કોરોનાથી બદલાયેલા વિશ્વમાં તમારું સ્વાગત છે

Published: Apr 19, 2020, 18:59 IST | Kana Bantwa | Mumbai

લૉકડાઉન પછી જે દુનિયામાં તમે ડગલું માંડશો એ અલગ હશે: તમે તમારા માટે શું આયોજન કર્યું છે? હજી એક પખવાડિયું છે, ઘણું કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

પચીસ દિવસ ઘરમાં પુરાઈ રહેવાથી ગૂંગળાઈ ગયા હશોને? બહાર જતાં માસ્ક પહેરવાથી, વારંવાર હાથ ધોવાથી, કશી વસ્તુને અડતાં પહેલાં સૅનિટાઇઝ કરવાથી કંટાળી ગયા હશોને? ક્યારે કોરોનાનો ખતરો ટળે, ક્યારે લૉકડાઉન ખૂલે અને ક્યારે બહાર નીકળીએ, કશું ખાઈએ-પીએ, બહાર ફરીએ, કામધંધો કરીએ એવી આતુરતા થઈ રહી છેને? ખતરો તો ટળી જશે. લૉકડાઉન ખૂલી પણ જશે. જીવન પાટા પર આવવા માંડશે. પણ બધું જ પહેલાં જેવું થઈ જશે એવું માનીને ચાલતા હો તો તમે ભૂલ કરો છો. કોરોનાએ દુનિયાને ઘણી બદલી નાખી હશે. જ્યારે તમે ફરીથી ઘરની બહાર પગ મૂકશો ત્યારે બહુ બધું બદલાઈ ગયું હશે. કોરોનાએ જીવન જીવવાની રીત જ બદલી નાખી હશે. તમારા વ્યવસાયથી માંડીને નોકરી કરવાના તરીકા બદલાઈ ગયા હશે. બહાર ફરતી વખતનું વર્તન બદલાઈ ગયું હશે. તમારી આર્થિકથી માંડીને સામાજિક સ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું હશે. તમારે કોરોના અથવા એના જેવા ખતરાની સાથે જીવવાનું છે હવે પછીનો તમામ સમય. કોરોના વાઇરસ ખતમ થઈ જશે એવી અપેક્ષા જો રાખતા હો તો જાણી લો કે હજી સુધી બીમારી ફેલાવનાર માત્ર એક જ વાઇરસને મનુષ્યએ વિશ્વમાંથી નેસ્તનાબૂદ કર્યો છે અને એ છે શીતળા. પોલિયો નાબૂદ કરવાના પ્રયત્નો લગભગ સફળ છે, પણ હજી એના કેસ અફઘાનિસ્તાન,  પાકિસ્તાન, નાઇજીરિયા વગેરે દેશોમાં દેખાયા કરે છે. આ સિવાયના બીમારીના વાઇરસ નાબૂદ કરી શકાયા નથી. વાઇરસ સામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરતી રસીઓ શોધવામાં આવે છે જેથી વાઇરસનો ચેપ લાગે નહીં. કોરોના માટે પણ આ જ ઉપાય કરવો પડશે. પણ બધા વાઇરસની રસી શોધી જ શકાય એવું નથી. એઇડ્સની રસી શોધી શકાઈ નથી. જેની રસી નથી એવા વાઇરસની યાદી બહુ લાંબી છે એટલે કોરોનાની અસરકારક રસી તાત્કાલિક મળી જ જશે એવું માનવું વધુપડતું છે. આપણે કોરોના સાથે જ જીવતાં શીખવું પડશે. આપણી ટેવો બદલવી પડશે. ચેપ ન લાગે એ માટેના ઉપાયોને ડેઇલી રૂટીનનો ભાગ બનાવવા પડશે અને એ માત્ર હાથ ધોવાની ટેવથી કે માસ્ક પહેરવા કે સંસર્ગ ટાળવાથી ઘણા વધુ છે. પોતાને ચેપ લાગે નહીં એ જ તમારી જવાબદારી નહીં હોય, અન્યમાં ચેપ ફેલાય નહીં એની કાળજી રાખવી પણ તમારી ફરજ હશે.

 મહાન વિપત્તિઓ મહાન પરિવર્તન લાવે છે. કોરોના જગતનાં સમીકરણો બદલી નાખશે. અર્થતંત્રોની પ્રાયોરિટી બદલાશે. વાણિજ્ય પ્રવૃત્તિઓની પૅટર્ન બદલાશે. વ્યવસાયની પદ્ધતિ બદલાશે. કામ કરવાની રીતે બદલાશે. વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ અત્યાર સુધી માત્ર ફૅશન જ હતો, હવે એ અનિવાર્યતા બનતો જશે. ઈ-કૉમર્સ કંપનીઓની સામે એક આખો વર્ગ નાકનું ટીચકું ચડાવતો, અત્યારે એ જ ઉપયોગી થવા માંડી છે અને ભવિષ્યમાં વધુ જરૂરી બની જશે. મૉલ-કલ્ચર બંધ નહીં જ થાય, પણ એના ગ્રાહકોમાં શિસ્ત આવશે. બહાર જમવા જવાની માણસની ઇચ્છા ક્યારેય ખતમ થવાની નથી પણ રેસ્ટોરાં અને ઈટરી ઉદ્યોગમાં પરિવર્તન આવશે. ખાવા-પીવાની ટેવો પણ બદલાશે. ઑફિસમાં બેસવા અને હળવા-મળવાની રીતભાત બદલાશે. ગ્રીટિંગની રીત તો બદલાઈ જ ગઈ છે કોરોનાને લીધે, હાથ મિલાવવાનું હવે ઓછું જ થતું જશે. કદાચ થોડા દશક પછી હાથ મિલાવનારને ગમાર અને અસંસ્કારી ગણી લેવામાં આવે એટલું પરિવર્તન આવી જશે. અત્યાર સુધી નમસ્તે કહીને હાથ જોડનારને જેમ જુનવાણી અને અભણ ગણવામાં આવતો તેવી જ દશા કદાચ હાથ મિલાવનારની થશે. કમાવાની અને રોકાણની રીતો બદલવી પડશે. બૅન્કોમાં પૈસા રાખવાને બદલે, ડિપોઝિટ કરવાને બદલે અન્યત્ર રોકવાની રીત અપનાવવી પડશે; કારણ કે વ્યાજના દર બહુ લાંબો સમય સુધી વધવાના નથી. શિક્ષણમાં ઑનલાઇન ભણાવવાનું વધતું જશે અને શાળાઓ એક-બે દશકમાં જ વર્ચ્યુઅલ બની જશે. ભણવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એટલી હદે થશે કે દરેક બાળક માટે અલગ રીત, અલગ કન્ટેન્ટ હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ હોમવર્ક આપશે, પ્રૅક્ટિસ કરાવશે અને પરીક્ષા પણ એ જ લેશે. કોરોનાને લીધે મોટા ભાગની શાળાઓએ ઑનલાઇન લર્નિંગ શરૂ કરવું પડ્યું છે. આ ટ્રેન્ડ બહુ ટૂંકા સમયમાં સ્કૂલોને નકામી કરી નાખશે.

  કોરોના પછી કેટલીયે બાબતોની વ્યર્થતા સમજાશે. માનવજાતને સમજાશે કે ઈશ્વરના દલાલો તેમને કપરા કોરોનાકાળમાં કામમાં આવ્યા નથી. માનવજાતને સમજાશે કે દાન અને સહાયનું મહત્ત્વ શું છે. માનવજાતને સમજાશે કે અંતે તો સામાન્ય માનવી જ અન્ય માનવીનો સહાયક અને રક્ષક છે. માનવજાતને સમજાશે કે એની આદતો, એની ટેવો, એની રહેણીકરણી સમસ્યા છે; જીવવા માટે તો બસ બે ટંકનું ભોજન, આશ્રય અને સ્વજનો જ જરૂરી છે. ધર્મ પ્રત્યેનો માણસનો દૃષ્ટિકોણ બદલાઈ શકે એવો મુશ્કેલ આ સમય છે, પણ એવું થશે નહીં. ધર્મના ઠેકેદારો એવું થવા નહીં દે. અત્યારે ખૂણામાં ભરાઈને બેઠેલા આ દલાલો જેવી પરિસ્થિતિ સુધરશે કે તરત જ ભૂખ્યાં વરુઓની જેમ તૂટી પડશે. લલચાવીને અનુયાયીઓને ફરી વાડામાં એકઠા કરશે અને તાળાં વાસી દેશે, વાડાના ઝાંપા પર અને ભક્તોના મગજ પર પણ. ધર્મો હવે વાસી થઈ ગયા છે. બંધિયાર થઈ ગયા છે. સડાંધ આવે છે એમાંથી. એને બદલવાની જરૂર છે, પણ ક્યારેય પરિસ્થિતિ ધર્મોને બદલી શકી નથી, વ્યક્તિઓ જ બદલી શકી છે. યુગપરિવર્તક વ્યક્તિત્વ અવતરે છે અને પ્રચલિત સંપ્રદાય, ધર્મને સ્થાને નવો ધર્મ, નવો સંપ્રદાય સ્થાપે છે. કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, પયગંબર, ઈસુ બધાએ આ જ કર્યું છે. કૃષ્ણએ એ જમાનાની બધી રૂઢિઓ તોડી. બુદ્ધે અને મહાવીરે હિન્દુ ધર્મમાં આવી ગયેલી જડતા અને અનાચારની સામે નવા ધર્મ સ્થાપ્યા. ઈસુએ ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો નથી પણ તેમણે એ સમયના યહૂદી ધર્મની વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત દર્શાવી. અને એ હિંમતની કિંમત જીવ દઈને ચૂકવી. ધર્મ બદલવા માટે એવો મનુષ્ય પૃથ્વી પર અવતરવો પડે. કોરોનાથી કશું નહીં થાય. ધર્મો એ જ રીતે ચાલવા માંડશે. ગુરુઓના પગે લોકો એ જ રીતે પડવા માંડશે. ઈશ્વરે હજી વધુ રાહ જોવી પડશે, કોઈ ધર્મપ્રવર્તકના અવતરણ માટે. કોરોના પછી બધું બદલાશે, ધર્મો નહીં બદલાય. બદલાવું શક્ય જ નથી એટલા જડ થઈ ગયા છે જગતના ધર્મો.

આપણે ઇચ્છીએ કે કોરોનાની આ મહામારીમાંથી વિશ્વ જલદી મુક્ત થાય અને આપણે બદલાયેલી, નવી દુનિયામાં જલદી કદમ મૂકીએ. આ સમય છે પરિવર્તન માટે મનથી તૈયાર થઈ જવાનો. બધું બદલાયેલું હશે. કેટલુંક નહીં પણ બદલાયું હોય. તમને પ્રેમ કરનારાઓ નહીં બદલાયા હોય અને તમને નફરત કરનારાઓ પણ નહીં બદલાયા હોય. કેટલાક લોકો અંદરથી બદલાયા હશે, કેટલાક જડસુઓ નહીં બદલાયા હોય. તમે અંદર દૃષ્ટિ કરશો તો જોઈ શકશો કે તમારું ભાવવિશ્વ અને તમારું માનસિક વિશ્વ બદલાઈ ગયાં છે. કદાચ તમે માનસિક રીતે વધુ મજબૂત બન્યા હશો અથવા નબળા પડ્યા હશો. લૉકડાઉન ખૂલવાને હજી એક પખવાડિયાનો સમય છે. આ સમય બહારની બદલાયેલી દુનિયા અને તમારી અંદર બદલાયેલા માનસ બન્ને માટે તૈયારી કરવાનો સમય છે. ચિંતા કરવાથી કશું વળવાનું નથી, જે સ્થિતિ આવીને ઊભી છે એનો સામનો પૉઝિટિવ રહીને કરવો. તમે નવા વિશ્વમાં કઈ રીતે ફિટ બેસી શકશો એ તમારા કરતાં વધુ કોઈ સમજી શકે એમ નથી હોતું. તમારે તમારો રસ્તો બનાવવાનો છે. આ તક છે નવેસરથી શરૂઆત કરવાની. અત્યારે જ તમે વ્યવસાયમાં, નોકરીમાં નવી જવાબદારી લઈ શકો, નવા આઇડિયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો. સાવ નવા જ વિચારને મૂર્તિમંત કરી શકો. જે પણ વ્યક્તિ કોરોનાથી બદલાયેલા આ વિશ્વને અનુરૂપ કશુંક નવું વિચારી શકશે, કરી શકશે એ સફળ રહેશે. તો મનોમંથન શરૂ કરી દો, પ્લાન બનાવો, બ્લુ પ્રિન્ટ બનાવો. તમારા મગજને કામ આપો, ભવિષ્યના આયોજન માટે આ એક પખવાડિયું તમને પોતાને આપો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK