જેએનપીટીમાં ક્રેન તૂટી પડતાં અઠવાડિયું કામકાજ ધીમું રહેશે

Published: Aug 07, 2020, 13:19 IST | Mumbai correspondent | Mumbai Desk

પોર્ટનું કામકાજ હાલ અટકી ગયું છે અથવા તો એકદમ જ ધીમું પડી ગયું છે. એકાદ અઠવાડિયા પછી એ ફરી ધીમે-ધીમે વ્યવસ્થિત ચાલુ થાય એવી શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ ન્હાવાશેવામાં આવેલા જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટની ૩ ક્રેન બુધવારે ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં ધરાશાયી થઈ ગઈ હતી. એથી પોર્ટનું કામકાજ હાલ અટકી ગયું છે અથવા તો એકદમ જ ધીમું પડી ગયું છે. એકાદ અઠવાડિયા પછી એ ફરી ધીમે-ધીમે વ્યવસ્થિત ચાલુ થાય એવી શક્યતા છે.
આ વિશે માહિતી આપતાં બૃહન્મુંબઈ કસ્ટમ્સ બ્રોકર્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ વિનાયક અપરાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩ ક્રેન તૂટી પડવાના કારણે ઑપરેશન્સ ધીમાં પડી ગયાં છે. આજે તો ઑપરેશન્સ બંધ જેવાં જ હતાં. હાલ એ એરિયા ક્લીન અપ કરાઈ રહ્યો છે. ત્યાર બાદ એ ક્રેન ઊભી કરવાનું કામ હાથ પર લેવાશે. હાલ જે કન્ટેનર્સ પાર્કિંગ પ્લાઝામાં છે એમને કોઈ નુકસાન થયું નથી. ત્યાં સુધી ટ્રકો લોડિંગ-અનલોડિંગ માટે જઈ શકે છે. મૂળ વાત એ છે કે પહેલાં સમજો ડેક પર જો જરૂર પડે તો એકસાથે ૬ વેસલ (શિપ) લાગી શકતાં હતાં એ હવે એટલાં નહીં લાગી શકે. ઘણી શિપમાં લોડિંગ કે અનલોડિંગ બે દિવસ ચાલતું હોય છે. જેમાં ૨૦૦૦થી લઈને ૫૦૦૦ જેટલાં કન્ટેનર્સ હોય છે. હવે શિપર ઓઝાં લાગશે માટે એ સમયગાળો વધશે. હાલ જે ક્રેન કાર્યરત છે એનાથી જ કામ ચાલશે એથી માલના લોડિંગ- અનલોડિંગમાં થોડો વધુ સમય લાગશે. અંદાજે એક અઠવાડિયા સુધીમાં ધીમે-ધીમે કામ ચાલુ થઈ જાય એવી શક્યતા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK