‘અદત્તાદાન વિરમણ વ્રત’ એટલે શું?

Published: 8th March, 2020 19:45 IST | Chimanlal Kaladhar | Mumbai Desk

જૈન દર્શન : ‘યત્ર સંકલેશ પરિણામેન પ્રવૃત્તિસ્તત્રસ્તેયં ભવતી, બાહ્ય વસ્તુનો ગ્રહણે ચા ગ્રહણે ચ.’

જૈનધર્મમાં સાધુ જીવનના પાલન માટે પાંચ મહાવ્રતો દર્શાવવામાં આવ્યા છે, તે છે : (૧) પ્રાણાતિપાત વિરમણ (અહિંસા), (૨) મૃષાવાદ વિરમણ (અસત્ય), (૩) અદત્તાદાન વિરમણ (સસ્તેય), (૪) મૈથૂન વિરમણ (બ્રહ્મચર્ય) અને (૫) પરિગ્રહ વિરમણ (અપરિગ્રહ). આ પાંચ મહાવ્રતોમાં ત્રીજું વ્રત અદત્તાદાન વિરમણ વ્રત વિશે આજે અહીં ચર્ચા કરવાનો ઉપક્રમ છે. અદત્તાદાન વિરમણ વ્રતનો અર્થ થાય છે ચોરી ન કરવી, કોઈની માલિકીની વસ્તુને પોતાની ન ગણવી. ‘અદત્તાદાનં સ્તેયમ’ એટલે ચોરી કરવી એવો સામાન્ય અર્થ થાય છે. ‘સર્વાર્થ સિદ્ધિ’માં કહ્યું છે કે ‘યત્ર સંકલેશ પરિણામેન પ્રવૃત્તિસ્તત્રસ્તેયં ભવતી, બાહ્ય વસ્તુનો ગ્રહણે ચા ગ્રહણે ચ.’ અર્થાત્ બાહ્ય-સ્થૂલ વસ્તુનું ગ્રહણ હોય કે ન હોય પરંતુ જ્યાં સંકલેશ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તે ચોરી છે. આમ અસ્તેય કરતાં અદત્તાદાન વિરમણ શબ્દમાં વધારે વ્યાપક, ગહન અને સૂક્ષ્મ અર્થ રહેલો છે. ‘દત્ત’ એટલે આપેલું અને ‘અદત્ત’ એટલે કોઈએ નહીં આપેલું. ‘આદાન’ એટલે ગ્રહણ કરવું અને ‘વિરમણ’ એટલે અટકવું. આમ કોઈએ પોતાને નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરવી એ જ ‘અદત્તાદાન વિરમણ વ્રત.’ આ વ્રત માટે ‘અચૌર્ય’ કે ‘અસ્તેય’ શબ્દ કરતાં ‘અદત્તાદાન વિરમણ’ એ શબ્દ જ વિશેષ ગંભીર અને સહેતુક છે. સાધકને માટે તો આ શબ્દ જ વધુ ઉચિત અને યોગ્ય છે.

‘અદત્તાદાન વિરમણ વ્રત’ પાંચ મહાવ્રતોમાં બરાબર મધ્યમાં એટલે કે ત્રીજા ક્રમાંકે આવે છે. પહેલા બે વ્રતના પોષણ અર્થે જ આ ત્રીજું વ્રત છે. અહિંસા અને સત્ય સાથે અસ્તેયવ્રત નિત્ય જોડાયેલું છે. પહેલાં બે વ્રતનું કે બે પૈકી કોઈ એક વ્રતનું યથાયોગ્ય પાલન ન કરી શકનાર વ્યક્તિ આ ત્રીજું વ્રત પણ બરાબર પાળી શકે નહીં. આ ત્રીજા વ્રતનું પાલન કરનારા પ્રથમના બે વ્રતમાં દૃઢ રહે તે જરૂરી છે. જેઓ આ ત્રીજું અસ્તેયવ્રત સ્થૂળ અને સૂક્ષ્મ દૃષ્ટિએ પાળે છે તેઓને માટે ચોથું અને પાંચમું વ્રત સાવ સરળ અને સહજ બની જાય છે.
મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી એ ચાર ગતિના જીવોમાંથી ચોરીની સૌથી વધુ શક્યતા મનુષ્ય ભવમાં જ છે. મનુષ્ય ભવમાં જેમ એક બાજું જીવ માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્તમોત્તમ આરાધના કરી મોક્ષ મેળવવાની અભિલાષા છે, તેમ બીજી બાજું ગરીબી, બેકારી, વેર લેવાની વૃત્તિ વગેરે તથા રાગદ્વેષથી પ્રેરાઈને ચોરીનું દુષ્કર્મ કરવાની શક્યતા પણ રહેલી છે. મનુષ્યનું કુટિલ અને દુષ્ટ ચિત્ત અણહકનું મેળવવાના અનેક ઉપાયો શોધી કાઢીને તે મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. માત્ર ગરીબ લોકો જ ચોરી કરે છે એવું નથી. આ જગતમાં વિપુલ ધન-સંપત્તિ મેળવી ઉન્મત બનેલો શ્રીમંત વર્ગ પણ ચોરી કરવામાં ભારે નિષ્ણાત હોય છે. તેમના વેપાર-ધંધામાં તેઓ ચોરી કરી, છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી વધુ પૈસા મેળવે છે. કેટલીકવાર તે ચોરી વ્યવહારમાં ચોરી ન ગણાય તેવો દંભ આચરી તેમ જ સરકારના કાયદા દ્વારા તેમના આ અકાર્યથી સજા ન થાય એવી હોંશિયારી, આવડત અને કુનેહ આચરી તેઓ સજામાંથી છટકી જાય છે. સરકારી અધિકારીઓને મોટી લાંચરુશવત આપીને છૂટી જવાનું તેમનામાં કૌશલ્ય હોય છે, પણ કરેલા કર્મ કોઈને છોડતા નથી તે ઉક્તિ આ અબૂધ મનુષ્યો સમજી શકે તો આવો અનાચાર અટકી શકે.
આપણા શાસ્ત્રકારોએ ‘અદત્ત’ના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થંકર અદત્ત અને (૪) ગુરુ અદત્ત. જેની માલિકીની વસ્તુ હોય તે તેની મંજૂરી વિના છૂપી રીતે લઈ લેવી તે સ્વામી અદત્ત છે. મોટી કે નાની ચીજવસ્તુઓ તેના માલિકની રજા વિના લેવી, સાધુઓએ પણ ઉપાશ્રય વગેરેનો ઉપયોગ સંઘની મંજૂરી વિના કરવો તેને સ્વામી અદત્ત કહે છે. જે વસ્તુમાં જીવ હોય તે વસ્તુ ગ્રહણ કરવી તે જીવ અદત્ત છે. આ વાત મુનિ ભગવંતોને પણ લાગુ પડે છે. કેમ કે સાધુઓએ સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે. તીર્થંકરોએ નહીં આપેલું ગ્રહણ કરવું તે તીર્થંકર અદત્ત છે. આ અદત્તમાં તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાર્ય કરવું તેને તીર્થંકર અદત્ત કહે છે. ગુરુએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે ગુરુ અદત્ત છે. મુનિઓએ અને ગૃહસ્થોએ પંચમહાવ્રત ધારી ગુરુ ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ ગુરુ અદત્ત છે.
ચોરી કરવાના કેટલાંક કારણો છે તે માટે સૌથી મોટું કારણ છે લોભ, લાલસા. લોભી માણસ ક્યારે ચોરી કરશે તે કહી શકાય નહીં. એથી ભગવાન મહાવીરે ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં કહ્યું છે કે-
‘તમ્હા ભિભૂયસ્સ અદત્તહારિણો,
રુવે અતિતસ્સ પરિગ્ગહેચ;
માયામુસં વડ્ડઈ લોભદોષા,
તત્થાવિ દુકખા ન વિમુચ્ચઇ સે.’
અર્થાત્ તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભથી આકર્ષાઈને માયા અને અસત્યના દોષોને વધારી મૂકે છે, છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી. વળી આજ સૂત્રમાં કહેવાયું છે કે
‘મોસસ્સ પચ્છાય પુરુત્થઓય, પઓગકાલેય દુહી દુરંતે
એયં અદત્તાણિ સમાપયંતો,
રુવે અતિતો દુહિઓ અણિસ્સો.’
એટલે કે જુઠ્ઠુ બોલતા પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુ:ખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનારો હંમેશાં અસહાય અને દુ:ખથી પીડિત રહે છે.
ચોરી એકવાર કરી કે ઘણીવાર કરી પણ તે પોતાના આ દુસ્કૃત્ય બદલ જીવનના અંત સુધી પકડાઈ ન જાય તો પણ તેણે કરેલ આ પાપનું અશુભ કર્મનું ફળ આ ભવમાં કે પછીના ભવમાં તેણે અવશ્ય ભોગવવાનું જ આવે છે. એ દુ:ખ દરિદ્રતા, ભૂખમરો, દૌર્બલ્ય, શારીરિક પીડા, કુટુંબ કલેશ વગેરે રૂપે આવી શકે છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે ‘જેવું કરો, તેવું ભરો!’ એ કથન ચોરીનું આ પાપ કર્મ કરનારને એક યા બીજી રીતે ભોગવવાનું જ રહે છે. કેટલાક લોકો ચોરી કરે છે અને એ રકમમાંથી સારી એવી રકમનું દાન પણ કરે છે, અને સાથે એ દલીલ પણ કરે છે કે અમારે સંજોગોનુસાર ચોરી કરવી પડે છે, પરંતુ તેની સામે અમે દાન આપી કેટલાયે ગરીબ, દરીદ્ર, પરિવારોનું પાલન-પોષણ કરીએ છીએ. અમે જો ચોરી ન કરીએ તો આ બધા કુટુંબોને ભૂખે મરવાનો વારો આવે! ચોરીના બચાવમાં આવી દલીલો કરવી નર્યું અજ્ઞાન જ છે. એમાં માત્ર પોતાના સ્વબચાવનો આશય જ જણાય છે. ખરેખર તો આપણા શાસ્ત્રકારોના મતાનુસાર ન્યાયથી ધન ઉપાર્જન કરવું અને તેને વાપરવું એ જ મનુષ્યનું સર્વ પ્રથમ કર્તવ્ય છે. જો તે ચૂક્યા તો પછી બીજી ઘણી બાબતોમાં તમે મર્યાદા ચૂકી જ જવાના છો. તમને દાનનું પુ‌ણ્ય તો જ્યારે મળશે ત્યારે મળશે પણ એ પહેલાં ચોરી કરવાનું પાપકર્મ તો થયું જ છે અને તે ભોગવ્યા વિના તમારો છુટકારો થવાનો પણ નથી જ.
પંડિત વીર વિજયજી મહારાજે રચેલ ‘બારવ્રતની પૂજા’માં ચોરી જીવને માટે કઈ રીતે અનર્થકારી છે તે સરસ રીતે સમજાવતા કહ્યું છે કે -

‘સ્વામી અદત્ત કદાપિ ન લીજે,
ભેદ અઢારે પરિહરિએ રે;
ચિત્ત ચોખે ચોરી નવ કરીએ રે,
નવી કરીએ તો ભવજલ તરીએ રે.
સાત પ્રકારે ચોર કહ્યા છે,
તૃષ્ણ, તુષ માત્ર કર ન ધરીએ રે;
રાજદંડ ઊપજે તે ચોરી,
નાનું પડ્યું વળી વિસરીએ રે.
કૂડે તોલે, કૂડે માપે, અતિચારે,
નવિ અતિ ચરીએ રે;
આ ભવ પરભવ ચોરી કરતા,
વધ બંધન જીવિત રહીએ રે.
ચોરીનું ધન ન ઠરે ઘરમાં,
ચોર સદા ભૂખે મરીએ રે,
ચોરનો કોઈ ધણી નવિ હોવે,
પાસે બેઠાં પણ ડરીએ રે.
પરધન લેતાં પ્રાણ જ લીધા,
પંચેન્દ્રિય હત્યા વરીએ રે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK