પહેલા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફ્રીડમફાઇટર્સ શું કહે છે?

Published: Aug 15, 2019, 12:30 IST | મુંબઈ ડેસ્ક

કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબૂદ થયા પછીના પહેલા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફ્રીડમફાઇટર્સ શું કહે છે?

ભારતનું રાષ્ટ્રધ્વજ
ભારતનું રાષ્ટ્રધ્વજ

કાશ, કાશ્મીરની પ્રજાને ભરોસામાં લઈ ફેંસલો લેવાયો હોત એમ ૯૬ વર્ષના ડૉ. જી. જી. પરેખ કહે છે

૯૬ વર્ષની ઉંમરે પણ ગાંધીજીના વિચારોને રગેરગથી જીવવાના પ્રયત્ન કરી રહેલા ગુણવંતરાય ગણપતલાલ પરીખ ઉર્ફે
ડૉ. જી. જી. પરીખે સ્વતંત્રતા માટે આકાશ-પાણી એક કરનારા સમાજને જોયો છે. ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સ્ટુડન્ટ કૉન્ગ્રેસમાં સિક્રય ભૂમિકા ભજવનારા અને એ પછી પણ દેશસેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દેનારા નખશિખ ગાંધીવાદી ડૉ. જી. જી. પરીખે ૧૮ વર્ષની ઉંમરે દસ મહિનાનો જેલવાસ ભોગવ્યો છે. ૧૯૪૧માં ૧૨ ઑગસ્ટે ચર્ચગેટ સ્ટેશન પર જઈ ટ્રેન રોકવાના આંદોલનમાં ભાગ લેનારા નેતા તરીકે અંગ્રેજો દ્વારા તેમની અટક કરવામાં આવી અને વરલી ટેમ્પરરી પ્રિઝન અને આર્થર રોડમાં તેમને રાખવામાં પણ આવ્યા હતા. બાપુના પ્રત્યક્ષ આશીર્વાદ અને બાપુ પાસેથી અગણ્ય હિતશિક્ષા પણ મળી છે. તેમણે દુનિયાભરનું વાંચન કર્યું છે અને આજે પણ એકથી એક રેફરન્સ ઘડીની છઠ્ઠી સેકન્ડે યાદ કરીને તેઓ કહી આપે છે. સ્વતંત્રતા વખતે પ્રગટ થયેલા આદર્શો અને આચરણને સ્વતંત્રતા મળ્યા પછી એ સમયના નેતાઓ પણ જાળવી નથી શક્યા એમ જણાવીને પીઢ વ્યક્તિત્વ અને ફૌલાદી અવાજ સાથે ડૉ. પરીખ કહે છે, ‘જ્યારે જાતને સ્વતંત્રતાના આંદોલનમાં ઝોકી ત્યારથી જ લાઠીનો કે મરવાનો ડર નીકળી ગયો હતો. દસ મહિનાના જેલવાસે મારું બહેતરીન ઘડતર કર્યું છે. બહુ બધી કપરી તપસ્યા પછી આપણને આઝાદી મળી છે અને ગાંધીબાપુએ માત્ર આઝાદી અપાવવામાં જ નહીં પણ અહિંસક આંદોલનો દ્વારા આખા સમાજના તમામે તમામ વર્ગને એમાં જોડીને એને વિશાળ આંદોલન બનાવી દીધું હતું. બાપુએ સ્વરાજનો એટલે કે સ્વ પર રાજ કરવાનો મેસેજ આપીને સ્વરાજ્ય મેળવવાનો સંદેશ આપ્યો હતો, જે બાબત કાશ્મીરમાં ચુકાઈ હોય એવું મને લાગે છે. ધારા ૩૭૦ અને ૩૫એ ઘડાઈ ત્યારે પણ એમાં એની નોંધ હતી કે કાશ્મીરમાં રહેતી પ્રજાને ભરોસામાં લઈને પછી એનું નિર્મૂલન કરવામાં આવશે. જોકે આપણે જે લખી આપ્યું એ પાળ્યું નહીં. એને બદલે લખાયેલા શબ્દોનું ઉલ્લંઘન કરીને રાતોરાત આ નિર્ણય લેવાયો જે મને યોગ્ય નથી લાગતો. આનાં દુષ્કર પરિણામો આપણે ભોગવવાં પડી શકે છે.’

બાપુને ગોળી વાગી એ સમયે બાપુની બાજુમાં હાજર રહેનારાં સરલા મહેતા ખૂબ ખુશ છે કાશ્મીરના નિર્ણયથી

ગાંધીબાપુ સાથે પોતાના જીવનનો મોટા ભાગનો સમય વિતાવ્યો અને તેમની દીકરીની જેમ સતત તેમની સેવામાં રહેલાં અંધેરીમાં રહેતાં ૯૦ વર્ષનાં સરલા મહેતા બિરલા હાઉસથી પ્રાર્થનાસભામાં જઈ રહેલા બાપુ પર ગોળી ચાલી એ સમયે એટલે કે ૩૦ જાન્યુઆરીએ પણ બાપુની સાથે હતાં. આજે કદાચ એ ઘટનાને નજરોનજર નિહાળનારાં અને બાપુના ગયા પછી સંપૂર્ણ પડી ભાંગેલાં અને સંપૂર્ણ જીવન દેશસેવામાં લગાડનારાં સરલાબહેન એકમાત્ર હયાત વ્યક્તિ હોઈ શકે છે. કાશ્મીર માટે સરકારે લીધેલા નિર્ણયની સરલાબહેને રજેરજ માહિતી વિવિધ સમાચારપત્રો અને ટીવીના માધ્યમે મેળવી છે. ભારતને સ્વતંત્રતા મળ્યાનાં ૭૨ વર્ષ પછી સરલાબહેન એ સમયગાળો યાદ કરતાં કહે છે, ‘એ અરસામાં બાપુ ખૂબ જ દુઃખી હતા. તેમને ભારતના ભાગલા થાય એ જરાય ગમ્યું નહોતું, પણ સંજોગો સામે તેમણે હારી જવું પડ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહેલું કે ભારત અખંડ રહેતું હોય તો નેહરુને બદલે મોહમ્મદ અલી ઝીણાને વડા પ્રધાન બનાવી દો. તેમને ભારતમાતાને હંમેશથી અખંડ જ જોવાં હતાં. જોકે એવું થયું નહીં. ભારત આઝાદ થયું ત્યારથી કાશ્મીર ભારતનો હિસ્સો જ હતું.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

મને ખબર નથી પડતી કે શું કામ રાજકારણના નામે આટલાં વર્ષ એને જુદી રીતે રાખવામાં આવ્યું. અત્યારે જે થયું એ ખરેખર ખૂબ સારું થયું અને હું એના માટે વડા પ્રધાન અને ગૃહમંત્રીને અભિનંદન આપું છું. જોકે હજી જે ભારતની કલ્પના બાપુએ કરી હતી એવું રાષ્ટ્ર આપણે નથી બનાવી શક્યા. આશા છે કે દેશના નેતાઓ એ દિશામાં કંઈક કરશે અને આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ન સૂએ, સૌને સમાનાધિકાર મળે અને આર્થિક રીતે દરેક વર્ગ સમૃદ્ધ બને એ પ્રકારની યોજનાઓ બનશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK