વૉટ ઍન આઇડિયા...

Published: 31st October, 2020 08:20 IST | Preeti Khuman Thakur | Mumbai

મીરા-ભાઈંદર પાલિકા નવરા​ત્રિમાં વિસર્જન માટે ભેગા કરાયેલા ૨૦૦૦થી વધુ ગરબામાં તુલસી રોપશે અને ​જમા થયેલા નિર્માલ્યનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરશે

માતાભક્તોએ ઘરમાં બેસાડેલા માતાજીના ગરબાનો પ્રશાસને સદુપયોગ કરીને એમાં તુલસીના છોડ વાવવામાં આવશે.
માતાભક્તોએ ઘરમાં બેસાડેલા માતાજીના ગરબાનો પ્રશાસને સદુપયોગ કરીને એમાં તુલસીના છોડ વાવવામાં આવશે.

કોરોના મહામારીને કારણે ગણેશોત્સવથી લઈને નવરાત્રિ જેવા દરેક તહેવાર ખૂબ સાદાઈથી ઊજવાયા તો અમુક જગ્યાએ તો ઊજવાયા જ નહીં. નવરાત્રિમાં બેસાડવામાં આવતા ગરબાનું પણ વિસર્જન કરવાનું શક્ય બન્યું નહોતું. જોકે ગુજરાતીઓના આ ગરબાઓનો મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ જબરદસ્ત ઉપયોગ શોધી કાઢ્યો છે. નવરાત્રિના ગરબાના વિસર્જન દરમ્યાન જમા કરેલા ઘટસ્થાપનના ગરબાઓને તળાવ કે બીજી જગ્યાએ તરાવવાને બદલે એનો સદુપયોગ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી માતાજીના આ ગરબામાં પ્રશાસન તુલસીના છોડ રોપશે. ઉલ્લેખનીય છે કે માતાજીની મૂર્તિના વિસર્જન માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ પરિસરમાં મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રનું નિમાર્ણ કર્યું હતું. આ કેન્દ્રોમાં માતાજીના ભક્તોએ મૂર્તિ, ઘટસ્થાપનાની ગરબા અને અન્ય નિર્માલ્ય વિર્સજન કરવા માટે જમા કરાવ્યાં હતાં.
આ ગજબના આઇડિયા વિશે માહિતી આપતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંભાજી પાનપટ્ટેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીને ધ્યાનમાં લઈને પ્રશાસને ૨૨ જગ્યાએ મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રોની વ્યવસ્થા કરી હતી તેમ જ વિર્સજન માટે ૬ કેન્દ્ર રાખવામાં આવ્યાં હતાં. આ કેન્દ્રોમાં જમા કરવામાં આવેલી માતાજીની મૂર્તિને મીરા રોડના શિવાર ગાર્ડનના તળાવમાં વિસર્જિત કરાઈ હતી. જોકે નવરાત્રિના ઘટસ્થાપનમાં ઉપયોગમાં લેવાતા ગરબા ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત પુન: ઉપયોગ માટે અલગ મૂકી દેવામાં આવ્યા છે. નવરાત્રિમાં સ્થાપના કરવામાં આવતા માતાજીના ગરબા ખૂબ જ સુંદર હોય છે. દર વર્ષે ગરબા વિસર્જિત થયા બાદ એને તોડીને ડિસ્પોઝ કરવાનું ભારે પડતું હતું, પરંતુ આ વર્ષે આ સુંદર ગરબાનો કંઈક સદુપયોગ કરવો જોઈએ એવો વિચાર આવતાં આ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અલગ કરેલા આશરે ૨૦૦૦થી વધુ ગરબાઓમાં તુલસીના છોડનું રોપણ કરવાની સાથે નિર્માલ્યથી ખાતર બનાવવા માટે ભાઈંદરના ઉત્તનમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સોમવારે વિવિધ ગાર્ડન, પ્રશાસનના કાર્યાલય વગેરે ઠેકાણે આ સુંદર ગરબાઓમાં માટી ભરેલા રોપા મૂકવામાં આવશે.’

22 કેન્દ્રો પરથી ૨૦૦૦થી વધુ ગરબા પ્રશાસને ભેગા કર્યા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK