Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એવું શું બન્યું?

એવું શું બન્યું?

14 June, 2020 10:21 PM IST | Mumbai
Rajni Mehta

એવું શું બન્યું?

કવિ પ્રદીપ, આશા ભોસલે અને સી. રામચંદ્ર.

કવિ પ્રદીપ, આશા ભોસલે અને સી. રામચંદ્ર.


આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન 

દે એક મહાન દર્દ અને પારાવાર દે



(બસ એટલી સમજ મને પરવરદિગાર દે


સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે)

                     - મરીઝ


ગુજરાતી ગઝલના ગાલિબ શાયર મરીઝે આ લાજવાબ શેર પ્રિય વ્યક્તિના વિરહની અનુભૂતિ વ્યક્ત કરવા લખ્યો હશે, પણ જીવનની અનેક ઘટનાઓના સંદર્ભમાં પણ એ એટલો જ રેલેવન્ટ છે (આજના મહામારીના સમયનું આટલી સચોટ રીતે બયાન કરી શકે એવી પંક્તિઓ બીજી કઈ હોઈ શકે? શરીરનાં અંગોની નાની-મોટી પીડાઓ ભુલાવી કેવળ અસ્તિત્વનો કેમ બચાવ કરવો એ જ ડર અને દર્દ આજે હર કોઈ અનુભવી રહ્યું છે). દરેક વ્યક્તિના દિલમાં એક ઝખમ એવો હોય છે જેનું દર્દ જીવનમાં આવેલાં અનેક દર્દના સરવાળા કરતાં વધુ હોય છે, જેની પીડા અંતિમ ક્ષણ સુધી અનુભવાતી હોય છે. 

શરૂઆતમાં ‘અય મેરે વતન કે લોગોં’ માટે આશા ભોસલેની પસંદગી થઈ હતી, પરંતુ અંતિમ ઘડીએ લતા મંગેશકરને પસંદ કરવામાં આવ્યાં. આશા ભોસલેએ ઉપેક્ષાનાં નાનાં-નાદાં દર્દ જીવનભર સહ્યાં હતાં, પરંતુ હાથમાં આવેલો કોળિયો છેલ્લી ઘડીએ છીનવાઈ જાય એવો આ બનાવ હતો. એનો વસવસો તેમને જીવનભર રહ્યો હશે. આ  ફેરફાર કેવા સંજોગોમાં થયો એ જાણવા પહેલાં સી. રામચંદ્ર અને લતા મંગેશકરની જોડીના ભૂતકાળ વિશે થોડી માહિતી જરૂરી છે. એ સાથે આશા ભોસલેની કેફિયત પણ સાંભળવા જેવી છે. જે કઈ બન્યું એમાં કોનો વાંક હતો એ નક્કી કરીને આપણે ન્યાયાધીશની ભૂમિકા નથી ભજવવી, કારણ કે એ માટે નથી આપણને કોઈ હક કે નથી   કોઈ લાયકાત. પ્રયાસ એટલો જ છે કે હકીકતમાં શું બન્યું હતું અને ક્યા સંજોગોમાં આ ફેરફાર થયો એ ઘટનાક્રમ તમારી સાથે શેર કરવો છે.    

‘અય મેરે વતન કે લોગોં’ માટે સી. રામચંદ્ર આશા ભોસલે સાથે રિહર્સલ કરી ચૂક્યા હતા. મારી પાસે એ ફાઇનલ રિહર્સલનું રેકૉર્ડિંગ છે જેમાં તેમણે અદ્ભુત ગાયું છે. તો પછી છેલ્લી ઘડીએ એવું શું બન્યું કે અચાનક સી. રામચંદ્રે  નિર્ણય કર્યો કે આ ગીત લતા મંગેશકર પ્રસ્તુત કરશે? એ સમયે આશાજીએ કલ્પના નહીં કરી હોય કે કાળને અતિક્રમીને આ ગીત એક આઇકૉનિક ગીત બની જશે? આમ પણ હંમેશાં તેમની એક ફરિયાદ રહી છે કે દીદીની સરખામણીમાં તેમને ઓછી ક્રેડિટ મળી છે. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે...                                        

‘અમે બન્ને એક જ ગુરુના (પિતા દીનાનાથ મંગેશકર) શિષ્ય છીએ. એકસરખી તાલીમ અને ઉછેર થયો છે. ભલે, અમારા સ્વભાવ જુદા હોય, પરંતુ ગાયકીની બાબતમાં દીદીની સરખામણીમાં મારામાં કોઈ ઊણપ નથી એમ હું માનું છું. એ છતાં જીવનભર મને એવું લાગ્યું છે કે મને જોઈતી ક્રેડિટ મળી નથી. પંચમને ઘણી વાર મેં ફરિયાદ કરી છે કે તું સારાં-સારાં ગીત દીદીને આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકાનું ચંદ્રયાન જ્યારે ચંદ્ર પર પહોંચ્યું ત્યારે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોન્ગ પહેલો ઊતર્યો અને ત્યાર બાદ બીજો અવકાશયાત્રી. આજે કોઈને બીજાનું નામ યાદ નથી. બન્નેની સિદ્ધિ સરખી હતી. કેવળ પ્રથમને યાદ કરીને બીજાને ભૂલી જઈએ એ યોગ્ય નથી. દીદી મારી પહેલાં જન્મ્યાં એથી તેમનાં જ યોગદાનને વધુ મહત્ત્વ આપવું એ મને અન્યાય જેવું લાગે છે.’

એક આડ વાત. અમેરિકાના એ પહેલા ચંદ્રયાનમાં બે નહીં, પણ ત્રણ અવકાશયાત્રીઓ હતા. બીજાનું નામ હતું ઍડવિન આલડ્રીન અને ત્રીજાનું નામ હતું માઇકલ કોલિન્સ; જે ચંદ્રયાનમાં જ બેઠો હતો. કેવળ નીલ આર્મસ્ટ્રોન્ગને જ દુનિયા યાદ કરે એ વાત વાજબી નથી. 

મંગેશકર બહેનોમાં કોણ ઉત્તમ એ વિષય પર ચર્ચા નથી કરવી. કોઈને મોહમ્મદ રફી ગમે તો કોઈને કિશોર કુમાર. કોઈ કહેશે શંકર જયકિશન મહાન હતા તો બીજો દલીલ કરશે કે સચિન દેવ બર્મન સર્વોચ્ચ હતા. હું તો માનું છું કે ગુલાબજાંબુ સારા કે પછી રસગુલ્લા સારા; એની માથાકૂટમાં પડ્યા વિના બન્નેનો સ્વાદ માણવામાં જ સમજદારી છે. એક સરસ કૉટેશન વાચ્યું હતું ‘Don’t blame the food if you don’t have the appetite.’ સમજદાર કો ઇશારા કાફી હૈં.

આપણે જોયું કે ‘વૉર વિડો વેલ્ફેર ફંડ’ માટે કવિ પ્રદીપના હિસ્સામાં એક ગીત લખવાની જવાબદારી આવી એ કઈ રીતે તેમણે નિભાવી. આ ગીત માટે તેમની પહેલી અને આખરી પસંદ લતા મંગેશકર હતાં. સંગીતકાર તરીકે જ્યારે સી. રામચંદ્રે આ ગીત માટે આશા ભોસલેને પસંદ કર્યાં ત્યારે તેમણે વધુ વિરોધ ન કર્યો. અન્નાસા’બ તેમના ગરમ મિજાજ માટે જાણીતા હતા. એ ઉપરાંત ગાયક કલાકારની પસંદગીમાં આખરી નિર્ણય સંગીતકારનો હોય છે એ વાત પ્રદીપજી માનતા હતા.

સી. રામચંદ્રના ગરમ સ્ભાવનો પરિચય એક વાર મોહમ્મદ રફીને થયો હતો. બન્યું એવું કે એક રેકૉર્ડિંગ વખતે વારંવાર તેમની ભૂલ થતી હતી એટલે રિટેક કરવા પડતા હતા. અકળાઈને રેકૉર્ડિસ્ટની કેબિનમાંથી ગરમ અવાજમાં અન્ના બોલ્યા, ‘રફીમિયાં, ધ્યાન દિજિયે, ગાંધાર કી જગહ આપ મધ્યમ ગા રહે હૈં.’ જવાબમાં નરમદિલ રફીસા’બ એટલું જ બોલ્યા, ‘હાં જી.’ ફરી એક વાર એ જ ભૂલ થઈ એટલે અન્નાએ ધીરજ ખોઈ અને બોલ્યા, ‘મિયાં, ધ્યાન રખ્ખો, યે નૌશાદ કા ગાના નહીં હૈ, અન્ના કા ગાના હૈ. બહુત બારીક ફરક હૈં.’ અને રફીસા’બ માફીના સ્વરમાં બોલ્યા, ‘હાં જી, બસ એક બાર ઔર.’ આ આખો સંવાદ સ્ટુડિયોમાં દરેક સાંભળતા હતા. જોકે પછીના ટેકમાં ગીત ઓકે થયું અને દરેકે રાહતનો શ્વાસ લીધો. (આ કિસ્સો એક સિનિયર મ્યુઝિશ્યને મારી સાથે શેર કર્યો છે, જે આ રેકૉર્ડિંગમાં હાજર હતા. જોકે પાછળથી સી‍. રામચંદ્રને અહેસાસ થયો કે તેઓ વધુ સખતાઈથી પેશ આવ્યા હતા અને વાત વાળી લીધી. એ સમયે રફીસા’બે એટલું જ કહ્યું  કે એક સંગીતકાર તરીકે તેમને ગુસ્સે થવાનો હક હતો.) 

 ‘એ મેરે વતન કે લોગોં’ માટે લતા મંગેશકરની પસંદગીની વાત પર પાછા આવીએ. એક સમય એવો હતો જ્યારે સી. રામચંદ્રના સંગીતમાં લતા મંગેશકર અનિવાર્ય હતાં. (એક ઓ. પી. નય્યર સિવાય દરેક સંગીતકાર માટે આ વાત સાચી હતી.) સી. રામચંદ્રના સંગીતની વાત કરીએ અને લતા મંગેશકરનો ઉલ્લેખ ન કરીએ તો સંસ્કૃત નાટકોની વાત કરતી વખતે કાલિદાસનું નામ લેવાનું ટાળીએ, એવી વાત કહેવાય. આવી જ રીતે લતા મંગેશકરનાં ગીતોની વાત કરતાં સી. રામચંદ્રના નામને અસ્પૃશ્ય ગણવું એ અપરાધ માફ ન કરી શકાય. કડવી લાગે પણ સાચી હકીકત એ છે કે અન્નાના સંગીતમાંથી જ્યારથી લતા મંગેશકરના અવાજની બાદબાકી થઈ ત્યારથી તેમના સંગીતની ખનક અને ખુશ્બૂ ફિક્કી પડી ગઈ. આ વાતનો ઇનકાર ખુદ અન્નાસા’બ પણ ન કરી શકે. આ જોડીએ અનેક અમર ગીતો આપ્યાં. યાદ છે ને?

‘તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે (શિન શિના કી બૂબલા બૂ -- પ્યારેલાલ સંતોષી

ધીરે સે આજા રે અખીંયન મેં નિંદિયા આ જા રે આ જા (અલબેલા — રાજેન્દ્ર ક્રિષ્ણ)

જા રે જા રે ઓ કારી બદરિયા, મત બરસો રે મેરી નગરિયા (આઝાદ — રાજેન્દ્ર ક્રિષ્ણ)

‘રાધા ના બોલે ના બોલે ના બોલે રે, ઘૂંઘટ કે પટ ના ખોલે રે (આઝાદ — રાજેન્દ્ર ક્રિષ્ણ)

‘બલમા અનાડી  મન ભાયે, કા કરું સમજ ન આયે (બહુરાની — સાહિર લુધિયાન્વી) 

‘ઓ નિર્દયી પ્રિતમ, પ્રણય જગા કે, હૃદય ચૂરા કે, ચૂપ હુએ તુમ ક્યોં (સ્ત્રી (૧૯૬૦)  –- ભરત વ્યાસ)

એ દિવસોમાં ઊડતી-ઊડતી વાત આવી હતી કે બન્ને વચ્ચે પ્રોફેશનલ સંબંધોથી વિશેષ કઈક હતું. એક સમય એવો આવ્યો કે બન્નેએ એકસાથે કામ કરવાનું બંધ કર્યું. એ મજબૂરી હતી કે મતભેદ, એનાં કારણો વિશે ઘણી ગોસીપ ચાલી. કલાકારના અંગત જીવનમાં ડોકિયું કરવાનો આ કૉલમમાં કદી પ્રયત્ન કર્યો નથી. દરેક સંબંધને પીળા ચશ્માંથી જોવાના હોતા નથી. જીવનસફરમાં અનેક ચહેરાઓ સાથે ઘરોબો થાય છે જે લૉન્ગ ડિસ્ટન્સ ટ્રેનમાં થતી ઓળખાણ જેવો હોય છે. એમાંના મોટા ભાગના સંબંધો પ્રવાસ પૂરો થતાં જ પૂરા થાય છે તો કોઈ આગળ વધે છે.   

જોકે આવા સંબંધોનું એક આયુષ્ય હોય છે. સંબંધ વણસે ત્યારે સ્મૃતિ બોજ બની જાય છે. ભાર સંબંધોનો નહીં, પરંતુ એની સાથે જોડાયેલી અપેક્ષાઓનો હોય છે. જે આ વાતને પામી જાય છે તેના મનમાં છૂટા પડતી વખતે કડવાશ નથી હોતી. તેને ભાગ્ય પર ભરોસો હોય છે. મારી કવિતાની બે પંક્તિ યાદ આવે છે...

 મળ્યા તો યે ઠીક, ન મળ્યા તો યે ઠીક

રસ્તે તો તમે મને મળશો કદીક

‘અય મેરે વતન કે લોગોં’ માટે આશા ભોસલેની સાથે સી. રામચંદ્રે રિહર્સલ શરૂ કર્યાં. આ તરફ લતાજીને આ વાતની જાણ થઈ. આપણે સૌ જાણીએ છીએ કે લતાજી એક સાચા દેશભક્ત છે. અનેક પ્રસંગોએ તેમણે પોતાનો દેશપ્રેમ જાહેરમાં વ્યક્ત કર્યો છે. ક્રિકેટની મૅચ હોય કે પછી દેશમાં દુશ્મનો સામેનો વિરોધ, તે હંમેશાં આ બાબતમાં ‘વોકલ’ રહ્યાં છે. અહીં તો પૂરી ઇન્ડસ્ટ્રી એકજૂટ થઈને, પંડિત જવાહરલાલ નેહરુની ઉપસ્થિતિમાં, દેશના શહીદોના પરિવાર માટે ભેગી થવાની હતી. આવો મોકો બીજી વાર ન આવે એટલે ગઈ ગુજરી ભૂલીને તેમણે પહેલ કરી.

એક સવારે તે કવિ પ્રદીપને ઘેર પહોંચ્યાં. પ્રદીપજી હજી સૂતા હતા. ભદ્રાબહેન લતાજીને જોઈ નવાઈ પામી ગયાં. તે ખાસ પ્રદીપજીને મળવા આવ્યાં છે એ વાત જાણી તેમણે કહ્યું કે હું પ્રદીપજીને ઉઠાડું  છું, તો લતાજીએ ના પાડી. લગભગ એક-દોઢ કલાક રાહ જોયા બાદ પ્રદીપજી સાથે મુલાકાત થઈ અને તેમણે આ ગીત ગાવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રદીપજીએ જવાબ આપ્યો કે મારી પણ એ જ ઇચ્છા છે, પરંતુ આ બાબતમાં અન્નાનો  નિર્ણય આખરી છે. હું તમારો સંદેશો તેમને પહોંચાડીશ. પ્રદીપજીને ખબર નહોતી કે અન્નાની રિઍક્શન શું હશે? તે ના પાડે તો તેમણે વિચાર્યું હતું કે છેવટે બન્ને બહેનો આ ગીત સાથે ગાય એ વાત પર જોર દેવું.

બે વ્યક્તિ જ્યારે એકમેકથી દૂર થાય છે ત્યારે મનોમન ‘બેફામ’ની આ પંક્તિઓ જેવું અનુભવતી હોય છે...

આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે

 મેં ગુમાવ્યો એમ તેણે પણ ગુમાવ્યો છે મને.

એક સમયે ખળખળ વહેતું ઝરણું અચાનક સૂકાઈ જાય ત્યારે લાંબા સમય સુધી પથ્થરોની તિરાડો નીચે એક અધભીની ધાર વહેતી હોય છે, જે નરી આંખે દેખાતી નથી.  ઉપરવાસમાં આવેલું એક નાનું ઝાંપટું ઘણી વાર આવાં ઝરણાંઓમાં રાતોરાત પ્રાણ પૂરે છે. સંબંધોના સૂકાઈ ગયેલા સરોવરના સામસામે કિનારે બેઠેલી બે વ્યક્તિ રાહ જોતી હોય છે કે પહેલ કોણ કરે? ગુલઝારનું ગીત યાદ આવે છે...

ઉન્હેં યે ઝીદ થી કે હમ બુલાતે 

હમેં યે ઉમ્મીદ વો પુકારે 

હૈ નામ હોંઠો પે અબ ભી લેકિન

 આવાઝ મેં પડ ગઈ દરારેં

(થોડી સી બેવફાઈ -– ખય્યામ)

લતા મંગેશકરનું કહેણ આવતાં જ અન્ના ગઈ ગુજરી ભૂલીને તેમની સાથે કામ કરવા રાજી થયા અને ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ જેવી વાત બની. રાતોરાત આશા ભોસલેની જગ્યાએ લતા મંગેશકર આવી ગયાં. પછી કહેવાય છે ને કે ‘Rest is history.’ એક આડ વાત. ૧૯૯૮માં અમિત ખન્નાની સાઈ પરાંજપેએ ડિરેક્ટ કરેલી એક ફિલ્મ આવી હતી ‘સાઝ’. અરુણા ઈરાની, શબાના આઝમી અને ઝાકિર હુસેન અભિનિત આ ફિલ્મમાં બે બહેનોની કથા છે. આ આખો કિસ્સો આ ફિલ્મમાં થોડી અલગ રીતે મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મંગેશકર પરિવારની અનેક ઘટનાઓથી પ્રેરિત દૃશ્યો આ ફિલ્મમાં છે અને હા, ફિલ્મની શરૂઆતમાં એ નોંધ મૂકવામાં આવી છે  કે This film is a pure work of fiction and any similarities with any living or dead persons, are purely co-incidental.

‘અય મેરે વતન કે લોગોં’ની રજૂઆત વખતે હજી એક હસ્તીને અન્યાય થયો હતો એની વાત આવતા રવિવારે.

 (ગયા રવિવારે એક સુખદ ઘટના બની. સવારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હલ્લો કહેતાં જ મીઠા અવાજમાં શુદ્ધ ગુજરાતીમાં સંભળાયું, ‘રજનીભાઈ, હું મિતુલ પ્રદીપ, કવિ પ્રદીપનાં દીકરી. આજનો તમારો બાપુ (કવિ પ્રદીપ) વિશેનો આર્ટિકલ સરસ લખાયો છે. ઘણા મિત્રોએ મને ફૉર્વર્ડ કર્યો છે. તમારી શૈલી અને રજૂઆત ખૂબ જ સરસ છે. મારી પાસે તમારો નંબર નહોતો એટલે તમારા મિત્ર અને ફૅન ડૉ. રાજ બ્રહ્મભટ્ટ પાસેથી નંબર મેળવી તમને ખાસ થૅન્ક યુ કહેવા ફોન કર્યો છે. રવિવારની સવારે ડિસ્ટર્બ તો નથી કર્યાને?’

મેં કહ્યું, ‘ના રે ના, તમે તો મારી સવાર સુધારી નાખી. હું તમારો આભારી છું. તમે માનશો નહીં, હું જ વિચાર કરતો હતો કે તમારો નંબર મેળવી તમને ફોન કરું જેથી પ્રદીપજી અને પરિવાર વિશે વધુ માહિતી મેળવી શકાય.’ અને અમે લગભગ અડધો કલાક વાત કરી.)

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2020 10:21 PM IST | Mumbai | Rajni Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK