Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોના પાસેથી શું શીખશો તમે?

કોરોના પાસેથી શું શીખશો તમે?

15 May, 2020 04:05 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોરોના પાસેથી શું શીખશો તમે?

કોરોના જ સમજાવે છે કે જો ગાફેલ રહ્યા તો મૂકીશ નહીં.

કોરોના જ સમજાવે છે કે જો ગાફેલ રહ્યા તો મૂકીશ નહીં.


કોરોનાએ જીવ અધ્ધર કરી દીધો છે, પણ વધી ગયેલી હાર્ટબીટ્સને કાબૂમાં લઈ લેજો; કારણ કે આ જીવલેણ વાઇરસ તમને તમારા સંબંધોમાં પણ ઉપયોગી બનવાનો છે. કોરોનાને ખરાબ કહેનારા અને કોરોનાથી અંતર રાખીને ઘરમાં બંધાઈ રહેનારાઓએ ભૂલવું ન જોઈએ કે કોરોના નાકકટ્ટો નથી. એના જેવી ખુદ્દારી તમારે ડેવલપ કરવાની છે. એ સામે ચાલીને આવશે નહીં. જો તમે એને લેવા ગયા નહીં, જો એને માન આપીને ઘરમાં આમંત્રણ આપ્યું નહીં તો એ તમને ક્યાંય મળવાનો નથી. કોરોનાનો આ સિદ્ધાંત જીવનમાં ઉતારજો. માનભૂખ્યા નહીં પણ માનશોધકનું સ્વરૂપ ધારણ કરજો. સામેથી બોલાવે તેની સાથે જવામાં ખચકાટ રાખતા નહીં. માન મળે ત્યાં ખચકાટ નહીં રાખતા અને જો મૂલ્ય ન હોય, કોઈને કદર ન હોય તો બહાર ઊભા રહેવામાં સંકોચ નહીં કરતા. ડિટ્ટો કોરોનાની જેમ. કોરોના આવીને જીવ લેશે, પણ તમે જઈને સંબંધો માટે જીવ આપજો. સંબંધો માટે ક્યાંય શરમ નથી રાખવાની પણ એ જ સંબંધોમાં જો મહત્ત્વ ન મળે તો એનું મૂલ્ય શૂન્ય કરવામાં પણ ગભરાટ નહીં રાખતા. કહ્યુંને, ડિટ્ટો કોરોનાની જેમ.
કોરોનાને ધ્યાનથી જુઓ. તમને ડગલે ને પગલે એ મદદરૂપ બનશે. સંબંધોમાં નવી ખુશનુમા લાવવાનું કામ પણ કોરોના કરશે અને લાગણીઓમાં નવો ઓચ્છવ કરવાનું કામ પણ કોરોના દ્વારા થવાનું છે. જુઓ તમે, એક વખત બોલાવી લેશો તો કોરોના ભાગ્યે જ સાથ છોડે છે. સાથ છોડવાનું ભાગ્યે જ બને છે એટલે તો ટકાવારીની વાતો કરીને સૌકોઈ ખુશ થઈ રહ્યા છે. જે સંબંધો માટે હાથ લંબાવે તેનો સાથ ક્યારેય છોડવો નહીં. ભલે પછી એ સાથ તોડવા માટે જાતજાતના અખતરાઓ સહન કરવા પડે. ઍન્ટિબાયોટિકનો મારો પણ સહન કરવો પડે અને હાઇડ્રોક્સિક્લોરોક્વિનની થપાટ પણ ખાવી પડે. સાથ છોડવાનો નથી. આપવામાં આવેલા આશરાને ભૂલવાનો નથી અને પ્રેમથી મળેલી પનાહને અવગણવાની નથી. કોરોનાની નકારાત્મકતાને ભૂલીને પણ એનો આ ગુણ સમજવાની કોશિશ કરજો. મૂડ ખાતર સાથે રહેવાને બદલે લાંબા સમયનો સાથ આપવાની નીતિ રાખશો તો એ નીતિ અલ્ટિમેટલી સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. કોરોના ખરાબ છે. ભયાનક છે. વિકરાળ છે. પણ એમ છતાં કોરોના પાસેથી કેટલાક ગુણ જીવનમાં ઉતારવા જેવા છે.
શીખવે છે કોરોના કે જિજીવષા હશે તો કોઈ વાઇરસ તમારું કશું બગાડી શકતો નથી. શીખજો લડી લેવાની ભાવના એની પાસેથી. લડી લેવાની ભાવના પણ શીખજો અને સાથોસાથ લડી લીધા પછી બીજાને મદદરૂપ થઈને પ્લાઝમા આપવાની ઉદારી પણ દાખવજો. કોરોના શીખવે છે કે તકલીફ સહન કરશો તો અને તો જ કોઈની તકલીફને સાચી રીતે જોઈ શકશો, એ પીડા પણ અનુભવી શકશો અને શાસ્ત્રોમાં કહેવાયેલી વાતને પણ વાજબી રીતે જીવનમાં ઉતારી શકશો.
ઝેરનું મારણ ઝેર.
જો જીવનમાં જંગ આવીને ઊભો રહી જાય અને તકલીફો અપાર માત્રામાં વધી જાય તો થાકવાનું નથી, હારવાનું નથી અને અટકવાનું નથી. એકધારી અને અથાગ મહેનત કરવાની છે અને એ મહેનતના આધારે નવેસરથી બહાર આવવાનું છે. બની શકે, જંગમાં હથિયાર મૂકવાનું મન થઈ આવે. થાકી જવાય અને ત્રાસ પણ છૂટી જાય. આંખ સામે અંધકાર પથરાઈ જાય અને છાતીમાં ડૂમો ભરાઈ આવે પણ એ બધાને અવગણીને આગળ વધવાનું છે. જંગ લાંબો છે એની તૈયારી રાખવાની છે અને જંગમાં જીત હાથવગી કરવાની છે એની માનસિકતા બનાવવાની છે. કોરોના શીખવે છે, લડશો તો છોડી દેશે એ. જો ઘૂંટણિયે પડી જશો તો એ મસ્તક પર પગ મૂકીને આગળ નીકળી જશે. ઘૂંટણ પર આવવાનું નથી. ક્યાંય નેસ્તનાબૂદ થવાની તક ઊભી કરવાની નથી. યુદ્ધમાં અડીખમ ઊભા રહેવાનું છે અને કોરોનાએ જ શીખવી છે એ આફ્ટર-વૉર સ્ટ્રૅટેજીને પણ જીવનમાં ઉતારવાની છે.
હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી કોરોના પેશન્ટ્સ ક્વૉરન્ટીન રહે છે. શું કામ? ક્યાંક અંદર કોઈ એકાદ વાઇરસ રહી ગયો હોય તો નવી તકલીફ આવે ત્યારે બીજાઓને તકલીફમાં મૂકવાની પ્રક્રિયા ન થઈ ગઈ હોય. સમજજો. સરસ વાત છે આ. તમારી તકલીફ સમયે એ જ તમને સાથ આપવા આવી શકશે જે પોતે તકલીફમાં નહીં હોય. જો સમૂહ તકલીફમાં હોય તો ક્યારેય એકલદોકલને કોઈ મદદ મળતી નથી. કોરોના શીખવે છે કે યુદ્ધ પછી પણ યુદ્ધના વાતાવરણને સમજવા અને સૂંઘવાની દરકાર રાખવાની છે અને એના માટે સજાગ રહેવાનું છે. ત્યાં સુધી જ્યાં સુધી સંપૂર્ણ સજ્જતાના પુરાવા ન મળે અને એનો વિશ્વાસ હાંસલ ન થાય. આ વિશ્વાસ સંપાદિત થયા પછી જે બેદરકારી કરવામાં આવશે તો એને ચલાવી શકાશે અને ચલાવી પણ લેવાય, પણ એની પહેલાં? ના, બિલકુલ નહીં. કોરોના જ સમજાવે છે કે જો ગાફેલ રહ્યા તો મૂકીશ નહીં. કોરોનાની ધોબીપછાડ સહન ન કરવી હોય તો જેવી તકેદારી રાખો છો એવી જ તકેદારી જીવનના દરેક સ્ટેજ પર રાખવાની છે. રાખવામાં આવેલી આ તકેદારીને કારણે જ તમને સ્વસ્થ અને તંદુરસ્ત માનસિકતા મળશે, માનસિકતા પણ મળશે અને આર્થિક-શારીરિક સ્વસ્થતા પણ સાંપડશે. નહીં અવગણો કોરોનાને એ હદે કે જે સકારાત્મકતા એનામાંથી શીખવાની છે એ શીખવાની તક પણ હાથમાંથી સરી જાય.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 04:05 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK