અન્નથી તમને ચીડ ચડવાની શરૂ થાય તો?

Published: May 17, 2020, 19:08 IST | Bhavya Gandhi | Mumbai Desk

આરંભ હૈ પ્રચંડ : પૅક્ડ ફૂડનું આપણે ત્યાં એટલું ચલણ નથી, પણ આવતા સમયમાં એ વધવાનું છે એટલે જો અત્યારથી સાવચેત નહીં રહીએ તો આપણી હાલત પણ યુરોપ અને અમેરિકા જેવી થવા માંડવાની છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજનો આપણો મુદ્દો છે પૅક્ડ ફૂડનો પણ એ પહેલાં એક પ્રશ્નનો જવાબ આપો તમે મને કે તમને જમવામાં શું ભાવે? ઘણાને અમુક પ્રકારની વાનગીઓ કે પછી સ્વીટ્સ અતિવહાલી હોય તો ઘણાને તીખું કે પછી ચટાકેદાર જમવાનું જોઈએ. કોઈને ખાવા કરતાં લિક્વિડ વધારે પ્રિય હોય તો કોઈ દિવસ દરમ્યાન મૅક્સિમમ ફ્રૂટ્સ ખાવાનું પસંદ કરે. હવે જરા વિચાર કરો કે તમને જે વાનગી અતિશય ભાવે છે, તમારી ફેવરિટ છે એની જ તમને સૂગ ચડવા માંડે તો? આમાં કોઈ અતિશયોક્તિ નથી. આવું બનતું હોય છે. જમવામાં ખૂબ બધી સ્વીટ્સ ખાઈ લીધા પછી થોડા કલાકો કે દિવસો સુધી તમને એ વાનગી કે સ્વીટ્સ ખાવાની ઇચ્છા જ ન થાય. હવે તમે જરા જુદી રીતે જુઓ આ વાતને. તમારી ભાવતી વરાઇટીનું કોઈ નામ લે અને એ નામ સાંભળતાં જ તમને સૂગ ચડવા માંડે તો કેવી પરિસ્થિતિ થાય? છેલ્લાં બે-ત્રણ વર્ષથી ફૉરેનમાં આવું થઈ રહ્યું છે. મોટા ભાગની વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પૅક્ડ ફૂડની બોલબાલા છે, પણ આ પૅક્ડ ફૂડને કારણે હવે એવું બનવા માંડ્યું છે કે એક ને એક પ્રકારનાં વાસી ફૂડ આરોગીને ત્યાંના લોકોને ફૂડની સૂગ ચડવા માંડી છે. આ મેં સાંભળ્યું હતું અને અમેરિકાની મારી આઠેક મહિનાની પહેલાંની ટ્રિપ દરમ્યાન પણ મેં આ જ વાત જોઈ હતી. 

જરા વિચાર તો કરો. કેવી ખરાબ હાલત કહેવાય. તમને ફૂડની જ સૂગ ચડવા માંડે તો કેવી પરિસ્થિતિ સર્જાય? આ પૅક્ડ ફૂડને લીધે થનારા હેલ્થ-પ્રૉબ્લેમની ચર્ચા તો હજી દૂર છે પણ અત્યારે તો વાત માત્ર સૂગની જ છે. ખાવાની સૂગ?
હા, ખાવાની સૂગ. માનવામાં ન આવે પણ માનવી પડે એવી વાત છે આ. સવાર, બપોર, સાંજ અને રાત એમ ચાર ટાઇમ તમને વાસી અને આપણી ગુજરાતીમાં કહીએ તો જૂનું બનાવેલું ફૂડ જ આપવામાં આવે અથવા તો તમે જાતે જ એ આરોગતા રહો તો સ્વાભાવિક છે કે એક સમયે દિલ અને દિમાગ બન્ને કંટાળીને કહી દે કે બસ કર ભાઈ, હવે મારા શરીરની લિમિટ પૂરી થઈ ગઈ. નથી ખાવું હવે, મરી જવું હોય તો મરી જાઉં, પણ મારે ફૂડ નથી જ જોઈતું. આવું થવાનું કારણ પણ સ્પષ્ટ છે. આપણે જેટલો કચરો શરીરમાં ભેગો કરવો હોય એટલો કરી લીધો, પણ એને કાઢવા માટેની કોઈ માનસિકતા કેળવી જ નથી એટલે આપણને આ ફૂડ માટે અરુચિ આવવાની શરૂ થઈ જાય છે. આ પૅક્ડ ફૂડના કચરાને શરીરમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. આ જ ટૉપિક પર મેં હમણાં એક ડૉક્યુમેન્ટરી સિરીઝ પણ જોઈ.
હું જે સિરીઝની વાત કરુ છું એ સિરીઝ અમેરિકા અને બીજી વેસ્ટર્ન કન્ટ્રીમાં ખૂબ પૉપ્યુલર થઈ છે અને આ સિરીઝ ખરેખર રિયલિટીની ખૂબ નજીક પણ છે. એ સિરીઝનું નામ ‘રૉટન’ છે, પણ એ હકીકતે રેડ અલાર્મ જેવી છે. નેટફ્લિક્સ પર આ સિરીઝ તમે પણ જોઈ શકો છો. આ સિરીઝ મને ખૂબ ગમી છે. ‘રૉટન’ વિશે તમને થોડી વાત કરી દઉં તો તમને એ સિરીઝની વાત જરા પણ અજુગતી નહીં લાગે.
રૉટન લેટિન અંગ્રેજી વર્ડ છે જેનો સાદો અને સરળ અર્થ થાય છે સડી ગયેલું. રૉટન શબ્દ સામાન્ય રીતે કોહવાઈ ગયેલા ડેડ-બૉડી માટે વાપરવામાં આવતો પણ કાળક્રમે એ શબ્દનો વપરાશ ઓછો થતો ગયો. સિરીઝમાં આ શબ્દનો ઉપયોગ પૅક્ડ ફૂડ માટે વાપરવામાં આવ્યો છે પણ ઓરિજિનલ અર્થ અને આ સિરીઝમાં વાપરવામાં આવ્યો છે એ અર્થ બન્ને લગભગ એકબીજાના પર્યાય બનીને કામ કરે છે.
સિરીઝ ‘રૉટન’માં તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન કન્ટ્રીમાં રહેતા લોકો કઈ હદે પૅક્ડ ફૂડને આધીન થઈ ગયા છે અને ફાસ્ટ ફૂડની પાછળ પાગલ છે. તેમને હવે એટલી હદે રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય છે કે એ લોકો માર્કેટમાંથી પૅક્ડ ફૂડ લઈને સીધું અવનમાં ગરમ કરીને જમી લે છે. સમય બચાવવાના ઇરાદાથી આ કામ શરૂ થયું હતું, પણ પછી એ આળસમાં અને પછી કંટાળાને લીધે એ જ કાયમી બની ગયું. માર્કેટમાં મળતા પૅક્ડ ફૂડ આપણા શરીર માટે જન્ક કહેવાય. કઈ રીતે એ સમજવા જેવું છે. જેના પર ટકાઉપણા માટે પ્રોસેસ થાય એ ફૂડ જન્ક ફૂડ છે. ચાર કલાક પછી જેને આરોગી ન શકાય એ ફૂડને જન્ક ફૂડમાં સામેલ ન કરવું એવું આયુર્વેદ કહે છે, પણ આપણે માનીએ કે ચાલો, ૮ કલાક સુધી જે ફૂડ બગડે નહીં એ ફૂડ જન્ક ફૂડ નહીં અને બાકીનાં બધાં જન્ક ફૂડ. આયુર્વેદની વાતને જ જો આગળ ધપાવીએ તો કહી શકાય કે જે ફૂડ પર ઓછામાં ઓછી પ્રોસેસ થાય એ ફૂડ સૌથી સારું. આ જ કારણે તો આયુર્વેદ સૅલડની પરમિશન રાજી થઈને આપે છે અને આ જ વાત સૌકોઈએ સમજવાની પણ છે. આપણે એકમાત્ર એવો જીવ છીએ જે રાંધવાની કળા ધરાવીએ છીએ, બાકી જગતમાં કોઈ બીજો જીવ એવો નથી જે બનાવવાની કડાકૂટ કરે. કીડીથી લઈને હાથી સુધીના બધા જીવ અને પ્રાણીઓ કાચું જ આરોગે છે. પૅક્ડ ફૂડ છે એના પર અઢળક પ્રોસેસ થઈ હોય છે અને ઘણી વખત તો ૭-૮ વખત પ્રોસેસ થયા પછી એ બને છે અને પછી એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે. ફૉરેનમાં નૉન-વેજ આરોગવામાં કોઈ છોછ નથી એટલે મહિનાઓ જૂનું ચિકન પણ તેઓ આરામથી આરોગી લે છે અને એવું જ બીજાં વેજિટેબલ્સમાં પણ કરે છે. બધાં વેજિટેબલ્સ પૅક્ડ જ હોય છે અને મૉલમાંથી એ ઉપાડી લાવે છે. મિલ્કનો પણ સીધો ઉપયોગ નથી થતો, પણ એને બદલે મિલ્ક પાઉડરનો ઉપયોગ હાય છે. ચીઝમાં પણ એવું થવા માંડ્યું છે. ચીઝ પાઉડર હજી આપણે ત્યાં હજી વધુ જોવા નથી મળતો, પણ અમેરિકામાં ચીઝ પાઉડર મળવા માંડ્યો છે. તમે ઘરે લઈ આવો, એમાં જરા પાણી નાખો અને થોડી વાર એમ જ પડ્યું રહેવા દો એટલે ચીઝ ક્યુબ તૈયાર થઈ જશે.
તમે આવું બધું તમારા શરીરમાં પધરાવ્યા જ કરો તો શરીર ક્યાં સુધી સહન કરવાનું? શરીર બિચારું એક દિવસ તો જવાબ આપશે જ. આ જવાબ તમને પેટ દ્વારા અને પછી શરીરના બીજાં અંગો દ્વારા મળશે. પેટ બગડવું કે અંગ્રેજીમાં સ્ટમક અપસેટ થવું એ હવે ફૉરેનમાં સામાન્ય છે, કારણ કે મોસ્ટ્લી પ્રી-કુક ફૂડ જ વાપરવામાં આવે છે. દિવસભર તમારે આવો ખોરાક લેવાનો અને એ ખોરાકને ગળાની નીચે ઉતારવા માટે સ્પાર્કલ ડ્રિન્ક્સ સાથે લેવાનું. સ્પાર્કલિંગ ડ્રિન્ક્સ ન હોય તો બ્લૅક કૉફી હોય કે પછી વાઇન હોય, જે શરીરની અંદર ઠાલવાતા જતા કચરાની આડઅસરને બમણી કરવાનું કામ કરે છે.
પાણી પીવાની માત્રા અમેરિકનોમાં ખાસ કરીને બહુ ઓછી છે. આપણે દિવસમાં બેથી ત્રણ લિટર પાણી પીવાની આદત રાખીએ છીએ અને એ લોકો દિવસઆખામાં માંડ ત્રણ લિટર કોલ્ડ ડ્રિન્ક્સ ઢીંચી જાય છે. આટલું બધું કૅફીન શરીરમાં શું અસર પેદા કરે અને કઈ માત્રામાં એસિડિટી ઊભી કરે, ગરમી ઊભી કરે એની કલ્પના કરવી પણ અઘરી છે. શરીરના પાચનતંત્રનું કામ સતત પચાવ્યા કરવાનું છે, પણ એ બધું પચાવી ન શકે અને બધું પચે નહીં તો શું થાય? તમારા શરીરે તમને ઇન્ડિકેશન આપવાં પડે. તમે ખોરાક લો જ નહીં અને કાં તો તમને કંઈ ખાવાનું મન ન થાય. આ પરિસ્થિતિ એટલે રોટન. શરીર કોહવાઈ જવા માંડે. તમે માનશો નહીં, પણ સામાન્યમાં સામાન્ય કહેવાય એવું પીનટ બટર પણ એટલી હદે તમને ત્રાસ આપવા માંડે કે એ તમારી આંખ સામે આવે અને તમને ઊલટી થવા માંડે.
આ ચર્ચા આજે કરવાનો સમય એટલા માટે છે કે આપણે ત્યાં પણ લાઇફ ખૂબ ફાસ્ટ થતી જાય છે. આપણે પણ પીત્ઝા, બર્ગર કે પછી બ્લૅક કૉફીનો ઉપયોગ વધારે ને વધારે કરવા લાગ્યા છીએ. મૉલમાં મળતી તમામ વસ્તુઓ આપણે સ્ટેટસ સિમ્બૉલ સમજીને લઈ લઈએ છીએ, પણ એ કેટલી પ્રોસેસ પછી તૈયાર થઈ છે એ જોવાનું કામ આપણે ક્યારેય કરતા નથી. ખેડૂત આપણને તાજાં શાકભાજી આપે છે એ શાકભાજી છોડીને આપણે પૉલિથિન બૅગમાં પૅક્ડ અને કેમિકલથી પકાવેલાં ફ્રૂટ્સ અને શાકભાજી મૉલમાંથી લઈ આવીએ છીએ.
આપણે બને ત્યાં સુધી ભાવતું ખાવાના આગ્રહી છીએ અને એટલે જ આપણે ભાવતું મળે એ બધું ખાઈ લઈએ છીએ, પણ એ વિચારતા નથી કે એ ભાવતું ભોજન શરીરને ખરેખર ફાયદો પહોંચાડે છે કે નુકસાન? બૉડીનો માસ ઇન્ડેક્સ જો તમે ચેક કરો તો તમારા શરીરને બહુ ઓછી માત્રામાં કૅલરીની જરૂર છે અને એ કૅલરી તમને કન્ટ્રોલ્ડ ડાયટથી આરામથી મળી શકે એમ છે. માન્યું કે અઠવાડિયામાં કે પછી મહિનામાં એક વાર તમે બહારનું ફાસ્ટ ફૂડ કે પૅક્ડ ફૂડ લો, પણ સતત એનો ઉપયોગ જે પરિસ્થિતિ અમેરિકામાં થઈ છે એ જ અહીં ઊભી કરી દેશે. આપણે સમયના અભાવમાં જીવીએ છીએ એવું નથી. સમય બધા પાસે પૂરતો છે, પણ ખબર નહીં ઉતાવળ શાની છે. રોજેરોજ આપણે જીભના ચટાકા માટે બહાર મળતું દરેક રંગબેરંગી પ્રવાહી આરામથી શરીરમાં પધરાવી દઈએ છીએ અને સામે આવતો દરેક ખોરાક અમૃત સમજીને ગળા નીચે ઓગાળી દઈએ છીએ, પણ આ બધું પ્રોસેસ્ડ ફૂડ છે અને એ પચવામાં પણ એટલું જ ભારે છે. ડિસ્કાઉન્ટ વધારે મળે છે એટલે ખરીદી કરી લેવી એ વાત વાજબી નથી. માર્કેટમાં આજે એક પર એક પીત્ઝા ફ્રી મળે છે અને એક બર્ગર સાથે કોલ્ડ ડ્રિન્ક્સ ફ્રી આપે છે. આ બધું ભલે ફ્રી અને ડિસ્કાઉન્ટ સાથે મળે પણ એનો અર્થ એવો નથી કે શરીર પણ આપણને ડિસ્કાઉન્ટ આપે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK