દૂસરા આદમી : સમયથી પહેલાં આવી ગયેલી ફિલ્મ

Published: 16th January, 2021 15:43 IST | Raj Goswami | Mumbai

તપસ્યા ફિલ્મ પછી રાખીની એક ઇમેજ બંધાઈ ગઈ હતી, પણ અહીં તેણે સિગારેટ અને શરાબ પીવાની હતી. મેં કહ્યું કે તારે જો આ રોલ ન કરવો હોય તો હું શર્મિલા સાથે વાત કરું. બીજી જ મીટિંગમાં રાખી (ફિલ્મમાં નિશાની જેમ) કપાળ પર સનગ્લાસ ચડાવીને આવી : રમેશ તલવાર

‘દૂસરા આદમી’
‘દૂસરા આદમી’

એક તો હિન્દી સિનેમામાં ‘પતિ, પત્ની ઔર વો’ કે ‘એક ફૂલ દો માલી’ જેવી ફિલ્મોનાં ટાઇટલ (અને એક સ્ત્રીના બે પ્રેમીની વાર્તા) દર્શકોને એટલાં અબખે પડી ગયેલાં કે ‘દૂસરા આદમી’ (૧૯૭૭)નું નામ સાંભળીને એમ થયેલું કે કોઈ મર્ડર સસ્પેન્સ હશે, પણ ફિલ્મમાં બેઠા પછી ખબર પડી કે આ તો ‘એક ફૂલ દો માલી’નું રિવર્સ રૂપ છે ત્યારે દર્શકોને આઘાત લાગી ગયો. લાગે જને! એક તો મોટી ઉંમરની ગ્લૅમરસ વિધવા (રાખી) તેના નવજવાન બૉસ (રિશી કપૂર)માં તેના સ્વર્ગસ્થ પતિ (શશી કપૂર)ને જુએ અને એમાં પાછો તેને ચૂપચાપ ચાહનારો દોસ્ત (પરીક્ષિત સાહની) તેને જ્ઞાન આપે કે પરણેલા પુરુષને પ્રેમ કરવાનો અંજામ સારો નહીં આવે! (ફિલ્મમાં રિશી કપૂર અને નીતુ સિંહ લગ્ન કરે છે). દર્શકોને આટલો બધો જટિલ ઇમોશનલ લોડ ભારે પડી ગયો. પરિણામે અત્યંત કર્ણપ્રિય સંગીત, ધુઆંધાર સ્ટારકાસ્ટ અને શાનદાર ઍક્ટિંગ છતાં ફિલ્મ પિટાઈ  ગઈ, પણ યશરાજની ઘણી ફિલ્મોમાં બને છે એમ ‘દૂસરા આદમી’ જેમ-જેમ સમય જતો ગયો તેમ- તેમ ક્લાસિક ફિલ્મમાં ગણાતી ગઈ.

હમણાં એક રેડિયો કાર્યક્રમમાં ફિલ્મના નિર્દેશક રમેશ તલવારે કહ્યું હતું કે ‘દૂસરા આદમી’ સમયથી વહેલાં આવી ગઈ હતી એટલે દર્શકો એને પચાવી ન શક્યા. ૨૦૧૯માં કૅન્સરની સારવાર લઈને રિશી કપૂર પાછો મુંબઈ આવ્યો અને મહિના પછી ‘દૂસરા આદમી’ રિલીઝ થયાને ૪૨ વર્ષ થયાં ત્યારે ટ્વીટ કરીને તેણે કહ્યું હતું, ‘આ ફિલ્મ માટે થૅન્ક યુ યશરાજ ફિલ્મ્સ અને રમેશ તલવાર. આ ફિલ્મની પ્રેમકહાણી સમયથી આગળ હતી. એનાં પાત્રોનો દૃષ્ટિકોણ એ વખતે દર્શકોને આઘાત આપી ગયો હતો. આજે તો આ કેટલું સામાન્ય છે!’

યશ ચોપડા તેમની પ્રેમકહાણીઓમાં કેવા સાહસિક હતા એ તમે વર્ષો પછી ‘લમ્હે’ (૧૯૯૧)માં ફરીથી જોયું હતું. ‘લમ્હે’ પણ એના ખૂબસૂરત સંગીતને લઈને આજે પણ એટલી જ ગુંજે છે, પણ એનો વિષય એટલો જ ‘વિવાદાસ્પદ’ હતો. એમાં રાજકુમાર વિરેન (અનિલ કપૂર) પલ્લવી (શ્રીદેવી)થી આકર્ષાય છે, પણ તેના વિવાહ નક્કી થઈ ગયા હોય છે એટલે હતાશ થઈને પાછો લંડન જતો રહે છે. ત્યાં તેને સમાચાર મળે છે કે પલ્લવી અને તેનો પતિ એક કાર અકસ્માતમાં મરી ગયાં છે અને પાછળ એક બાળકી પૂજાને મૂકી ગયાં છે જેને વિરેનની માતા (વહીદા રહેમાન) ઉછેરે છે. ૨૦ વર્ષે વિરેન પાછો આવે છે ત્યારે પૂજા મોટી થઈ ગઈ હોય છે (શ્રીદેવીનો ડબલ રોલ) અને હવે પૂજા વિરેનના પ્રેમમાં પડે છે!

‘લમ્હે’ યશ ચોપડાની યાદગાર ફિલ્મ હતી, પણ દર્શકો એનેય પચાવી ન શક્યા. યશ ચોપડાને હટકે ફિલ્મો બનાવવાનું ગમતું હતું. તેમના બૅનર યશરાજ ફિલ્મ્સ હેઠળની પહેલી જ સુપરહિટ ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩)માં પણ અજીબ કહાની હતી. પ્રેમિકા (શર્મિલા ટાગોર)ના બળાત્કારીને મોતને ઘાટ ઉતારીને નાસતો ફરતો સુનીલ (રાજેશ ખન્ના) ઓળખ છુપાવીને શહેરના મેયરની ત્યક્તા દીકરી (રાખી) સાથે ‘ધર્મનાં લગ્ન’ કરી લે છે અને વર્ષો પછી અચનાક તેની પ્રેમિકા રાખીના બાળકની નર્સ બનીને એ જ ઘરમાં આવે છે!

‘દૂસરા આદમી’ પણ આવી જ અસાધારણ ફિલ્મ હતી. ૭૦ના દાયકાની મારધાડની મસાલા ફિલ્મો વચ્ચે એક તાજી હવાની લહેરખીની જેમ ‘દૂસરા આદમી’ આવી હતી. એમાં કરણ (રિશી) અને ટિમસી (નીતુ) એકબીજા સાથે ઝઘડતાં-પ્યાર કરતાં ખરેખર ખુલ્લમખુલ્લા પ્રેમી હતાં જે લગ્ન પહેલાં ‘બધું’ જ કરે છે જેની સમાજ ઇજાજત નથી આપતો. કાશ્મીરમાં ‘નજરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા’ ગીત ગાઈને બન્ને હોટેલ રૂમ પર આવે છે ત્યારે બહાર તેમણે બોર્ડ લટકાવ્યું હતું; પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ, હમેં ભૂખ નહીં હૈ.

એ જ દૃશ્યમાં બન્ને એકબીજાના પ્રેમમાં એવાં ‘ડૂબી’ જાય છે કે સવારે તેમના બેડરૂમમાં પાણી ભરાઈ જાય છે અને બન્ને એકબીજાની બાંહોમાં ઊંઘતાં હોય છે! એક દૃશ્યમાં કરણ મેડિકલ સ્ટોર પર જઈને નામ પાડ્યા વગર ઇશારામાં કૉન્ડોમ માગે છે એ એટલું મીઠડું હતું કે ૭૦ના ભારતનાં યુગલોને લાગેલું કે આ તો આપણી જ વાત છે!

હનીમૂન પછી આમ તો બધાએ ખાધું, પીધું ને રાજ કર્યું હોવું જોઈતું હતું પણ નિર્દેશક રમેશ તલવાર વાર્તાને એ દિશામાં લઈ ગયા જ્યાં હિન્દી ફિલ્મો પહેલાં ગઈ નહોતી. ઇન ફૅક્ટ, ‘દૂસરા આદમી’ કરણ-ટિમસીની પ્રેમકહાણી પછીની પ્રેમકહાણી છે. કરણ મહત્ત્વાકાંક્ષી છે એટલે જાહેરખબરની એક એજન્સી ખોલે છે અને સિગારેટ ફૂંકતી, વ્હિસ્કી પીતી વિધવા આર્ટિસ્ટ નિશાને નોકરીમાં રાખે છે. અહીંથી કરણની (અને ટિમસીની) મુસીબત શરૂ થાય છે. નિશા કાર અકસ્માતમાં માર્યા ગયેલા પ્રેમી શશી સહગલના વિરહમાં ભાવનાત્મક રીતે તહસનહસ થઈ ગયેલી છે અને કરણને જોઈને અચાનક તેને લાગે છે કે શશી પાછો આવી ગયો છે અને તે કરણના પ્રેમમાં પડી જાય છે.

રમેશ તલવારે પેલા રેડિયો ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શશી કપૂરે તેની કારકિર્દીમાં મહેમાન કલાકારની આ એકમાત્ર ભૂમિકા કરી હતી (ફિલ્મમાં ‘ક્યા મૌસમ હૈ, ચલ કહીં દૂર નિકલ જાયેં...’ ગીતમાં અકસ્માતના ફ્લૅશબૅક પૂરતો જ શશીનો રોલ હતો). તલવારે જ્યારે સમજાવ્યું કે ભત્રીજા રિશીના હમશકલ દેખાવાનું છે એટલે કાકા તૈયાર થઈ ગયા. શશીની શરત એટલી જ હતી કે ફિલ્મના પોસ્ટર કે જાહેરખબરોમાં તેમના નામની જાહેરાત નહીં કરવાની. ફિલ્મમાં દર્શકો ખરેખર નિશાના પ્રેમી તરીકે રિશીના હમશકલ શશીને જોઈને સાનંદાશ્ચર્ય પામી ગયા હતા.

રમેશ તલવાર મૂળ નાટકના માણસ હતા (વાર્તાકાર અને નાટ્યકાર સાગર સરહદી તેમના કાકા થાય) અને યશ ચોપડાની નજરે ચડી ગયેલા. યશજીની સાત ફિલ્મોમાં તે સહાયક હતા. યશરાજ બૅનર હેઠળ ‘દૂસરા આદમી’ નિર્દેશક તરીકેની તેમની પહેલી જ ફિલ્મ. યશરાજની જ ‘કભી કભી’ના કાશ્મીરમાં શૂંટિંગ વેળા તેમના લેખક મિત્ર રાજુ સહગલે ‘દૂસરા આદમી’ની વાર્તા સંભળાવી હતી જેની પ્રેરણા ઇન્ગ્રિડ બર્ગમેન-ઍન્થની પાર્કિન્સની હૉલીવુડની ફિલ્મ ‘ગુડબાય અગેઇન’ (૧૯૬૧) હતી. આ અંગ્રેજી ફિલ્મ ફ્રેન્ચ લેખક ફ્રાન્કોઇસ સગાનની ‘અઈમેઝ-વોઉઝ બ્રહ્મ્સ?’ નવલકથા પરથી બનાવવામાં આવી હતી. રમેશ તલવારે કાકા સાગર સરહદી પાસે એની પટકથા લખાવી અને ફિલ્મમાં ગ્લૅમર લાવવા માટે જાહેરખબરની એજન્સી અને રાખીના પાત્રમાં બિન્દાસપણું ઉમેર્યું હતું.

તલવાર કહે છે, ‘(રાજશ્રી પ્રોડક્શનની) ‘તપસ્યા’ પછી રાખીની એક ઇમેજ બંધાઈ ગઈ હતી, પણ અહીં તેણે સિગારેટ અને શરાબ પીવાની હતી. મેં કહ્યું કે તારે જો આ રોલ ન કરવો હોય તો હું શર્મિલા સાથે વાત કરું. બીજી જ મીટિંગમાં રાખી (નિશાની જેમ) કપાળ પર સનગ્લાસ ચડાવીને આવી.’

યશરાજ ફિલ્મ્સના વિતરકો રાખીને ‘પીતી’ જોઈએ આઘાતથી છળી પડ્યા હતા. તલવાર કહે છે, ‘વિતરકોએ અમને કહ્યું, એક તો ‘તપસ્યા’ કી હિરોઇન કો ‘સૂસરી’ ઔરત બનાયી હૈ ઔર બાર મેં અકેલી બિઠાકર દારૂ પીલા રહે હો!”

યશ ચોપડા અને તલવારે રાખીના પાત્રને ધરાર ન ‘સુધાર્યું.’

નીતુ સિંહના પાત્ર માટે ટીના મુનીમને લેવાની વાત હતી. રિશી કપૂરે રાજેશ રોશનના મ્યુઝિક સ્ટુડિયોમાં ટીનાને જોઈ હતી અને તેણે યશ ચોપડાને તેની ભલામણ કરી હતી. શિમલામાં ‘કભી કભી’નું શૂટિંગ ચાલતું હતું ત્યાં ટીના ‘દૂસરા આદમી’ના સ્ક્રીન ટેસ્ટ માટે આવી પણ હતી, પણ કહે છે કે યશ ચોપડાના યુનિટમાંથી કોઈકે ટીના વિશે કંઈક ઘસાતું કહ્યું એટલે ટીના ત્યાંથી રવાના થઈ ગઈ અને પછી નીતુને ફિલ્મમાં લેવામાં આવી.

ફિલ્મ શહેરોમાં વખણાઈ, પણ ગામડાંઓમાં પિટાઈ ગઈ. એનું એક કારણ કદાચ એ હતું કે રમેશ તલવારે રાખીના પાત્રને અડધેથી પાછું વાળી દીધું. નિશાને તેના દોસ્ત ભીષમ (પરીક્ષિત સાહની) પર ઘણો વિશ્વાસ હોય છે, કારણ કે તે તેના સ્વર્ગસ્થ પ્રેમી શશીનો મિત્ર છે. દોસ્ત પાછો દિલમાંને દિલમાં નિશાને ચાહતો હોય છે. શશી સમજીને ઉંમરમાં તેનાથી ખાસા યુવાન કરણ પાછળ પાગલ થઈ રહેલી નિશાને ભીષમ પાછી વાળે છે અને નિશા પણ ‘અચ્છા હૈ સંભલ જાયેં’ (ચલ કહીં દૂર નિકલ જાયેં) કહીને મંજિલ વગરના પ્રેમને તિલાંજલિ આપી દે છે. દર્શકો આમાં અટવાઈ ગયા. રમેશ તલવારે સાહસ કરીને નિશાના એકતરફી પ્રેમને જો આગળ વધાર્યો હોત તો દર્શકોએ એ હિંમતને તાળીઓ આપી હોત.

બાકી ફિલ્મમાં પ્રેમની જટિલતાને બહુ ઠાવકાઈથી પેશ કરવામાં આવી હતી. લગ્ન પહેલાંના પ્રેમ અને લગ્ન પછીના પ્રેમની એ તલાશમાં કોઈ છોછ, શરમ કે નાદાની નહોતી. દરેક પાત્રને માણસ તરીકે મૂકવામાં આવ્યા હતા. એક તરફ રિશી-નીતુની જવાનીની રમતો હતી (બન્ને એકબીજાને ફોન પર ‘હાઉ આર યુ બાબા? ફાઇન, બાબા’ કહેતાં) તો બીજી તરફ રાખીના આગમનથી ધીરગંભીર થઈને ઝઘડી પણ પડતાં હતાં.

‘દૂસરા આદમી’નું સૌથી જમા પાસું એનું કર્ણપ્રિય સંગીત હતું. રાજેશ રોશન આ ફિલ્મમાં તેમની શૈલીથી વિપરીત, એકદમ જોશીલું અને જીવનથી ધબકતું સંગીત લઈને આવ્યા હતા. તમે જો ‘નજરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા...’ અથવા ‘ક્યા મૌસમ હૈ, ચલ કહીં દૂર નિકલ જાતે હૈં...’અથવા ‘આંખોં મેં, કાજલ હૈ, કાજલ મેં, મેરા દિલ હૈ...’ અથવા ‘આઓ મનાયેં જશ્ને મોહબ્બત’ આજે સાંભળો તો દિલને સુકૂન મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK