મફતના ડેટાથી મનફાવે એમ ડાઉનલોડ કરો છો?

Published: Nov 03, 2019, 13:22 IST | પરખ ભટ્ટ | મુંબઈ

‘નેટફ્લિક્સ ઍન્ડ ચિલ’ના હેશટૅગિયા ટ્રેન્ડનું અનુસરણ કરનારા રસિકો ફક્ત અડધા કલાકના વેબ-શો બાદ વિશ્વને ૧.૬ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડની ભેટ આપે છે!

મફતના ડેટાથી મનફાવે એમ ડાઉનલોડ કરો છો?
મફતના ડેટાથી મનફાવે એમ ડાઉનલોડ કરો છો?

ઘરની ચાર દીવાલો વચ્ચે બેસીને OTT (ઑવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ પર શાંતિથી પોતાના મનગમતા વેબ-શો કે ફિલ્મ જોવી એ નડતરરૂપ બાબત કેવી રીતે હોઈ શકે? નેટફ્લિક્સ, ઍમેઝૉન પ્રાઇમ, હૉટસ્ટાર, યુટ્યુબ, ઑલ્ટ બાલાજી, ઝી-ફાઇવ કે વૂટ જેવા ઑનલાઇન પ્લૅટફૉર્મ પરની વેબ-સિરીઝ આપણી પૃથ્વીને પ્રદૂષિત કરી શકે? જી, બિલકુલ. અમેરિકાની ગ્રીનપીસ કંપનીએ આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નેટફ્લિક્સ સહિતનાં અન્ય પ્લૅટફૉર્મ પર પોતાની મનગમતી કન્ટેન્ટ જોઈ રહેલો કોઈ પણ પ્રેક્ષક દર અડધી કલાકે પૃથ્વીના વાતાવરણમાં ૧.૬ કિલોગ્રામ Co2 (કાર્બન ડાયોક્સાઇડ વાયુ) ઠાલવે છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો કારચાલક સળંગ ૬.૨૮ કિલોમીટર સુધી પોતાનું વાહન ચલાવે ત્યારે જેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, એટલો જ વાયુ આપણે અડધી કલાક સુધી નેટફ્લિક્સ જોયા બાદ ઉત્સર્જિત કરીએ છીએ.
ટેક્નૉલૉજીની પેચિંદી આંટીઘૂંટીમાં અટવાયા વગર આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. ડિજિટલ વિડિયોની સાઇઝ બહુ જ વધારે હોય છે. વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટા પર હાઇ-ડેફિનેશન ફિલ્મ ડાઉનલોડ કરો ત્યારે મોટે ભાગે એ બે-ત્રણ જીબીની હોય છે, પરંતુ ડિજિટલ પ્લૅટફૉર્મ પરના વિડિયો વધારે મોટા કદના થતા જાય છે. જેટલો વધુ ડેટા એટલી વધારે એનર્જી એને સાચવવા માટે ખર્ચાઈ જાય છે! જેના માટે મસમોટાં ડેટા-સેન્ટર્સ અને સિસ્ટમ ઊભી કરવી પડે છે. આવાં ડેટા-સેન્ટર્સને કાર્યરત રાખવા માટે જે ઊર્જાની જરૂર પડે છે એ આપણે કોલસા સહિતનાં અન્ય ઈંધણમાંથી મેળવીએ છીએ જે છેવટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં ઠાલવે છે.
નવી પેઢી માટે નેટફ્લિક્સ વરદાનરૂપ પ્લૅટફૉર્મ છે. ઇચ્છા પડે ત્યારે મોબાઇલ કે ટીવીમાં ફક્ત એક ક્લિકના માધ્યમથી એને ગમે એ જગ્યાએ એક્સેસ કરી શકાય એમ છે. લગભગ દરેક ભાષાનું કન્ટેન્ટ એના પર ઉપલબ્ધ છે. દરેક પ્રકારના પ્રેક્ષકવર્ગ માટે ત્યાં કંઈક ને કંઈક છે. વળી, એક સિરીઝ અથવા ફિલ્મ પૂરી કરો ત્યાર બાદ આવતો ઑટો-પ્લેનો વિકલ્પ પણ ખરો! દર્શકને પોતાની બેઠક પરથી ઊભો ન થવા દેવો, એ દરેક ડિજિટલ પ્લૅટફૉર્મનો મૂળ મંત્ર બની ગયો છે. નેટફ્લિક્સ સ્વીકારે છે કે ૨૦૧૭થી ૨૦૧૮ની સાલ વચ્ચે તેમની ઇન્ટરનૅશનલ રેવન્યુમાં ૫૩ ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે હજી ઍપલ અને ડિઝની પણ પોતાનાં ધમાકેદાર પ્લૅટફૉર્મ સાથે ડિજિટલ પદાર્પણ કરવા તત્પર બન્યા છે. સ્પર્ધાની બીકે દરેક પ્લૅટફૉર્મના સબસ્ક્રિપ્શન-રેટ ઘટવા માંડ્યા છે. મહિને ૫૦૦ રૂપિયાના ભાવે મળતું નેટફ્લિક્સ હવે ૨૦૦ રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. મનોરંજનની સસ્તી જાત્રા તો કોને ન ગમે? એક અનુમાન એ પણ છે કે ૨૦૨૨ સુધીમાં વેબ-ટ્રાફિક ચાર ગણો વધી જશે!
૧૯૯૫-’૯૭નો જમાનો યાદ કરીએ તો સમજાય સાહેબ કે બાવીસ ઇંચના ઇડિયટ-બૉક્સનું સ્થાન આજે ૫૦ ઇંચના સ્ક્રીને લઈ લીધું છે. ઍમેઝૉન ફાયર ટીવી-સ્ટિક અને ટીવી-સેટમાં આવી ગયેલી ઇન્ટરનેટ પોર્ટેબિલિટીને કારણે લોકો વેબ-શો મોટા પડદા પર જોવાનું જ વધારે પસંદ કરે છે. સ્વાભાવિક છે કે મોટા પડદા પર બફર થતો વિડિયો HD (હાઇ-ડેફિનેશન) જ હોવાનો! એમાં વળી 4K અને 8K સ્ક્રીનના લીધે ડેટા-સેન્ટર્સ દ્વારા ખર્ચાતી ઊર્જામાં ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ભવિષ્યમાં આ આંકડાઓ હજી ઘણા ઊછળશે એ પણ નક્કી છે. મુદ્દો એ છે કે ભારત આ મામલે અત્યારે કયા મેદાનમાં યુદ્ધ લડી રહ્યું છે? શું છે આપણા દેશની સ્થિતિ?
આંકડાઓ કંઈ બહુ સારા કહી શકાય એવા નથી. વાસ્તવિક પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે ભાભા પરમાણુ કેન્દ્રના નિવૃત્ત વૈજ્ઞાનિક પરેશ વૈદ્ય સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમ્યાન ઘણી બાબતો જાણવા મળી. અમેરિકા, ચીન અને ભારતની ઊર્જા માટેની માગમાં છેલ્લા કેટલાક સમયની અંદર ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે. પર્યાવરણની સલામતી નિશ્ચિત કરતા પૅરિસ ઍગ્રીમેન્ટમાંથી અમેરિકાએ પોતાના હાથ ઊંચા કરી દીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે ઍગ્રીમેન્ટનો ભાગ બન્યા રહેવાથી અમેરિકાનું અર્થતંત્ર ખાડે જઈ શકે એમ છે. સામે પક્ષે તેઓ આપણા દેશ પાસેથી એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ઊર્જાની માગ અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અહીંથી ઓછું થાય તો સારું! દેખીતી રીતે આ શક્ય જ નથી સાહેબ. ભારત હજી વિકાસશીલ દેશ છે. કેટકેટલાંય ગામડાંઓ હજી એવાં છે જ્યાં વીજળીના તાર નથી પહોંચ્યા. ભારતનો વસ્તીવધારો તમામ સમસ્યાનું મૂળ છે. માથાદીઠ થતું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અહીં સાવ નિમ્ન કહી શકાય એટલું છે. આમ છતાં, વ્યક્તિગત નહીં, પરંતુ સવાસો કરોડના સમૂહની વાત આવે ત્યારે આ પ્રમાણ ખૂબ વધી જાય છે જેને લીધે વિશ્વનું ધ્યાન આપણા તરફ દોરાઈ રહ્યું છે.
ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીના રિપોર્ટમાં દર્શાવાયું છે કે ભારતે ૨૦૧૮માં ૨૨૯૯ મિલ્યન ટનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં ઠાલવ્યો છે જે ૨૦૧૭ના વાર્ષિક આંકડાઓ કરતાં ૪.૮ ટકા વધુ છે! વિરોધાભાસ જુઓ સાહેબ, નવિનીકરણીય (રિન્યુએબલ) જેમ કે સોલર-પાવર, પવનચક્કી, ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતી ઊર્જામાં ૧૦.૬ ટકાનો વધારો થયો હોવા છતાં ભારત પ્રદૂષણ ઘટાડવામાં સફળ નથી થઈ શક્યું. કારણ? વસ્તીવિસ્ફોટ. ૨૦૩૦ સુધીમાં ઊર્જાના ૪૦ ટકા સ્રોતો કુદરતી અને પુનઃ વપરાશમાં લઈ શકાય એવા હશે એ પ્રકારના વાયદાઓ ભારતે આપ્યા છે, પરંતુ વચનપૂર્તિ માટે જરૂરી ૧૫૦ ટ્રિલ્યન રૂપિયા ક્યાંથી આવશે એ નથી કહેવામાં આવ્યું!
રખેને એમ માની લેતા કે ડિજિટલ પ્લૅટફૉર્મ જ પ્રદૂષણનું એકમાત્ર કારણ છે! ના. પૉર્નોગ્રાફિક વેબસાઇટ્સ પણ આના માટે જવાબદાર છે. ઑનલાઇન કન્ટેન્ટ જોવાથી વાતાવરણમાં ઠલવાતા ૩૦૦ મિલ્યન ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ૨૭ ટકા ભાગ (૮૨ મિલ્યન ટન) પૉર્ન વિડિયો રોકે છે! નેટફ્લિક્સ કે ઍમેઝૉન પ્રાઇમ જેવા ડિજિટલ પ્લૅટફૉર્મ તો હજી ય સબસ્ક્રિપ્શન માગે છે, પરંતુ પૉર્ન વેબસાઇટ્સ તો સાવ મફત છે. ગૂગલ કરો અને વિડિયો ઑન કરો, એટલું સરળ! કોઈ લોગ-ઇન કે સાઇન-અપની જરૂર નથી જેના કારણે ત્યાં અવારનવાર મુલાકાત લેવી માણસને ગમે છે. એમાં 5Gના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. ત્યાર બાદ તો ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા જોવાતાં કન્ટેન્ટની માત્રા કેટલી હદે વધશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એકેય દેશની સરકાર હજી આ મામલે ગંભીરતા નથી દાખવી રહી. સ્માર્ટફોન, ટીવી, ડેટા-સેન્ટર અને કમ્પ્યુટર દ્વારા પૃથ્વીના ઉપલા સ્તરમાં કુલ ૪ ટકા ગ્રીનહાઉસ વાયુ ઠલવાય છે જે ઍરલાઇન ઇન્ડસ્ટ્રી (૨.૫ ટકા) દ્વારા ઉત્સર્જિત થતા ગ્રીનહાઉસ વાયુ કરતાં લગભગ બમણો છે.
IT જાયન્ટ ‘સિસ્કો’ના સર્વે મુજબ, આવનારાં ત્રણ વર્ષની અંદર દુનિયાની ૬૦ ટકા વસ્તી ઑનલાઇન હશે! દસ કલાકની HD ફિલ્મ વિકીપીડિયાના બધા જ અંગ્રેજી લેખોનો સરવાળો કરો, એના કરતાં પણ વધુ જગ્યા રોકે છે. એમાં વળી ભરચક વિસ્તારોમાં ઇન્ટરનેટનો વપરાશ વધુ પ્રદૂષણ ફેલાવી શકે છે. મકાન-ઇમારતો કે આબોહવાને કારણે ટ્રાન્સમિશનમાં અવરોધ આવે છે, જેના કારણે ઇલેક્ટ્રૉમેગ્નેટિક તરંગોના વહનમાં નડતર પેદા થાય છે અને વિડિયો બફર થયા રાખે છે. બે મિનિટની નાનકડી ક્લિપ અગર પાંચ મિનિટ સુધી બફર થશે તો એના લીધે ઊર્જા પણ એટલી જ વધારે ખર્ચાશે! તજજ્ઞોની સલાહ છે કે 3G ડેટાનો ઉપયોગ કરીને વિડિયો જોવાનો આગ્રહ રાખવો નહીં. મોટે ભાગે વાઇ-ફાઇ નેટવર્કનો ઇસ્તેમાલ જ પર્યાવરણ માટે હિતાવહ છે.
સાથોસાથ ડિજિટલ હાઇજીન જાળવતા નહીં શીખીએ ત્યાં સુધી આ સમસ્યાનો હલ આવવાની કોઈ સંભાવના નથી. સરકાર જાગૃત થાય એની રાહ જોવાને બદલે યુઝરે પોતે પર્યાવરણ માટે તકેદારી રાખવાનું શરૂ કરવું પડશે. પોતાની જાતને આ સવાલો પૂછો. બિનજરૂરી, એકસરખા લાગતા ૨૫ ફોટોને ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરવાને બદલે જે ખરેખર ખપમાં આવે એમ છે એવા ૨-૫ ફોટો ક્લાઉડમાં ઉમેરીએ તો ન ચાલે? નાના-મોટા પ્રત્યેક વિડિયોનું બૅક-અપ લેવાને બદલે જે જરૂરી છે, એવા ૧-૨ વિડિયોને સ્ટોર કરીને ડેટા-સેન્ટર દ્વારા ખર્ચાતી ઊર્જાની આપણે બચત ન કરી શકીએ? લૅપટૉપ-કમ્પ્યુટર-સ્માર્ટફોનમાં નકામા ફોટો-વિડિયો-મેસેજ-ફાઇલને ડિલિટ કરીને પર્યાવરણ પરનું ભારણ થોડુંક હળવું ન કરી શકીએ? ચતુર કરો વિચાર.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK