અમેરિકા સ્વાહા: જો બાઇડને આઠ મુસ્લિમ રાષ્ટ્ર પરનો બૅન હટાવીને શું પુરવાર કર્યું?

Published: 24th January, 2021 11:46 IST | Manoj Joshi | Mumbai

આ આઠ દેશોમાં પાકિસ્તાન પણ એક છે એ તમારી જાણ ખાતર... અને બીજી વાત, આ આઠે-આઠ દેશો પર ટ્રમ્પે જ બૅન મૂકયો હતો એવું પણ નહોતું. ત્રણ રાષ્ટ્ર પર તો લાંબા સમયથી બૅન ચાલુ હતો, ડોનલ્ડ ટ્રમ્પે એ ચાલુ રાખ્યો હતો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

વિચારો જરા કે અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઇડને સત્તા પર આવ્યા પછી આઠ મુસ્લિમ દેશો પર મૂકવામાં આવેલો બૅન હટાવીને પ્રતિબંધિત રાષ્ટ્રમાંથી એ દેશોને કાઢી નાખ્યા. આ આઠ દેશોમાં પાકિસ્તાન પણ એક છે એ તમારી જાણ ખાતર... અને બીજી વાત, આ આઠે-આઠ દેશો પર ટ્રમ્પે જ બૅન મૂકયો હતો એવું પણ નહોતું. ત્રણ રાષ્ટ્ર પર તો લાંબા સમયથી બૅન ચાલુ હતો, ડોનલ્ડ ટ્રમ્પે એ ચાલુ રાખ્યો હતો.

જો બાઇડને આ બૅન હટાવીને પુરવાર કર્યું કે એને અમેરિકાની સમકક્ષ આવે એ એને પસંદ નથી. ટિપિકલ અમેરિકન માનસિકતા. બાઇડને પુરવાર કર્યું કે અમેરિકા ક્યારેય અન્ય કોઈને શાંતિથી જીવવા નથી દેતું. દુશ્મનના દુશ્મનને પ્રાધાન્ય આપવું એ અમેરિકાની ટિપિકલ માનસિકતા રહી છે અને આ જ માનસિકતા જો બાઇડને પણ દુનિયાને દેખાડી દીધી. બાઇડન સાથે ભારતના સંબંધો લાંબો સમય રહે અને એ સંબંધો દ્વારા અમેરિકા સાથે ભારતનો ભાઈચારો વધે એવી શક્યતા આ અને આવા નિર્ણયો દ્વારા દિવસે-દિવસે ઘટતી જાય છે અને આ જ ધારણા મૂકવામાં આવતી હતી. માનવામાં આવતું હતું કે જો બાઇડન ટ્રમ્પ જેવા ગાંડા નહીં કાઢે, પણ સાથોસાથ એવું પણ ધારવામાં આવતું હતું કે જો બાઇડન ડોનલ્ડ ટ્રમ્પની જેમ નવી વિચારધારા પણ અમેરિકાને આપશે નહીં. જેમ ટ્રમ્પની પોતાની એક માનસિકતા હતી એવી જ બાઇડનની પણ એક માનસિકતા છે અને એ માનસિકતા ઓગણીસમી સદીના અમેરિકન સાથે મેળ ખાય એ પ્રકારની છે. અમેરિકનોના સ્વભાવની એક ખાસિયત છે. એ સામેની વ્યક્તિને ઊતરતી જ માને અને ઊતરતી જ ધારે.

જો તમે અમેરિકા જઈને જુઓ તો પણ તમને આ માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે. જો તમે અમેરિકનની સમકક્ષ ઊભા રહો તો બીજા અમેરિકન પણ કોઈ કારણ વિના પોતાના ભાઈ સાથે ઊભા રહી જાય. અમેરિકાની આ માનસિકતા જો બાઇડનમાં ઠાંસોઠાંસ ભરી છે અને તે પોતાની આ જ માનસિકતા મુજબ આગળ વધશે એ પણ હવે દૃઢ થવા માંડ્યું છે. પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધો સ્થગિત કરી દેનારા ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણયને રદ કરીને બાઇડને ભારતને એક સંદેશો પહોંચાડ્યો છે અને એ સંદેશાની સાથોસાથ બાઇડને ભારતવાસીઓને પણ દેખાડ્યું છે કે તેની માટે સુખ અને શાંતિ જ નહીં, અમેરિકી તિજોરીમાં આવનારા ડૉલર અને અમેરિકી બેલેન્સ શીટમાં ઉમેરાતું લેણું મહત્ત્વનું છે. પાકિસ્તાનને સહકાર આપવાની અમેરિકાની આ જે નીતિ છે એ ભારત વિરોધી છે એવું કહેવાની જરૂર નથી. અફકોર્સ, આટલું ઝડપથી નિર્ણય પર આવવાની પણ જરૂર નથી. કારણ કે બાઇડનસાહેબ હજી તો અમુક એવા સ્ટેપ લેશે જેનાથી એની નીતિ દીવા જેવી ચમકદાર અને પ્રકાશવાન બનશે અને દુનિયા આખીને બાઇડનના વિચારોની ખબર પડશે.

આજ સુધી આપણે ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણય અને એના તઘલખી વિચારો પર હસતા હતા પણ હસેલું એ બધું વસૂલ કરવાની માનસિકતા સાથે બાઇડન હવે એવા નિર્ણયો લઈ શકે છે જે આપણી આંખમાં આંસુને આવતાં રોકી નહીં શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK