ચલો કુછ મીઠા હો જાએ...

Published: Jun 01, 2020, 18:49 IST | Falguni Jadia Bhatt | Mumbai

સોશ્યલ સાયન્સ - કોરોના વાઇરસના સ્થાને આપણે આપણી અંદર પૉઝિટિવિટી કે હાસ્યના વાઇરસ જન્માવી શકીએ તો કેવું? આપણું દર્દ તો ગાયબ થઈ જ શકે સાથે જ આ પૉઝિટિવિટીનો ચેપ બીજાને પણ લગાડી શકીએ

બધાને ખૂબ હસાવીએ અને સતત હકારાત્મક વિચારો કરી ઈશ્વરે કરેલી ભૂલ સુધારી લઈએ અથવા એમ કહો કે તેણે અધૂરું છોડેલું કામ પૂરું કરી લઈએ.
બધાને ખૂબ હસાવીએ અને સતત હકારાત્મક વિચારો કરી ઈશ્વરે કરેલી ભૂલ સુધારી લઈએ અથવા એમ કહો કે તેણે અધૂરું છોડેલું કામ પૂરું કરી લઈએ.

ગયા અઠવાડિયે સ્કૂલની એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો. મેં પૂછ્યું, શું ચાલે છે આજકાલ? તો મને કહે, શું કહું યાર, આજકાલ તો બહુ પ્રવાસ કરી રહી છું. મને થયું કે કોરોનાના આ સમયમાં જ્યાં લોકોને ઘરની બહાર પગ મૂકવાની પણ છૂટ નથી એમાં વળી આ બહેન પ્રવાસ કેવી રીતે કરી રહ્યાં છે? તો મને કહે, અરે, જવા દેને. રોજ સવારે હું મારા બેડરૂમનો પ્રવાસ કરું છું અને ત્યાં રાખેલાં પુસ્તકો અને ટીવી પર આવતી વેબ-સિરીઝની મુલાકાત લઉં છું. ત્યાર બાદ દિવસમાં બે વાર હું પ્રવાસ કરી મારી બારી પાસે જાઉં છું અને ત્યાં બેસી પ્રાણાયામ કરું છું અને ધ્યાન ધરું છું. સાંજ પડ્યે હું મારા લિવિંગ રૂમનો પ્રવાસ કરું છું અને ટીવી પર આવતા ફિટનેસ સંબંધી ડાન્સ પ્રોગ્રામ્સ જોઈ મારા શરીરની ક્ષમતા ચકાસું છું. એ બધાની વચ્ચે હું દિવસમાં એક વાર આખા ઘરનો પ્રવાસ કરી સ્વચ્છ ભારત અભિયાન ચલાવું છું. અલબત્ત, રસોડાનો પ્રવાસ મને બહુ ગમતો નથી. એટલે વચ્ચે-વચ્ચે ફક્ત ત્યાં ડોકિયું કરી આવી ત્યાં કામ કરતા અન્ય પ્રવાસીઓનો ઉત્સાહ વધાર્યા કરું છું.
તેનો આ જવાબ વાંચી ખરેખર મજ્જા પડી ગઈ. તેનો ઉત્સાહ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ હૃદયને સ્પર્શી ગયો. પછી વળી વિચાર આવ્યો કે ભગવાન પણ ખરેખર કમાલ છે. અહીં પૃથ્વી પર લોકો જેનાથી ત્રાહિમામ પોકારી જાય એવા કોરોના વાઇરસ જેવા રોગોનો ફેલાવો કરવા તેણે માત્ર વન ટચ થિયરી વાપરી છે. બસ, આ વાઇરસ ધરાવતા કોઈ વ્યક્તિને હાથ લગાડો કે પછી તેમણે વાપરેલી કોઈ વસ્તુને હાથ લગાડો એટલે તમારા શરીરમાં પણ એ વાઇરસ આવી જાય. જ્યારે પૃથ્વી પર સારું જીવન જીવવા માટે મનુષ્યને આવા રોગોની કોઈ જ આવશ્યકતા નથી. ખરેખર તો માનવજીવનને વધુ સારું અને રચનાત્મક બનાવવા માટે તેણે આવા પૉઝિટિવિટીના વાઇરસ બનાવવા જોઈએને? આવી કોઈ પૉઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવો, તેમની સાથે હાથ મિલાવો, તેમની સાથે બે ઘડી વાતો કરો એટલે તમે પણ તેમના જેવા પૉઝિટિવ બની જાઓ!
આ વિચાર આવતાં જ દસમા ધોરણમાં અમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવેલો જ્યોતીન્દ્ર દવેનો એક હાસ્યલેખ યાદ આવી ગયો. એમાં પણ એ જ લખવામાં આવ્યું હતું કે ભગવાને મનુષ્યના શરીરની રચના કરવામાં બહુ મોટી ભૂલ કરી છે. ભગવાને માનવશરીર એક સિંગલ પીસમાં બનાવ્યું એના સ્થાને શરીરના બધા અવયવોને ડીટૅચેબલ બનાવવા જોઈતા હતા જેથી જરૂર પડે ત્યારે શરીરના વિવિધ અવયવોને છૂટા પાડી શકાય. જેમ કે હાથ કે પગ દુખતા હોય ત્યારે એમને શરીરથી છૂટા પાડી બાજુ પર મૂકી દેવાય. શરદી થઈ હોય અને નાક ગળતું હોય ત્યારે એને શરીરથી છૂટું પાડી તડકે સુકાવવા મૂકી દઈ શકાય. પેટમાં દરવાજો આપ્યો હોય તો ભૂખ લાગે ત્યારે દાંત, જીભ અને મોઢાને ચાવવા માટે આટલું બધું કષ્ટ આપવાને સ્થાને તિજોરીની જેમ ભોજન સીધું પેટની અંદર જ મૂકી દઈ શકાય વગેરે-વગેરે.
દસમા ધોરણમાં ક્લાસમાં જ્યારે પહેલી વાર આ લેખ વાંચવામાં આવ્યો હતો ત્યારે રીતસરના બધા વિદ્યાર્થીઓ હસીને લોથપોથ થઈ ગયા હતા. આજે પૉઝિટિવિટીના સંદર્ભમાં જ્યારે એ લેખને યાદ કરું છું તો વિચાર આવે છે કે ભગવાને હાસ્યના પણ વાઇરસ કેમ ન બનાવ્યા? એકાદ આવો લેખ વાંચો, કોઈ સરસ મજાનો જોક સાંભળો એટલે તમારામાં પણ હાસ્યનો વાઇરસ ઘૂસી જાય અને તમે પણ સતત એવા જ હસતા અને બીજાને હસાવતા બની જાઓ! ચોક્કસ ઈશ્વર બહુ ગંભીર માણસ હશે, અન્યથા આટલી ટચૂકડી કરામત કરી તે માનવજીવન કેટલું રસિક અને રસમય બનાવી શક્યો હોત!
અથવા કદાચ એવું પણ હોય કે તેનો ઉદ્દેશ્ય એ હોય કે તેણે કરેલી ભૂલ આપણે સુધારી લઈએ? જ્યોતીન્દ્ર દવેના લેખમાં હતું એમ આપણે આપણા શરીરના સ્પેરપાર્ટ્સ છૂટા તો પાડી શકીએ એમ નથી, પરંતુ પૉઝિટિવિટી તથા હ્યુમરના વાઇરસ ચોક્કસ ડેવલપ કરી શકીએ છીએ. પણ કેવી રીતે? આ જરા રિસર્ચ માગી લે એવો વિષય છે. વૈજ્ઞાનિકોએ પણ હજી સુધી આ ક્ષેત્રમાં બહુ પ્રવાસ કર્યો નથી, પરંતુ જ્ઞાનીઓ કહી ગયા છે કે જેવો સંગ એવો રંગ. એનો અર્થ એ થયો કે આપણે જો આપણા જીવનમાં હકારાત્મકતા અને હાસ્ય લાવવા હોય તો એવા લોકોની સંગતમાં વધુ રહેવું જોઈએ જેઓ સ્વભાવે એવા હોય. જેટલા હકારાત્મક અને હસમુખા લોકો વચ્ચે વધુ રહીએ એટલો તેમનો રંગ આપણા પર વધુ ચડતો જાય. એટલે જ આપણાં શાસ્ત્રોમાં સત્સંગનો આટલો મહિમા ગાવામાં આવ્યો છે.
ફેંગ શૂઈનું પણ આખું શાસ્ત્ર એનર્જીના આ જ સિદ્ધાંત પર આધારિત છે. એનું કહેવું છે કે આપણી આસપાસ જે કંઈ છે, સજીવ કે નિર્જીવ બધામાં એનર્જી છે. એનર્જી સતત વહેતી રહે છે અને એકમેકમાં ટ્રાન્સફર થતી રહે છે. તેથી જ તેઓ અલગ-અલગ માધ્યમો, ચિહ્‍નો તથા પ્રતિકૃતિઓ દ્વારા આપણી આસપાસ હકારાત્મક એનર્જી ઉતપન્ન કરવા પર આટલો ભાર મૂકે છે. આપણે પણ આ શાસ્ત્ર પરથી પ્રેરણા લઈને ન ફક્ત પૉઝિટિવ લોકોના સંપર્કમાં રહેવાનું, પરતું વધુને વધુ એ મતલબનાં પુસ્તકો વાંચવાનું, એવાં ગીતો સાંભળવાનું, એવી ફિલ્મો અને સિરિયલો જોવાનું અનુષ્ઠાન આદરવું જોઈએ. ટૂંકમાં આપણી આસપાસનું સમગ્ર વાતાવરણ એવી વ્યક્તિઓ અને વસ્તુઓથી ભરી દેવું જોઈએ જેમાંથી આપણને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય.
હા, આ ઊર્જા સકારાત્મક હોવી અત્યંત આવશ્યક છે, કારણ કે હાસ્ય તો કદાચ આપણી આસપાસ ઘણું હશે, પરંતુ જે હાસ્ય બીજાના ભોગે આકાર લે છે એ સકારાત્મક નથી. કોઈને ઉતારી પાડીને, કોઈને નીચા દેખાડીને, કોઈની ઠેકડી ઉડાડીને તમે હસવાનો પ્રયત્ન કરતા હો તો એ હીન કક્ષાનું હાસ્ય છે. એમાં પણ એક પ્રકારની નેગેટિવિટી જ રહેલી છે. એટલે જ આજકાલની સો-કૉલ્ડ કૉમેડી ફિલ્મો અને સિરિયલોની શેલ્ફલાઇફ બહુ ઓછી હોય છે, કારણ કે એમાં બીજાની નિંદા અને કૂથલી કરીને લોકોને જબરદસ્તી ગલગલિયાં કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો બીજી બાજુ જ્યોતીન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠી જેવા હાસ્યલેખકોનાં પુસ્તકો તેમના મૃત્યુના આટલાં વર્ષો બાદ પણ આપણને આજેય ફરી-ફરી વાંચવાં એટલે જ ગમે છે કે પછી હૃષિકેશ મુખરજીની ‘આનંદ’, ‘બાવર્ચી’ વગેરે જેવી ફિલ્મો વારંવાર જોવી એટલે જ ગમે છે.
ખરું કહું તો આમાંની એક પણ વાત એવી નથી જે તમને કે મને ખબર નથી, પરંતુ આપણી કરુણતા એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આ પ્રકારે વર્તવાનું ભૂલી જઈએ છીએ. હકીકતમાં પૉઝિટિવ રહેવું અને આપણી આસપાસનું વાતાવરણ હાસ્યથી ભરેલું રાખવું એ પણ એક પ્રકારની એક્સરસાઇઝ જ છે. તમારે સતત પોતાની જાતને એ પ્રમાણે વર્તવા અને વિચારવાનું યાદ અપાવતા રહેવું પડે છે અને એ માટે જરૂરી મહેનત કરવી પડે છે. લેખિકા રૉન્ડા બાયર્ને પણ પોતાના પુસ્તક ‘ધ સીક્રેટ’માં એ જ કહ્યું છે કે આ સમગ્ર બ્રહ્માંડ ઊર્જાનું એક મોટું વર્તુળ છે. જેવી ઊર્જા આપણે એમાં છોડીએ છીએ એવી જ ઊર્જા આપણને પરત મળે છે. તો ચાલોને આપણે બધા ખૂબ હસીએ, બધાને ખૂબ હસાવીએ અને સતત હકારાત્મક વિચારો કરી ઈશ્વરે કરેલી ભૂલ સુધારી લઈએ અથવા એમ કહો કે તેણે અધૂરું છોડેલું કામ પૂરું કરી લઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK