Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાબરીપુરાણઃ ચુકાદો કોઈ પણ હોય, સહિષ્ણુતા તો રામરાજ્યની જ હોવી જોઈશે

બાબરીપુરાણઃ ચુકાદો કોઈ પણ હોય, સહિષ્ણુતા તો રામરાજ્યની જ હોવી જોઈશે

07 November, 2019 12:57 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

બાબરીપુરાણઃ ચુકાદો કોઈ પણ હોય, સહિષ્ણુતા તો રામરાજ્યની જ હોવી જોઈશે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


આ મહિને બાબરીધ્વંશના કેસનો ચુકાદો આવી જશે. નવેમ્બરના ત્રીજા વીકમાં આ ચુકાદાની વાત છે. જો હવે કોઈ વિઘ્ન ન આવે, કોઈ જાતની બીજી અડચણ નહીં આવે તો ઑલમોસ્ટ પચીસ વર્ષે આ કેસનો ચુકાદો આવશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. પચીસ વર્ષ. બહુ લાંબો ગાળો લાગે, પણ જો તમે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખવાનું કામ કરો, જો તમે બે સમુદાયની ભાવનાઓને જુઓ તો આ અઢી દાયકા જરા પણ ખોટા નથી. આપણી ન્યાયપ્રણાલીની એક નીતિ રહી છે. ૧૦૦ આરોપી ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. જો આ પ્રણાલી વ્યક્તિગત ગુનામાં લાગુ પડતી હોય તો સ્વાભાવીવિછે કે આ જ નીતિ બાબરીધ્વંશ જેવા કેસમાં પણ લાગુ પડે અને એને કારણે અઢી દાયકાનો લેવામાં આવેલો સમય વાજબી લાગે, પણ આજે આપણે આ અઢી દાયકાને ધ્યાનમાં નથી રાખવાનો. આજે આપણે પસાર થયેલા સમયને નથી રડવાનો કે ન્યાય માટે પસાર થતા કાળને પણ નથી જોવાનો.
આજે વાત એ ચુકાદા અને ચુકાદાની દિશાની કરવાની છે. ચુકાદો સુપ્રીમ કોર્ટ જેકોઈ આપે, નિર્ણય જેકોઈ લેવામાં આવે, રામમંદિર માટે પરવાનગી આપે તો પણ ઠીક અને ધારો કે એવી કોઈ છૂટ આપવાની ન હોય તો પણ હરિઇચ્છા, પણ એ જેકોઈ ચુકાદો આવે એને શ‌િરોમાન્ય ગણીને આગળ વધવાનું છે. કોઈ જાતની આછકલાઈ એ ચુકાદા પછી જોવા ન મળવી જોઈએ અને કોઈ પણ જાતની ગેરવર્તણૂક પણ આપણામાંથી કોઈએ કરવાની ન હોય. ધર્મ કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય અને એનો ઈશ્વર કોઈ પણ હોય. ના, એટલે ના. કાયદો હાથમાં લેવાની દિશાનો વિચાર સુધ્ધાં નથી કરવાનો અને ધાર્યું કરવાની માનસિકતા પણ હવે મનમાં નથી રાખવાની.
અમન. શાંતિ. ભાઈચારો. આ હિન્દુસ્તાનના લોહીમાં વહે છે અને સૌકોઈને એની ખબર જ છે. અમનની ભાવના હંમેશાં કટોકટીના સમયમાં જ દેખાડવાની હોય. કશું બન્યું ન હોય એવા સમયે મુસ્લિમ બિરાદરના ઘરે જઈને તેને ઈદની મુબારકબાદી આપવી એમાં ક્યાંય અમનની વાત સ્પષ્ટ નથી થતી, પણ દેશમાં અશાંતિ ફેલાય એવા સમયે જઈને ઈદની મુબારકબાદી આપવામાં આવે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી. સુપ્રીમ કોર્ટે નિર્ણય લઈ લીધો હશે અને સુપ્રીમ કોર્ટે નક્કી પણ કરી લીધું હશે કે શું જજમેન્ટ આપવાનું છે. એવું જ આપણે પણ કરવાનું છે. આપણે પણ નક્કી કરીને રાખવાનું છે કે મંદિર કે મસ્જિદ બનાવવાનો આદેશ આપવામાં આવે પણ એ આદેશ પછી આપણે સૌ દેશની એકતા અને અખંડિતતાને અકબંધ રાખીશું અને એ મુજબ જ વર્તીશું. જગતઆખું તમારી સામે જોતું હોય એ સમયે જો તમે તમારી આછકલાઈને રોકી ન શકો તો તમારામાં અને જંગલી જાનવરોમાં કોઈ ફરક નથી. એ દિવસ વિશ્વઆખાની નજર તમારા પર હશે. જો ખુશીના સમાચાર આવે તો મદમસ્ત નથી બનવાનું અને ધારો કે ન ગમે એવું જજમેન્ટ આવે તો નારાજગી ક્યાંય મન પર હાવી નથી થવા દેવાની. આ એક પ્રક્રિયા છે, એક સિસ્ટમ છે અને એને સ્વીકારવાની છે. સ્પોર્ટ્સમૅન સ્પ‌િરિટ અપનાવવાની છે અને પ્રક્રિયા પૂરી થયા પછી બધું ભૂલીને નવી દિશામાં આગળ વધી જવાનું છે. ખુશી કોઈને નીચે પાડવા માટે નથી હોતી અને દુઃખ કોઈની ટાંગ ખેંચવાની તક મેળવવા સમાન નથી હોતી.
ભૂલતા નહીં. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે તમારાં પણ માનવીય મૂલ્યોની કસોટી થવાની છે અને એ કસોટીમાં તમારે અવ્વલ દરજ્જે પાસ થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 12:57 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK