અત શ્રી મહાભારત કથાઃ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુંબઈની કઈ-કઈ અને કેવી-કેવી અપેક્ષા છે?

Updated: Nov 30, 2019, 11:37 IST | Mumbai

મેરે દિલ મેં આજ ક્યા હૈ? મુંબઈ હવે અસર માગે છે, મુંબઈ હવે પરિણામ ઇચ્છે છે. ઉદ્ધવ ઠાકરેના પક્ષે જેકાંઈ આવ્યું છે એ બધું તાત્કાલિકના ધોરણે આવ્યું છે. જો એ તાત્કાલિક નહીં કરી શકે તો આગળના સમયમાં તેમને કામ નહીં કરવા દેવાનાં કારણો સાથીપક્ષો પાસે પુષ્કળ હશ

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

સૌથી પહેલી અપેક્ષા તો એ કે તેઓ જેકોઈ પાર્ટી સાથે જોડી બનાવીને બેઠા છે એ પાર્ટીઓની મથરાવટી વિશે મહારાષ્ટ્રની જનતા જાણે છે અને તેઓ જાણે છે એટલે જ તેમને ખબર છે કે શિવસેનાની જે હિન્દુત્વની કે મરાઠાપણાની નીતિ છે એ નીતિને આ બન્ને પાર્ટીઓ સહન કરી શકે એમ નથી. કહેવાનો ભાવાર્થ એ જ કે શિવસેનાએ એવી સેના ભેગી કરી છે જેની બેઝિક વિચારધારામાં જ મતભેદ છે અને એ મતભેદ આગળના દિવસોમાં મહાકાય બની શકે એવી શક્યતા છે. એવું ન બને, એકેક મરાઠાઓને લાગે કે તેમની જે અપેક્ષા હતી, તેમની જે ઇચ્છાઓ હતી એ બધી પૂરી થવાની છે અને એ પૂરી કરવાની જવાબદારી શિવસેનાના પક્ષે જ છે. કૉન્ગ્રેસ કે પવાર-પાર્ટી માટે એ મુદ્દા સાવ ક્ષુલ્લક છે, પણ શિવસેનાના વોટર્સ માટે એ અત્યંત અગત્યના અને મહત્ત્વના છે. ક્યાંક એવું ન બને કે એક તાણે ગામ ભણી ને એક તાણે સીમ ભણી અને તાણવાની આ રમતમાં ગેરવાજબી રીતે સૌકોઈ હેરાન થતા ફરે.
ઉદ્ધવ ઠાકરે પાસેથી બીજી કોઈ મહત્ત્વની અપેક્ષા હોય તો એ મુંબઈકરને છે. મુંબઈ દિવસે-દિવસે બદતર બની રહ્યું છે. નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને એ પ્રોજેક્ટને કારણે આજે મુંબઈકર બધું સહન કરી રહ્યો છે, પણ એ સહન ક્યાં સુધી કરવાનું એ પણ સમજવાની અને સમજાવવાની આવશ્યકતા છે. બે વર્ષ અને ત્રણ વર્ષ અને ચાર વર્ષના નામે જે રીતે મુંબઈઆખું ખોદી નાખવામાં આવ્યું છે એ ખરા અર્થમાં નરકનો અનુભવ કરાવે છે. સગવડ જોઈતી હોય તો અગવડની પણ આદત પાડવી પડે. માન્યું અને કબૂલ ખરું, પણ સાહેબ, અગવડની પણ એક સીમા નક્કી થવી જોઈએ. જો એ નક્કી ન થાય તો એક તબક્કો એવો આવી જાય કે સગવડ નહીં હોય તો ચાલશે, પણ આ અગવડ દૂર કરવાની માગણી વ્યક્તિ કરવા માંડે. હવે એ દિવસો દૂર નથી કે મુંબઈકર અગવડ દૂર કરવા માટે સગવડ જતી કરવા પર આવી જાય. કહેવાનો ભાવાર્થ એ છે કે જેકોઈ ડેવલપમેન્ટનાં કામ થયાં એ બધાં કામ ચ્યુઇંગ ગમની જેમ એટલાં લંબાઈ ગયાં કે હવે નવા વિકાસની ક્ષમતા રહી નથી કે પછી નવા વિકાસની આશા પણ રાખવામાં આવતી નથી. અપેક્ષા પહેલા તબક્કે તો માત્ર એટલી જ કે એ કામ ઝડપથી અને વાજબી રીતે પૂરાં થાય અને તકલીફમાંથી બહાર આવીએ.
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને આ રાજધાની જ અત્યારે વાહિયાત કહેવાય એવી તકલીફ ભોગવી રહી છે. જો તમને ક્યાંય પણ એવું દેખાઈ રહ્યું હોય કે આર્થિક રાજધાની ખરા અર્થમાં રાજધાનીનો ઠાઠ ભોગવે તો તમારે એ માટે નક્કર પગલાં લેવાં પડશે. નક્કર પગલાંની વાતો અગાઉ પણ અનેક વખત થઈ ચૂકી છે અને એ દિશામાં પગલાં પણ ભરવામાં આવ્યાં હશે, પણ એ બધાની ધારી અસર નથી થઈ એ સ્વીકારવું રહ્યું. મુંબઈ હવે અસર માગે છે, મુંબઈ હવે પરિણામ ઇચ્છે છે. ઉદ્ધવ ઠાકરેના પક્ષે જેકાંઈ આવ્યું છે એ બધું તાત્કાલિકના ધોરણે આવ્યું છે. જો એ તાત્કાલિક નહીં કરી શકે તો આગળના સમયમાં તેમને કામ નહીં કરવા દેવાનાં કારણો સાથીપક્ષો પાસે પુષ્કળ હશે. આવું માનવાને એક નહીં, અનેક કારણો છે અને એ માટે પણ અપજશનો ટોપલો સાથીપક્ષો પર જ છે. હું કહીશ કે કૉન્ગ્રેસ અને પવાર-પાર્ટીને પોતાની ઇમેજ સુધારવા માટે બહુ વાજબી તક મળી છે. ઠાકરેપરિવારની આ આડશ અકબંધ રાખે, આવતાં વર્ષોમાં તરી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK