Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સામાન્ય માનવીની ન્યાય મેળવવાની હેસિયત કેટલી?

સામાન્ય માનવીની ન્યાય મેળવવાની હેસિયત કેટલી?

08 December, 2020 06:11 PM IST | Mumbai
Taru Kajaria

સામાન્ય માનવીની ન્યાય મેળવવાની હેસિયત કેટલી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ’. ન્યાય મળવામાં થતો વિલંબ એ ન્યાય ન મળ્યા બરાબર છે. પરંતુ દાયકાઓ સુધી ચાલતા કાનૂની મુકદ્દમાઓ અને ક્યારેક તો એના પછી પણ ન્યાય ન મળ્યાના જ્યાં પુષ્કળ કિસ્સાઓ છે એવા આપણા દેશમાં ૧૯૯૯માં થયેલા ગુના કે ભૂલની સજા ૨૦૨૦માં પણ જ્યારે એના કર્તાને મળે છે ત્યારે એ ભૂલ કે ગુનાનો શિકાર બનનારાઓ જ નહીં, આમ જનતા પણ સંતોષ અનુભવે છે. એમાંય આ ન્યાય અપાવવામાં ગ્રાહક અધિકારોની રક્ષા કરવા નિમાયેલી સંસ્થાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ જાણીએ ત્યારે તો ધરપત પણ બંધાય.

હમણાં આવા જ એક કિસ્સા વિશે વાંચ્યું. ચંડીગઢમાં વર્ષ ૧૯૯૯માં ઍન્યુરિઝમ (ધમનીનો સોજો)ને કારણે એક મહિલાની બ્રેઇન સર્જરી થઈ હતી. મગજના એ સંકુલ ઑપરેશનમાં એક મહત્ત્વનું કામ પેલા સોજા એટલે કે ઍન્યુરિઝમને ક્લિપિંગ કરવાનું કાર્ય હતું. એ કરવા માટે ડ્રિલિંગ મશીનની જરૂર હતી. એ મશીન ઉપલબ્ધ હતું, પરંતુ સર્જરી દરમિયાન એનો ખપ પડ્યો ત્યારે ડૉક્ટરે જોયું કે એ કામ કરતું નહોતું. એટલે ઍન્યુરિઝમનું ક્લિપિંગ કર્યા વગર જ ખોલેલું મગજ ફરી સીવી નાખ્યું! દસ દિવસ બાદ ફરી એ મહિલાના મગજ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. આ ગાળામાં શક્યત: ડ્રિલિંગ મશીન રિપેર થઈ ગયું હશે. સર્જરી પછી ડૉક્ટરોએ રિપોર્ટ આપ્યો કે સર્જરી સફળ રહી છે... પણ ખરેખર બધું સાંગોપાંગ પાર ઊતરેલું? ના. બીજા જ દિવસે એ મહિલા મૃત્યુ પામી. 



મહિલાના સ્વજનોએ રાજ્ય ગ્રાહક અધિકાર સુરક્ષા આયોગમાં ફરિયાદ કરી કે હૉસ્પિટલ અને તબીબોની બેદરકારીને કારણે અમારા પરિવારની વ્યક્તિનું મૃત્યુ થયું છે. અને વળતરની માગણી કરી. હૉસ્પિટલ અને ડૉક્ટરે ઘણી દલીલો કરી કે આવી સર્જરી ડ્રિલિંગ મશીન વગર પણ કરી શકાય છે. પરંતુ એ બોદી દલીલોની ગ્રાહક અધિકાર સુરક્ષા આયોગ પર અસર ન થઈ અને તેણે ફરિયાદીની રજૂઆતને સ્વીકારી હૉસ્પિટલ તથા ડૉક્ટરને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. સંસ્થાકીય સત્તાનો મદ અને અહમ ઘવાયો. ડૉક્ટર અને હૉસ્પિટલે આની સામે ‘નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન’માં રજૂઆત કરી, પણ તેમનું એ પગલું બૅકફાયર થયું.


‘નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન’ સમક્ષ મૃતક મહિલાની પુત્રીએ ફરિયાદ કરી કે મારી માતાના ઍન્યુરિઝમની શસ્ત્રક્રિયા માટે માથાની કોપરી કાપવી પડે એમ હતી અને એ માટે ડ્રિલિંગ મશીન ઉપલબ્ધ નહોતું એટલે બીજી વાર સર્જરી કરવી પડી. કમિશને મહિલાના સ્વજનોની વાત સ્વીકારી અને મહિલાના મૃત્યુ માટે હૉસ્પિટલ અને ડૉક્ટરની બેદરકારી તથા ઊણપને જવાબદાર ઠેરવ્યાં. એક તો એ મહિલાને એકને બદલે બે શસ્ત્રક્રિયાઓ ખમવી પડી જેમાં કેટલું લોહી વહી ગયું હોય. વળી બીજી શસ્ત્રક્રિયા તાકીદે કરવામાં ન આવી. હૉસ્પિટલના એ દરદીની સ્થિતિ પ્રત્યેના અભિગમમાં જે ચોંપ અને તાકીદ વર્તવી જોઈએ એનો સદંતર અભાવ જણાયો. આમ હૉસ્પિટલ કે ડૉક્ટરની એક પણ દલીલ નહીં સ્વીકારાઈ. ઊલટું ગ્રાહક અધિકાર સુરક્ષા આયોગે સૂચવેલી વળતરની રકમમાં પણ કમિશને ધરખમ વધારો કર્યો અને અદાલતે ચુકાદો આપ્યો કે દરદીના પરિવારને રૂપિયા પંદર લાખ અને એ પણ આઠમી ઑક્ટોબર, ૧૯૯૯થી સોળમી ઑક્ટોબર, ૨૦૨૦ (જે દિવસે આ ચુકાદો આવ્યો) સુધીના સમયગાળા પર વાર્ષિક આઠ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો એટલું જ નહીં, ફરિયાદીઓને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે રૂપિયા અઢી લાખ દોઢ મહિનાની અંદર ચૂકવી દેવાનો પણ આદેશ અપાયો છે.

આ કિસ્સા વિશે વાંચીને થયું કે કોઈની ભૂલ કે બેદરકારીને કારણે પોતાનું સ્વજન ગુમાવનારના આઘાત પર આવા ચુકાદાઓ કદાચ થોડી રાહત આપી જતા હશે પણ તેમના જીવનમાં તેમની કોઈ જ ચૂક કે વાંક વગર સર્જાયેલા ખાલીપાને તો ક્યારેય નહીં ભરી શકાય.  


એક અન્ય કિસ્સામાં પણ આવો જ ચુકાદો તાજેતરમાં આવ્યો છે. પુણેમાં રહેતા એક લશ્કરી અધિકારીની પત્નીને મે, ૨૦૦૪માં ઓવરીના કૅન્સરનું નિદાન થયું. પુણેની હૉસ્પિટલમાં તે સારવાર લઈ રહી હતી. તેણે કીમોથેરપીની છ સાઇકલ પૂરી કરી અને તેને રજા મળી ગઈ. ૨૦૦૬માં તેના કૅન્સરે ઊથલો માર્યો અને ફરી તેને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ વખતે પણ તેણે કીમોથેરપીની સારવાર લેવાની હતી, પરંતુ આ વખતે એકવીસ સાઇકલ લેવાની હતી. સારવાર દરમિયાન એક વાર ડૉક્ટરે તેની ફાઇલમાં કીમોથેરપી વિશે સૂચના લખી હતી કે સત્તર  ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ આપી હતી એ મુજબની જ દવા અને સારવાર આપવાની છે. પરંતુ વૉર્ડના ઇન્ચાર્જે તેના ડૉક્ટરે સૂચવેલી દવા કાર્બોપ્લાટિનને બદલે સિસ્પ્લાટિન નામની દવા એ દરદી માટે મગાવી અને નવી-સવી આવેલી નર્સે પણ ઇન્જેક્શનમાં દવા ભરતી વખતે જોયું નહીં કે એ જે દવા આપી રહી છે એ દરદીની ફાઇલમાં લખેલી છે એ જ દવા છે  કે નહીં. એ દવા લીધા પછી મહિલાને સખત બેચેની લાગવા મંડી, તેની પીડા સખત તીવ્ર થઈ ગઈ અને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરથી થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું. મરનાર દરદીના કોઈ મેડિકલ ડૉક્યુમેન્ટ્સ પણ પરિવારને ન અપાયા. એ મામલે હૉસ્પિટલે એક આંતરિક તપાસ હાથ ધરી પણ તેના પરિવારને એમાં સાથે ન રાખ્યો કે ન એ વિશેની કોઈ જાણકારી આપી એટલું જ નહીં, મહિલાનો મૃતદેહ પરિવારને સોંપતાં પહેલાં હૉસ્પિટલે પરિવારજનો પાસેથી વચન લઈ લીધું હતું કે તેઓ હૉસ્પિટલ કે તેના ડૉક્ટર્સ વિરુદ્ધ કોઈ ક્રિમિનલ તપાસ કે કાર્યવાહી  નહીં કરે. એ મહિલા દરદીની દીકરીને ખબર પડી ગઈ હતી કે પોતાની માને ભૂલથી ખોટી દવા અપાઈ ગઈ અને તેણે જાન ગુમાવ્યો છે. પરંતુ હૉસ્પિટલના વર્તને તો એ વિશે કોઈ શક જ રહેવા ન દીધો.

પરિણામે તેમણે માહિતી અધિકાર ધારા હેઠળ આ વિશે જાણકારી માગી અને ‘નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન’માં ફરિયાદ કરી કે હૉસ્પિટલ અને ડૉક્ટરોની બેદરકારીને લીધે અમારા સ્વજનની જિંદગી ખુવાર થઈ ગઈ છે. તેમના કાઉન્સિલરે ચોખ્ખું કહ્યું કે ડૉક્ટરે એક નિવેદનમાં કહ્યું હતું એમ એ નર્સ કૅન્સરના દરદીઓની સારવાર માટે તાલીમ પામેલી નર્સ નહોતી. દરદીને જ્યારે તીવ્ર રીઍક્શન્સ આવ્યાં ત્યારે પણ નેફ્રોલૉજિસ્ટને બોલાવવામાં વિલંબ થયો હતો.  પરિણામે નેફ્રોલૉજિસ્ટ પહોંચ્યા એ પહેલાં દરદીનું મૃત્યુ થઈ ગયું હતું. હૉસ્પિટલના વકીલે નર્સની ભૂલને ભૂલ ગણાવી બેદરકારીનો આક્ષેપ બેબુનિયાદ પુરવાર કરવા ઘણી દલીલ કરી પરંતુ અદાલતે એ નકારી કાઢી અને આજે ૧૪ વર્ષ બાદ અદાલતે ફરિયાદીને વળતરપેટે દસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ  આપ્યો છે. એમાં હૉસ્પિટલે સાડાછ લાખ, ડૉક્ટરે અઢી લાખ તથા નર્સે એક લાખ રૂપિયા દરદીના પરિવારને ચૂકવવાના રહેશે.                                                                                                                                       

આ બન્ને કિસ્સાઓ વિશે વાંચીને સવાલ થયો એ બે પરિવારોએ જે હિમ્મત અને ખંતથી સિસ્ટમને કે હૉસ્પિટલ જેવી સંસ્થાને પડકારી એવું કેટલા લોકો કરી શકે? અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં હાથમાં બધા પુરાવાઓ હોય છતાં પણ આવી ભૂલોના ભોગ બનનારા મોઢું સીવીને ખમી ખાય છે, કારણ કે આપણી કાનૂની પ્રક્રિયા એટલી જટિલ છે અને સામાન્ય માનવી પાસે ન તો એટલા આર્થિક સ્રોતો છે ન તેમની પાસે એટલો ફાજલ સમય કે શક્તિ છે. આ વિચાર અર્નબ ગોસ્વામીની ધરપકડ થઈ ત્યારે પણ આવેલો. તેની પાસે લીગલ સિસ્ટમ પાછળ ખર્ચવાના સોર્સિસ હતા એટલે તે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચીને ન્યાય મેળવી શક્યો. સામાન્ય માનવીની એવી હેસિયત ક્યાં? એટલે જ... એટલે જ ઉપરના બન્ને કિસ્સામાં મોડો તો મોડો પણ પોતાના કોઈ વાંકગુના વગર મરનારના ભાંગેલા પરિવારોને ન્યાય મળ્યો એનો સંતોષ અનુભવાયો, જીવને થોડો કરાર વળ્યો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 06:11 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK