Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈના 20 લાખ લોકોને પાણી નથી મળતું એનું શું?

મુંબઈના 20 લાખ લોકોને પાણી નથી મળતું એનું શું?

02 January, 2021 02:00 PM IST | Mumbai
Varsha Chitalia

મુંબઈના 20 લાખ લોકોને પાણી નથી મળતું એનું શું?

મુંબઈના 20 લાખ લોકોને પાણી નથી મળતું

મુંબઈના 20 લાખ લોકોને પાણી નથી મળતું


કોરોના સંક્રમણને અટકાવવા વારંવાર હાથ ધોવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ મુંબઈમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી ત્યાં વ્યક્તિગત સ્વચ્છતા માટે પાણી ક્યાંથી લાવવું એ વિકટ પ્રશ્ન છે. ઝૂંપડપટ્ટી, ચાલ, ફુટપાથ પર રહેતા ૨૦ લાખ લોકો સુધી પાણીનો પુરવઠો પહોંચતો નથી એવો એક રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે સવાલ એ છે કે પાયાની સુવિધાના અભાવે રોગચાળાને નાથી કેવી રીતે શકાશે? શું મુંબઈમાં પાણીની સમસ્યા છે કે પછી એને ઉપજાવવામાં આવી છે? ચાલો, ગરીબોની આ સમસ્યાનાં કારણો કેટલાં ઊંડાં છે એ સમજવાનો પ્રયાસ કરીએ.

ગયા વર્ષે માર્ચ મહિનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ COVID-19ને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી ત્યારથી વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચેપી રોગચાળાથી બચવા વિવિધ સંસ્થાઓ દ્વારા વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ કોરાના સે બચના હૈ તો હાથ ધોતે રહિએની જાહેરાત કરનારી રાજ્ય સરકાર એ ભૂલી ગઈ છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અંદાજે ૨૦ લાખ રહેવાસીઓ પાસે પાણીનું કાયદેસરનું જોડાણ નથી. કોરોનાની સેકન્ડ વેવની શક્યતા અને યુકેથી નવા વાઇરસની એન્ટ્રીના સમાચાર વચ્ચે વ્યક્તિગત સ્વચ્છતાના વિશેષાધિકારથી વંચિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રોગચાળાના ફેલાવાને કઈ રીતે અટકાવી શકાશે એ ચિંતાનો વિષય છે. ગીચ વસ્તીવાળા મુંબઈમાં પાયાની સુવિધાનો અભાવ ડરામણું ચિત્ર પ્રસ્તુત કરી રહ્યો છે ત્યારે વૉટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના ડેટા અને ગ્રાઉન્ડ રિયલિટી પર નજર ફેરવીએ. સૌથી પહેલાં વાત કરીએ પાની હક સમિતિના રિપોર્ટની.



water-0989


પાની હક સમિતિ રિપોર્ટ

શહેરમાં સાર્વત્રિઍ પાણીની સુવિધા અને સૅનિટેશન એક્સેસની ચળવળમાં મોખરે મુંબઈસ્થિત પાની હક સમિતિએ શહેરના પૂર્વ ભાગમાં આવેલી ભીમનગર અને ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, પશ્ચિમ ભાગમાં આવેલા આંબેડકર નગર અને સિદ્ધાર્થ નગર, લોઅર પરેલમાં રોહીદાસ નગરથી ગીતાનગર, દહિસરના ગણપત પાટીલનગર સહિત ૧૭ વહીવટી વોર્ડ, ટ્રાન્ઝિટ કૅમ્પ, કોઆલા બંદર વિસ્તાર અને ફુટપાથ પર રહેતી પાણીથી વંચિત વસતી પર COVID-19ના પ્રભાવ વિશે માહિતી એકત્ર કરવા સર્વે હાથ ધર્યો હતો. શહેરના વૉટર ઍક્સેસ સર્વેક્ષણનો ગ્રાઉન્ડ રિપોર્ટ કહે છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફક્ત ૯.૨૫ ટકા ઘરોમાં પર્સનલ ટૉઇલેટની સુવિધા છે. ૧૮.૧૫ ટકા લોકો ખુલ્લામાં શૌચ માટે જાય છે, જ્યારે ૭૫.૩૪ ટકા વસ્તી મહામારીનો ચેપ લાગવાના ભય તળે સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરવા લાચાર છે.


કોરાનાથી બચવા વીસ સેકન્ડ સુધી હાથ ધોવાની સૂચના આપવામાં આવી છે. એક વાર હાથ ધોવામાં ૦.૫ લિટર પાણી વપરાઈ જાય છે. ઝૂંપડપટ્ટીમાં દરેક ઘરમાં લગભગ પાંચ વ્યક્તિ રહે છે. કુટુંબદીઠ ફક્ત હાથ ધોવા માટે ૨૫ લિટર પાણીની જરૂર પડે. ઘરનાં અન્ય કામો માટે ઓછામાં ઓછું ૨૦૦ લિટર પાણી જોઈએ. સમિતિ દ્વારા આ બાબતની પણ નોંધ લેવામાં આવી છે. પાની હક સમિતિના જળકાર્યકર અને કન્વીનર સીતારામ શેલાર કહે છે, ‘ઉપરોક્ત વિસ્તારોમાં ઑટો અને ટૅક્સી ડ્રાઇવરો, ડોમેસ્ટિક હેલ્પરો, પરપ્રાંતીય શ્રમિકો, દૈનિક વેતન મજૂરોની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય બેઘર લોકો પણ છે. દેશવ્યાપી લૉકડાઉન અગાઉ પાણીની જરૂરિયાત માટે તેઓ આસપાસમાં વહેતાં ઝરણાં, તળાવ અને કૂવાઓ પર આધાર રાખતા હતા. લૉકડાઉન દરમિયાન ૧૯.૩૧ ટકા લોકોને પીવાલાયક પાણીનો વપરાશ કરવા મળ્યો નહોતો. હાલમાં મુંબઈમાં ૨૪.૪૦ ટકા ઘરોમાં દરરોજ પાણીનો પુરવઠો મળતો નથી.’

વૉટર ડિસ્ટ્રિબ્યુશન

મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનો એંસીથી સવાસો કિલોમીટર દૂરથી આવે છે. તુલસી, વૈતરણા, તાનસા, વિહાર, પવઈ જળાશયના પાણીને ભાંડુપ ખાતેના વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ કર્યા બાદ જુદા-જુદા ઝોનમાં પહોંચાડવામાં આવે છે. પાણી આપણી જીવનરેખા છે, પરંતુ વહેંચણીની વાત આવે ત્યારે આર્થિક રીતે પછાત લોકોએ સમાધાન કરવું પડે છે. હાઇરાઇઝ ઇમારતોના રહેવાસીઓને ભરપૂર પાણી આપવામાં આવે છે જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતી ગરીબ પ્રજાએ ઝઘડા કરીને અથવા ખરીદીને પાણી મેળવવું પડે છે. પાણીનું જોડાણ ન હોવાથી ઘરેલુ વપરાશ માટે તેમને બીએમસી કૉન્ટ્રૅક્ટરના પાણીના ટૅન્કર પર આધાર રાખવો પડે છે. બસો લિટર પાણી માટે ત્રીસ રૂપિયા ચૂકવતાં પણ ઘણી વાર પાણી મળતું નથી, કારણ કે ટૅન્કરના આવવાનો સમય નિશ્ચિત હોતો નથી. નોકરી-ધંધો છોડીને ખાલી બાલદી લઈને કલાકો સુધી સાર્વજનિક શૌચાલયની બહાર લાઇનમાં ઊભા રહેવું મુશ્કેલ છે.

પાની હક સમિતિ વૉટર ડિસ્ટ્રિબ્યુશનના સમાનાધિકાર માટે કામ કરી રહી છે. જીવન આવશ્યક પાણીની વહેંચણીમાં ભેદભાવ તેમ જ થોડા ગેલન પાણીના બદલામાં વધુ પૈસા માગી કૉન્ટ્રૅક્ટરો દ્વારા કરવામાં આવતા શોષણ તરફ ધ્યાન દોરવા શેલારે બીએમસીના કમિશનર અને હાઇડ્રાૅલિક ડિપાર્ટમેન્ટને પત્ર લખી માનવતાના ધોરણે ગરીબોને પાણી આપવાની વિનંતી કરી હતી. તેઓ કહે છે, ‘આ બાબત અમે કૉર્પોરેશનનું અનેક વાર ધ્યાન દોર્યું છે, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતાં છેલ્લા વિકલ્પ રૂપે બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મહાનગરપાલિકા પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો કોર્ટ તેમની પાસે જવાબ માગશે એવી અપેક્ષા સાથે જિલ્લા કાનૂની સેવા ઑથિરીટીને પણ ઈ-મેઇલમાં સીસીમાં રાખવામાં આવ્યા હતા. જોકે અમારી વાતને ગંભીરતાથી લેવામાં ન આવતાં ફરીથી કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પર દબાણ લાવવું ઊચિત નથી. સરકાર તમામ માનવ સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય એ રીતે કામ કરી રહી છે.’

water-09890

એક સમયે મુંબઈના પરા વિસ્તારની જીવાદોરી મનાતી મીઠી નદી, પોઇસર, ઓશિવરા અને દહિસર નદીનું ઉગમ સ્થાન નૅશનલ પાર્ક છે. નૅશનલ પાર્કની અંદર વસતી આદિવાસી પ્રજા આજે પણ આ નદીઓના પાણી પર અવલંબિત છે. મૃત થયેલી આ રિવર બૉડીને પુનર્જીવિત કરવાની દિશામાં કામ કરતી સંસ્થા મુંબઈ માર્ચ મૂવમેન્ટના ફાઉન્ડર મેમ્બર ગોપાલ ઝવેરી કહે છે, ‘મુંબઈ માર્ચ પેરન્ટ બૉડી છે. આ ઝુંબેશ હેઠળ રોડ, રિવર અને ઝીરો સ્લમ મુંબઈ માટે લડત ચલાવવામાં આવે છે. મુંબઈમાં પાણીની સમસ્યા છે નહીં, ઊભી કરવામાં આવી છે. અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર મુંબઈમાં ૧૮ લાખ પરિવાર (લગભગ ૬૫ લાખ લોકો) સ્લમ એરિયામાં રહે છે. આર્થિક રીતે પછાત પ્રજા સુધી પાણી પુરવઠો પહોંચતો નથી એનાં મુખ્ય કારણો છે અનપ્લાન્ડ હાઉસિંગ, સીવેજ લાઇન, લીકેજ અને વૉટર માફિયા. મહાનગરપાલિકા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો પૂરો ડેટા નથી. જોકે ઝૂંપડપટ્ટીમાં પાણીના જોડાણ આપવામાં નથી આવ્યાં એ વાત પૂરેપૂરી સાચી નથી. મહાનગરપાલિકાએ ફોટો આઇડી હોય એવી રૂમોને પાણીનું જોડાણ આપેલું છે, પરંતુ ટેકરી પર અને જંગલ વિસ્તારમાં આડેધડ ઊભાં કરેલાં ઝૂંપડાંઓ સુધી પાણી પુરવઠો પહોંચાડવા રાઇટ પ્રેશર મળતું નથી. અનપ્લાન્ડ હાઉસિંગ અને ડેન્સિટીના કારણે અહીંની પ્રજાને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. પીવાના પાણી માટે ટૅન્કરો, વૉટર માફિયા, સાર્વજનિક નળ તેમ જ ડે ટુ ડે ઍક્ટિવિટી માટે તેમને પબ્લિક ટૉઇલેટ પર આધાર રાખવો પડે છે. જ્યારે રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા માટે લડવું પડતું હોય ત્યાં પૅન્ડેમિકનો સામનો કરવો અઘરું છે.’

વૉટર માફિયા

મુંબઈ મહાનગરપાલિકાએ પાણીના વપરાશ પર નિયંત્રણ રાખવા કેટલાક કાયદા ઘડ્યા છે. રેસિડેન્શિયલ અને કમર્શિયલ વપરાશ માટેના પાણીના દરમાં ખાસ્સો તફાવત છે. વોટર માફિયાઓ કાયદાની ઐસી કી તૈસી કરી બેફામ પાણી વાપરે છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોટા પાયે પાણીની ચોરી થાય છે એવી માહિતી આપતાં ગોપાલભાઈ કહે છે, ‘સરકારે ઝૂંપડપટ્ટીમાં રહેવાની પરવાનગી આપી છે, ઇન્ડસ્ટ્રી ખોલવાની નથી આપી. તેમ છતાં સ્લમ એરિયામાં બરફ બનાવવાની ફૅક્ટરી, ડાઇ બનાવવાનાં કારખાનાં, બેકરી ઉદ્યોગ, પાણીપૂરી બનાવવી જેવા અનેક પ્રકારના લઘુ ઉદ્યોગો ધમધમે છે. નાનકડી રૂમમાં ઊભી કરેલી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના માલિકો પમ્પની મદદથી અને દાદાગીરીથી સાર્વજનિક પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ખેંચી લે છે પરિણામે ઘરમાં બેસાડેલા નળ સુધી પાણી પહોંચતું નથી અથવા ઓછું આવે છે. વૉટર માફિયાઓને રાજકારણીઓનું પીઠબળ હોવાથી રહેવાસીઓ ફરિયાદ કરવાની હિંમત કરી શકતા નથી. પાણીની ચોરી ઉપરાંત વેચાણનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો છે. જે રહેવાસીને પાણીનું કનેક્શન મળી ગયું છે એ બીજા દસ જણને ગેરકાયદેસર લાઇન આપી કમાણી કરે છે. વસ્તી અને ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં ગેરરીતિ પર નિયંત્રણ નથી તેથી સમસ્યા ઠેરની ઠેર છે.’

વન ડ્રૉપની કિંમત

મુંબઈ માર્ચ મૂવમેન્ટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર પાણીની પાઇપલાઇનમાં લીકેજને કારણે મુંબઈમાં દરરોજ ૮૫૦ મિલ્યન ગેલન પાણી ગટરમાં ચાલ્યું જાય છે. જીવન નિર્વાહ માટે પાણીનું એક ટીપું પણ મહત્ત્વનું હોય ત્યાં પાણીનો આટલો વેડફાટ? જાણીતા કાર્ટૂનિસ્ટ અને ડ્રૉપ ડેડ ફાઉન્ડેશનના સંસ્થાપક આબિદ સુરતી કહે છે, ‘લૉકડાઉનમાં અનેક લોકોને પીવાનું પાણી નહોતું મળતું ત્યાં સ્વચ્છતા માટે પાણી ક્યાંથી હોય? આપણને વાપરવા મળતાં ટોટલ પાણીમાંથી ૪૦ ટકા પાણી લીકેજમાં ચાલ્યું જાય છે. રેલવે-સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળો પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલા નળમાંથી સતત પાણી ટપકતું હોય છે. મારું બાળપણ ફુટપાથ પર વીત્યું છે. પાણી માટે લોકોને ટળવળતા, લડતા-ઝઘડતા જોયા છે તેથી પાણી ટપકવાનો અવાજ આવે કે તરત કાન સરવા થઈ જાય. ઊંચી ઇમારતોમાં રહેતા લોકોના ઘરે નળમાંથી ટપ-ટપ અવાજ આવતો હોય અને તમે કહો કે ભાઈ નળ રિપેર કરાવી લે. તો જવાબ મળશે, ટીપું-ટીપું પડે છે એમાં શું છે? આ ટીપું નથી, ગંગા વહે છે એવી સમજણ કેળવાશે ત્યારે મુંબઈની જ નહીં, આખા વિશ્વના લોકોની પાણીની સમસ્યાનો અંત આવી જશે.’

રહેવાસી ઇમારતોમાં થતા પાણીના વેડફાટને બચાવવા આબિદભાઈ છેલ્લા ૧૩ વર્ષથી ઘરેઘરે જઈને મફતમાં નળ રિપેર કરાવી આપે છે. તેમના ઑબ્ઝર્વેશન પ્રમાણે નળમાંથી એક ટીપું પાણી પડતું હોય તોય તમારા ઘરમાંથી મહિને એક હજાર લિટર પાણી ગટરમાં ચાલ્યું જાય છે. તેઓ કહે છે, ‘પાણીની જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહેલી ગરીબ પ્રજા સુધી પાણી પુરવઠો પહોંચાડવો હશે તો તમારા ઘરમાંથી ગટરમાં વહી જતા ડેડ ડ્રૉપને સેવ કરવો પડશે. અમે ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે પાણીની વૅલ્યુ સમજાવવી સરળ નથી. અનેક સંશોધનો અને અભ્યાસ કર્યા બાદ અમે એ તારણ પર આવ્યા કે રિલિજિયસ બિલીફનો પૉઝિટ‌િવ યુઝ કરો તો લોકોના ગળે વાત સહેલાઈથી ઊતરી જાય છે. પ્રયોગરૂપે મીરા રોડના જુદા- જુદા વિસ્તારની કમ્યુનિટીને ધ્યાનમાં રાખી ક્રીએટિવ પોસ્ટર બનાવીને ચોંટાડ્યા. દાખલા તરીકે ગણપતિ બાપાના ચિત્ર નીચે લખ્યું, પાણી નહીં બચાવો તો મારું વિસર્જન કઈ રીતે કરશો? નહેર પાસે બેઠા હો તો પણ તમને પાણી વેસ્ટ કરવાની પરવાનગી નથી એવાં પોસ્ટરો મસ્જિદની બહાર લગાવ્યાં. આ આઇડિયા કારગત નીવડ્યો. એક બહેને આવીને કહ્યું આબિદભાઈ, અમારા ઘરમાં પાણી ટપકવાને કારણે ટાંકી જલદી ખલાસ થઈ જતી હતી, હવે પ્રોસેસ રિવર્સ થઈ છે. ડ્રૉપ ડેડ ફાઉન્ડેશનનાં પોસ્ટરો પોલીસ-સ્ટેશનમાં પણ લગાવેલાં હોય છે. પૉલિટિકલ એજન્ડા વગર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોસ્ટરો મેળવી શકે છે. આ વાત થઈ ઘરમાં પાણી બચાવવાની. જાહેર પાઇપલાઇનમાં ફાટ જોઈને અમે તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરીએ છીએ, પરંતુ અઠવાડિયા સુધી સમારકામ થતું નથી. આગ લાગે ત્યારે તાત્કાલિક બંબા મોકલવામાં આવે છે એવી જ રીતે પાણીની પાઇપલાઇનના સમારકામને કટોકટીની શ્રેણીમાં મૂકવું જોઈએ. મહાનગરપાલિકા તાબડતોબ ઍક્શનમાં આવે એ સમયની માગ છે.’

અનેક પ્રકારની સમસ્યાઓ અને પડકારો સામે ઝઝૂમી કોરોનાને માત આપી દીધા પછી શું? રોગચાળામાંથી આપણે કંઈ બોધપાઠ લઈશું કે પછી ફિર વહી રફ્તાર સાથે જિંદગી જીવવી છે? હાલમાં આપણે ૧૮૯૭માં ઘડી કાઢવામાં આવેલા પૅન્ડેમિક ઍક્ટને અનુસરીએ છીએ એ કાયદો બ્રિટિશ શાસનકાળમાં મુંબઈમાં પ્લેગ રોગચાળો ફેલાયો હતો ત્યારનો છે. પ્લેગ રોગચાળા બાદ બ્રિટિશ સરકારે એમાંથી બોધપાઠ લઈ શહેરના વિકાસને લગતાં કેટલાંક નક્કર પગલાં લીધાં હતાં એનો પણ ઉલ્લેખ છે. યુનિસેફ દ્વારા થોડા મહિના પહેલાં રિલીઝ થયેલી એક ફૅક્ટશીટ મુજબ જેમ પહેલાં પીવાના પાણીની પરબો ઠેર-ઠેર લગાવવામાં આવતી હતી એમ કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા માટે હવે હૅન્ડ-વૉશિંગ સ્ટેશન્સ લગાવવાની જરૂરિયાત છે. એ રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘પીવાનું પાણી અને હાથ ધોવાનું પાણી એમ બન્ને વૉટર સ્ટેશન્સને અલગ-અલગ રીતે ટ્રીટ કરવા જોઈએ. હાથ ધોવાની સાથે સાદો સાબુ પણ મળે એ એન્શ્યૉર કરવું જોઈએ. દરેક શહેરમાં વસ્તીની ગીચતા અને પાણીની અવેલેબિલિટી મુજબ હવે હાથ ધોવાના પાણીની વ્યવસ્થા પણ બેસિક સુવિધામાં ગણાય એ જરૂરી છે.’
સરકારે સમજવાની જરૂર છે કે પબ્લિક હેલ્થ એ પબ્લિક ઇશ્યુ છે. એક વ્યક્તિનું સ્વાસ્થ્ય એની આસપાસના અનેક લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ વાત જ્યારે ૧૦૦ વર્ષ પહેલાં હેલ્થ પ્રૅક્ટિશર્ન્સને સમજાઈ ત્યારે સ્વચ્છ પાણીની સુવિધા અને યોગ્ય સેનિટેશન બધાને મળે એ માટે વૉટર અને સેનિટેશનને પબ્લિક સર્વિસનો ભાગ બની શકી. એટલે જ લગભગ સો વર્ષ પહેલાં કમ્યુનિટી ડ્રિન્કિંગ વૉટર એટલે કે પરબોની વ્યવસ્થા અસ્તિત્વમાં આવેલી. હવે આજની જરૂરિયાત જોતાં હાથ ધોવાનું પાણી મળી રહે એ માટે વૉશિંગ સ્ટેશન મળી રહે એ જરૂરી છે.

વર્તમાન પરિસ્થિતિમાં એવાં જ પગલાં લેવાની જરૂર છે. ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા દેશની આર્થિક રાજધાનીને ઝીરો સ્લમ એરિયામાં કન્વર્ટ કરવી પડશે.

આર્થિક રીતે પછાત પ્રજા સુધી પાણી પુરવઠો પહોંચતો નથી એનાં મુખ્ય કારણો છે અનપ્લાન્ડ હાઉસિંગ, સીવેજ લાઇન, લીકેજ અને વૉટર માફિયા. મહાનગરપાલિકાએ ફોટો આઇડી હોય એવી રૂમોને પાણીનું જોડાણ આપેલું છે, પરંતુ ટેકરી પર અને જંગલ વિસ્તારમાં આડેધડ ઊભાં કરેલાં ઝૂંપડાંઓ સુધી પાણી પુરવઠો પહોંચાડવા રાઇટ પ્રેશર મળતું નથી પરિણામે પીવાના પાણી માટે ટૅન્કરો, વૉટર માફિયા, સાર્વજનિક નળ તેમ જ ડે ટુ ડે ઍક્ટિવિટી માટે તેમને પબ્લિક ટૉઇલેટ પર આધાર રાખવો પડે છે. જ્યારે રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા માટે લડવું પડતું હોય ત્યાં પૅન્ડેમિકનો સામનો કરવો અઘરું છે
-ગોપાલ ઝવેરી, મુંબઈ માર્ચ મૂવમેન્ટ

લૉકડાઉનમાં અનેક લોકોને પીવાનું પાણી નહોતું મળતું ત્યાં સ્વચ્છતા માટે પાણી ક્યાંથી હોય? આપણને વાપરવા મળતાં ટોટલ પાણીમાંથી ૪૦ ટકા પાણી લીકેજમાં ચાલ્યું જાય છે. રેલવે-સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળો પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલા નળમાંથી સતત પાણી ટપકતું હોય છે. ઊંચી ઇમારતોમાં રહેતા લોકોના ઘરે નળમાંથી ટપ-ટપ અવાજ આવતો હોય અને તમે કહો કે ભાઈ નળ રિપેર કરાવી લે. તો જવાબ મળશે, ટીપું-ટીપું પડે છે એમાં શું છે? આ ટીપું નથી, ગંગા વહે છે એવી સમજણ કેળવાશે ત્યારે મુંબઈની જ નહીં આખા વિશ્વના ગરીબ લોકોની પાણીની સમસ્યાનો અંત આવી જશે
- આબિદ સુરતી, ડ્રૉપ ડેડ ફાઉન્ડેશન

આંતરરાષ્ટ્રીય અહેવાલ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરતી અનેક સંસ્થાઓ COVID-19ના ફેલાવાને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે એમ છે, પરંતુ પાયાની સુવિધાનો અભાવ હોય ત્યાં રોગચાળાને કઈ રીતે કાબૂમાં રાખી શકાય? હાલમાં અર્બન સ્લમ એરિયામાં વસતા વિશ્વભરના અંદાજે એક અબજ લોકો માટે પાણીના અભાવે રોગચાળો વિનાશક બની શકે છે. ૨૪ એપ્રિલના જર્નલ ઑફ અર્બન હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં, જાહેર આરોગ્ય નિષ્ણાતો અને રોગચાળાના નિષ્ણાતોની ટીમે વિશ્વના શહેરી ઝૂંપડપટ્ટીના સામાજિક આગેવાનો અને એનજીઓના સહયોગથી મર્યાદિત જગ્યામાં વસતા તેમ જ પાયાની સુવિધાથી વંચિત ગરીબ પ્રજામાં COVID-19ની અસરને ઘટાડવા માટે આઠ તાકીદની ભલામણો કરી છે. આ યાદીમાં ટોચના નિર્દેશો પર યોગ્ય પ્રતિભાવ આપવા તેમ જ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓને ધ્યાનમાં લઈ શકાય એ માટે વર્તમાન સામાજિક સંસ્થાઓના નેતૃત્વમાં સરકારને કટોકટી આયોજન સમિતિઓની રચના કરવાનું કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં દરરોજ ૮૫૦ મિલ્યન ગેલન પાણી લીકેજને કારણે ગટરમાં ચાલ્યું જાય છે.

૨૦ લાખ મુંબઈગરાઓ પાસે પાણી મેળવવાનું કાયદેસર કનેક્શન નથી.

હાલમાં ભારતમાં ૬૦ કરોડ લોકો પાણીની ભયંતર તંગી ભોગવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2021 02:00 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK