Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરકાર રાજ : મુંબઈ કા કિંગ કૌન? સુભાષ નાગરે!

સરકાર રાજ : મુંબઈ કા કિંગ કૌન? સુભાષ નાગરે!

07 December, 2019 03:29 PM IST | Mumbai
Raj Goswami

સરકાર રાજ : મુંબઈ કા કિંગ કૌન? સુભાષ નાગરે!

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


‘મુઝે જો સહી લગતા હૈ વહી મૈં કરતા હૂં’ એ વાક્ય બાળાસાહેબનું હતું : રામ ગોપાલ વર્મા

‘સરકાર’ એક સોચ છે, એક પરિસ્થિતિ છે, એક રાજ્ય છે, એક વ્યવસ્થા છે : અમિતાભ બચ્ચન



મહારાષ્ટ્રના ૧૯મા મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા એના બીજા દિવસનાં ઘણાં સમાચારપત્રોમાં ‘ઠાકરે રાજ’ અને ‘ઠાકરે સરકાર’ એવાં મથાળાં લાગ્યાં હતાં. આ મથાળાં ફિલ્મમેકર રામગોપાલ વર્માની ‘સરકાર’ ફિલ્મની ફ્રૅન્ચાઇઝી પરથી પ્રેરિત હતાં. વર્માને (અને ખુદ ઉદ્ધવને પણ) એ કલ્પના નહીં હોય કે ‘રીલ લાઇફ’ ‘રિયલ લાઇફ’માં સાકાર થશે. શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેએ ક્યારેય બંધારણીય સત્તા સંભાળી નહોતી. ૧૯૯૫માં પહેલી વાર શિવસેના-બીજેપીની સરકાર બની ત્યારે ચૂંટણી પહેલાં ‘ઇન્ડિયા ટુડે’ પત્રિકાને એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘મેં એને (મુખ્ય પ્રધાનની ખુરશીને) નહીં અડવાનું પ્રણ લીધેલું છે. લોકોને મારામાં વિશ્વાસ છે કે એક માણસ તો એવો છે જે અલગ છે અને હું લોકોએ બનાવેલી મારી ઇમેજ નહીં બગાડું. હું એ વિશ્વાસને નહીં તોડું.’


‘સરકાર’ ફિલ્મમાં બાળાસાહેબની આ ઇમેજને ચિત્રિત કરવામાં આવી હતી. 

૨૦૧૨માં તેમનું અવસાન થયું ત્યારે રામ ગોપાલ વર્માએ મીડિયાને કહ્યું હતું કે ‘ગૉડફાધર’ ન બની હોત તો ‘સરકાર’ બની ન હોત. બાળાસાહેબ ન હોત તો ‘સરકાર’ ન હોત. ‘સરકાર’ અને ‘સરકાર રાજ’ના ઘણા સંવાદો હકીકતમાં બાળાસાહેબની લાઇનો છે જે મેં કૉપી કરી હતી. એ ખરેખર મારી પાસે એવું બોલ્યા હતા કે મુઝે જો સહી લગતા હૈ વહી મૈં કરતા હૂં. મેં ‘સરકાર’માં અમિતજીના મોઢે આ સંવાદ બોલાવ્યો હતો.’


‘સરકાર’ ફ્રૅન્ચાઇઝી ૨૦૦૫માં શરૂ થઈ હતી. ૨૦૦૮માં ‘સરકાર રાજ’ અને ૨૦૧૭માં ‘સરકાર ૩’ આવી. ‘સરકાર ૩’ ફિલ્મનો ક્લાઇમૅક્સ એ રીતનો હતો કે એમાં ચોથા ભાગની સંભાવના હતી. રામ ગોપાલ વર્માએ પણ એ વખતે કહ્યું હતું કે કહાની જે રીતે પૂરી થાય છે એમાં એને ચોથા ભાગમાં આગળ લઈ જઈ શકાય એમ છે. ઠાકરે પરિવારનો પહેલો સભ્ય હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ પર છે ત્યારે રામ ગોપાલ વર્માને (જે અત્યારે આઉટ ઑફ ફૉર્મ છે) ‘સરકાર ૪’નો વિચાર આવે તો નવાઈ નહીં. રામુએ ઉતાવળ કરવી જોઈએ. ૭૭ વર્ષના અમિતાભ બચ્ચનની નિવૃત્તિની ગૉસિપ ઘણા વખતથી ચાલે છે. જે દિવસે ઉદ્ધવે શપથ લીધા, એ જ દિવસે મનાલીમાં શૂટિંગ કરી રહેલા અમિતાભે તેમના બ્લૉગમાં ઇશારો કર્યો હતો કે તેમનું શરીર હવે રિટાયર થવા માગે છે. એવું કંઈ થાય એ પહેલાં વર્માએ ચોથી (અને આખરી) વાર ‘સરકાર’ને પેશ કરવા જોઈએ.

વર્માની ‘સરકાર’ જેના પરથી પ્રેરિત છે એ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા નિર્દેશિત ‘ધ ગૉડફાધર’નો ચોથો ભાગ આવી જ રીતે લટકી પડ્યો હતો. એનો ત્રીજો ભાગ આવ્યો એ પછી કોપોલાએ કહ્યું હતું કે ચોથી ફિલ્મ માટે ચર્ચા થઈ હતી, પણ એ દરમિયાન મૂળ વાર્તાલેખક મારીઓ પુઝોનું બીજી જુલાઈ, ૧૯૯૯ના અવસાન થઈ ગયું અને કોપોલાએ ફિલ્મનો વિચાર માંડી વાળ્યો. પુઝોએ થોડીઘણી વાર્તા લખી રાખી હતી એને અમેરિકન નવલકથાકાર એડવર્ડ ફાલ્કોએ નવલકથામાં તબદીલ કરીને ૨૦૧૨માં ‘ધ ફૅમિલી કૉર્લિયોન’ નામથી પ્રગટ કરી હતી.

sarkar

પહેલી ‘ધ ગૉડફાધર’ ૧૯૭૨માં બની હતી અને એમાં માર્લન બ્રાન્ડોની ડૂબી રહેલી કારકિર્દીને જીવતદાન આપ્યું હતું. અપરાધ જગતના વિષય પરની એ અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી ફિલ્મ છે. એને પાંચ ઑસ્કર અને પાંચ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યા હતા. ‘ધ ગૉડફાધર’ નવલકથા લખનાર મારિઓ પુઝો ગરીબ વર્ગમાં પેદા થયો હતો અને સરકારી ક્લર્કની નોકરીમાં તેનાં પાંચ બાળકોનો જીવનનિર્વાહ કરતો હતો. તેને લખવાનો શોખ હતો અને પૈસા કમાવા માટે બે નવલકથાઓ લખી હતી. એમાં નામ તો થયું, પણ દામ ન મળ્યા. તેની બીજી વાર્તા ‘ધ ફૉર્ચ્યુનેટ પિલગ્રિમ’ના પ્રકાશકે અછડતી વાતમાં કહ્યું હતું કે એમાં જો માફિયા વધુ હોત તો ચોપડી ચાલી હોત. પૈસા માટે રઘવાયા પુઝોએ એ પછી તરત જ ન્યુ યૉર્કના માફિયા જગત પર ‘ધ ગૉડફાધર’ લખી હતી જેમાં મુખ્યત્વે ઇટાલિયન માફિયા ડૉન વીટો કૉર્લિયોન, તેના પરિવાર, તેના સિદ્ધાંત અને હરીફ ગૅન્ગો સાથેની તેની દુશ્મનાવટની કહાની હતી. ‘ધ ગૉડફાધર’ અપરાધ જગતની મહાકથા સાબિત થઈ અને પુઝો એમાં કરોડપતિ થઈ ગયો હતો. ફિલ્મ તો નવલકથા કરતાં પણ વધુ સફળ રહી.

૧૯૭૫માં ફિરોઝ ખાને પહેલી વાર ‘ધ ગૉડફાધર’ પરથી પ્રેરણા લઈને ‘ધર્માત્મા’ બનાવી હતી. પ્રેમનાથે એમાં કૉર્લિયોનની ભૂમિકા કરી હતી. ‘ધર્માત્મા’ પહેલી ફિલ્મ હતી જે અફઘાનિસ્તાનમાં શૂટ થઈ હતી. રમેશ સિપ્પીની ‘શોલે’ એ જ વર્ષે રિલીઝ થઈ હતી અને એમાં ગબ્બર સિંહની ભૂમિકા સૌપ્રથમ ડૅની ડેન્ઝોન્ગ્પાને ઑફર થઈ હતી, પરંતુ તે ‘ધર્માત્મા’માટે અફઘાનિસ્તાન જવાનો હતો એટલે જાવેદ અખ્તરના સૂચનથી ચરિત્ર અભિનેતા જયંતના દીકરા (અને ઇમ્તિયાઝ ખાનના ભાઈ) અમજદ ખાનને ‘શોલે’માં લેવાયો હતો. ૨૦૦૫માં નિર્માતા-નિર્દેશક મહેશ માંજરેકરે અમિતાભ-અક્ષયકુમારને લઈને ‘કુટુંબ’ શરૂ કરી હતી, પણ પછી એ લટકી પડી. એ સિવાય ઘણી નાનીમોટી ફિલ્મો હિન્દીમાં બની છે.

૨૦૦૫માં ‘સરકાર’ રિલીઝ થઈ ત્યારે રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘ધ ગૉડફાધર’ ફિલ્મનો મારા પર બહુ પ્રભાવ હતો. મેં એને પહેલી વાર જોઈ ત્યાર પછી ૨૫ વર્ષ સુધી હું એ સ્ક્રિપ્ટ, એ વાર્તા અને મારિઓ પુઝોની નવલકથાને મમળાવતો રહ્યો હતો અને મને આ ફિલ્મ (સરકાર) બનાવતાં આટલોબધો સમય લાગ્યો. એની સારી બાબત એ પણ છે કે એ દરમિયાન ડિરેક્ટર તરીકે મારામાં ઘણી મૅચ્યોરિટી આવી છે. અમિતજી કહે છે એમ, અમે પાંચ વર્ષ પહેલાં આ ફિલ્મની ચર્ચા કરી હતી.’

‘ગૉડફાધર’ની જેમ ‘સરકાર’ ક્રાઇમ ડ્રામા હતી, પણ એમાં રાજકીય એન્ગલ ઉમેરવામાં આવ્યો હતો. એમાં અમિતાભ બચ્ચને સુભાષ નાગરેની ભૂમિકા કરી હતી જે એક એક્સ્ટ્રા કૉન્સ્ટિટ્યુશનલ સત્તા તરીકે વર્તે છે. ‘સરકાર’નું પાત્ર ખૂબ તાકતવર છે અને અમિતાભનું આ એક જ પાત્ર એવું છે જે ત્રણ ફિલ્મોમાં રિપીટ થયું છે.  અમિતાભને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ ‘સરકાર’ એક સામાન્ય નામ નથી. સરકાર એક સોચ હૈ. એ એક પરિસ્થિતિ છે, એક હકીકત છે, એક રાજ્ય છે, એક વ્યવસ્થા છે. આ એક એવી વ્યવસ્થા અને રાજ્ય છે, જે દરેક પરિવારમાં મોજૂદ છે. ‘સરકાર’ સત્તા છે, વહીવટ છે, રાજનીતિ છે. દરેક જણ એક મનુષ્ય છે. રાજકીય પ્રક્રિયા મારફત તેને સત્તાનો લાભ મળતો હશે, પણ આ દરેકની એક પારિવારિક જિંદગી પણ હોય છે અને મને અહીં કુતૂહલ થાય. શું આ વ્યક્તિ રાજ્ય માટે, દેશ માટે, લાખો લોકોની જિંદગીને અસર કરે એવા નિર્ણયો કરે એના પર તેની પારિવારિક પરિસ્થિતિનો પ્રભાવ પડતો હશે?’

‘સરકાર’ સુપર‌હિટ રહી હતી અને એમાં અમિતાભના ઍન્ગ્રી યંગ મૅન ચરિત્રને અનોખા અંદાજમાં પેશ કરવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મ ચર્ચાનો અને કુતૂહલનો વિષય રહી હતી તેના બાળાસાહેબ ઠાકરેના સંદર્ભના કારણે. રામુએ એક્સ્ટ્રા કૉન્સ્ટિટ્યુશનલ અથવા સમાંતર સરકારનો વિચાર ‘ધ ગૉડફાધર’ પરથી લીધો હતો, પણ એનું ભારતીયકરણ કરવા માટે મુખ્ય પાત્ર સુભાષ નાગરે માટે બાળાસાહેબના વ્યક્તિત્વનો સહારો લીધો હતો. નાગરે અને ઠાકરેનો પ્રાસ હતો. સુભાષ નાગરેના હાથમાં માળા, સફેદ દાઢી, લુંગી-ઝભ્ભો, બોલચાલ અને વાતચીત બાળાસાહેબની નકલ હતી. એમાં નાગરેની ધરપકડનું જે દૃશ્ય છે એ છગન ભુજબળ જ્યારે ગૃહપ્રધાન હતા ત્યારે ઠાકરેની કરાયેલી ધરપકડ પરથી કૉપી કરાયું હતું. બાળાસાહેબનો સંદર્ભ બસ એટલો જ હતો. બાકી આખી ફિલ્મ ‘ધ ગૉડફાધર’ પર આધારિત હતી.

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઠાકરેએ કહ્યું હતું કે ‘મારી તમામ અંગત આદતોને તેણે (અમિતાભે) બખૂબી નિભાવી હતી. કોઈક અંદરની જ વ્યક્તિએ આ બધી માહિતી આપી હોવી જોઈએ.’ એ વખતે સમાચાપત્રોમાં ‘સરકાર’ અને ઠાકરેને લઈને એટલી ચર્ચાઓ ચાલતી હતી કે રામ ગોપાલ વર્માએ ભત્રીજા અને હવે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની મદદથી બાળાસાહેબ માટે ‘સરકાર’નો ખાસ શો રાખ્યો હતો જેમાં સિનિયર ઠાકરે, ઉદ્ધવ, રાજ, મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત હતા. કહે છે કે ઠાકરેને ફિલ્મ જોઈને મઝા પડી હતી અને રામુને ભેટીને કહ્યું હતું, ‘તેં મારા જીવનને સરસ રીતે પકડ્યું છે. હું માની જ નથી શકતો કે આ મારી વાર્તા છે! આમાંથી ઘણી ઘટનાઓ મારી સાથે બની હતી.’

‘મને કોઈએ ફરજ પાડી નહોતી,’ રામુએ ત્યારે કહ્યું હતું, ‘ઠાકરે તરફથી વિનંતી સુધ્ધાં નહોતી. મેં તેમને ફિલ્મ જોવા બોલાવ્યા અને તેમણે હા પાડી હતી. ઠાકરે મુંબઈના અગ્રણી નાગરિક છે અને અફવાઓ અને અનુમાનોમાં વિશ્વાસ કરવાને બદલે તેઓ જાતે જ ફિલ્મ જોઈને નક્કી કરે એવી મારી ઇચ્છા હતી.’ 

રામ ગોપાલ વર્માને અન્ડરવર્લ્ડનું ખાસ્સું આકર્ષણ છે, પણ તેમની ફિલ્મો અપરાધના મહિમામંડન કરતાં સત્તાના સંઘર્ષ પર વધુ ફોકસ કરે છે. તેમની ફિલ્મો હિંસક હોય છે, પણ એ હિંસા વાસ્તવિક હિંસાને બદલે વિચારો અને વૃત્તિઓની હિંસા છે.૧૯૯૮માં આવેલી રામુની સુપરહિટ ‘સત્યા,’ ૨૦૦૨માં આવેલી ‘કંપની’ અને ૨૦૦૫માં આવેલી ‘ડી’ અપરાધની ટ્રિલજી છે. એ જ રીતે ‘સરકાર’ના ત્રણ ભાગ એની પૉલિટિકલ ટ્રિલજી છે. બન્ને ટ્રિલજીનાં મૂળિયાં એક જ છે: પાવર પૉલિટિક્સ. ઇન ફૅક્ટ, ‘સરકાર’નો સુભાષ નાગરે કોઈ રાજકીય નેતા નથી પણ ‘સત્યા’નો ભીખુ મ્હાત્રે છે જે સિસ્ટમની બહાર પોતાની સિસ્ટમ ઊભી કરે છે. તમને ભીખુનો એ સંવાદ યાદ હશે: ‘મુંબઈ કા કિંગ કૌન? ભીખુ મ્હાત્રે!’ આ સંવાદ સુભાષ નાગરેનો પણ હોઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 03:29 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK