ણયો જાતે લઈ શકતી નથી. ધાર્મિક પ્રવચનમાં જવાનું હોય કે સાહિત્યગોષ્ઠિ માણવાની હોય, 

સારા-માઠા પ્રસંગે જવાનું હોય કે હૉસ્પિટલમાં જવાનું હોય, નાની-મોટી ચીજોની કે ઘરેણાંની ખરીદી કરવાની હોય, દીકરીઓના સાસરે વ્યવહાર કરવાનો હોય કે સગાં-સંબંધીઓને ત્યાં વ્યવહાર કરવાનો હોય કે પછી પિક્ચર કે પિકનિક પર જવાનું હોય. આ અને આવા અનેક પ્રસંગોમાં મલ્લિકા જાતે નિર્ણય લઈ શકતી નથી. પતિને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ મંડાતું નથી. લગ્નજીવનને પાંત્રીસ વર્ષ થયા હોવા છતાં મલ્લિકા નાનકડો નિર્ણય પણ જાતે લઈ શકતી નથી. આ વિચારમાત્ર ખળભળાવી જાય એવો છે.

શું સ્ત્રી જાતે નિર્ણય લઈ શકે છે?


શું તમે તમારા નિર્ણય જાતે લઈ શકો છો ખરાં? સ્ત્રી તરીકે તમારે આ પ્રશ્ન તમારી જાતને જ પૂછવાનો છે.

ચંચળ મન

માનવીનું મન ચંચળ છે. તેના મનમાં કાયમ અવઢવ ચાલતી જ રહે છે. હું આમ કરું કે આમ કરું. બહાર જાઉં કે ન જાઉં. સાડી કે ડ્રેસ ગમી ગયો હોય તો લેવો કે ન લેવો? આમ મન સંકલ્પ-વિકલ્પ વચ્ચે ઝૂલ્યા કરે છે. કોઈ પણ બે વિચાર આવે તો એક વિચારનો અમલ કરવા માટે નિર્ણય તો કરવો જ પડે. હવે આ નિર્ણય માણસની બુદ્ધિ કરે છે. એવું પણ નથી કે બુદ્ધિમાં દૃઢતા હોવી ખૂબ જરૂરી છે. પરિણામે બુદ્ધિ નિર્ણય લઈ શકે છે.

દૃઢ આત્મવિશ્વાસ

આધુનિક યુવતી ભલે બહારથી બોલ્ડ લાગતી હોય, સ્માર્ટ ડ્રેસિસ પહેરીને મહાલતી હોય, નૉન-સ્ટૉપ ઇંગ્લિશ બોલતી હોય; પરંતુ કોઈ બાબતમાં પોતાનો નિર્ણય લેવાનું સરળ કાર્ય તેને લોઢાના ચણા ચાવવા જેવું કપરું લાગે છે. બહુ ઓછા પરિવારોમાં સ્ત્રીઓ નાનપણથી નિર્ણય લેતાં શીખતી હોય છે અને પોતાની વાત નિર્ભય બનીને રજૂ કરી શકે છે. આ માટે પણ તેમના પરિવારને જશ આપી શકાય. અહીં એક સત્ય ઘટનાની વાત કરું. સાધારણ સ્થિતિ ધરાવતાં માતા-પિતાને ચાર દીકરી અને બે દીકરા. નાનણપથી જ ઘરમાં સ્વતંત્રતાનું વાતાવરણ. પિતા સ્વભાવે કડક, પરંતુ બાળકોને સ્વતંત્ર રીતે વિકસવા દીધાં. આત્મગૌરવ, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનના પાઠ ભણાવ્યા.

કોઈ પણ સંજોગોમાં હારી

ન જતાં, નિર્ણય લઈ મુકાબલો કરતાં શીખવ્યું. આજે આ બધાં ભાઈ-બહેનોએ દૃઢ આત્મવિશ્વાસને કારણે પોતાની ઓળખ ઊભી કરી છે. જેની નિર્ણયશક્તિ પાવરફુલ હોય તે ક્યારેય પાછો પડતો નથી.

મનોબળની ઊણપ

એવું પણ નથી કે શિક્ષિત સ્ત્રીઓ જીવનમાં પોતાના નિર્ણય લઈ શકે છે. ઘણી સ્ત્રીઓ ઓછું ભણેલી હોય, છતાં કોઠાસૂઝ ધરાવતી હોય. મનમાં આત્મશ્રદ્ધા દૃઢ હોય તો તે પણ નિર્ણય લઈ શકતી હોય છે. નિર્ણયશક્તિને શિક્ષણ, સંપત્તિ કે સ્થાન સાથે કોઈ લેવાદેવા નથી. કેટલીક સ્ત્રીઓ એટલીબધી ડિપેન્ડેન્ટ હોય કે નાની-નાની વાત પૂછી-પૂછીને કરતી હોય. ક્યાંય પોતાનો વિચાર કે મત વ્યક્ત જ ન કરી શકે. તમે કરો એ બરાબર. તમે કરો એ સાચું. આવું બોલીને પતિરૂપી વૃક્ષના છાંયડામાં બેસીને મહાલતી હોય. આવી સ્ત્રીઓના પતિનું ઘરમાં એકહથ્થુ શાસન ચાલતું હોય છે; કેમ કે આવી સ્ત્રીઓ લગ્ન પહેલાં પિતા, લગ્ન પછી પતિ અને ત્યાર પછી પુત્રને આધીન રહેતી હોય છે. મનોબળની ઊણપને કારણે આવી સ્ત્રી માનસિક રીતે પંગુ બની ગઈ હોય છે. આ ઢાંચામાંથી બહાર આવવા તેણે મનમાંથી હીન ભાવના કાઢી આત્મવિશ્વાસ જગાવવાની જરૂર છે. આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચયથી નિર્ણયશક્તિ ખીલી ઊઠે છે. જીવન જીવવાની ચાવી તેને હાથ લાગી જાય છે.

પતિને પૂછવું પડે


આર્થિક રીતે પગભર થયેલી મોટા ભાગની સ્ત્રીઓ કબૂલ કરે છે કે નાના-નાના નિર્ણયો અમે લઈએ છીએ, પરંતુ જ્યાં પૈસાનું રોકાણ કરવાનું હોય કે મોટી વસ્તુ ખરીદવાની હોય ત્યાં પતિને પૂછવું પડે છે.

શિક્ષિત સ્ત્રીએ હજી પણ પુરુષોના તાબામાં રહેવું પડે છે એવું ઘણાં ઘરોમાં જોવા મળે છે, પણ આનાથી ઊલટું દૃશ્ય પણ જોવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ હોશિયાર, સ્માર્ટ અને તીવ્ર નિર્ણયશક્તિ ધરાવતી હોય છે તો તેમના ઘરમાં તેઓ પોતે જ નિર્ણય લેતી હોય છે અને પતિ અને પરિવાર તેના નિર્ણયને માનભેર વધાવતા હોય છે.

જાતને તૈયાર કરો


સ્ત્રીએ હિંમત કેળવવાની જરૂર છે. મનમાં દૃઢ આત્મવિશ્વાસ હશે તો ચોક્કસ નિર્ણય લેવાની હિંમત આવશે. અન્યાયનો સામનો કરી શકશે. કોઈની હામાં હા મેળવતાં તે વિચાર કરશે. પોતાના વિચારોને સ્પષ્ટતાથી રજૂ કરી શકશે.

બહેનો, ઘરનું વાતાવરણ એવું બનાવો કે બાળકોમાં નાનપણથી જ સ્વયંમાં શ્રદ્ધા, વિશ્વાસ અને નિશ્ચયનો ત્રિવેણી સંગમ રચાય. કોઈ પણ જાતના ભેદભાવ વિના દીકરીનો પ્રેમભાવથી ઉછેર કરો, જેથી ભવિષ્યમાં તે ખુદમાં શ્રદ્ધા રાખી શકે અને ખુદ-બ-ખુદ નિર્ણય લેવાની શક્તિ ધરાવી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK