શાસ્ત્રભાષા સંસ્કૃત: દેવોની ભાષા એવી સંસ્કૃતના ઑનલાઇન ક્લાસ શરૂ થવા જોઈએ

Updated: Sep 17, 2020, 12:21 IST | Manoj Joshi | Mumbai

મેરે દિલ મેં આજ ક્યા હૈ? : જે રીતે આપણે ત્યાં વેકેશન બેચમાં ક્રિકેટથી માંડીને ફુટબૉલ શીખવા જનારાં બાળકો છે એ જ રીતે આ બાળકો વેકેશનમાં બેઝિક સંસ્કૃત શીખવા માટે જઈ શકે એવું પણ કરવું જોઈએ

શાસ્ત્રોમાં સંસ્કૃતને દેવોની ભાષા ગણાવવામાં આવી છે.
શાસ્ત્રોમાં સંસ્કૃતને દેવોની ભાષા ગણાવવામાં આવી છે.

આપણે ત્યાં સંસ્કૃત હવે નામશેષ થઈ ગયું છે. થોડા સમય પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થનાની વાત કહી ત્યારે પણ સંસ્કૃત માટે આ જ શબ્દો કહ્યા હતા. શાસ્ત્રોમાં સંસ્કૃતને દેવોની ભાષા ગણાવવામાં આવી છે. કહેવાયું છે કે સંસ્કૃત દેવી-દેવતાઓના વાર્તાલાપમાં ઉપયોગી બનતી ભાષા હતી. કહેવાતી આ વાતને માનવી જરૂરી નથી, પણ એ તો માનવું જ રહ્યું કે આપણાં મોટા ભાગનાં શાસ્ત્રો પણ સંસ્કૃતમાં લખાયેલાં છે અને સંસ્કૃતમાં લખાયેલાં એ શાસ્ત્રોમાં અનેક વાતો એવી છે કે જે જીવન માટે ઉપયોગી છે. ધાર્મિકતાની બાબતથી માંડીને આર્થિક રીતે અને આરોગ્યની દૃષ્ટિએ પણ એ શાસ્ત્રો બહુ ઉપયોગી છે, પણ આપણી મજબૂરી એ છે કે આપણી પાસે એ શાસ્ત્રો વાંચવાની અને એને સમજવાની ક્ષમતા નથી.
સંસ્કૃતના શ્લોકનો ગહન અભ્યાસ કરવામાં આવે તો એ તમામ શ્લોક પણ ઘણુંબધું શીખવી જવા માટે સક્ષમ છે. નાનો હતો ત્યારે હું થોડુંઘણું સંસ્કૃત શીખ્યો છું, જેને લીધે શાસ્ત્રોનો થોડોઘણો અભ્યાસ કરવાની તક મને મળી, પણ મને અફસોસ એ વાતનો થતો રહ્યો છે કે આ તક આજની પેઢીને નથી મળી રહી. સંસ્કૃત શીખવવા માટે સરકાર દ્વારા કોઈ અને કોઈ પ્રયોજન થવું જોઈએ. પહેલાં પણ હું આ જ વાત કહી ચૂક્યો છું. વેકેશનમાં માત્ર બાળકો સ્પોર્ટ્સની ઍક્ટિવિટી કરે એના કરતાં જો સંસ્કૃત શીખવાની દિશામાં ધ્યાન આપે તો એનો નક્કર ફાયદો તેમને થવાનો છે. જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર યોગ માટે ઉત્સાહપ્રેરક જાહેરાતો કરે છે એવી જ રીતે સંસ્કૃત માટે કરે તો અનેક ફાયદાઓ થશે. એક, તો જેમને સંસ્કૃત આવડે છે એ સૌનો ઉત્સાહ વધશે અને તેમની માટે આજીવિકા પણ શરૂ થશે. સંસ્કૃત જાણતી કોઈ વ્યક્તિ આજે ક્યાંય આજીવિકા માટે હેરાન નથી થઈ રહી, એ વાત પણ એટલી જ સાચી છે અને એમ છતાં પણ શીખનારાઓ આંખ સામે બેઠા હોય અને સરકાર દ્વારા એનું વેતન આપવામાં આવતું હોય તો એનો આનંદ અલગ પ્રકારનો હોય છે.
મુંબઈમાં પણ સંસ્કૃત શીખવનારાઓ છે જ. જે રીતે આપણે ત્યાં વેકેશન બેચમાં ક્રિકેટથી માંડીને ફુટબૉલ શીખવા જનારાં બાળકો છે એ જ રીતે આ બાળકો વેકેશનમાં બેઝિક સંસ્કૃત શીખવા માટે જઈ શકે એવું પણ કરવું જોઈએ. અત્યારે બાળકો જ્યારે ઑનલાઇન ભણે છે ત્યારે પણ સંસ્કૃતના ઑનલાઇન ક્લાસ શરૂ થવા જોઈએ. આધુનિકતા અને પરંપરાનું અદ્ભુત સમન્વય થશે. કરવાની જરૂર એ છે કે સંસ્કૃત શીખવા માટેની જે ફી છે એ નૉમિનલ રાખવામાં આવે, જેથી બાળકો આવવાની ઇચ્છા વ્યક્ત કરે તો પણ પેરન્ટ્સને એ ક્લાસ શરૂ કરાવવા માટે કોઈ આર્થિક ભાર ન લાગે. ગુજરાતમાં યોગના પ્રમોશન માટે ગુજરાત સરકાર પુષ્કળ પ્રયાસ કરે છે અને એ પ્રયાસ લૉકડાઉન દરમ્યાન વધારી દેવામાં આવ્યા હતા. યોગ અને સંસ્કૃતને પણ સીધો સંબંધ છે, પણ એ સંબંધો વિશે અત્યારે વાત કરવી આવશ્યક નથી એટલે આપણે એ ચર્ચા બાજુ પર મૂકીએ પણ હા, સંસ્કૃતની વાતો અત્યારના આ સમયમાં મનમાં સાવ જ અચાનક શું કામ આવી એની વાતો કરવાની છે, પણ આવતી કાલે, આજે અહીં વિરામ લઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK