Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતિના પગારમાંથી ચોક્કસ ટકા પત્નીને પણ મળતા હોય તો કેવું?

પતિના પગારમાંથી ચોક્કસ ટકા પત્નીને પણ મળતા હોય તો કેવું?

08 February, 2021 12:38 PM IST | Mumbai
Varsha Chitalia

પતિના પગારમાંથી ચોક્કસ ટકા પત્નીને પણ મળતા હોય તો કેવું?

દુબઈના ભારતીય ઉદ્યોગસાહસિક સોહન રૉય તેમનાં પત્ની અભિની સાથે. તેમણે પોતાના કર્મચારીઓની પત્નીઓની કદર કરવા અમુક ટકા પગાર તેમને આપવાની અનોખી પહેલ કરી છે.

દુબઈના ભારતીય ઉદ્યોગસાહસિક સોહન રૉય તેમનાં પત્ની અભિની સાથે. તેમણે પોતાના કર્મચારીઓની પત્નીઓની કદર કરવા અમુક ટકા પગાર તેમને આપવાની અનોખી પહેલ કરી છે.


પૅન્ડેમિક પરિસ્થિતિમાં પુરુષોને સમજાઈ ગયું હશે કે ગૃહિણીઓ સૌથી ઊંચી સૅલેરીની હકદાર છે. હાઉસવાઇફના કામની યોગ્ય કદર કરવાની આપણે વાતો કરીએ છીએ જ્યારે સંયુક્ત આરબ અમીરાતના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિએ પોતાના કર્મચારીઓની અનએમ્પ્લૉઇડ હાઉસવાઇફને સૅલેરીમાંથી હિસ્સો આપવાની જાહેરાત કરતાં સોશ્યલ મીડિયા પર ખૂબ તારીફ થઈ રહી છે. વર્ક ફ્રૉમ હોમ કરનારા કર્મચારીઓની પત્નીઓના સાથસહકારથી પ્રભાવિત થઈ એરીસ ગ્રુપ ઑફ કંપનીના ફાઉન્ડર સોહન રૉયે તેમને પગાર ચૂકવવાનો નિર્ણય લીધો છે. કારણ એટલું જ કે તેમનો કર્મચારી દિલ દઈને કામ કરી શક્યો છે એની પાછળ તેમની પત્નીનો પણ એટલો જ ફાળો રહ્યો છે જેની કંપનીએ કદર કરવી જોઈએ એવું તેઓ માને છે. આવો જાણીએ ગૃહિણીની કદર કરવાની પ્રાઇવેટ કંપનીની આ પહેલ બાબતે લોકો શું માને છે?

પત્નીને સૅલેરી આપવાથી પતિનો ઈગો હર્ટ થાય - દીપ્તિ રૂપારેલ, હોમમેકર



પતિનો પૂરેપૂરો પગાર પત્નીના હાથમાં આવવાનો જ છે તો કંપનીએ ડાયરેક્ટ આપવાની જરૂર નથી. આ પ્રકારના કન્સેપ્ટથી ઘરનું વાતાવરણ ડહોળાઇ શકે છે એવો મત વ્યક્ત કરતાં મુલુંડનાં હોમમેકર દિપ્તી રૂપારેલ કહે છે, ‘ધારો કે મારા હસબન્ડનો પચાસ હજારનો પગાર હોય અને એમાંથી દસ હજાર રૂપિયા કંપની ડાયરેક્ટ મારા ખાતામાં ટ્રાન્સફર કરે તો ન ગમે. હસબન્ડ પોતાના હાથે આપે એમાં મજા છે. પતિ બહાર જઈને કામ કરે અને પત્ની ઘર સંભાળે એ ભારતની સંસ્કૃતિ રહી છે. હોમમેકરના કામની વૅલ્યુ અને તેની હાજરીની નોંધ દરેક ઘરમાં લેવાતી હોય છે. એમાં સૅલેરીનો રોલ આવતો નથી. તમારા હાથ નીચે કામ કરનારા કર્મચારીના હાથમાં પૂરેપૂરું વળતર ન આપતાં તેની પત્નીને હિસ્સો આપવો એ યોગ્ય નિર્ણય નથી. સંસારની ગાડીનાં બન્ને પૈડાં સારી રીતે ચાલે અને પુરુષોનો ઈગો હર્ટ ન થાય એ બાબતનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું નથી. પતિ-પત્ની વચ્ચે માલિક અને નોકર જેવો સંબંધ બને એવા સંજોગો આપણી હાલની સામાજિક વ્યવસ્થાને જોખમમાં મૂકી શકે છે. હાઉસવાઇફના કામને પગારના ધોરણથી આંકવામાં આવે તો પરિવારના સભ્યોનો ટોન બદલાઇ જાય. ફૅમિલીની મની મૅટરમાં ચંચુપાત ન કરતાં કંપનીએ વેતન ચૂકવી છૂટા થઈ જવું. ઘરમાં કોને કેટલા રૂપિયા આપવા છે, ક્યાં વાપરવા છે એ તેમને જાતે નક્કી કરવા દો.’


વાઇફને સૅલેરી આપવામાં કોઈ લૉજિક દેખાતું નથી - નરેન્દ્ર ગાંધી, બિઝનેસમૅન

ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે ટાઇઅપ ધરાવતા ઘાટકોપરસ્થિત પ્રિન્ટિંગ પ્રેસના માલિક નરેન્દ્ર ગાંધીના હાથ નીચે બસ્સો વ્યક્તિ કામ કરે છે. આર્થિક કટોકટીના સમયમાં તમને કર્મચારીઓની અનએમ્પ્લૉઇડ પત્નીને પગાર ચૂકવવાનો વિચાર આવ્યો છે ખરો એવા પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘ફૅમિલી મેમ્બર કંપની માટે કામ નથી કરતા તો તેમને પગાર કઈ રીતે આપી શકાય? કુટુંબની જવાબદારી કર્મચારીની છે, કંપનીની નથી. પગાર પર તેનો જ હક હોવો જોઈએ જે અમારા માટે કામ કરે છે. ફૅમિલી મેમ્બરનો મેડિકલ ઇન્શ્યૉરન્સ કવર કરી શકાય પણ પગારમાંથી હિસ્સો આપવામાં કોઈ લૉજિક દેખાતું નથી. મારો અંગત મત એવો છે કે ગૃહિણીને તેના કામનું વળતર આપવાથી પતિ-પત્ની વચ્ચે વિગ્રહ શરૂ થઈ શકે છે. પગાર મેળવતી પત્ની પાસેથી એક્સપેક્ટેશન વધી જાય અને ફૅમિલી મેમ્બરો પણ તેમને પગારના ધોરણ પ્રમાણે ટ્રીટ કરતા થઈ જાય. હાઉસવાઇફને પગાર ચૂકવવાનો અર્થ તમે તેને કામ કરવા માટે લાવ્યા છો એવો નીકળે ત્યારે તેનું સન્માન ન રહે. આપણા કલ્ચરમાં ગૃહિણીઓનો દરજ્જો ઘણો ઊંચો છે. તેઓ ઘરની સર્વન્ટ નથી, બૉસ છે. ગુજરાતી પુરુષો આમેય પોતાની કમાણી પત્નીના હાથમાં આપી દેતા હોય છે, કારણ કે ઘરનું સંચાલન તેમના માથે હોય છે. યુએઈ જેવી વ્યવસ્થા ભારતમાં ન ચાલે.’


કર્મચારીના પગારને વિભાજિત કરવાનો મતલબ નથી - રોહિત શાહ, એપીએમસી માર્કેટ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કરિયાણાની દુકાન ધરાવતા કિંગ્સ સર્કલના રોહિત શાહના હાથ નીચે અગાઉ સોળ માણસો કામ કરતા હતા. વૈશ્વિક રોગચાળા બાદ ધંધાપાણી ઠપ થઈ જતાં કેટલાક કર્મચારીઓને હાલ તરત છૂટા કરી દીધા છે. કર્મચારીની અનએમ્પ્લૉઇડ વાઇફને પગાર આપવા બાબત ચાલી રહેલી ચર્ચા સંદર્ભે અભિપ્રાય આપતાં તેઓ કહે છે, ‘દરેક કર્મચારીને તેની સ્કિલ અને ટૅલન્ટ પ્રમાણે પગાર મળે એ યુનિવર્સલ કન્સેપ્ટ છે, જ્યારે આપણે ત્યાં વેપારી પ્રજા દિલદાર છે. તેઓ કર્મચારીની કામ કરવાની સ્કિલ ઉપરાંત તેની ફૅમિલીમાં કેટલા સભ્યો છે, ઘરમાં કેટલી વ્યક્તિ કમાય છે, સંતાનોનું શિક્ષણ, વડીલોની હેલ્થ જેવી બાબતોને ધ્યાનમાં રાખી પગાર ચૂકવે છે. લૉકડાઉન દરમિયાન નવી મુંબઈમાં રહેતો માણસ દુકાન ખોલતો હતો પણ ડોમ્બિવલીથી માણસ આવી શકે એમ નહોતો તેમ છતાં બન્નેને પૂરો પગાર ચૂકવ્યો હતો. ફૅમિલીનું આડકતરી રીતે ધ્યાન રાખવામાં આવ્યું હોવાથી સેપરેટ પગાર આપવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કંપની પોતાના વાર્ષિક બજેટથી વધુ રૂપિયા ખર્ચીને હાઉસમેકરને પગાર નથી આપવાની તો પછી આવાં ગતકડાં કરવાનો શું અર્થ? હસબન્ડ-વાઇફના સંબંધમાં પગારની વહેંચણી ન હોય. ઘરના કામ કરવા માટે કે વિપરીત સંજોગોમાં પતિને સહકાર આપવા બદલ પગાર ચૂકવીને તમે તેની ભાવનાને ઠેસ પહોંચાડો છો.’

હોમમેકરની વૅલ્યુ કરવાથી કામ કરવાનો ઉત્સાહ વધે - ડિમ્પલ કરવત, હોમમેકર

પતિની પરમિશન વગર પત્ની ઘરની બહાર નીકળીને કામ નથી કરી શકતી એવી જ રીતે પતિ પણ પત્નીના સહકાર વગર પ્રગતિ ન કરી શકે. તેની સક્સેસમાં પત્નીનું કૉન્ટ્રિબ્યુશન અને મહેનત હોય છે. ઘાટકોપરનાં ગૃહિણી ડિમ્પલ કરવત કહે છે, ‘વાત સૅલેરીની નહીં, સેલ્ફ-કૉન્ફિડન્સની છે. આપણે ત્યાં હાઉસવાઇફને અને તેના કામને જાણતાં-અજાણતાં ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. પરિણામે તેમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. ગમેતેટલી ટૅલન્ટેડ હોય, ઘરમાં અને સમાજમાં પૈસા કમાઈને લાવનારી વ્યક્તિ જેટલી તેની વૅલ્યુ થતી નથી. એક તબક્કો એવો આવે છે જ્યાં તેઓ ડિપ્રેશનમાં રહેવા લાગે છે. અત્યારની મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર છે, પરંતુ જીવનભર ઘરમાં રહીને સપોર્ટ કરનારી મિડલ એજની મહિલાઓને પતિની કમાણીમાંથી હિસ્સો આપવાથી કામની કદર થવાની ખુશી મળશે. પોતે પણ અન્ય મહિલાઓની જેમ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ છે એવી ફીલિંગ આવશે. આ કન્સેપ્ટથી ગૃહિણીઓને જોવાનો દુનિયાનો નજરિયો ચેન્જ થશે. હસબન્ડ દ્વારા આપવામાં આવતા રૂપિયા ઘરખર્ચ કહેવાય, જ્યારે સૅલેરીમાં હિસ્સો મળવો પર્સનલ ઇન્કમ જેવું લાગે. યુએઈની કંપનીનો આ નવતર પ્રયોગ ગૃહિણીઓનો ઉત્સાહ વધારવાનું કામ કરશે. જોકે ભારતમાં કોઈ કંપની આવો નિર્ણય લે એવું લાગતું નથી.’ 

આ કન્સેપ્ટ ગલ્ફના દેશોના કચ્છી વેપારીઓનો છે - જિતેન્દ્ર મોદી, ઓવરસીઝ કન્સલ્ટન્સી

વર્ષોથી ગલ્ફની ઑઇલ અને ગૅસ રિફાઇનરીમાં નોકરી માટે બલ્કમાં ટેક્નિશ્યનને રીક્રૂટ કરતા વિદ્યાવિહારના જિતેન્દ્ર મોદી કહે છે, ‘અનેક કંપનીઓ કર્મચારીઓના ફૅમિલી મેમ્બરની હેલ્થ કૅરનો ખર્ચ ઉપાડતી હોય છે પણ ફૅમિલી મેમ્બરને પગારમાં હિસ્સો આપવાની વાત કરી હોય એવું ધ્યાનમાં નથી. પૅન્ડેમિક સિચુએશનમાં હાઉસવાઇફને વેતન ચૂકવવાનું ગતકડું ટેમ્પરરી વ્યવસ્થા છે. આ કન્સેપ્ટ પાછળ માર્કેટિંગ ગિમિક સિવાયનો કોઈ હેતુ દેખાતો નથી. આજથી વર્ષો પહેલાં ઓમાન અને મસ્કતમાં વેપારધંધા અર્થે ગયેલા કચ્છી વેપારીઓ તેમને ત્યાં કામ કરતાં માણસોને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપતા. જરૂર પૂરતો હાથખર્ચો આપી બાકીનો પગાર કર્મચારીના ઘરે મોકલતા જેથી વિદેશમાં રહીને તેઓ ખોટા પૈસા ઉડાવી ન દે. દુબઈના ત્રણેક મોટા સ્ટોર્સના માલિકો પણ કર્મચારીના ફૅમિલીના બૅન્ક-અકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરતા હતા. તેમની ભાવના સારી હતી, પરંતુ પરદેશ કમાવા જનારા લોકોના મનમાં ઘરે પૈસા પહોંચશે કે નહીં એવી શંકા ઊભી થતાં આગળ જતાં વ્યવસ્થા પડી ભાંગી. અત્યારે પરદેશ કમાવા જનારા મોટા ભાગના ટેક્નિશ્યનો પરણેલા હોતા નથી જ્યારે પ્રોફેશનલ્સ ફૅમિલી સાથે જતા હોય છે. ગુજરાતી અને સિંધી પ્રોફેશનલ્સની વાઇફ સામાન્ય રીતે ગૃહિણી જ હોય છે. પગાર કઈ રીતે લેવાનો છે એ કંપનીના માલિકો અને કર્મચારીઓ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગથી જાતે નક્કી કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 12:38 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK