આત્મહત્યા શું એક જ રસ્તો?

Published: 12th December, 2012 06:49 IST

એવી કઈ સમસ્યા છે જેનો કોઈ ઉકેલ નથી? આપણને તકલીફ હોય એ બાબતની ચર્ચા થઈ શકે છે. મનના રંજને બોલીને, ગુસ્સો કરીને કે લેટ ગો કરીને ભૂલી કે અવગણી ન શકાય? એના માટે મરવાની શું જરૂર છે?બુધવારની બલિહારી - કિરણ કાણકિયા

અખબારનાં પાનાં ખોલતાં જ દહેજ, બળાત્કાર, આપઘાત કે આત્મહત્યાના કમકમાટીભર્યા સમાચારો વાંચતાં જ અરેરાટી થઈ જાય છે. આ જુઓને જાણ બહાર બૉયફ્રેન્ડ સાથે કરેલાં લગ્ન માતાને મંજૂર ન હોવાથી એમબીએની સ્ટુડન્ટ સોનલ બગાડે (૨૪)એ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સાંતાક્રુઝ વિસ્તારમાં બની હતી. પાંચેક દિવસ પૂર્વે સોનલ સાડી પહેરીને અને સેથામાં સિંદૂર પૂરી ઘરે પહોંચી ત્યારે માતાને આંચકો લાગ્યો હતો. આ રીતે કરેલાં લગ્ન માતાને મંજૂર ન હતાં. તેનો નિર્ણય બદલવા માતાએ સતત સમજાવી હતી. સોનલની નોટબુકમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે માતા-પિતા, ભાઈ-બહેનની માફી માગી હતી.

આ જ દિવસે બોરીવલીમાં આત્મહત્યાની ત્રણ ઘટના બની. ગોરાઈ સેક્ટર-૩૫ના પ્લૉટ નં. ૯માં પ્રશાંત નલાવડે (૩૫)એ બૅન્કની નોકરી છૂટી જતાં હતાશામાં જીવન ટૂંકાવ્યું હતું. બીજી આત્મહત્યા ગોરાઈ સેક્ટર-૧ની નંદન કો. ઑપરેટિવ સોસાયટીમાં રહેતા અપરિણીત રાહુલ સદાનંદ કાંબળે (૩૨) કરી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્રીજી આત્મહત્યા એમએચબી કૉલોની પોલીસની હદમાં રહેતા કેતન પાસ્તે (૧૮)એ દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો.

આ ઉપરાંત અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં છૂટાછેડા લઈને માતાને ઘરે રહેતી મહિલાના મકાનમાં જ તેના પૂર્વ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આંકડાઓ શું કહે છે?


પ્રશ્ન એ ઊઠે છે કે આત્મહત્યા લોકો શા માટે કરે છે? આનાં કારણો અનેક છે. એ પહેલાં આ આંકડા પર નજર કરો. ભારતમાં દર વર્ષે ૧,૩૦,૦૦૦ લોકો આત્મહત્યા કરે છે. મુંબઈમાં વર્ષે ૧૯૦૦ વ્યક્તિ આત્મહત્યા કરે છે.

મોટા ભાગે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે એવું મનાતું પરંતુ હવે એવું નથી રહ્યું. હવે તો કૉલેજિયનો, સ્કૂલમાં ભણતાં બાળકો પણ ક્યારેક આવેશમાં આવી જઈ આત્મહત્યાનું ખોટું પગલું ભરી દેતાં જણાય છે. ટીનેજરો જલદી આત્મઘાતી પગલું ભરી દેવા માંડ્યા છે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ પણ આત્મહત્યા કરવા પ્રેરાય એ અજુગતું લાગે છે. એવી કેવી કારમી મનોસ્થિતિ પેદા થાય કે વ્યક્તિ પોતાના જીવનનો અંત લાવવા મજબૂર બની જાય.

ડિપ્રેશન

આત્મહત્યાનું મુખ્ય કારણ ડિપ્રેશન, માનસિક તાણ અને હતાશા છે. ડિપ્રેશનવાળી વ્યક્તિને વારંવાર મરવાનો વિચાર આવે. થોડા સમય પહેલાં એક પરિચિત બહેને ટેરેસ પરથી પડતું મૂક્યું. એનું કારણ શું? ડિપ્રેશન. ૬૫ વર્ષની વય ધરાવતાં બહેનને વારંવાર એવું લાગતું હતું કે હવે મારાથી કોઈ કામ થતું નથી. હવે હું કોઈને કામ આવતી નથી. હું ભારરૂપ છું. મારા પતિને સંતોષ આપી શકતી નથી. હવે મને દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. બસ, મરી જવું છે. ઘરમાં બધા જ તેનું ધ્યાન રાખતા હતા. તેમને એકલા પડવા ન દેતા. છતાં વહેલી સવારે બધા નિદ્રાધીન હતા ત્યારે દરવાજો ઉઘાડી ટેરેસ પર પહોંચી તેમણે ઉપરથી પડતું મૂક્યું. નહોતું કોઈ દુ:ખ કે નહોતો કોઈ કલેશ. કારણ હતું માત્ર ડિપ્રેશન.

અન્ય કારણો

આ સિવાય પણ આત્મહત્યા કરવાનાં ઘણાં કારણો છે. દહેજ, બળાત્કાર, ધાક-ધમકી, પ્રેમભંગ, બીમારી-માંદગી, અત્યંત લાગણીશીલતા, અફેર, માનસિક અસ્થિરતા, પરીક્ષામાં નિષ્ફળતા, દેવું-કરજ, બેકારી, કેફી દ્રવ્યો, દારૂ અને જુગારની લત, અત્યંત ગરીબાઈ, સહનશીલતાનો અભાવ, માનહાનિ વગેરે અનેક કારણોસર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દે છે.

બે વર્ષ પહેલાં શાળાના વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાએ સમાજને હતપ્રભ કરી દીધો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે જો માતા-પિતા બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરતાં હોય તો તેમના મનમાં શું ચાલી રહ્યું છે તેનો તાગ કાઢી શકાય છે.

નાનાં બાળકોએ કરેલી આત્મહત્યા કૉપીકેટ કૅટેગરીમાં આવે છે. અર્થાત કોઈ બીજી વ્યક્તિએ આત્મહત્યા કરી એટલે આપણે પણ આત્મહત્યા કરીએ એવું તેમને લાગે છે. આપણે જે રીતે ઇમોશનલ ક્વૉશન્ટ અને ઇન્ટેલિજન્ટ ક્વૉશન્ટને મહત્વ આપીએ છીએ એ જ રીતે હવે હૅપીનેસ ક્વૉશન્ટને પણ મહત્વ આપવાનો સમય પાકી ગયો છે.

સહનશીલતાનો અભાવ

ચિંતાજનક બાબત તો એ છે કે સુશિક્ષિત નાની ઉંમરની વ્યક્તિ જેણે જીવનમાં કેટલાંય સોનેરી સપનાં સેવ્યાં હોય, આંખમાં આંજ્યાં હોય છતાં કંઈક અઘટિત બને એટલે શું આવું મહામૂલું કીમતી જીવન ટૂંકાવી દેવાનું? અને આજકાલ આવું જ થવા માંડ્યું છે. ઊડીને આંખે વળગે એવું કારણ દેખાય છે. આજની પેઢીમાં સહનશીલતા-ક્ષમતાનો અભાવ. જરાક કંઈક થયું, કોઈક બોલ્યું, મનનું ધાર્યું ન થયું કે બસ આત્મઘાતી પગલું ભરી દેવાનું. આ તો સારું ન જ ગણાય.

મિત્રો, વડીલો, પેરન્ટ્સ સાથે જે કંઈ બન્યું હોય તેની વાત રજૂ કરો, ચર્ચા કરો, સૉલ્યુશન શોધો તો કંઈક રસ્તો નીકળે. બધું મનમાં ધરબી રાખી જીવનનો અંત આણવો એ ઠીક નથી.

સાઇકિયાટ્રિસ્ટના મતે

આપણે ત્યાં સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટને ખૂબ ખરાબ નજરે જોવામાં આવે છે. એક સાઇકિયાટ્રિસ્ટના મત મુજબ માણસ જ્યારે અસહાય મહેસૂસ કરે ત્યારે આત્મહત્યાનું પગલું ભરે છે. જેમ કે તેને જીવનમાં કંઈક બનવું હોય અને એ ન બની શકે ત્યારે તેને હતાશા આવી જાય છે. સમાજમાં તેને માન ન મળતું હોય ત્યારે તેવી વ્યક્તિના મનમાં સતત વિચાર આવતા રહે કે મારી કોઈ કિંમત નથી. આવું થતાં તેને મરવાના વિચારો આવવા માંડે છે. જો આવું થવા માંડે ત્યારે વ્યક્તિએ પોતાના મનગમતા શોખમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. આમ કરતાં તેનો આત્મવિશ્વાસ વધી જાય છે. તેથી તે ગેરમાર્ગે દોરાતો નથી. વિચારસરણી પૉઝિટિવ થવાથી મનોવૃત્તિ બદલાઈ જાય છે અને તે ખોટા મનોવિકારમાંથી બહાર આવી જાય.

આ પળને જવા દે

એક માણસ અત્યંત નિરાશ થઈ ગયો હતો અને તેને વારંવાર મરવાના વિચાર આવતા હતા. જો હું મરી જાઉં તો આ બધામાંથી છૂટું. અને તે ભરબપોરે દરિયાકિનારે પહોંચી ગયો. કોઈ જ નહોતું તેથી લાગ જોઈને તે દરિયામાં જેવો કૂદવા ગયો તેવો તેનો હાથ પાછળથી એક સંતે પકડ્યો અને બોલ્યા, ‘ભાઈ શા માટે આપઘાત કરે છે? આ જીવન બહુ સુંદર છે. એને સુંદર રીતે માણ. આ પળને જવા દે... અને આવનારી આશાની પળ પર મીટ માંડ, કેમ કે આ માઠા દિવસો પણ વીતી જશે.’

અને પેલો માણસ પાછો ફર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેટલી દુ:ખદ પરિસ્થિતિ આવે એ કાયમ તો રહેવાની નથી જ.  હા, એ પળમાં ધીરજ, સહનશીલતા, શાંતિ રાખતાં થોડા સમયમાં પરિસ્થિતિ બદલાઈ જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK