સુખ શોધવા જવું પડે એનાથી મોટું દુ:ખ બીજું કયું હોઈ શકે?

Published: 27th November, 2020 15:40 IST | Ras | Mumbai

આ વાતને નિયમિત સાબિત કરે છે ડીપી એટલે કે ડિસ્પ્લે પિક્ચર્સ. સોશ્યલ મીડિયાથી માંડીને મોબાઇલ મેસેન્જરમાં દર કલાકે અને દરેક પરોઢે બદલાતાં રહેતાં ડિસ્પ્લે પિક્ચર્સ અને સ્ટેટસ પુરવાર કરે છે કે સુખ તમારે આંગણે છે એ વાત તમારે ગાઈવગાડીને કહેવી પડે છે

બસ, દેખાડવું છે. દેખાડ્યા કરવું છે કે અમે સુખી છીએ અને સુખ અમારા આંગણામાં હડિયાપટ્ટી કરે છે.
બસ, દેખાડવું છે. દેખાડ્યા કરવું છે કે અમે સુખી છીએ અને સુખ અમારા આંગણામાં હડિયાપટ્ટી કરે છે.

બસ, દેખાડવું છે. દેખાડ્યા કરવું છે કે અમે સુખી છીએ અને સુખ અમારા આંગણામાં હડિયાપટ્ટી કરે છે. યાદ રહે, સુખને શોકેસમાં મૂકીને એનું પ્રદર્શન કરવું પડે એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. સુખ શોધવાના પ્રયાસો કરવા પડે એનાથી વધારે પીડા આપતું દુઃખ જગતમાં ક્યાંય નથી. દેખાડો કરવો પડે છે, સતત સુખી હોવાની હાજરી પુરાવવી પડે છે અને એ હાજરી પુરાવતાં-પુરાવતાં પુરાવાઓ પણ સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ પર સેટ કરતા રહેવા પડે છે એ જ દેખાડે છે કે તમે સુખની તલાશમાં છો.
યાદ રહે, સુખી એ જ છે જે સુખને શોધતો નથી. સુખી એ જ છે જે સાબિતી શોધવા નીકળતો નથી અને સુખી એ જ છે જે દુઃખને ઢાંકવા જતો નથી. લોકલમાં અનાયાસે ભટકાયેલી ફ્રેન્ડ સાથેનો સેલ્ફી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પુરવાર કરવામાં આવે કે અમે ખુશ છીએ. પણ અફસોસની વાત એ કે ખુશી દેખાડવા માટે પણ વાપરવા તો સોશ્યલ મીડિયાના લાફ્ટરના ઇમોજિસ જ પડે છે. સુખી હોવું કે પછી ખુશ દેખાવું એ જ પુરવાર કરે છે કે તમે માત્ર દેખાડો કરવા સિવાય, આડંબર પાથરવા સિવાય બીજું કંઈ કરી નથી રહ્યા.
એક સીધાસાદા અને સરળ સવાલનો જવાબ આપો. તમને શું લાગે છે જેના ડીપીમાં આ પ્રકારના ફોટોગ્રાફ સેટ નથી હોતા તે ખુશ નથી? તે તેના ફ્રેન્ડ્સ સાથે પોતાનો આનંદ નથી માણી રહ્યા કે પછી શું તેને લોકલ ટ્રેનમાં જગ્યા નથી મળતી? ના, ફરક માત્ર એટલો હોય છે કે દુનિયાને તે પોતાના સુખનું સંપેતરું નથી મોકલતા. તેણે પુરવાર કરવા નથી જવું પડતું કે પછી પુરાવાઓની ચોપાટ નથી પાથરવી પડતી કે પોતે ખુશ છે. સુખ શાશ્વત છે અને સુખ સાપેક્ષ છે. જો એ તમારી આસપાસ હશે તો તમારી આસપાસનો માહોલ પણ સુખનો અનુભવ કરશે. કવિ મકરંદ દવેએ બહુ સરસ કહ્યું છે - ગમતાંને ન ગુંજે ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...
સુખ આ પંક્તિને ફૉલો કરે છે. તમે સુખી તો તમારી આસપાસના સૌકોઈ સુખી. તમે ખુશ તો આજુબાજુમાં ખુશીનો ઓચ્છવ કોઈ જાતના પ્રયાસ વિના પણ થયા કરશે. એની માટે ડિસ્પ્લે પિક્ચર્સને હથિયાર તરીકે વાપરીને પાડોશીને ઈર્ષ્યા કરાવવાની જરૂર નથી પડતી અને મૅટર ઑફ ફૅક્ટ, એવું કરવાનું પણ શું કામ?
યાદ રહે, આવા દેખાવો કરનારો સૌથી વધુ દુખી, અપસેટ કે પછી એકલવાયો હોય છે પણ તેને આ વાત સ્વીકારવામાં કે પછી આ વાતને દર્શાવવામાં પણ સંકોચ થતો હોય છે. પોતાની તકલીફ દેખાડવામાં કે પછી તકલીફ સ્વીકારવામાં પણ જેને પેટમાં ચૂંક આવતી હોય તેને ક્યારેય એ પીડામાંથી રાહત નથી મળતી. ડૉક્ટર સામે તકલીફ કહેવી પડે, એક્સપર્ટને મળ્યા પછી પીડા વર્ણવવી પડે. જો પીડા વર્ણવી શકો તો જ એનું નિરાકરણ મળે પણ જો કહેવામાં સંકોચ રાખો તો પીડા સાથે ઘરોબો કેળવી લેવો પડે. સોશ્યલ મીડિયાનાં ડિસ્પ્લે પિક્ચર અને સ્ટેટસને પોતાની દુનિયા બનાવી લેનારાઓ હકીકતમાં તો પીડા સાથે ઘરોબો કેળવીને બેસી રહેનારાઓ હોય છે. કહેવું છે ઘણું, પણ તક નથી મળી રહી; બોલવું છે ખરું, પણ માઇક આપનારું કોઈ મળતું નથી; શબ્દો અખૂટ છે, પણ કાન આપનારું કોઈ નથી. આ પરિસ્થિતિ વચ્ચે બને છે માત્ર એટલું કે તે પોતે ભ્રમણા વચ્ચે આગળ વધવાનું આરંભી દે છે. આ ઇલ્યુઝન, આ ભ્રમણા ખોટી નથી, પણ એ ખોટી ત્યારે બને જ્યારે એનો દેખાડો બીજા સમક્ષ શરૂ થઈ જાય અને શરૂ થયેલો આ દેખાડો વાસ્તવમાં ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનું આરંભી દે એ પણ હકીકત છે.
યાદ રહે, તમે દુખી હો ત્યારે પણ તમે ખુશ હોઈ શકો છો પણ તમે ખુશ હો ત્યારે તમે સુખી ન હો એવું પણ બની શકે છે. અત્યારે થઈ આ રહ્યું છે. મનમાં ભાવના કંઈ જુદી છે, કહેવું કંઈ જુદું છે અને વર્તન કંઈક ત્રીજી જ દિશાનું કરવું છે. બે પગ સાથે મળીને ત્રીજી દિશામાં ચાલી શકે પણ મન ઉત્તરમાં, પગ દક્ષિણમાં અને આંખ પૂર્વમાં હોય એવા સમયે માત્ર ઍક્સિડન્ટ થાય અને એના માટે આપણે જ જવાબદાર ગણાઈએ. જરૂરી નથી દરેકને આ વાત લાગુ પડે. ના, જરાય નહીં. પણ મહદ અંશે આવું કરનારાઓ હોય છે એ પણ એટલું જ સાચું છે. ક્યારેય ભૂલતા નહીં, ચહેરા પરથી માણસ ઓળખાય પણ માણસની ઓળખ માટે તમારે જવું તો તેની ભીતર જ પડે. પારખવા જશો તો પોતીકું પણ પારકું લાગી શકે, પણ જો સમજવાનો પ્રયાસ કરશો તો કોઈ પારકામાં પણ પોતીકાપણાનો ઓચ્છવ થશે. ડિસ્પ્લેના દેખાડા અને ધખારા બંધ કરો. સુખને દર્શાવવા કરતાં સુખની અનુભૂતિ કરવાનું રાખશો તો સુખના દેખાડા માટે ડીપીમાં સેટ કરવા હસી-હસીને લોટપોટ થઈ આંખમાંથી પાણી નીકળતા પેલા ડાગલાનું ઇમોજી વાપરવું નહીં પડે.

સોશ્યલ મીડિયાનાં ડિસ્પ્લે પિક્ચર અને સ્ટેટસને પોતાની દુનિયા બનાવી લેનારાઓ હકીકતમાં તો પીડા સાથે ઘરોબો કેળવીને બેસી રહેનારાઓ હોય છે. કહેવું છે ઘણું, પણ તક નથી મળી રહી; બોલવું છે ખરું, પણ માઇક આપનારું કોઈ મળતું નથી; શબ્દો અખૂટ છે, પણ કાન આપનારું કોઈ નથી. આ પરિસ્થિતિ વચ્ચે બને છે માત્ર એટલું કે તે પોતે ભ્રમણા વચ્ચે આગળ વધવાનું આરંભી દે છે.

caketalk@gmail.com

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK