Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પર્સનાલિટી માટે વિચાર જરૂરી કે વ્યવહાર?

પર્સનાલિટી માટે વિચાર જરૂરી કે વ્યવહાર?

28 November, 2020 08:05 PM IST | Mumbai
Sanjay Raval

પર્સનાલિટી માટે વિચાર જરૂરી કે વ્યવહાર?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૂળ વાત તો આપણી છે દેખાડો કરવાના ફૅશનની. આપણે દેખાડો કરવામાં ક્યાંય પાછીપાની નથી કરતા, સહેજ પણ ખચકાતા નથી અને સારા હોવાના દેખાવાની તક મળે ત્યારે આપણે એ જતી નથી કરતા, પણ આ વિષય પર વાત કરવાની શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક નાનકડી વાત બીજી કરવી છે.

વાત છે ઇસ વીસન ૧૮૯૩ની, અમેરિકાના શિકાગો શહેરની.



વિશ્વભરના મોટા ભાગના ધર્મના આગેવાન, વડા કે પછી ધર્મગુરુઓ એ સમયે શિકાગોમાં હતા. અમેરિકામાં પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ્સ રિલિજિયન્સનું આયોજન થયું હતું અને તમામ એમાં હાજર રહેવા અમેરિકા આવ્યા હતા. હિન્દુસ્તાનમાંથી સ્વામી વિવેકાનંદ આ પાર્લમેન્ટ માટે શિકાગો ગયા હતા. સ્વામી વિવેકાનંદે વિશ્વભરના મહાનુભાવો સામે પોતાની સ્પીચ આપવાની હતી. શરૂઆતમાં તેઓ થોડા નર્વસ હતા અને આ મારા શબ્દો નથી, આ તેમણે પોતે કહ્યું છે કે હું શરૂઆતમાં નર્વસ હતો. સ્વામી વિવેકાનંદના જ શબ્દોમાં કહું તો બપોર પછી મારી સ્પીચનો વારો આવ્યો ત્યારે અંદરથી થોડી નર્વસનેસ જાગી. સહેજ મૂંઝવણ હતી, પણ એને દબાવીને મા સરસ્વતીને વંદન કરીને હું સ્ટેજ પર આવ્યો. જેવો સ્ટેજ પર આવ્યો કે મારા શરીરમાં કોઈ અલગ જ એનર્જીનો સંચાર થયો હોય અને કોઈ અજ્ઞાત શક્તિ મારા શરીરનો સંચાર કરતી હોય એવો મને અનુભવ થયો,


‘અમેરિકાનાં મારાં ભાઈઓ અને બહેનો...’

સ્વામી વિવેકાનંદની સ્પીચનું આ સંબોધન હતું અને આ સંબોધનથી તેમણે વાતની શરૂઆત કરી હતી.


અગાઉ અન્ય ધર્મગુરુઓ અને સંપ્રદાયના વડાઓએ સંબોધન કર્યાં હતાં, પણ કોઈએ આવું સંબોધન નહોતું કર્યું. હાજર હતા એ બધા ખુશ થઈ ગયા અને સતત બે મિનિટ સુધી તાળીઓ પડતી રહી. પ્રવચન પછી બધાએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું, પણ પ્રભાવ છોડવાનું કામ તો સ્વામીજીએ પહેલી લાઇનમાં જ કરી લીધું હતું. તમે ભલે અમેરિકાનાં રહ્યાં, પણ છો તો મારાં ભાઈઓ-બહેનો જ. દુનિયા સામે ભારતની જે છબિ હતી એનાં સાચાં દર્શન સ્વામી વિવેકાનંદે દુનિયાને કરાવ્યાં. પ્રવચન પછીની વાત કરીએ. એક અમેરિકન સ્વામીજી પાસે ગયો અને તેણે કહ્યું, ‘તમે બહુ સારી પર્સનાલિટી ધરાવો છો, પણ આ ભગવા રંગનાં કપડાંને બદલે તમારે સૂટ-બૂટ પહેરવાં જોઈએ. સૂટ-બૂટથી પર્સનાલિટી ભરાવદાર પડે.’

‘તમારા દેશમાં પર્સનાલિટી તમારા પહેરવેશથી નક્કી થાય છે, પણ મારા દેશમાં પર્સનાલિટી વિચારો અને અમારા સંસ્કારો દ્વારા નક્કી કરવામાં આવે છે.’

સ્વામી વિવેકાનંદનો આ જવાબ હતો. કેટલો અદ્ભુત જવાબ. જવાબ સાંભળીને પેલા ગોરાની બોલતી બંધ થઈ ગઈ અને આજ સુધી એ બોલતી બંધ જ રહી છે. અંગ્રેજોની આ જ વાત તેને આપણા કરતાં સહેજ ઊંચા બનાવે છે. એક વાર કહેવાયેલી વાતને એ લોકો કાયમ માટે યાદ રાખે છે, જ્યારે આપણને વારંવાર કહેવામાં આવે તો પણ આપણે એ વાતને યાદ રાખવાની તસ્દી નથી લેતા. અત્યારે જુઓને તમે, માસ્ક અને સૅનિટાઇઝેશન માટે વારંવાર કહેવાય છે તો પણ આપણે ક્યાં સમજીએ છીએ. આપણે તો આપણી ધૂનમાં જ જીવવામાં માનીએ છીએ.

કોવિડ અને મહામારીના વિષયની વાત પડતી મૂકીને આપણે ફરી આવી જઈએ સ્વામી વિવેકાનંદના જવાબ પર. સ્વામીજીએ જે કહ્યું હતું એ વાત આજે કેટલા લોકો ફૉલો કરી રહ્યા છે. કેટલા સૂટ-બૂટમાં પર્સનાલિટીને ડેવલપ કરીને દુનિયાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે અને કેટલા એવા છે કે જેઓ પોતાના વિચાર અને સંસ્કાર સાથે જીવવાનું પસંદ કરે છે? મોટા ભાગના પહેલી વાત સાથે જીવી રહ્યા છે અને એની પાછળનું કારણ છે દેખાડો કરવાની માનસિકતા. આપણે દેખાડા પાછળ ભાગતા રહીએ છીએ. શું કરવું છે આ દેખાડો કરીને અને શું સાબિત કરવા માગીએ છીએ આ દેખાડા થકી? શું આપણે દુનિયાને એ દેખાડવું છે કે જુઓ અમે કેટલા ઍડ્વાન્સ છીએ? જુઓ અમારી પર્સનાલિટી કેવી છે? જુઓ, અમે કેવા ભણેલા દેખાઈએ છીએ? કે પછી એવું દેખાડવા માગીએ છીએ કે જુઓ અમે કેવા શ્રીમંત છીએ? સાબિત શું કરવું છે આપણે?

છે આનો કોઈ જવાબ?

મારો કહેવાનો અર્થ જરા પણ એવો નથી કે આપણે પણ સ્વામીજીની જેમ ભગવો પહેરવેશ ધારણ કરી લઈએ. ના, જરાય નહીં, એ તો અગેઇન દેખાડાની જ એક પ્રક્રિયા થઈ, પણ અહીં જે વાત છે એ વાત વિચારોની છે. એ દિવસે પણ સ્વામી વિવેકાનંદે એ જ સમજાવ્યું હતું કે દેખાડાથી નક્કી કરવાનું કામ તમારો દેશ કરે છે, પણ મારા દેશમાં અમારા સંસ્કારોથી વ્યક્તિ કેવો છે અને એનું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી થાય છે. આપણે હંમેશાં દેખાડાવાળો રસ્તો જ પસંદ કર્યો છે અને એને માટે આપણી પાસે કોઈ જવાબ જ નથી હોતો, પણ એનો જવાબ છે ખરો.

હિન્દુસ્તાન ૩૫૦ વર્ષ ગુલામીમાં રહ્યું. આ ગુલામી આપણને એવી માફક આવી ગઈ કે અંગ્રેજો દેશ છોડીને ગયા, પણ જતાં-જતાં તેમણે જે શીખવાડ્યું હતું, ગોખાવ્યું હતું એ આપણે આજે પણ યાદ રાખ્યું છે. અંગ્રેજી તો આવડવું જ જોઈએ, દેખાડા તો કરવા જ પડે. આ બધું આપણને ફાવે પણ એટલા માટે છે કે આપણે આજે પણ મનથી ગુલામી ભોગવીએ છીએ. આજે જે કંઈ કરીએ છીએ એ આપણે ગુલામ હતા ત્યારે ધોળિયાઓને રાજી રાખવા કરતા હતા. અમુક લોકો કરતા અને મોટા ભાગના લોકોને એ કરવાની મનાઈ હતી. હા, આ સાચું છે. અંગ્રેજી બોલવાની વાત તો એક બાજુએ રહી, પણ આપણે ત્યાં તો અંગ્રેજી ભણવા પર પણ પ્રતિબંધ હતો. બન્યું એવું કે જ્યારે ગુલામી યુગમાં આપણને અંગ્રેજી આવડતી નહોતી અને એટલે આપણે અંગ્રેજી બોલે એનાથી અભિભૂત થવા લાગ્યા. સૂટેડ સાહેબોને જોઈને આપણે તેના પ્રેમમાં પડ્યા અને વગરવિચાર્યે અનુકરણ પણ કરવા લાગ્યા. મનમાં હતું કે જો અંગ્રેજી બોલીશું, સૂટ-બૂટ પહેરીશું તો લોકો આપણાથી ઇમ્પ્રેસ થશે.

ખોટી વાત, સાવ ખોટી વાત છે આ. નકલમાં અક્કલ હોતી નથી. નકલ કરીને કોઈના જેવા તમે દેખાઈ શકો, પણ કોઈના જેવા બની ન શકો અને બનવું પણ શું કામ જોઈએ? વર્ષો પહેલાં મિથુન ચક્રવર્તીને ગરીબોનો અમિતાભ કહેવામાં આવતો. એ સમયે હું કૉલેજમાં હતો. ત્યારે પણ મેં કહ્યું હતું કે હવે મિથુનની કરીઅર ખતમ થઈ જશે અને એવું જ થયું. જો તમે બીજા જેવા બન્યા તો તમારી સાથે પણ એ જ થઈ શકે છે, એવું કરવાને બદલે તમે તમારી પોતાની ઓળખ ઊભી કરો, જે હકીકતમાં છે જ પણ તમે એને ભૂંસી રહ્યા છો, કારણ કે તમે બીજાની ઓળખ મેળવીને રાજી થવા માગો છો. જો હું ઓરિજિનલ લય કરી શકતો હોઉં તો પછી હું ડુપ્લિકેટની દિશામાં જાઉં જ શું કામ? એટલે જ તમારે જાતને એ રીતે તૈયાર કરવાની છે કે તમારી પોતાની અલગ ઓળખ ઊભરી આવે.

આજે દરેક જગ્યાએ આપણે એ નકલ કરવાનું જ કામ કરીએ છીએ. પેલાએ મર્સિડીઝ લીધી, હું પણ લઉં. પેલા દુબઈ ફરવા ગયા તો હવે હું પણ જાઉં, દુબઈ નહીં તો ફૉરેનટ્રિપ તો કરું જ. શું કામ આવું કરવાનું. ગાંધીજીનો નિયમ હતો સત્ય બોલવું, કરી શકશો તમે એવું કામ? કરી શકશો ગાંધીજીની નકલ અને કરવી હોય તો એવી વાતની નકલ કરો, એવી વાતનું અનુકરણ કરો જે તમારા જીવનને પણ બહેતર બનાવે અને વધારે સારા માણસ બનાવે, પણ ના, તમે એ જ નકલ કરો છો જેમાં તમારો અહમ્ સંતોષાય છે. વહુ સાસુને ખૂબ સારી રીતે રાખે છે તો એ નકલ કરો. એક શ્રીમંત ગરીબ બાળકોને ભણાવવા રજાના દિવસોમાં જાય છે, તમે પણ જાઓ. કોરોના-વૉરિયર્સની સેવા કરનારાઓનો પણ તોટો નહોતો, ગયા તમે કોઈની હેલ્પ માટે? જવાબ છે, ના. સમય જ નથી મળતો. દેખાવો એવો કરો જે જીવનને શ્રેષ્ઠ બનાવે. નકલ એવી કરો જે લાઇફને બેસ્ટ બનાવવાની દિશામાં તમને આગળ લઈ આવે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2020 08:05 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK