Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી, વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી, વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી

16 January, 2021 03:43 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી, વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી, વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી


ઉજળિયાત વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો હતો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલી વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયાં હતાં. મુંબઈમાં પહેલવહેલાં લગ્ન કોનાં થયેલાં એ વિશે વિસ્તારથી જાણીએ.

બીજી મે, ૧૮૭૧,



મારી વહાલી માતાજીને માલમ થાય કે મારાથી આ વિધવાપણાનું ઘાતકી દુઃખ નહીં સહન થઈ શકવાથી મેં મરી જવાનો વિચાર કીધો હતો, પણ મોત કંઈ આવ્યું નહીં. માતાજી, તું જ્યાં સુધી હયાત બેઠી છે ત્યાં સુધી મને કોઈ બી ચિંતા જેવું નથી, પણ તારા ગયા પછી ભાઈ-ભોજાઈના હાથ નીચે હું એક દિવસ કાઢી શકું એમ મને લાગતું નથી અને પછીથી હું એકલી પડીને કોઈ આડે રસ્તે ઊતરી જાઉં એના કરતાં આ ઉત્તમ રસ્તો લેવાનું મેં વધારે પસંદ કર્યું છે. માતાજી, હવે મારો અને તમારો કોઈ પણ દિવસે મેળાપ થશે એ વાત તો બહુ મુશ્કેલ છે, માટે તમો મનમાં એમ સમજજો કે હું મરી ગઈ છું. મેં કોઈની બી શીખવણીથી આ કામ કર્યું નથી, પણ મારી પોતાની જ ખુશીથી આ કામ કર્યું છે, માટે તમે બીજા કોઈને બી દોષ દેશો નહીં. હું તમારા ઘરમાંથી કાંઈ બી તમારી જણસ-માલ લઈ ગઈ નથી, માટે તમે તમારું સર્વે સંભાળી લેશો. હવે આ મારી છેલ્લી સલામ છે.


  લિખિતંગ...

 - તમારી વહાલી, પણ દુખિયારી


દીકરી ધનકોર.

ચિઠ્ઠી લખીને ધનકોરે એક પેટીમાં મૂકી અને પછી નાહીધોઈને તૈયાર થઈને બારી પાસે જઈ ઊભી. બીજા બધા બહાર ગયા હતા એટલે ઘરમાં તે એકલી જ હતી. થોડી વારે તેની નજર મથુરાદાસ ખેતશી પર પડી. એટલે તે તરત નીચે ઊતરી. અગાઉથી ઠરાવ્યા પ્રમાણે મથુરાદાસ સાથે તે ચાલતી લખમીદાસ ખીમજીના બંગલા સુધી પહોંચી. ત્યાં અગાઉથી ઠરાવ્યા પ્રમાણે બે ઘોડાગાડી ઊભી હતી. એમાંની બંધ ગાડીમાં ધનકોર, માધવદાસ અને આગલાં લગ્નથી થયેલી તેમની ત્રણ વરસની દીકરી ગોતી એ ત્રણ જણ બેઠાં. બીજી ગાડીમાં કરસનદાસ મૂળજી અને મથુરાદાસ ખેતશી બેઠા. સવારથી બંગલાની બહાર ઊભા રહીને નજર રાખતા મુફતી પોલીસના માણસો એક ઘોડાગાડી ભાડે કરી એમાં બેઠા. આખે રસ્તે ધનકોર એક ખૂણામાં દબાઈને બેસી રહી અને એક અક્ષર પણ બોલી નહીં. થોડી વારમાં ગાડીઓ ચિંચપોકલીના બંગલે આવી પહોંચી. ગાડી ઊભી રહેતાં જ એક ગોરા સાર્જન્ટ, રાવબહાદુર દાજી ગંગાજી અને બીજા સિપાઈઓએ ગાડીને ઘેરી લીધી અને ધનકોર, માધવદાસ અને તેની દીકરીને સલામત રીતે ઉતાર્યાં.

person-09

નાનાભાઈ રાણીના, વાસુદેવ નવરંગે, રામકૃષ્ણ ભાંડારકર, ડૉ. આત્મારામ પાંડુરંગ, જહાંગીર મર્ઝબાન 

પછી જેમને-જેમને આમંત્રણ આપેલું તેમને ખબર કરવા માણસોને દોડાવ્યા. ત્રણ વાગ્યે બૅન્ડ-વાજાંવાળા આવ્યા અને વાતાવરણને સંગીતથી ભરી દીધું. લગ્ન માટેની બધી સાધન-સામગ્રી લઈને પંડિત વિષ્ણુ પરશુરામ આવી પહોંચ્યા. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો બંગલાની બહાર ઘોડાગાડીની લાંબી લાઇન લાગી ગઈ હતી અને બંગલામાં લગભગ ૨૦૦ માણસ ભેગા થઈ ગયા હતા. તેઓમાંના કેટલાક જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે, ડૉક્ટર આત્મારામ પાંડુરંગ, સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, જસ્ટિસ ભાઈશંકર નાનાભાઈ, નાનાભાઈ રુસ્તમજી રાણીના, કેખુશરો કાબરજી, જહાંગીર મર્ઝબાન, વાસુદેવ બાબાજી નવરંગે. પહેલાં તો ધનકોર અને માધવદાસ વચ્ચેના એક અંગ્રેજી કરારનો ગુજરાતી તરજુમો વાંચી સંભળાવવામાં આવ્યો જેના પર એ બન્નેએ અને બીજા ચાર સાક્ષીઓએ સહી કરી હતી. હાજર રહેલા બે મૅજિસ્ટ્રેટે પણ એના પર મતું માર્યું અને તેમના ક્લાર્કે કોર્ટના સિક્કા માર્યા. ધનકોરના ધર્મપિતા થઈને કરસનદાસ મૂળજીએ કન્યાદાન આપ્યું. સાંજે ૬ વાગ્યે લગ્નવિધિ પૂરી થયા પછી પાન-ગુલાબ લઈને બધા મહેમાનો વિદાય થયા. વર-વધૂ, કરસનદાસ મૂળજી અને બીજા થોડાક રાત બંગલામાં જ ગાળવાનાં હતાં એટલે એક બાજુ તેમના જમવાની તૈયારી શરૂ થઈ. બીજી બાજુ લગ્નવિધિ હેમખેમ પાર પડી ગઈ હતી એટલે પોલીસના માણસો રવાના થયા, પણ જતી વખતે ગોરો સાર્જન્ટ આખી રાત પહેરો ભરવા માટે એક સિપાઈને મૂકતો ગયો અને કહેતો ગયો કે હું નજીકમાં જ રહું છુ એટલે રાત્રે એક-બે વખત આવીને તમારી ખબર કાઢી જઈશ એટલે બેફિકર રહેજો.

mumbai-police

૧૯મી સદીની મુંબઈ પોલીસ

એ જ દિવસે સાંજે ધનકોરના ઘરે ધમાલ મચી ગઈ હતી. સાંજે બધા ઘરે આવ્યા ત્યારે ધનકોર ઘરમાં નહોતી. કોઈકે કહ્યું કે તે તો બપોરથી તેની નણંદને ત્યાં ગઈ છે. ત્યાં ભાળ કઢાવી તો નણંદે કહ્યું કે ધનકોરભાભી આજે મારે ત્યાં તો આવ્યાં જ નથી. બીજાં સગાંઓને ત્યાં પુછાવ્યું, પણ બધેથી એક જ જવાબ ઃ ‘અમારે ત્યાં તો તે આવી જ નથી.’ એમાં વળી કોઈકે કહ્યું કે ધનકોર ઘણી વાર મરવાની વાત કરતી હતી તે ક્યાંક કૂવો-હવાડો ન કર્યો હોય! એટલે આસપાસનાં કૂવા, તળાવ અને ચોપાટીનો દરિયાકિનારો સુધ્ધાં શોધી વળ્યા, પણ ધનકોરનો પત્તો લાગ્યો નહીં. છેવટે ધનકોરનો ભાઈ ફરિયાદ નોંધાવવા પોલલીસ-સ્ટેશન જવા નીકળ્યો. વાલકેશ્વરની ચોકી આગળ તે ભાડાની ઘોડાગાડી મળે એની રાહ જોતો ઊભો હતો. ઠાકરસી નારાયણજીએ તેને જોયો, ઓળખ્યો. તેઓ લગ્નમાં હાજરી આપીને ઘરે પાછા જઈ રહ્યા હતા. તેમણે ગાડી ઊભી રખાવીને પૂછ્યું, ‘મોડી રાતે અહીં કેમ ઊભા છો?’ તેણે કહ્યું, ‘મારી મોટી બહેન ધનકોર ગુમ થઈ છે એની ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન જાઉં છું, પણ ગાડી મળતી નથી.’ ઠાકરસીએ કહ્યું, ‘તમતમારે ઘરે જઈને નિરાંતે બેસો. ધનકોરની શોધ કરવાની જરૂર નથી. તે સલામત છે અને સુખી છે.’ ભાઈએ ઘણી આજીજી કરી એટલે ઠાકરસીએ કહ્યું, ‘ધનકોરે પોતાની મરજીથી શેઠ માધવદાસ રુગનાથદાસ સાથે પુનર્લગ્ન કરી લીધાં છે. હું તેમની લગ્નવિધિમાં હાજરી આપીને જ ઘરે જઈ રહ્યો છું. તમે ઘરે જઈ બધાને આ વાત જણાવો અને કહો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’ ‘પણ આ લગ્ન થયાં ક્યાં? અત્યારે મારી બહેન છે ક્યાં?’ ઠાકરસીશેઠ ઠરેલ હતા, સમજદાર હતા. તેમણે શાંતિથી પણ મક્કમતાથી કહ્યું, ‘અત્યારે હું તમને આ સંદર્ભે વધુ કશું કહી શકું એમ નથી, પણ કાલે સવારનું છાપું વાંચશો એટલે બધી ખબર પડી જશે.’

એટલે ધનકોરનો ભાઈ પાછો ઘરે ગયો. થોડે દૂરથી જ તેણે મોટેથી પોક મૂકી એટલે ઘરમાં બધાએ માની લીધું કે ધનકોર મરી ગઈ છે એટલે બધા મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા. બૈરાંઓ છાતી કૂટવા લાગ્યાં. આડોશીપાડોશીઓ પણ જાગી ગયા અને દિલાસો આપવા આવી પહોંચ્યા. થોડી વારે કોઈકે પૂછ્યું, ‘પણ ધનકોરે આપઘાત કર્યો કઈ રીતે એ તો કહે.’ પણ ભાઈએ જે વાત કહી એ સાંભળીને તો ઘરનાં અને બહારનાં બૈરાં વધુ જોર-જોરથી રડવા-કૂટવા લાગ્યાં, ‘અરેરે, આ તો આપઘાત કરતાંય વધુ કાળાં કામ કર્યાં ધનકોરે! આના કરતાં તો તે મરી ગઈ હોત તો સારું થાત!’ પછી કોઈએ કહ્યું કે ‘ઘરમાં શોધો તો ખરા, તેણે જતાં પહેલાં ક્યાંય ચિઠ્ઠી-ચપાટી મૂકી હોય તો! અને હા, ઘરમાંથી શું શું સાથે લઈ ગઈ છે એની પણ તપાસ કરો. થોડી વારે ધનકોરે લખેલી ચિઠ્ઠી હાથ લાગી ત્યારે કોઈકે એ મોટેથી વાંચી સંભળાવી. એટલે બધાં બૈરાં પાછાં રડવા લાગ્યાં. એ રાતે ઘરમાં કોઈ જમ્યું નહીં. બીજા દિવસનાં સવારનાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી બધાં છાપાંઓએ ધનકોર અને માધવદાસનાં પુનર્લગ્નની ખબર પહેલે પાને ચમકાવી હતી. એક છાપાએ તો પહેલે પાને સમાચારની સાથે કવિતા પણ છાપી હતી ઃ

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી,

વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી.

માધવદાસે મોટું કામ હામથી કર્યું છે,

તો પણ એ તારા વડે માનીએ થયું છે.

સુધારાના સાથી સૌનું નાક રાખ્યું ભાઈ!

માટે દ્યોને માધવદાસને હર્ષની વધાઈ.

ધનવાન, પુત્રવાન, કીર્તિવાન થઈને,

અખંડ જોડું ઝાઝું જીવો, આ આશિષ લઈને.

પણ બે પુખ્ત ઉંમરની વ્યક્તિનાં લગ્ન મુંબઈનાં બધાં છાપાંના પહેલા પાને ચમકે, એ લગ્ન વખતે પોલીસનો બંદોબસ્ત રાખવો પડે, વસ્તીથી દૂરના બંગલામાં લગ્ન કરવાં પડે, એ વખતે બે-બે મૅજિસ્ટ્રેટને હાજર રાખવા પડે, એવું કેમ બન્યું? કારણ, આ લગ્ન એ મુંબઈ શહેરમાં થયેલું પહેલવહેલું વિધવાનું પુનર્લગ્ન હતું. અલબત્ત, વિધવાવિવાહ વિશેનો બાધ માત્ર ‘ઉજળિયાત’ કહેવાતી કોમો પૂરતો જ મર્યાદિત હતો. બીજા વર્ણોમાં તો એ એક સામાન્ય બાબત હતી, પણ ‘ઉજળિયાત’ વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો હતો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલી વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયાં હતાં. આ કાયદો ઘડવામાં અને એને પસાર કરાવવામાં જેમનો ઘણો મોટો ફાળો છે એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ૬ વર્ષની ઉંમરની એક વિધવા બ્રાહ્મણ છોકરીનાં એ દિવસે પોતાને ખર્ચે પુનર્લગ્ન કરાવ્યાં હતાં. ત્યાર બાદ તેમના દીકરાએ પણ એક વિધવા સાથે લગ્ન કરેલાં. બૉમ્બે પ્રેસિડેન્સીમાં પહેલા વિધવાવિવાહ ૧૮૬૯માં કોકણમાં થયા હતા અને તળ મહારાષ્ટ્રમાં ૧૮૭૫માં. સર રામકૃષ્ણ ભાંડારકરે પોતાની વિધવા દીકરી શાંતાબાઈનાં ફરી લગ્ન કરાવ્યાં હતાં ૧૮૯૧માં. ૧૮૯૩માં મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ પોતે એક વિધવા સાથે લગ્ન કર્યાં હતાં, એટલું જ નહીં, ૧૮૯૬માં પુણે નજીક હિંગણે ખાતે વિધવાઓ માટે આશ્રમ પણ સ્થાપ્યો. આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ૧૮૭૨ના ઑગસ્ટની ૨૫મી તારીખે અને કાઠિયાવાડમાં ૧૮૭૬ના ઑગસ્ટની ૧૯મીએ પહેલી વાર વિધવાનાં લગ્ન થયાં હતાં, પણ માધવદાસ અને ધનકોરનાં લગ્ન એ મુંબઈમાં થયેલાં પહેલાં વિધવા પુનર્લગ્ન હતાં. ગુજરાતીઓમાં થયેલાં, પણ એ પ્રકારનાં પહેલાં લગ્ન. એટલે છાપાંઓમાં અને લોકોમાં ચર્ચા ચાલે, મતભેદો અને આક્ષેપબાજી જોવા મળે એ સ્વાભાવિક ગણાય. આજે હવે વિધવાનાં પુનર્લગ્ન એ વિવાદનો પ્રશ્ન રહ્યો નથી, પણ ૧૯મી સદીનાં પાછલાં ૫૦ વર્ષમાં સમાજસુધારાની ચળવળનું એ એક મુખ્ય અંગ હતું અને આ બાબતમાં ગુજરાત મુંબઈને અનુસર્યું હતું.

એ જમાનામાં વિધવાવિવાહ એ જ એક અસાધારણ સાહસ હતું, પણ માધવદાસ અને ધનકોર પોતે એવાં લગ્ન કરીને અટક્યાં નહીં. બીજા અનેક વિધવાવિવાહને તેમણે મુંબઈમાં અને ગુજરાતમાં પ્રોત્સાહન આપ્યું. તેમનાં પોતાનાં લગ્ન પછી મુંબઈ અને ગુજરાતમાં તેમણે વિધવાવિવાહને સધ્ધર ટેકો આપ્યો હતો. તેમનાં લગ્ન પછીનાં ૧૬ વર્ષમાં ૨૫ ગુજરાતી અને ૨૧ મરાઠીભાષીઓનાં લગ્ન થયાં જેને એ બન્નેએ ટેકો આપ્યો હતો. એ પછીનાં ૨૦ વર્ષમાં બીજાં ૪૦ લગ્ન થયાં. માધવદાસના અવસાન પછી પણ ધનકોરબાઈએ વિધવાવિવાહને સક્રિય ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. એ વિશે તેઓ અખબારો કે સામયિકોમાં લેખો પણ લખતાં. ૧૯૦૭માં ‘સ્ત્રી-બોધ’ સામયિકને ૫૦ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે એનો જ્યુબિલી વિશેષાંક ૧૯૦૮માં પ્રગટ થયો હતો. એ પહેલાં ધનકોરબાઈનું અવસાન થયું હતું, પણ અગાઉ તેમણે લખી આપેલો લેખ એ વિશેષાંકમાં પ્રગટ થયો હતો. એ લેખમાં તેઓ લખે છે, ‘મેં વિધવાવસ્થાનું સં‍કટ વેઠ્યું છે. મારે માથે જુલમી શેઠિયાઓએ જુલમનાં ઝાડ ઉગાડ્યાં છે અને હું હિંમતથી કહું છું કે હિન્દુ વિધવાઓને આવી રિબાતી હાલતમાં જિવાડવા કરતાં પોતાના પતિની પાછળ રાજીખુશીથી અથવા બળાત્કારથી પણ સતી કરવાની રજા આપવામાં આવે તો વધારે સારું કે રિબાઈ-રિબાઈને મરવા કરતાં બાપડી વિધવા બળી મરીને એકદમ છૂટકો પામે. એક પરાધીન, સંસારથી વિરક્ત થયેલી, હીણાયેલી, ગુલામડી કરતાં પણ વધારે દાસત્વપણું ભોગવતી હિન્દુ વિધવાને જીવવું એ નહીં બની શકે એવું છે. જેને વીત્યું હોય તે જ આ વેદના જાણે.’

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 03:43 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK