વૅલેન્ટાઇન્સ દિનની શુભેચ્છા આપવા જેટલી કળ હવે વળવા લાગી છે. લોકલ ટ્રેન શરૂ થાય તો પ્રિયતમાના વાળમાં ગુલાબ ભેરવ્યાનું સુખ પ્રાપ્ત થાય. વૅલેન્ટાઇન્સની વૅક્સિન આમ તો આપણે દર વર્ષે લઈએ છીએ. જોકે લેનારની શ્રદ્ધા પ્રમાણે એની અસર લાંબા-ટૂંકા ગાળાની રહેવાની. ગુલાબના શરબતમાં તાજાં ગુલાબ ઝબોળીને થોડા રસભીનાં ટીપાં પ્રિયજનના ગાલ પર છાંટતા હોઈએ એવા કોઈ મનોરમ દૃશ્યની કલ્પના કરી મરીઝના શેર સમજવાનો પ્રયાસ કરીએ...
મારા જીવનના ચિત્રમાં, રંગ બનીને આવ તું
તારાં બધાં ચરિત્રમાં, અંગ મને બનાવ તું
કોશિશની કોઈ ભાવના, પ્રેમજગતમાં લાવ ના
આવી શકાય આવ તું, આવી જવાય આવ તું
પ્રેમમાં ખેંચાણ હોય એ આવકાર્ય છે, ખેંચતાણ નહીં. કોશિશ કરીને બિઝનેસ કરી શકાય, પ્રેમ નહીં. પ્રેમની કોઈ ડિગ્રી નથી હોતી. પ્રેમ સોડાવૉટરની બૉટલમાં આવેલો ઊભરો નથી, એ રસગુલ્લાની ચાસણી છે જે મીઠાશને સાચવીને બેઠી હોય. શાયર સગીરની પંક્તિઓ પ્રેમની વ્યાખ્યાને વિસ્તારે છે...
મિત્ર-શત્રુના વિચારોથી હંમેશાં પર રહી
હું હૃદયથી પ્રેમને છલકાવતો ચાલ્યો ગયો
કોઈ દિન થાશે ફળીને બાગ, એ આશા મહીં
બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો
ફળની અંદર એનું બીજ પડેલું હોય જેથી એ ફરી પાછું અવતરી શકે. જિંદગીમાં તમે શું વાવો છો એના આધારે જિંદગી તમારી કિંમત કરે. આવક-જાવકના હિસાબો લખી પ્રેમનો ચોપડો ચીતરવા બેસો તો સરવાળે મીંડું જ આવે. હા, સામે ચાલીને ખોટ ખાવાની તૈયારી રાખે એને પ્રેમની કેડીઓ પર ઊપસતી પગલીઓ સમજાતી જાય. બેફામસાહેબ સમજણપૂર્વક સ્વીકાર કરે છે...
દિલ જવા તો દીધું કોઈના હાથમાં
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ
સાચવી રાખવાની જે વસ્તુ હતી
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી
બે જણે એકમેકને સાચવવાના હોય. આ સત્ય કરચલીઓ પડે પછી વિશેષ સમજાશે. શરતો લાગુ કરીને સ્નેહના સોદા ન થાય. પ્રેમના સ્ટોક ઍક્સચેન્જમાં બધી જ સ્ક્રિપ બ્લુ ચિપ હોય છે. ભાવમાં ઉતાર-ચડાવ આવે એ સ્વાભાવિક છે, પણ લાંબા ગાળે એની વિશ્વસનીયતા ટકી રહે એ અગત્યનું છે. રોકાણકાર તરીકે સમજણ ન પડે તો રુસ્વા મઝલૂમીની જેમ જરા કન્ફ્યુઝ થવાની પણ સજા લેવા જેવી છે...
એ જોકે પધાર્યા છે કિંતુ કૈં એવી રીતે બેઠા છે
દેખાવ કરે છે દૂર થવા પણ પાસ બરાબર લાગે છે
પ્રણયની શરૂઆતમાં આઇસ બ્રેકિંગમાં વાર લાગતી હોય છે. સાચાં સ્પંદનો સુધી પહોંચવા માટે કાચા માર્ગે જવાનું થઈ શકે, પણ એ માર્ગ ઓળખીતો થાય પછી જે સ્પંદનો હૃદયમાં જાગે એ કોઈ પણ પ્રકારના નાર્કો ટેસ્ટમાં પાસ જ થવાના. જગદીશ વ્યાસ પ્રારંભિક અવસ્થાની સનાતની લાગણીને આલેખે છે...
ગુલાલ ઊડી રહ્યો છે, લોહીમાં શરણાઈ વાગે છે
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે
ભલે ક્યારેક સંકેલાઈ રહેવાની હતી ઉંમર
હવે છુટ્ટા મૂકેલા સઢમાં ફરફરવાની ઉંમર છે
ઉંમર પ્રમાણે પ્રેમની સમજણ બદલાતી જાય. પહેલાં જે ઘેલછા કહેવાતી હોય એ ધીરે-ધીરે કાળજીમાં પરિવર્તન પામે. આવેગનું રૂપાંતર આસ્થામાં થવાની પ્રક્રિયા લાંબી જ હોવાની. ફર્ટિલાઇઝર નાખી ખેતરમાંથી વધારે પાક ઉત્પાદન મેળવવાની મથામણ પ્રેમમાં કરવા જેવી નથી. એને ઑર્ગેનિક જ રહેવા દો. સહજતા જ એનું સ્વર્ગ છે. ફુટપટ્ટીનો ડર બતાવીને પ્રેમ પામી ન શકાય. ખરાઈનું આભૂષણ પ્રેમને ખૂબસૂરત બનાવે છે. નાઝ માંગરોળી કહે છે આધિપત્ય ગમતીલું લાગે છે...
લાખ કીધા યત્ન પણ બુદ્ધિનું કાંઈ ચાલ્યું નહીં
દિલ પ્રણય-આવેશમાં છેવટ દીવાનું થઈ ગયું
વિરહી જન માટે ઘડી આ મોતથી કંઈ કમ નથી
લો ફરી આજે ગગન તારા વિનાનું થઈ ગયું
જેમ ઍન્ટિ-બાયોટિક દવાની આડઅસર હોય એમ પ્રેમમાં સીધી અસરરૂપે વિરહ સંકળાયેલો હોય. સિમ કાર્ડ વગર મોબાઇલનો ઉપયોગ સીમિત થઈ જાય, એમ પ્રેમનું મહત્ત્વ સમજાવવા વિરહનું અવતરણ જરૂરી છે. ગિરધરલાલ મુખીની પંક્તિઓ સાથે મિલનની કામના કરીએ...
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયા
છતાં તેના મિલનની ક્ષણમાં યુગ પલટાઈ જાય છે
સમજ પડતી નથી, શું આજ દિલમાં થાય છે અમને?
ન કહેવાનું અનાયાસ ‘મુખી’ કહેવાઈ જાય છે
ક્યા બાત હૈ
તમે વાત મને કીધી જે કાનમાં
એ તો સમંદર થઈ ઊછળે તોફાનમાં!
પાંપણ ઢાળીને હું તો જોઈ રહી છું
કૈંક માછલીઓ શબ્દોની મલકે
બળબળતા તડકામાં ઝાંખો જે દરિયો
એ તો રાતે ઝળહળતો ઉમળકે
બધું સમજું છું તોય નહીં ભાનમાં
એવો સમંદર થઈ ઊછળે તોફાનમાં!
મોતી જો હોયને તો સાચવી હું લઉં
આ તો સાગરને કેમ લઉં સોડમાં?
શ્વાસને આ ભીંજવીને સરતા તરંગ
એને કેમ ઝીલું ઊગતા પરોઢમાં?
ક્યાંક જાતે ખેંચાઉં ખેંચતાણમાં
એવો સમંદર અહીં ઊછળે તોફાનમાં!
- સુરેશ દલાલ
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)
ભાષાપુરાણ: ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે
27th February, 2021 09:40 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTપરિવારનું સુખ (લાઇફ કા ફન્ડા)
26th February, 2021 11:45 ISTઅબ તો ચેહરા ભી પૂછ રહા હૈ, જનાબ, ઝરા અપની પહેચાન બતા
26th February, 2021 11:38 IST