આ વાંચવાથી તમને શું મળશે?

Published: May 24, 2020, 23:57 IST | Dinkar Joshi | Mumbai

કશુંક કામ કરતાં ધાર્યું ફળ ન મળે અને ઊલટું ગાંઠનું ગોપીચંદન વપરાઈ જાય ત્યારે અનુભવ મળે છે. કોઈ પણ પ્રવૃત્તિને અંતે કંઈને કંઈ તો મળે જ છે. જરૂર છે એને સમજતાં શીખવાની

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મિત્રના મિત્ર હોવાને કારણે થોડા વખતે મારા પણ મિત્ર બની ગયેલા એક નિવૃત્તિ કાળ ભોગવતા સજ્જને વાત-વાતમાં એક વાર મને કહ્યું, ‘કામ વિના કંટાળો આવે છે. કંઈક સારું કામ બતાવો તો સારું.’ તેમના શરીરનો બાંધો સુદૃઢ હતો. અભ્યાસ સારો હતો. વક્તૃત્વ શક્તિ કોઈને પણ સમજાવી શકે એવી હતી એટલું જ નહીં, પૈસેટકે સુખી હતા. એટલે મેં તેમને એક-બે કામો દર્શાવ્યાં. ‘ફલાણી શિક્ષણસંસ્થામાં તમે વિદ્યાર્થીઓને ભણાવી શકો.’ અથવા તો ‘ફલાણા ટ્રસ્ટની હૉસ્પિટલમાં તમે રોજ બે-ત્રણ કલાક આપી શકો.’ મિત્રે થોડીક વધુ માહિતી જાણવા માગી. મેં આપી એટલે તેમણે છેલ્લે પ્રશ્ન કર્યો, ‘એ તો ઠીક પણ મને આમાં શું મળશે?’ તેમના આ શું મળશે પ્રશ્નના ઉત્તરમાં સમજદાર હોય તો સમજી શકાય એવી રીતે મેં કહ્યું, ‘તમારો સમય પસાર થતો નથી એ સમય પસાર થશે.’
સમય પસાર કરવો એટલું શું? એવો પ્રશ્ન ક્યારેક સાવ નિરાંતે આપણે આપણી જાતને પૂછવા જેવો છે. કશુંક કામ કરતાં ધાર્યું ફળ ન મળે ઊલટું ગાંઠનું ગોપીચંદન વપરાઈ જાય ત્યારે એક ખાસ પ્રકારનો અનુભવ મળે છે. કામની ધારી સફળતા નથી મળતી એ વાત સાચી, પણ કંઈ પણ કામ આદરીએ એને પૂરું કરવા મથીએ, અડધું પૂરું થાય અને ન પણ થાય ત્યારે આપણે હતાશાથી બબડીએ, ‘નકામો ટાઇમ બગડ્યો. કંઈ મળ્યું નહીં.’
આમ `મળવું’ શબ્દ સમજવા જેવો છે. મળવું એટલl કશુંક પદાર્થલક્ષી, આંગળી ચીંધીને દેખાડી શકાય એવા લાભથી દર્શાવી શકાય એને આપણે મળવું કહીએ છીએ. એક શ્રીમંત મિત્રે કશોક ઉદ્યોગ કરવાનું વિચાર્યું. આજીવન ધંધો ઉદ્યોગ કરેલો નહીં. પિતાના પુષ્કળ પૈસા હોવાને કારણે અડધી જિંદગી આ પૈસાનો ઉપયોગ જ કરેલો. હવે તેમને થયું, કશોક ધંધો કરવો જોઈએ. ધંધાના જાણકાર એક મિત્ર સાથે તેમણે ગોઠવણ કરી. બન્નેએ ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. પાંચેક વરસ ધંધો ચાલ્યો, પણ પછી ખબર પડી કે ધંધામાં પાઈનીયે પેદાશ થઈ નથી અને બધી મૂડી ખવાઈ ગઈ છે. ધંધો આટોપાઈ ગયો એટલે કોઈકે પેલા મિત્રને પૂછ્યું, ‘તમને આમાં શું મળ્યું?’ મિત્રે કહ્યું, ‘મને અનુભવ મળ્યો અને મારા ભાગીદારને ધન મળ્યું.’ અહીં ટૂંકાણમાં કહેવાનો આશય એટલો જ હતો કે કોઈ પણ પ્રવૃત્તિને અંતે કોઈને પણ કાંઈ નથી મળતું એવું નથી. કંઈને કંઈ મળે જ છે. પણ એને સમજતાં, એને મૂલવતાં શીખવું જોઈએ.
વિચારવા જેવો એક સવાલ એવો પણ કરી શકાય કે આપણે જે કંઈ પણ કામ કરીએ એના ફળ રૂપે કશુંક મળવું જ જોઈએ એ જરૂરી છે? થોડાક સમય પહેલાં ઘરની ગૅલરીમાં ખુરશી ઢાળીને હું ઉઘાડા આકાશને નિરાંતે જોઈ રહ્યો હતો. થોડાંક વૃક્ષો આમતેમ લહેરાતાં હતાં. આકાશમાં હલકાં ફૂલ લાગતાં વાદળો આમતેમ દોડાદોડી કરી રહ્યાં હતાં. સામેના વૃક્ષ ઉપર બેઠેલું એક પંખી દેખીતા કારણ વિના જ ત્યાંથી ઊડ્યું, ઊડીને એ ઉપર ચડ્યું, ઉપરથી નીચે ઊતર્યું, નીચેથી સામે ગયું અને પછી ચકરાવો લઈને પાછું એ વૃક્ષની એ જ શાખા ઉપર જ્યાંથી એણે ઉડાન ભરી હતી ત્યાં જ બેસી ગયું. એની આ યાત્રા સકારણ હશે કે પછી અકારણ એ તો કોણ જાણે. હવે મારા મનમાં સવાલ થયો કે ‘જો આ પક્ષીને ત્યાંને ત્યાં જ બેસવું હતું તો પછી ઉડાન શા માટે ભરી?’ પછી થયું ‘બનવા જોગ છે પક્ષીએ આનંદ માટે આ ઉડાન ભરી હોય.’ આપણે આનંદને વળતર તરીકે ગણતરીમાં લેતા નથી. આપણી દૃષ્ટિએ આનંદ એ દેખીતું વળતર નથી. પક્ષીઓની દુનિયામાં કદાચ એમ ન પણ હોય.
અમથું અમથું કંઈ પણ કરવાને જાણે આપણે ટેવાયેલા જ નથી. જે કંઈ કરીએ એમાં કશુંક વળતર મળવું જ જોઈએ એવી ગણતરી આપોઆપ થઈ જાય છે.
માણસે ભૂમિ ઉપર પોતાનું આધિપત્ય મેળવ્યું, દેશની સરહદો કરી અને પછી એ સરહદોનાં નામ પાડ્યાં. સમુદ્ર અતલાંત અને વિશાળ છે. તો પછી એ સમુદ્રની સરહદો પણ કાગળ ઉપર ઉતારીને એનાંય નામ પાડ્યાં. આકાશને કોઈ લંબાઈ, પહોળાઈ, કે ઊંચાઈ નથી ને છતાં આ આકાશના માપ માંડીને એની સરહદો પણ વેંહચી લેવામાં આવી છે. ઘણાં વર્ષો પહેલાં જ્યારે આંતરરાષ્ટ્રીય આકાશી સરહદો વિશે હું કશું જાણતો નહોતો ત્યારે મકર સંક્રાંતિના એક દિવસે આ જ્ઞાન મળ્યું હતું. અમારા ઘરની અગાસી ઉપરથી પતંગ ઉડાડતાં બાજુવાળાના ઘરની અગાસી ઉપર ઊડતો એક પતંગ અમે લપેટ્યો. આ લપેટાયેલો પતંગ અને માંજો પોતાનો કહેવાય એવો બાજુવાળાની અગાસી ઉપરથી પતંગ ઉડાડનારાઓએ દાવો કર્યો બોલાચાલી વધતી ગઈ. ઝઘડો થયો. વાત હાથોહાથ ઉપર આવી ગઈ. આ દરમિયાન પેલો લૂંટાયેલો પતંગ ક્યાં ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. પણ અહીં પહેલી જ વાર આકાશ ઉપર પણ કોઈનો અધિકાર હોય છે એનો મને અનુભવ થયો.
માણસ પતંગ ઉડાડે કે પછી આકાશની સરહદોને માપે, તેનું આયુષ્ય તો વધુમાં વધુ ૧૦૦ વરસ જ છે. મહાકાળના માપદંડમાં ૧૦૦ વરસ આંખનો પલકારો છે. પરમાત્માએ માણસને ૧૦૦ વરસ આપ્યાં તો એ સાથે જ એવા કેટલાય જંતુઓ પણ છે જેમને થોડા કલાકનું જ આયુષ્ય મળ્યું છે. આ થોડાક કલાકમાં એ માણસની જેમ વાત-વાતમાં કામનું વળતર મા‍ગતા હશે કે કેમ એ સર્જનહાર જાણે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK