સાચો સમય, ખોટી વ્યક્તિ: અયોગ્ય વ્યક્તિને આગળ આવવા ન દેવી હોય તો શું કરવું?

Published: 7th February, 2021 11:22 IST | Manoj Joshi | Mumbai

સારી વ્યક્તિ રાજકારણમાં આગળ આવે એ બહુ જરૂરી પણ છે સાચી વ્યક્તિ રાજકારણમાં આગળ આવે તો અતિ ઉત્તમ પણ ધારો કે તમે એ કામ ન કરી શકો તો ઍટ લીસ્ટ ખોટી વ્યક્તિ સત્તા પર આવીને બેસી ન જાય અને તમારા પર રાજ શરૂ ન કરી દે એનું ધ્યાન રાખવાનું કામ કરે તો પણ બહુ જરૂરી

ચાણક્યની વાતથી જ શરૂઆત કરીએ. ચાણક્યનીતિમાં ચાણક્યએ બહુ સરસ વાત કહી છે.

રાજકારણમાં રસ ન લેવાનો અર્થ એક જ નીકળે કે તમે અયોગ્ય વ્યક્તિને સત્તાસ્થાન સુધી પહોંચવામાં મદદ કરી રહ્યા છો.

અને આવું ન બને એ માટે પણ રાજકારણમાં, ઇલેક્શનમાં અને મતદાનમાં રસ લેવો બહુ જરૂરી છે. આ જ સાચો સમય છે જાગી જવાનો અને ન ગમતા વિષયમાં પણ દિલચસ્પી લઈને એના વિશે વધારે ને વધારે જાણવાનો. ચાણક્યએ જે કહ્યું છે એ એકદમ વાજબી અને ઉચિત વાત છે. એક બૌદ્ધિક તરીકે તમે જો રાજકારણને માત્ર જમ્યા પછી ચર્ચા કરવાનો વિષય માનીને બેસી રહેશો તો કંઈ વળવાનું નથી અને એ પ્રકારની ચર્ચા કર્યા પછી કંઈ લાભ પણ થવાનો નથી. વ્યક્તિની નિષ્ક્રિયતા જ હંમેશાં અયોગ્ય વ્યક્તિને આગળ આવવાની તક પૂરી પાડવાનું કામ કરે છે. જો તમે અયોગ્ય વ્યક્તિ ન ઇચ્છતા હો, જો તમે લાયકાત વિનાની વ્યક્તિને આગળ ધપાવવા ન માગતા હો તો તમારે જાગી જવું પડશે અને જાગ્યા પછી હવે તમારે તમારી નિષ્ક્રિયતાને ભગાડવી પડશે. નિષ્ક્રિયતાનો અર્થ બિલકુલ એવો નથી કે તમે સક્રિય બનીને રાજકારણમાં આગળ વધો અને ધારો કે એવો અર્થ પણ તમે કાઢતા હો તો કંઈ ખરાબ નથી, ખોટું નથી. તમારા જેવી વ્યક્તિ રાજકારણમાં આવે તો એ આવકાર્ય છે.

સારી વ્યક્તિ રાજકારણમાં આગળ આવે એ બહુ જરૂરી પણ છે. સાચી વ્યક્તિ રાજકારણમાં આગળ આવે તો અતિ ઉત્તમ, પણ ધારો કે તમે એ કામ ન કરી શકો તો ઍટ લીસ્ટ ખોટી વ્યક્તિ સત્તા પર આવીને બેસી ન જાય અને તમારા પર રાજ શરૂ ન કરી દે એનું ધ્યાન રાખવાનું કામ કરે તો પણ બહુ જરૂરી છે. માત્ર એટલું કરો કે તમારા મતવિસ્તારના ઉમેદવારને એક વાર ઓળખો. આ જ સાચો સમય છે કે તેને હવે ઓળખી લેવામાં આવે. આવતા વર્ષે મહાનગરપાલિકાનું ઇલેક્શન આવશે અને આવતા વર્ષે ઇલેક્શન આવશે એ પહેલાં તમારા મતવિસ્તારના મહાશય હવે તમારા વિસ્તારમાં દેખાવાના શરૂ થશે. ખાસ કરીને એવા સમયે જે સમયે તેમને નવેસરથી ઇલેક્શનમાં ઊભા રહેવાના અભરખા જાગ્યા હશે. જો એવું હોય તો તમારી પણ ફરજ છે કે તેમણે કરેલાં અગાઉનાં કામોને ઍટ લીસ્ટ જાણી લો. અગાઉ તમે ક્યારેય તમારા વિસ્તારમાં તેમને જોયા હતા કે નહીં એ પણ જરાક યાદ કરો.

પાંચ વર્ષ, સાહેબ પાંચ વર્ષ એ નાનો સમયગાળો નથી. પાંચ વર્ષના સમયગાળામાં વ્યક્તિ ધારે તો આખા મતવિસ્તારના એકેએક મતદારને ઓછામાં ઓછા પાંચથી દસ વખત રૂબરૂ મળી શકે અને તેના પ્રશ્નો અને તેની હાલાકી વિશે જાણી શકે. જો આ કામ કરવાની દરકાર પણ તમારા વિસ્તારની એ વ્યક્તિ ન કરી શકી હોય તો મહેરબાની કરીને સમજી જાઓ કે ઇલેક્શન આવવાનો સમય થઈ ગયો છે એટલે એમને તમે વહાલા લાગવા શરૂ થઈ ગયા છો અને તેઓ તમને ફરીથી બાટલીમાં ઉતારવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તમારી જાણમાં હોય અને તમને કોઈ છેતરે એ તમારી ઇચ્છાની વાત છે, પણ અજાણ અવસ્થામાં જો એ તમને છેતરે તો ખોટું છે અને જીત્યા પછી ગુમ થઈ જતા તમામ રાજકારણીઓ તમને અજાણ રાખીને જ બાટલીમાં ઉતારવાનું કામ કરતા હોય છે. માટે ભૂલતા નહીં અને એવા લોકોને જાકારો આપવાનું કામ આરંભી દેજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK