સોશ્યલ મીડિયાના ઉપયોગમાં આપણે સૌથી આગળ છીએ એ શું સૂચવે છે?

Published: 20th January, 2021 09:29 IST | Manoj Joshi | Mumbai

સુવિધા અને સગવડ માત્ર અને માત્ર મર્યાદામાં સારી લાગે. મર્યાદા ભૂલીને જો એનો અતિરેક કરવામાં આવે તો એને લીધે દૂષણ ઊભા થવાનું શરૂ થઈ જાય અને દૂષણ હંમેશાં અમર્યાદિત અવસ્થામાંથી જ ઊભાં થતાં જોવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કેટલાકને એવું લાગશે કે વૉટ્સઍપ કે પછી બીજા સોશ્યલ મીડિયાનાં જેકોઈ સાધનો છે એનાથી મને ચીડ છે કે મને એ ગમતાં નથી. આનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોઈ શકે અને છતાં જવાબ આપવાનો હોય તો કહેવું પડે કે અમુક અંશે હા અને અમુક અંશે ના પણ ખરો. રાજકારણીઓ આપતા હોય છે એવો આ દંભી જવાબ નથી, પણ જવાબ મહત્ત્વપૂર્ણ છે.

વૉટ્સઍપ કે પછી એ પ્રકારના કોઈ મેસેન્જરનો ઉપયોગ છૂટથી થતો હોય અને છૂટથી કરવામાં આવતા આ ઉપયોગ પછી એના ઉપયોગથી જ ત્રાસ છોડાવી દેવામાં આવતો હોય તો એ મને ન ગમે અને મને જ નહીં, એનો તમને પણ ત્રાસ છૂટે જ છૂટે. સુવિધા અને સગવડ માત્ર અને માત્ર મર્યાદામાં સારી લાગે. મર્યાદા ભૂલીને જો એનો અતિરેક કરવામાં આવે તો એને લીધે દૂષણ ઊભા થવાનું શરૂ થઈ જાય અને દૂષણ હંમેશાં અમર્યાદિત અવસ્થામાંથી જ ઊભાં થતાં જોવામાં આવે છે.

વિજ્ઞાન દ્વારા શોધવામાં આવેલાં તમામ હથિયારોનો હેતુ હંમેશાં સુરક્ષાના ભાવથી જ શરૂ થતો હોય છે, પણ પછી હથિયારોની માત્રા વધે અને એમાં આધુનિકતા ઉમેરાઈ જાય એટલે સુરક્ષાનું સ્થાન દાદાગીરી લઈ લે અને હથિયાર દાદાગીરી કરવાનું સાધન બની જાય છે. દુનિયાના દેશો જોશો તો તમને દેખાશે પણ ખરું કે જેણે પણ હથિયારલક્ષી માનસિકતા રાખી છે એ દેશો અંતે દાદાગીરી પર આવી ગયા છે. વાત અત્યારે દાદાગીરીની કે હથિયારોની નથી, પણ વાત અત્યારે વૉટ્સઍપ અને એનાં જેવાં જેકોઈ બીજાં બધાં સોશ્યલ મેસેન્જર છે એની છે, પણ આગળ આપ્યું એ ઉદાહરણ ચોક્કસપણે સાથે જોડી શકાય. જો તમે તમારા ઉપયોગ માટે, તમારા કામના ભારણમાં ઘટાડો થાય એવા હેતુથી અને કોઈ વખત, ફરી એક વાર કહું છું કે કોઈ વખત મનોરંજન માટે તમે એનો ઉપયોગ કરતા હો તો જરાય ખોટું નથી, પણ અતિરેક ન થવો જોઈએ. જરા પણ નહીં. અતિરેક હાનિકર્તા છે અને આ જ અતિરેક અત્યારના સમયે સતત સોશ્યલ મીડિયા કે એ પ્રકારના મેસેન્જર પર દેખાઈ રહ્યો છે. મળવાનો સમય નથી, પણ મેસેજ વાંચો ત્યારે તમને એ પ્રકારની અનુભૂતિ થઈ આવે કે સામેની વ્યક્તિ તમારા વિના જીવી નથી શકતી. અનેક સાઇકિયાટ્રિસ્ટ મારા મિત્રો છે, અનેક સાયકોલૉજિસ્ટને હું બહુ સારી રીતે ઓળખું છું. તેમની સાથે ઘણી વાર આ વિષય પર ચર્ચા થઈ છે અને એ ચર્ચા દરમ્યાન જ જાણવા મળ્યું છે કે વૉટ્સઍપ અને ફેસબુકનો ઉપયોગ અત્યારે ફ્લર્ટ કરવા માટે સવિશેષ રીતે થઈ રહ્યો છે. એકબીજાની સામે નહીં હોવાને લીધે આંખોની શરમ નથી અને આંખની શરમ નથી નડતી એટલે ફ્લર્ટ કરવામાં કોઈ પરેશાની નથી અને પરેશાની નથી એટલે જ પહેલ થઈ જાય છે. આ પહેલ ભૂલથી પણ ન થાય અને ક્યારેય કોઈ જાતની ખોટી દિશામાં ફંટાઈ ન જવાય એ માટે જરૂરી છે કે વૉટ્સઍપ મેનર્સ જાળવવાની શરૂ કરવામાં આવે. વૉટ્સઍપ આવ્યા પછી સૌથી મોટો એનો દુરુપયોગ આ જ થયો છે અને આ દુરુપયોગ વચ્ચે જ લોકોએ છૂટછાટ પણ લેવાની શરૂ કરી દીધી છે. આ છૂટછાટને કાબૂમાં લેવાનું કામ પણ બીજું કોઈ નહીં કરે, એ કામ તમારે જ કરવું પડશે. તમારે સજાગ થવું પડશે અને તમારે ઉપયોગ અને દુરુપયોગની ભેદરેખાને વાજબી રીતે ઓળખી લેવી પડશે. આજે જગતમાં આ સોશ્યલ મીડિયાનો મૅક્સિમમ ઉપયોગ કરનારાઓમાં એશિયન દેશો આગળ છે અને એ બધામાં આપણે સૌથી ઉપર છીએ. આ શું સૂચવે છે?

અર્થસૂચક સંદેશ છે, સમજી જજો જાતે જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK