Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર્ષને પણ આનંદ થાય એવું બનાવવા માટે કયું હકારાત્મક પગલું લેવાનું છે?

વર્ષને પણ આનંદ થાય એવું બનાવવા માટે કયું હકારાત્મક પગલું લેવાનું છે?

29 December, 2019 02:03 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

વર્ષને પણ આનંદ થાય એવું બનાવવા માટે કયું હકારાત્મક પગલું લેવાનું છે?

નવું વર્ષ 2020

નવું વર્ષ 2020


નવા વર્ષને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે બે દિવસથી આપણે વાત કરીએ છીએ કે વીતી રહેલું આ વર્ષ અને આવી રહેલા નવા વર્ષને કઈ રીતે અને કેવી રીતે સેલિબ્રેટ કરવું? જરૂર નથી કે નવા વર્ષને વધાવવા માટે દારૂની છોળો ઉડાડવામાં આવે અને જરૂરી નથી કે નવા વર્ષના આગમન માટે છાકટા બનીને નાચવું પડે? ના, જરા પણ નહીં. નવા વર્ષને દારૂ કે ડાન્સ સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી અને એ હોઈ પણ ન શકે. નવી શરૂઆત આદર-સત્કાર સાથેની, માન-મર્યાદા સાથેની હોવી જોઈએ અને આ વર્ષે, ૨૦૨૦ની શરૂઆત એ જ પ્રકારે કરવાની છે જેને છાંટોપાણી કરવાનું મન થતું હોય એ કરી શકે છે, કોઈના મોઢા આડે ફાટક બનાવી શકાતી નથી, પણ એ છાંટોપાણી કર્યા પછી પણ એક વાત નક્કી છે કે નવા વર્ષમાં કશું નક્કર, હકારાત્મક અને સકારાત્મક પગલું ભરવાનું છે. જતાં પહેલાં, આ દુનિયા છોડીને નીકળી જવાનું બને એ પહેલાં એક કામ એવું કરતા જવાનું છે કે અજાણ્યો પણ તમારા નામની સાથે, તમારું નામ સાંભળતાવેંત જ ચહેરા પર ખુશીનું સ્મિત લાવે.

૨૦૨૦માં કોઈ એક એવા ત્રાહિતને મદદ કરવાનું નક્કી કરો જે તમારા લોહીના સંબંધોથી જોડાયેલો નથી. જરૂરિયાતમંદ જો પરિવારના દૂરના સગામાં હોય તો વાંધો નહીં, એવો કોઈ નિયમ નથી કે અજાણ્યા કે પછી ઘરે કામ કરવા આવનારાને જ આ વાત લાગુ પડે. જરૂરિયાતમંદને લાગુ પડવી જોઈએ અને તમે તેને માટે તારણહારના સ્વરૂપમાં હોવા જોઈએ. કરો નક્કી કે આ વર્ષે કોઈનું એજ્યુકેશન દત્તક લેવું છે કે પછી કોઈના ઘરની તમામ દવાઓનું બિલ કે ખાધાખોરાકીની જવાબદારી તમારે ઉપાડવાની છે. માત્ર એક વર્ષ, આવતા વર્ષે તમે આ કામ કરશો એવું મારું મન કહે છે, પણ આ વર્ષે, જાતને આ કામ માટે તૈયાર કરવાની છે. ધારો કે તમે આર્થિક સંકડામણમાં હો અને સીધી કોઈને આર્થિક મદદ કરી શકો એમ ન હો તો પણ વાંધો નહીં. જરૂરિયાતમંદનાં બાળકોને ભણાવવાની જવાબદારી લો. ધારો કે તમે પોતે ભણવામાં અવ્વલ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારામાં જે આવડત છે એ આવડતનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદને શીખવો, તેને એ કળા આપો. તમારામાં જે કોઈ કળા હોય એ. તમે પાકશાસ્ત્રમાં અવ્વલ હો તો એ પણ તમે શીખવી શકો અને તમે ભરતકામમાં માહેર હો તો એ પણ કરી શકો. એ પણ ન આવડતું હોય અને સારી વાર્તા કહેતાં આવડતું હોય તો વાર્તા કહીને એ બાળકોની કલ્પનાશક્ત‌િ વધે એ માટે દરરોજ રાતે સોસાયટીનાં બાળકોને એકત્ર‌િત કરી તેમને વાર્તા કહો. નજીકમાં સ્લમ હોય તો એ જ સ્લમમાં જવાનું અને તેમને જઈને વાર્તા કહેવાની. આ આવડત પણ નથી અને ધર્મધ્યાન સરસ રીતે આવડે છે તો એ શીખવો, પણ શીખવો, તમારામાં જે કંઈ રહેલું છે એ આપો. આપવાની આ જે પ્રક્રિયા છે એ તમને પણ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે.



હવે કેન્દ્રમાંથી જાતે હટાવવાનું કામ કરો. ઍટ લીસ્ટ, આ વર્ષે તો એ કરો જ કરો. ૨૦૨૦માં ક્યાંય જાતને પ્રાધાન્ય નથી આપવાનું. ક્યાંય જાતને આગળ પડતી નથી રાખવાની, પણ હવે બીજાને આગળ કરવાના છે. સમાજ માટે જીવવાનું છે, રાષ્ટ્રને વધારે દૃઢ બનાવવાની દિશામાં કામ કરવાનું છે. રાષ્ટ્ર જ્યારે મજબૂત થતું હોય છે ત્યારે વ્યક્ત‌િ પોતે પણ મજબૂતી મેળવતી હોય છે. મજબૂતીનો આ દૃષ્ટ‌િકોણ જ્યારે જીવનમાં અમલી બનશે ત્યારે જીવન આજે છે એનાથી પણ બહેતર બનશે. ગૅરન્ટી.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 02:03 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK