Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના પૉટહોલ ચૅલેન્જ વીકનું શું થયું?

મુંબઈના પૉટહોલ ચૅલેન્જ વીકનું શું થયું?

16 November, 2019 11:19 AM IST | Mumbai
Bhakti D Desai

મુંબઈના પૉટહોલ ચૅલેન્જ વીકનું શું થયું?

મુંબઈના પૉટહોલ ચૅલેન્જ વીકનું શું થયું?

મુંબઈના પૉટહોલ ચૅલેન્જ વીકનું શું થયું?


મહારાષ્ટ્રની રાજધાની અને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં હવાઈ માર્ગે પ્રવેશતાં જ કોઈ પણ વ્યક્તિ જ્યારે ઍરપોર્ટથી બહાર આવીને ચર્ચગેટ અથવા બોરીવલી તરફ પ્રસ્થાન કરવા માટે ફ્લાયઓવરથી પસાર થાય ત્યારે મુંબઈના રસ્તાઓ પરથી એક વાત તેમને સમજાઈ જાય છે કે જ્યારે પણ પ્રવાસમાં કોઈ રાઇડની મજા લેવી હોય તો મુંબઈના રસ્તા અને ફ્લાયઓવરથી ઉત્તમ કંઈ હોઈ શકે જ ન શકે.
કોઈ પણ શહેરની ઓળખ સ્ટેશન અને વિશેષ કરીને ઍરપોર્ટ પરથી બહાર આવ્યા પછી એના ભૌગોલિક સૌંદર્ય કરતાં પણ વધારે એના રસ્તાની ગુણવત્તા પરથી થતી હોય છે. આપણી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા સૌથી વધુ આર્થિક સક્ષમતા ધરાવે છે છતાં પણ દુ:ખની વાત તો એ છે કે નાગરિક માળખાકીય સુવિધા અને શહેરના વહીવટ માટે જવાબદાર બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) મુંબઈના રસ્તાના સુધારકામ માટે બેદરકાર છે.
પહેલા વરસાદથી પીડાતા રસ્તાઓની નજાકતતા
મુંબઈના રસ્તા આમ પણ એટલા નાજુક હોય છે કે પહેલા વરસાદ પછી જ એમાં મોટાં-મોટાં ગાબડાં પડી જાય છે. લોકોને પાણી ભરેલા આવા મોટા ખાડામાંથી ચાલતી વખતે, બાઇક પર જતી વખતે અથવા રિક્ષા કે ગાડીઓમાં સફર કરતી વખતે અનેક હેરાનગતિના ભોગ બન્યા જ કરવું પડે છે. આ વર્ષની વરસાદની સ્થિતિ દર વર્ષ કરતાં અલગ હતી. મહારાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ કોઈ ઋતુના બંધનમાં સીમિત રહ્યો નહોતો. ચોમાસું પૂરું થયા પછી પણ ક્યારેક આખા શહેરમાં તો ક્યારેક અમુક વિસ્તારમાં વરસાદ
પડ્યો અને એમાં મુંબઈનાં રસ્તાની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો એ સમજવું મુશ્કેલ થઈ ગયું.
પૉટ-હોલ ચૅલેન્જ વીક ૨૦૧૯ રસ્તા પર વધતા જતા ખાડાની સંખ્યાને જોતાં અને આની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ મહાનગરપાલિકાએ એક સકારાત્મક ઉકેલ કાઢ્યો. નવેમ્બર ૧થી નવેમ્બર ૭ સુધીમાં મુંબઈના નાગરિકો માટે એક અઠવાડિયા માટે એક ‘પૉટહોલ ચૅલેન્જ વીક ૨૦૧૯’ નામનો પડકાર જાહેર કર્યો. આ પડકારમાં મુંબઈગરાએ બીએમસીને ખાડાની ફરિયાદ નોંધાવવાની, પણ એ ખાડો ત્રણ ઇંચ ઊંડો અને એક ફુટ પહોળો હોવો જોઈએ એવી શરત હતી. આમાં હજી એક વાત એવી હતી કે એની ફરિયાદ નોંધાવ્યાના ૨૪ કલાક પછી પણ જો એ ખાડાનું કામ ન કરવામાં આવે તો ફરિયાદ નોંધાવનાર નાગરિકને એના માટે જવાબદાર વૉર્ડ અધિકારી અથવા કૉન્ટ્રૅક્ટરના પગારમાંથી ૫૦૦ રૂપિયા કાપીને ઇનામ તરીકે આપવામાં આવશે. આ ખાડાઓની ફરિયાદ માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ ‘MyBMC Pothole Fixit’ નામની ઍપ પણ શરૂ કરી છે, જેમાં મુંબઈના ખાડાવાળા રસ્તામાં દૈનિક પ્રવાસ કરનાર અને હેરાન થનાર મુંબઈગરાઓએ ખૂબ મોટી સંખ્યામાં ફરિયાદ નોંધાવી અને એમાંથી બીએમસીના કહેવા મુજબ અમુક ખાડાઓ ભરવાનું કામ પણ તરત જ કરવામાં આવ્યું.
બીએમસીએ આપ્યા ૫૦૦ રૂપિયા
હાલમાં જ અંધેરીના એક રહેવાસી નિસર્ગ મહેતાએ ૫૦૦ રૂપિયાના ફોટો સાથે ટ્‍વિટર પર લખ્યું છે, ‘માનો કે ન માનો, પણ બીએમસીની ખાડા ભરવાની નિષ્ફળતાને કારણે તેમણે મને ૫૦૦ રૂપિયા ઇનામમાં આપ્યા. મુંબઈના આટલા ખરાબ રસ્તાની જાળવણીના કામમાં કાશ તેઓ વધારે સક્રિય હોત! આવતી ઋતુ માટે જો આ પૈસાની ચુકવણી ડિજિટલ માધ્યમથી થાય તો વધુ સારું.’
બીએમસીના એડિશનલ કમિશનર વિજય સિંઘલ કહે છે, ‘પૉટ હોલ ચૅલેન્જ વીક ૨૦૧૯’ દરમ્યાન ૭૨ મુંબઈગરાઓને ૫૦૦ રૂપિયા પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા છે. ૩૭ નાગરિકોએ પૈસા લેવાની ના પાડી છે, જેમની પ્રતિક્રિયા એવી હતી કે આ કામ પાછળ તેમનો ઉદ્દેશ ખાડા ભરવાનો હતો અને પૈસા કમાવાનો નહીં. અન્ય ૩૯ લોકોનો પણ અમે સંપર્ક કર્યો છે અને તેઓ તેમની અનુકૂળતાએ આવીને પૈસા લઈ જશે. ઍપ પર અને વિવિધ માધ્યમો દ્વારા બીએમસી પાસે એક અઠવાડિયામાં મુંબઈના નાગરિકો તરફથી ૧૬૦૦ ખાડાઓને ભરવાની ફરિયાદ આવી, જેમાંથી બીએમસીએ ૯૧ ટકા ખાડાઓ સમયસર ભરી દીધા અને ૧૫૭ ખાડાઓ, જેને ભરવામાં વિલંબ થયો એમાંથી હવે માત્ર ૩૯ નાગરિકોના પૈસા આપવાના બાકી છે, જેઓ જલદી જ આવશે અને તેમના ઇનામરૂપી પૈસા લઈ જશે.’

ભોગ બનેલા નાગરિકો શું કહે છે?

રસ્તા પર આવેલા નાના-મોટા ખાડાઓ અને જમીનના અસમાન સ્તરને કારણે પણ ઘણા લોકો ચાલતાં-ચાલતાં પડી જાય છે. ઘણી વાર તાત્પૂરતી સિમેન્ટ નાખી ખાડાઓને ઢાંકવામાં આવે છે અને એવા ખાડાઓ પર ઝડપથી જતી મોટરસાઇકલ ઘણી વાર પલટી થઈ જાય છે. આવા કિસ્સાઓ આપણી નજર સમક્ષ બનતા જ હોય છે. અહીં એવા લોકો છે જે હાલમાં જ ખાડાને કારણે તકલીફના ભોગ બન્યા છે.   
ગોરેગામમાં રહેતાં વરિષ્ઠ નાગરિક મમતા સોમૈયા પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘નવરાત્રિ પહેલાંની વાત છે. હું ગોરેગામ સ્ટેશનથી પશ્ચિમ તરફ બહાર નીકળી અને મારે આગળ એક દુકાનમાં કામ હતું એથી સ્કાયવૉક ન લીધો. થોડેક આગળ મુખ્ય રસ્તા પર આવતાં હું સંભાળીને ચાલી રહી હતી છતાં મારો પગ એવી જમીન પર પડ્યો કે જેનો સ્તર અસમાન હતો અને ખાડો પણ જોઈ શકાય એમ નહોતો. પરિણામે હું ખૂબ જોરથી પડી ગઈ અને મને ત્રણ જણે પકડીને ઊભી કરવી પડી. મારી પાછળ એક બહેન ચાલી રહ્યાં હતાં જેમનું વજન આશરે ૮૦ કિલો જેટલું હતું. તેમણે મારી સ્થિતિ જોઈને કહ્યું કે જો તેમની જેવા લોકો પડી જાય તો કદાચ જીવનમાં ઊભા ન થઈ શકે. રસ્તા બધે જ સારા હોવા જોઈએ, પણ સ્ટેશન અથવા ઍરપોર્ટની બહારના રસ્તાઓ તો વિશેષરૂપથી જાળવેલા જ હોવા જોઈએ. અહીં આવનાર-જનાર નાગરિકો ખૂબ ઉતાવળમાં જ હોય છે. ગર્ભવતી સ્ત્રીઓ, વરિષ્ઠ નાગરિકો, ચાલવામાં તકલીફ હોય એવા લોકો અને ખાસ કરીને વધારે વજન ધરાવતા લોકો માટે આવા ખાડાઓના ભોગ બનવું જોખમથી ભરેલું છે.’
બોરીવલીમાં રહેતા કૃણાલ ઝવેરી પોતાની પ્રતિક્રિયા આપતાં કહે છે, ‘હું મારા દીકરાને લઈને મોટરસાઇકલ પરથી આઇ. સી. કૉલોની તરફ જઈ રહ્યો હતો. મેં જોયું કે કોઈ ખાડો નહોતો, પણ અચાનક મારી મોટરસાઇકલ પલટી થઈ ગઈ. પછી ખબર પડી કે ખાડો તો હતો જ, પણ એના પર માટી કે સિમેન્ટ નાખી દીધી હતી જેથી એ દેખાયો નહીં અને અમે પડી ગયા. આવા કેટલાયે બનાવ મેં બનતા જોયા છે. મેં હાલમાં જ જોયું હતું કે એક સિગ્નલ પર મોટી ઉંમરના એક ભાઈ બાઇક પર હતા. તેમની જમણી બાજુ પર એક મોટી ગાડી મોટા ખાડાથી પોતાની ગાડીને બચાવવા માટે અચાનક ડાબી બાજુએ આવી અને એ ભાઈને ઝડપથી પસાર થનાર ગાડીનો ધક્કો લાગતાં તે બાઇક પરથી પડી ગયા. આવી બધી ઘટનાઓ જો રસ્તા પરના ખાડાનું કામ ઝડપી રીતે થાય તો ટાળી શકાય છે.’

નગરસેવકની પ્રતિક્રિયા
પી સાઉથ વૉર્ડ ૫૫ ગોરેગામના નગરસેવક હર્ષ પટેલ અહીં પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહે છે, ‘અમે લોકોના પ્રતિનિધિ છીએ એટલે લોકો અમારા સુધી રસ્તા પરના ખાડાઓની ફરિયાદ પહોંચાડે છે અને અમારે કૉન્ટ્રૅક્ટર પાસેથી આ કામ કરાવવાનાં હોય છે. અમારો મરો ત્યારે થાય છે જ્યારે કૉન્ટ્રૅક્ટર અમારી વાત સાંભળતા નથી. લોકો ચાલતાં-ચાલતાં પડી જાય છે અથવા વાહનો પર પણ તકલીફ આવે છે એ વાતથી અમે વાકેફ છીએ.’
મહાનગરપાલિકાની ચૅલેન્જ માટે તેઓ કહે છે, ‘મહાનગરપાલિકાએ જ્યારે પૉટ-હોલ ચૅલેન્જ વીક ૨૦૧૯ જાહેર કરી એ પહેલેથી પણ અમારી પાસે આવેલા ફોટો અથવા ફરિયાદ અમે વૉર્ડ એન્જિનિયર અથવા વૉર્ડ ઑફિસરને મોકલતા જ હતા, પણ જો ત્યાંથી કોઈ પગલાં જ ન લેવાતાં હોય તો અમે શું કરીએ? મારે હિસાબે નાગરિકોને રૂપિયા ૫૦૦ આપવા સાથે હું સહમત છું અને હું તો એમ પણ કહીશ કે રૂપિયા ૫૦૦૦ આપે તો પણ ઓછા છે, કારણ કે સારા રસ્તા એ મૂળભૂત નાગરી સુવિધાઓમાંથી જ એક છે, જે લોકોને મળવી જ જોઈએ અને જો એના માટે કોઈ પણ ઑફિસર સક્રિય ન હોય તો સજા તો થવી જ જોઈએ. આમાં મુખ્ય મુદ્દો એ છે કે આ બધાં કામ માટે પૈસા આપવાનો વારો આવવો જ ન જોઈએ અને આવા દાવા જો કરવા જ હોય તો એની સામે પોતાનું એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોવું જરૂરી છે. આ આખી વાતમાં અમે બન્ને બાજુથી હેરાન થઈએ છીએ. લોકો અમને કહે છે અને અમે એ કામ કરનાર એન્જિનિયરને અથવા વૉર્ડ ઑફિસરને, પણ અમારી વાત કોઈ ન સાંભળે તો લોકોને એમ જ થાય છે કે અમારા નગરસેવક કોઈ કામ નથી કરતા. મારે હિસાબે એમસીજીએમના કર્મચારીઓએ આની જવાબદારી લેવી જોઈએ.’
રસ્તા પર ખાડા પડવા એ સહજ છે, પણ એને ભરીને લોકોને સુરક્ષિત રસ્તાઓ આપવાનું કામ બીએમસીએ કરવું અત્યંત જરૂરી છે. રસ્તા પર ખાડા ન પડે એ માટે ઉત્તમ ગુણવત્તાવાળું કામ કરાવવું એ તરફ ધ્યાન આપવાની પણ જરૂર છે. આવા ઊબડખાબડ રસ્તાઓથી લોકો ઘણી વાર એવા અકસ્માતના ભોગ બને છે કે તેમના જીવ તો જોખમમાં મુકાય જ છે, પણ ઘણી વાર તેઓ જીવનભર માટે અક્ષમ પણ બની શકે છે. મુંબઈના રસ્તા સારા તો જ એના નાગરિકો સુરક્ષિત રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 11:19 AM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK