Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું ફરક છે માબાપ બનવામાં અને સારાં માબાપ પુરવાર થવામાં?

શું ફરક છે માબાપ બનવામાં અને સારાં માબાપ પુરવાર થવામાં?

29 November, 2019 01:50 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શું ફરક છે માબાપ બનવામાં અને સારાં માબાપ પુરવાર થવામાં?

ફાઈલ ફોેટો

ફાઈલ ફોેટો


પરણ્યા પછી સંતાનો હોવાં જોઈએ એવું માનવામાં આવે છે અને એ માન્યતા ખોટી પણ નથી. સંતાનો થયા પછી મતભેદ ઓછા થઈ જાય એવો તર્ક લડાવવામાં આવે છે, એમાં પણ કશું અજુગતું નથી, પરંતુ માત્ર મતભેદ ઓછા કરવા માટે કે છૂટા ન પડીએ એવી માનસિકતા સાથે સંતાન કરવાની માનસિકતા ધરાવતા સૌકોઈએ એક વાત વિચારીને રાખવાની જરૂર છે કે માબાપ બનવું અને સારાં માબાપ બનવું એ બન્ને વચ્ચે જમીન-આસમાનનો કે પછી હાથી-કીડી જેટલો ફરક છે. માબાપ બનવું એ બાયોલૉજિકલી પાંચ મિનિટની અને કદાચ એનાથી પણ ઓછા સમયની પ્રક્રિયા છે, પણ સારાં માબાપ બનવા કે લાયક માબાપ બનવા માટે એક આખી જિંદગી ટૂંકી પડે એવું બની શકે છે. સારાં માબાપ બનવાની લાયકાત હોય તો સંતતિ વિશે વિચારવું જોઈએ, પણ જો કીડી-મંકોડાની જેમ વસ્તી વધારવાની ગણતરી મનમાં હોય, બુઢાપાનું પગલૂછણિયું અત્યારથી તૈયાર કરી લેવાની ગણતરી હોય કે તમને નાનાં બાળક ગમતાં હોય એ વાતનો શોખ પૂરો કરવાની ભાવના હોય તો મહેરબાની કરીને, બે હાથ જોડીને વિનંતી કરવાની કે સંતાનસુખ પ્રાપ્ત કરતાં પહેલાં સારાં માબાપની લાયકાત કેળવજો.

સંસ્કારને સગવડ સાથે કોઈ સંબંધ નથી, સંસ્કારને સુવિધા સાથે પણ કોઈ નાતો નથી અને સંસ્કારને સુખ સાથે પણ કોઈ વ્યવહાર નથી. સારી સ્કૂલમાં ભણાવીને તમે બાળકોને ભણાવી દેશો એટલે તેનામાં સંસ્કાર આવી જશે એવું ધારતા હો તો તમે ખરેખર મૂર્ખની જમાતમાં તમારું નામ લખાવી રહ્યા છો. સ્કૂલ ભણતર આપશે, ગણતર નહીં આપે. સ્કૂલ તમારા સંતાનને ઉપરના સ્ટાન્ડર્ડમાં લઈ જશે, સ્કૂલ તમારા સંતાનનું સ્ટાન્ડર્ડ ઉપર નહીં લઈ આવે. એ કાર્ય તો તમારા જ હાથમાં રહેશે અને એ કાર્ય તમારે જ કરવાનું રહેશે. જો આ કાર્યની લાયકાત ન હોય તો તમને કોઈ હક નથી કે તમારા વંશને તમે આ જમીન પર લાવીને મૂકી દો. ના, જરાય નહીં અને કોઈ સંજોગોમાં નહીં.



સ્વીકારતાં શીખવું પડશે કે તમે માબાપ બનવાને લાયક બન્યા છો કે નહીં. માબાપ બનવાની પ્રક્રિયાની લાયકાતની અહીં વાત નથી થતી; પણ એક જીવને, એક શ્વાસને સાચવી શકવાની, એને પાળવા-પોષવાની ક્ષમતા તમારામાં આવી છે કે નહીં એ વિચારવાની લાયકાત તમારે કેળવવી પડશે. જો આ લાયકાત પણ તમારામાં ન હોય તો પણ તમને સંતાનસુખ પ્રાપ્ત કરવાનો હક નથી મળતો. ઉંદર, બિલાડી કે કૂતરાની જેમ તમારી કોઈ મોસમ નથી હોતી કે એ મોસમ સમયે તમે પણ બાળકનો જન્મ કરાવો. સિંહોની જેમ કોઈ ચોક્કસ સમયગાળો પણ નથી હોતો કે મૅટિંગ પિરિયડ આવે. માણસ છીએ અને માણસે તેની મૅચ્યોરિટીના આધારે સંતતિનું આયોજન કરવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ દિશામાં ભાગ્યે જ કોઈ વિચારે છે. મોટા ભાગના કિસ્સાઓમાં ત્રાહિત કે પછી પાર્ટનરની ઇચ્છાને આધીન થઈને બાળક માટેની તૈયારી કરવામાં આવે છે અને એ જ સંજોગોમાં બાળકને જન્મ પણ આપી દેવામાં આવે છે.


બાળમાનસ કુમળું છે એ સૌકોઈ જાણે છે. જો એ કુમાસને અનુભવી શકવાની ક્ષમતા ન હોય, જો એને પારખવાની તૈયારી ન હોય અને જો નવેસરથી બાળપણને અનુભવવાની તૈયારી ન હોય તો સંતાનસુખ પ્રાપ્ત કરવા વિશે વિચારવું એ આવનારી પેઢી પર જુલમથી ઓછું કશું નથી. આજનાં માબાપ ક્યાંક ને ક્યાંક એવી જ રીતે ઘરમાં સંતાન લઈ આવીને મૂકી દે છે જાણે તે ઍમેઝૉન ફાયરસ્ટિક હોય કે પછી ગૂગલ હોમ હોય. એ એની રીતે કામ કર્યા કરશે, જરૂર પડશે તો એની દિશામાં જોઈશું અને જરૂર નહીં લાગે તો એક ખૂણામાં પડ્યું રહેશે. વારંવાર કહેવાનું મન થાય છે કે માબાપ બનવું જરૂરી નથી, સારાં માબાપ બનવાની ક્ષમતા કેળવવી અનિવાર્ય છે. જો તમે તેને સમય ન આપી શકવાનાં હો, જો તમે એની હાજરીમાં તમારા મૂડ-સ્વિંગ્સ અને તમારા ટેન્ટ્રમ્સ પર કાબૂ ન કરી શકવાનાં હો અને જો તમે તેની હાજરીમાં પણ કૂતરા-બિલાડાની જેમ ઝઘડી પડવાનાં હો તો તમને કોઈ હક નથી કે તમે એક અવતારને આ પૃથ્વી પર આવવાનું દ્વાર દેખાડો. બહેતર છે કે એને માટેની લાયકાત પહેલાં કેળવી લો.

જતું કરવાની ભાવના કેળવો અને માન-મર્યાદા તથા આમન્યાનું પાલન કરતાં શીખો. કહે છે કે તમે જેની સાથે રહો એના જેવા જ બનો. આ જ વાત તેને પણ લાગુ પડે છે. બાળક જેની સાથે રહેશે તેના જેવું થશે. તમે તમારી જાતને શ્રેષ્ઠ ગણતા હો, સત્યવાદી હરિશ્ચંદ્રની ૭૪૭મી પેઢીના વંશજ માનતાં હો તો પણ તમને બાળકને જન્મ આપવાનો હક નથી, કારણ કે શ્રેષ્ઠ હોય તે બદતર સહન કરવાની તૈયારી ધરાવતો હોય છે. જો તમે તમારી જાતને બદતર માનતાં હો તો નૅચરલી, બાળક માટેનો હક તમને આપવામાં આવતો નથી. સક્ષમતા નહીં, સજ્જતા કેળવો.


આ પણ વાંચો : સાલા, તું તો ઍક્ટર છો

શક્તિ નહીં, સંસ્કાર કેળવો. માબાપ બનવાની તૈયારી નહીં, સારાં માબાપ બનવાની દિશામાં આગળ વધો. બહુ જરૂરી છે એ. કારણ કે તમારું સંતાન તમારું પ્રતિનિધિ છે. જો તમે ઇચ્છતાં હો કે તમારો પ્રતિનિધિ ઉત્તમોત્તમ હોય તો તમે અને મારાં ભાભી કે પછી તમે અને મારા ભાઈ બન્ને ઉત્તમ બનવાની દિશામાં આગળ વધો. ભૂલતાં નહીં, સમય જશે તો આઇવીએફ ટેક્નૉલૉજી તમને બાળક આપી શકશે, પણ આઇવીએફ તમારા સંતાનને સંસ્કાર નહીં આપી શકે.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 01:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK