ગુજરાતી રંગભૂમિ અકબંધ રહે એ માટે આવતા એક વર્ષ સુધી શું પગલાં લેવાં જોઈએ?

Published: 25th January, 2021 09:25 IST | Manoj Joshi | Mumbai

દરેક સંક્રમણ સમયે એવું કહેવાતું જ રહ્યું છે કે હવે આ કલા નહીં જીવે, હવે આ કલાનો અસ્ત નક્કી છે, પણ દરેક વખતે એ વાત પોકળ સાબિત થઈ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જો તમે ઇચ્છતા હો કે તમારી માતૃભાષાની રંગભૂમિ અકબંધ રહે, એને કોઈ જાતનાં વિઘ્ન ન નડે અને કોરોનાકાળને પચાવીને એ હેમખેમ બહાર આવી જાય તો એને માટે ફક્ત સરકારે જ નહીં, પણ સરકારથી માંડીને સંસ્થા અને વ્યક્તિગત રીતે પણ સૌકોઈએ પગલાં લેવાની જરૂર છે. જો તમે ઇચ્છતા હો કે લાઇવ આર્ટનું આ બેનમૂન ફૉર્મ જીવતું રહે તો. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા પણ કરવાની કે દરેક સંક્રમણ સમયે એવું કહેવાતું જ રહ્યું છે કે હવે આ કલા નહીં જીવે, હવે આ કલાનો અસ્ત નક્કી છે, પણ દરેક વખતે એ વાત પોકળ સાબિત થઈ છે. ટીવી આવ્યા ત્યારે કહેવાયું કે હવે લોકો નાટક જોવા નહીં જાય. ફિલ્મો અને ખાસ તો મલ્ટિપ્લેક્સ વધ્યાં એ પછી પણ આ જ વાત શરૂ થઈ હતી. નાટક જોવા હવે નહીં જાય. નાટકની ટિકિટના દર જ્યારે પણ વધ્યા છે ત્યારે પણ આ જ વાત બોલવામાં આવી છે અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ઊભાં થયાં ત્યારે પણ આ જ ભીતિ વ્યક્ત થતી રહી કે હવે નાટક જોવા કોઈ નહીં આવે, પણ એવું બન્યું નથી.

નાટક આર્ટનું એક એવું લાઇવ ફૉર્મ છે જે ક્યારેય મરવાનું નથી. હા, એનું રૂપ અલગ થઈ શકે છે અને એ થાય તો એમાં કશું ખોટું પણ નથી. એ જ સાચી કળા જેણે ચેન્જને સહર્ષ સ્વીકાર્યું હોય અને ચેન્જ લાવવાનું કામ પણ કર્યું હોય. અડીખમ એવી આ ગુજરાતી રંગભૂમિને હજી પણ અકબંધ રાખવી હોય અને એને નડેલા કોરોનામય ધરતીકંપની તીવ્રતામાં ઘટાડો કરાવવો હોય તો સરકારે અને ઑડિયન્સે સહિયારાં પગલાં લેવાં પડશે. સરકારે ઑડિટોરિયમના ભાડામાં રાહત કરવી જ પડશે તો સાથોસાથ ઑડિયન્સે પણ દોસ્તીદાવે ટિકિટ ખરીદીને જવાની તૈયારી દાખવવી પડશે. તમને કહેવાનું કે એક નાટક ઓછામાં ઓછા ૨૦થી ૩૦ લોકોના ઘરની રોજીરોટી પર સીધી આવક કરી આપતું હોય છે. ઓછામાં ઓછા, જો ટીમ મોટી હોય તો આ આંકડો મોટો થાય જ થાય. મારા નાટક ‘ચાણકય’ની જ વાત કહું તો એમાં ખાસ્સી મોટી ટીમ છે, સ્ટેજ પર જ ૬૦થી વધુ કલાકારો આવે છે, એવા સમયે આ નાટક ૭૫થી વધુ લોકોને આજીવિકા આપતું હોય છે.

સોશ્યલ ક્લબ નાટક દેખાડે નહીં તો પણ નાટક જોવા જવાની તૈયારી કરવી પડશે અને સોશ્યલ ક્લબમાંથી રાહતના દરની ટિકિટ મળે કે પછી નાટક સાથે જોડાયેલી ટીમના મેમ્બર પાસેથી કૉમ્પ્લીમેન્ટરી પાસની વ્યવસ્થા કરવાને બદલે નાટક માટે ટિકિટ લઈને એ જોવા જવાનું શરૂ કરો. કલાકાર ક્યારેય પોતાની મજબૂરી વર્ણવતો નથી, કલાકાર ક્યારેય પોતાની વ્યથા વ્યક્ત કરતો નથી. માર્ચ મહિનાથી બંધ થયેલાં ઑડિટોરિયમ હવે જ્યારે ખૂલી રહ્યાં છે ત્યારે સૌકોઈએ એ સમજવાની જરૂર છે કે ઑલમોસ્ટ ૧૦ મહિનાથી આ કલાકાર ઘરમાં બેઠો છે અને કલાના ક્ષેત્રમાં એવી તે તોતિંગ આવક છે નહીં કે માણસ ૧૦ મહિના કશું જ કર્યા વિના ઘરમાં રહી શકે. નાટ્ય સંસ્થાઓએ અને પ્રોડ્યુસરોએ આ પિરિયડમાં કલાકારોના પડખે ઊભા રહેવાનું કામ પોતાની રીતે કર્યું જ પણ હવે, વારો તમારો છે, તમારે આગળ આવવાનું છે અને એ આવવા માટે કોઈ ફાળો નથી દેવાનો; બસ, માત્ર નાટક જોવા જવાનું છે, સ્વખર્ચે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK