રામાયણ, મહાભારત સહિત અનેકવિધ દેવી-દેવતાઓની સિરિયલ તેમ જ સાસુ-વહુના વિવાદ, કૃત્રિમ પ્રેમના પથારા, ફાલતુ કૉમેડીના ડ્રામા વગેરે આપણે વારંવાર જોતા રહીએ છીએ, પરંતુ આખરે પામીએ છીએ શું? આપણને હજી પણ ચમત્કાર, મનોરંજન, ખલનાયકી, ગ્લૅમર, યુદ્ધ, રાજકારણ, વિવાદ, નિંદા, કલ્પનાનાં પાત્રો ગમ્યા કરે છે, જેમાં ખોવાઈને આપણે કામચલાઉ સુખ શોધતા રહીએ છીએ અને બુદ્ધને ચૂકી જઈએ છીએ
કહેવાય છે કે સંસારમાં સુખ અને દુઃખ બન્ને રહેતાં હોય છે, પરંતુ ખરેખર સુખ એ ભ્રમ ગણાય છે અને દુઃખ એ વાસ્તવિકતા છે. બુદ્ધે કહ્યું કે સંસારમાં કેવળ દુઃખ અને દુઃખ જ છે. આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ શોધવાનું બુદ્ધે શરૂ કર્યું, જે હતો પરમ સત્યનો માર્ગ. આ માર્ગ સમગ્ર માનવજાતને ઉપલબ્ધ થાય એ માટે રાજકુમાર સિદ્ધાર્થ મહાભિનિષ્ક્રમણમાંથી પસાર થઈને બુદ્ધ બન્યા. તેમણે તમામ રાજસુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, સત્તાનો ત્યાગ કર્યો અને જીવનના સત્યની ખોજમાં નીકળી પડ્યા. તેમણે પોતાનું સત્ય શોધીને જગતને ધરી દીધું. આ માર્ગે ચાલનારા સુખ અને દુઃખ બન્નેથી મુક્ત રહીને આનંદ અને શાંતિને પામી શકે છે.
આપણી સવાર પડતી નથી
આજે આપણી પાસે સંસારમાં અનેક સુખ-સુવિધા છે, પરંતુ શાંતિ નથી. આપણે સત્ય કે શાંતિની ખોજમાં નીકળતા નથી, કારણ કે આપણે આપણા સુખમાં ખોવાયેલા રહીએ છીએ. એ કથિત સુખમાંથી દુઃખનું સર્જન થતું રહે છે એ આપણને સમજાતું નથી. સુખ આપણને સતત એવાં કાર્યોમાં વ્યસ્ત રાખે છે જેમાંથી અંતે કંઈ જ ઊપજવાનું હોતું નથી. હા; ભ્રમ, અહમ્, અશાંતિ અને અર્થહીન જીવન ઊપજે છે. અર્થાત્ આપણે બુદ્ધત્વ તરફ તો નથી જઈ શકતા, પરંતુ વૃદ્ધત્વ તરફની આપણી યાત્રા સતત ચાલતી રહે છે. જોકે સમય-સંજોગ આપણને યાદ કરાવતા રહે છે. બુદ્ધ કહે છે કે જ્યારે જાગ્યા ત્યારથી સવાર. આપણી સવાર વર્ષો પછી પણ પડતી નથી, કેમ કે આપણે નિદ્રામાં જ ખોવાઈ જઈએ છીએ, જે ખરેખર તો બેહોશી છે, પણ આપણે એને જ જીવન માની લઈએ છીએ.
બુદ્ધ આપણને હજી પણ યાદ આવતા નથી
તમને થશે કે અમને અચાનક બુદ્ધની યાદ ક્યાંથી આવી ગઈ? બુદ્ધની યાદ અમને આવી ન કહેવાય, યાદ તો ત્યારે આવી કહેવાય જ્યારે આપણે બુદ્ધને ભૂલ્યા હોઈએ. જોકે થોડો વખત પહેલાં બુદ્ધના જન્મથી લઈને પરિનિર્વાણ સુધીના જીવન વિશેની સિરિયલ જોવાથી બુદ્ધના જીવન વિશે અનેક વિચારોનો પ્રવાહ સતત વહેતો થયો. જોકે પહેલો વિચાર એ આવ્યો કે આપણે હજી પણ રામાયણ, મહાભારત, છોટા ભીમ, સાંઈબાબા, ગણેશજી, મહાદેવજી સહિત વિવિધ દેવી-દેવતાઓ વિશેની સિરિયલો વારંવાર જોતા રહ્યા છીએ, પરંતુ બુદ્ધ વિશેની સિરિયલ પ્રત્યે આપણે પર્યાપ્ત ધ્યાન આપ્યું જ નથી. વિવિધ દેશોમાં આ સિરિયલ આજે પણ વારંવાર ટેલિકાસ્ટ થાય છે, જ્યારે આપણા દેશમાં બુદ્ધ વિશેની સિરિયલ પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું, એની જાહેર ચર્ચા પણ નગણ્ય થઈ, કારણ કે આપણે હજી પણ બુદ્ધને સમજી શક્યા નથી. તેઓ હતા ત્યારે પણ આપણે તેમને ભગાડી દીધા હતા, પથ્થર માર્યા હતા, તેમના અનુયાયીઓની હત્યા કરી હતી.
બુદ્ધને બદલે આપણી બુદ્ધિહીનતા-બેવકૂફી
આપણી કરુણતા કેવી છે! અહીં હર્ષદ મહેતા-બિગ બુલ સ્કૅમ સિરિયલને વિશ્વમાં નંબર-વન સ્થાન મળે છે. ઓકે, માની લઈએ કે એની સરસ માવજત કરાઈ છે; તાજી હકીકત છે, જોરદાર રજૂઆત છે; અભિનય, ડિરેક્શન, સંવાદો અફલાતૂન છે, પરંતુ આપણા સંસ્કાર કે માનસિકતા કેવી છે કે આપણે ‘બુદ્ધ’ સિરિયલને આટલા જતનથી જોઈ નથી અને જોતા પણ નથી. હર્ષદ મહેતાની સિરિયલમાંથી આખરે પામીએ છીએ શું? જીવન માટે તો નક્કર કંઈ જ નહીં. હર્ષદ મહેતાની સિરીઝમાં તો કંઈક અંશે ચોક્કસ બાબત વિશે જાણવા-સમજવા મળે છે. બાકી આપણે કેટલીયે બુદ્ધિહીન અને બેવકૂફીની બધી જ ચરમસીમા પાર કરી નાખે એવી અનેક સિરિયલ્સ કે કાર્યક્રમો વર્ષોથી જોયા કરીએ છીએ. આ સિરિયલ્સમાં ગ્લૅમર્સ, યુદ્ધ, મનોરંજન જેવું ઘણું બધું હોય છે. હીરો અને વિલન હોય છે. ફૅમિલી ડ્રામા હોય છે. જ્યારે બુદ્ધ તો જીવનનો સાચો માર્ગ બતાવે છે, છતાં આપણે ચૂકી જઈએ છીએ.
શું બુદ્ધ આજે રિલેવન્ટ છે?
તમને થઈ શકે કે બુદ્ધ આજના સમયમાં કઈ રીતે રિલેવન્ટ છે. આ સવાલનો જવાબ સરળ અને સચોટ છે. આજે જગતમાં-સમાજમાં અને પ્રત્યેક માનવીમાં સૌથી વધુ અશાંતિ, ઉદ્વેગ છે. આધુનિક ભાષામાં કહીએ તો સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, ફ્રસ્ટ્રેશન છે. જો કૃષ્ણ અને શ્રીરામ ૫૦૦૦ વર્ષ પછી પણ રિલેવન્ટ રહેતા હોય તો ૨૫૦૦ વર્ષ પહેલાંના બુદ્ધ શા માટે નહીં? બુદ્ધ ચોક્કસ આજે રિલેવન્ટ છે. બુદ્ધની પરમ સત્યની ખોજ પોતાની તપસ્યા-સાધનાનું પરિણામ છે. બુદ્ધ એક સામાન્ય માનવી (ભલે સિદ્ધાર્થ તરીકે તેઓ એક રાજા હતા) હતા અને તેઓ ભરપૂર પીડામાંથી પસાર થઈને પરમ સત્યને પામ્યા હતા. તેમણે માત્ર પોતાની મુક્તિ જ નહીં, બલકે જગતના તમામ લોકોની મુક્તિનો માર્ગ આપ્યો. એટલે જ બુદ્ધ ભારત પૂરતા મર્યાદિત રહેવાને બદલે જગતના અનેક દેશોમાં ફેલાયેલા છે.
પ્રશ્ન પ્રદેશની પેલે પાર
બુદ્ધ ભગવાન છે એવું માનતા નથી અને ભગવાન નથી એમ પણ કહેતા નથી. તેઓ દરેક જણમાં બુદ્ધત્વ પામવાની સંભાવના હોવાનું કહે છે, એથી જ તેમનું સૂત્ર છે, ‘અપ્પ દીપો ભવ.’ બુદ્ધના જીવનના એકેક પ્રસંગમાં જે સંદેશ છે એ સરળ અને સહજ છે. આ સત્યને લેખક ડૉ. દિનકર જોષીએ તેમના પુસ્તક ‘પ્રશ્ન પ્રદેશની પેલે પાર’માં બહુ રસપ્રદ તેમ જ ચિંતનાત્મક સ્વરૂપે રજૂ કર્યું છે. આ દિનકરભાઈ જેવા ચિંતક-વિચારક-લેખકે પણ બુદ્ધના જીવન વિશેની ટીવી-સિરિયલ જોઈને પોતે પ્રભાવિત થયા હોવાનું આ લખનારને જણાવ્યું હતું (આ સિરિયલ આજે પણ ઝીફાઇવ તેમ જ યુટ્યુબ પર ઉપલબ્ધ છે). સિદ્ધાર્થ ગૌતમને થયેલી પરમ સત્યની ખોજ બાદ તેઓ બુદ્ધ બન્યા છે અને એ પછી બૌદ્ધ ધર્મ સ્થપાયો. ‘બુદ્ધ’ સિરિયલથી પ્રભાવિત થઈ અમે બુદ્ધનું પાત્ર ભજવનાર અભિનેતા હિમાંશુ સોની સાથે પણ વાત કરી તો જાણવા મળ્યું કે આ ભૂમિકા મળતાં તેમણે પોતે ૬ મહિના બુદ્ધના જીવન વિશેના અભ્યાસમાં સમર્પિત કર્યા હતા, એથી જ તેઓ આ ભૂમિકાને આત્મસાત્ કરી શક્યા હતા. આ અભ્યાસને પરિણામે તેઓ બુદ્ધની કરુણા, શાંતિ, ધ્યાન, જાગૃતિ અને ‘અપ્પ દીપો ભવ’ના ભાવને સાર્થક સ્વરૂપે અભિનયમાં વ્યક્ત કરી શક્યા એવું તેમણે કબૂલ્યું હતું. બુદ્ધના પાત્ર બાદ પોતાના જીવનમાં પણ આંતરિક પરિવર્તન પામ્યા હોવાનું જણાવ્યું હતું.
બુદ્ધનો મધ્યમ માર્ગ
બુદ્ધ મધ્યમ માર્ગની વાત કરે છે. જેમ વીણાના તાર બહુ કસેલા હોય તો એમાંથી સૂર પ્રગટ થાય નહીં અને તાર બહુ ઢીલા હોય તો પણ એમાંથી સૂર પ્રગટે નહીં. એમ જીવન મધ્યમાં હોવું જોઈએ, સુખ અને દુઃખ બન્નેથી પર. જ્યાં કેવળ આનંદ હોય. આ આનંદના માર્ગની યાત્રા સમજવા જેવી છે. સંસારમાં રહીને, પોતાના કર્તવ્ય બજાવીને પણ આ માર્ગે ચાલી શકાય છે. બાકી આપણી યાત્રા-જીવનસફર વૃદ્ધત્વ તરફ તો આમેય ચાલી જ રહી છે. જો જાગી જઈએ તો બુદ્ધત્વ તરફ થઈ શકે. માર્ગ આપણે શોધવાનો છે, આ માર્ગ આપણે જ્યાં હાલમાં ઊભા છીએ ત્યાંથી જ શરૂ થાય છે, જાગ્યા તેને માટે સવાર, અપ્પ દીપો ભવ. બુદ્ધને જોયા પછી આપણા મુખમાંથી આપોઆપ સરી પડે છે, ‘બુદ્ધં શરણં ગચ્છામિ...’
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)