Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે યાદોની કેવી પરંપરા આ સમયે ઘડી રહ્યા છો?

તમે યાદોની કેવી પરંપરા આ સમયે ઘડી રહ્યા છો?

15 June, 2020 09:34 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

તમે યાદોની કેવી પરંપરા આ સમયે ઘડી રહ્યા છો?

 માથે પડેલી આ તકલીફમાંથી પસાર થયે જ છૂટકો છે

માથે પડેલી આ તકલીફમાંથી પસાર થયે જ છૂટકો છે


સંકટનો સમય અનેક રીતે આપણી પરીક્ષા લેતો હોય છે અને એ પરીક્ષા દરમ્યાન જ આપણું ખરું ચરિત્ર બહાર પણ આવતું હોય છે. કોરોનાની કટોકટીના આ દિવસોમાં તમે એવું તે શું કરી રહ્યા છો જે આગળ જતાં તમારી યાદોના ભંડારનું એક સુંદરમજાનું અભિન્ન પાસું બની જવાનું છે અને જેને માટે લોકો તમને યાદ કરવાના છે કે જેને માટે તમને પોતાને પણ પોતાની જાત માટે ગર્વ થવાનો છે?

થોડા દિવસ પહેલાં ઘરનો સામાન લેવા બહાર જવું પડ્યું. એક દુકાનની બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરતી ઊભી હતી ત્યાં એક નાનકડી ગરીબ છોકરી મારી પાસે આવી. મને કહે, ‘દીદી, બહુ ભૂખ લાગી છે. એક સમોસું અપાવી દોને.’ મને વિચાર આવ્યો કે કેવા દિવસો આવી ગયા છે? સામાન્ય રીતે બે-પાંચ-દસ રૂપિયાના સિક્કા કે પછી બિસ્કિટના પૅકેટ તરફ જોયું ન જોયું કરીને લઈ લેતાં આ ગરીબ બાળકો હવે માત્ર એક સમોસું માગતાં થઈ ગયાં છે, પરંતુ
તેના સ્વરમાં રહેલી આજીજી તથા ચહેરા પરની લાચારી સ્પષ્ટપણે તેના પેટમાં પડેલી આગની ચાડી ખાતી હતી, એથી તેની માગણીનો અસ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નહોતો.
કંઈક આવા જ સમાચાર થોડા દિવસ પહેલાં અખબારમાં આવ્યા હતા. લૉકડાઉનને પગલે આવી પડેલી બેકારીને કારણે એક મજૂર પરિવાર કંઈકેટલાય દિવસથી ભૂખ્યો હતો. આખરે તેણે જીવનમાં ક્યારેય ન કરેલું કૃત્ય કરવાનો નિર્ણય લીધો અને પાસે બંધ પડેલા એક ઢાબામાં ચોરી કરી. અલબત્ત ચોરી પણ કેવી? એ પરિવાર એ ઢાબામાં ગયો. ત્યાં પડેલા રૅશનમાંથી પોતાના માટે ફક્ત બટાટાનું શાક અને રોટલી બનાવ્યાં, ખાધું અને નીકળી ગયો. ગલ્લામાં પડેલા પૈસાની થોકડીને તફડાવી જવાની વાત તો દૂર, એની તરફ તો નજર સુધ્ધાં ન કરી.
અંગ્રેજીમાં એક કહેવત છે, ‘ક્રાઇસિસ રિવિલ્સ ટ્રુ નેચર ઑફ મૅન’ અર્થાત્ કટોકટીના સમયે જ વ્યક્તિના સાચા વ્યક્તિત્વનો પરિચય થતો હોય છે. આવી ઘણી કહેવતો છે, જે આજકાલના કટોકટીભર્યા સમયમાં ઘણા લોકો પર લાગુ પડે છે. દર અઠવાડિયે વિચારીએ કે આ વખતે કોરોના પર કંઈ લખવું જ નથી, પરંતુ કંઈક ને કંઈક વિચાર એવો આવી જ જાય જે મનને વર્તમાન સ્થિતિ તરફ ઢસડી જાય. આનું એક કારણ એ પણ હશે કે હાલમાં મોટા ભાગના લોકોના મનમાં ચાલતી સંવેદનાઓ પણ ક્યાંક ને ક્યાંક કોરોના સાથે જ જોડાયેલી છે. એમાંથી ઉત્પન્ન થતી લાગણીઓ લોકોના દિલોદિમાગ પર હાવી થઈ ગઈ છે. ભય, પ્રેમ, આદર, તિરસ્કાર, દુઃખ, સંતોષ, અસંતોષ, અકળામણ, અશાંતિ, હાશકારો, રાહત, ગૂંગળામણ જેવી અનેક સંવેદનાઓની જનક આ વર્તમાન પરિસ્થિતિ છે. દુઃખની વાત તો એ છે કે હજી એનો અંત નજીક આવતો હોય એવું લાગતું નથી. કદાચ આ કુદરતનો એક એવો તમાચો છે જે આંધળા વિકાસમાં મદમસ્ત બની ગયેલી માનવજાતને જગાડવા માટે છે.
મહાભારતનું યુદ્ધ ભલે ૧૮ દિવસ જ ચાલ્યું હતું, પરંતુ એમાંથી ઉત્પન્ન થયેલી વિવિધ લાગણીઓ તથા શિખામણો આજે હજારો વર્ષો પછી પણ જીવંત છે. યુદ્ધના એ ૧૮ દિવસો એ કાળમાં એનો ભોગ બનેલા લોકોને જેવા લાગ્યા હશે કંઈક એવા જ હાલના દિવસો બધાને લાગી રહ્યા છે. આપણે માત્ર એટલી આશા રાખી શકીએ કે આપણે ખરા અર્થમાં આખી માનવજાતને ભરડામાં લેનારી આ કટોકટીમાંથી જરૂરી બોધપાઠ લઈએ અને એ પ્રમાણે આવશ્યક ફેરફાર પોતાના જીવનમાં કરી શકીએ.
મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે કોઈ પણ કટોકટીને નિરર્થક જવા ન દેવી જોઈએ, કારણ સાચો નેતા અથવા આગેવાન આવી કટોકટીમાંથી જ જન્મ લેતો હોય છે. આપણી આસપાસ પણ આપણે અનેક એવા નેતા તથા તેમનાં વાણી-વર્તનને જોઈ રહ્યા છીએ, જેમનું ખરું પોત આ મહામારીમાં જ પ્રકાશ્યું છે. ના-ના કરતાં કોરોનાનો સૌથી મોટો શિકાર બની જનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ચાલાક કૂટનીતિથી લઈને ભારતના ૧૨૫ કરોડ લોકો તથા ખખડધજ મેડિકલ સુવિધાવાળા દેશને પાટા પર રાખવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંઘર્ષ, આખી દુનિયામાં કોરોનાનું સંકટ જ્યાંથી બહાર નીકળ્યું એ ચીનના શી જિનપિંગની ખંધી રાજનીતિ, રશિયાના પ્રેસિડન્ટ પુતિનનું ક્રૂર મૌન, આ બધા નેતાનાં વ્યક્તિત્વ આ સંકટમાં બહાર આવી રહ્યાં છે.
અંગત જીવનમાં પણ આપણા વ્યક્તિત્વની ઘણી બાજુઓ એવી હશે જે આ મુશ્કેલીના સમયમાં બહાર આવી હશે. તમારી ગર્લફ્રેન્ડને તમે વાસ્તવમાં કેટલો પ્રેમ કરો છો એનાથી લઈને તમે કેવા પુત્ર, પતિ, ભાઈ, બહેન કે મિત્ર છો એનો પૂરતો બોધ તમને આ સમયમાં થયો હશે. પોતાની જાત સાથે આટલું લાંબું રહેવાનો મોકો પણ તમને આ સમય દરમ્યાન જ મળ્યો હશે. ઘણા લોકો એવા હશે જેમણે આ કટોકટી દરમ્યાન દુકાનોમાં બ્લૅકમાં સામાન વેચીને ભારે કમાણી કરી હશે. ઘણાય એવા લોકો હશે જેમણે પોતાના નોકરોના પગાર કાપી લીધા હશે કે તેમને છૂટા કરી દીધા હશે. સંભવ છે કે કેટલાકે મજબૂરીમાં પણ તેમને છૂટા કરી મૂક્યા હોય. તો બીજી બાજુ કેટલાય લોકો એવા પણ હશે જેમણે ખિસ્સાં ખુલ્લાં કરીને લોકોની ભરપૂર મદદ કરી હશે.
તાજેતરમાં સમાચાર આવ્યા કે અભિનેતા સોનુ સૂદે રખડી પડેલા મજૂરોને ભરપૂર મદદ કરી. કેટલાકને તો પોતાના ખર્ચે પ્લેનમાં બેસાડીને તેમના વતનભેગા થવામાં સહાય કરી. આ પણ કટોકટીના સમયમાં બહાર આવેલી તેના વ્યક્તિત્વની જ એક બાજુ છે. મોટા ભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતા સોનુ સૂદની આ માનવતાભરી બાજુનો પરિચય આ મુશ્કેલીના સમય સિવાય ભાગ્યે જ કોઈને થયો હશે.
વાતનું મૂળ તાત્પર્ય એ છે કે માથે પડેલી આ તકલીફમાંથી પસાર થયે જ છૂટકો છે
અને એ ગમે કે ન ગમે, આપણામાંથી ઘણાએ એના ભોગ પણ બનવું પડશે. અંગ્રેજીમાં કહેવાય છે એમ ‘ટફ ટાઇમ્સ ડઝ નૉટ લાસ્ટ, ટફ પીપલ ડુ.’ - ખરાબ સમય પણ પસાર થઈ જાય છે અને આ સમય જ્યારે પસાર થઈ જાય છે ત્યારે પોતાની પાછળ એક લાંબી પરંપરા મૂકી જાય છે; યાદોની, લાગણીઓની, જે ત્યાર બાદ જીવનભર આપણી સાથે રહેતી હોય છે. વર્ષો સુધી લોકો એને વાગોળ્યા કરતા હોય છે.
આપણી સાથે પણ આવું જ થવાનું છે એથી આવશ્યક છે કે આ ભયંકર કટોકટીના સમયમાં આપણે એવી યાદોની શ્રૃંખલા ઊભી કરીએ જેને કાલે ઊઠીને ભવિષ્યમાં વાગોળીએ ત્યારે આપણને આપણી જ જાત પર શરમ ન આવે. બલકે આપણી જાત માટે માન થાય. આવું ત્યારે જ થઈ શકે જ્યારે આપણે કટોકટીના સમયની મૂળભૂત ફિલસૂફીને કામે લગાડી હોય અને એ છે બને એટલા વધુ લોકોને મદદ કરવાની, બને એટલો સ્વજનોને વધુ પ્રેમ કરવાની, વડીલોનો આદર-સત્કાર રાખવાની ફિલસૂફી, કારણ કે આપણને ગમે કે ન ગમે, આવા સંજોગો અમીર-ગરીબ, સારા-નરસા, નાના-મોટા, શક્તિશાળી કે કમજોર વચ્ચે ફરક જોતા નથી. ન કરે નારાયણ ને જો તમે આવા કોઈ સંજોગનો શિકાર બની જાઓ તો પછી જીવનભર અરીસામાં ઊભા હોઈએ ત્યારે પોતાની જાતને પણ જોવી ન ગમે એવો અફસોસ રહી જતો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2020 09:34 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK