વિજય કોનો? બારામતીના બાજીરાવનો?

Updated: Dec 08, 2019, 14:29 IST | Dr Dinkar Joshi | Mumbai

મહારાષ્ટ્ર રાજ્યની રચના થયા પછી એના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરેની ૧૯મી સરકાર બનતી આપણે જોઈ.

પવાર-ઠાકરે
પવાર-ઠાકરે

મહારાષ્ટ્ર રાજ્યની રચના થયા પછી એના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરેની ૧૯મી સરકાર બનતી આપણે જોઈ. આંકડાશાસ્ત્રીઓ આજે ભલે ૧૯મી સરકાર કહે, પણ આ ૧૯મીના અવતાર પહેલાં થોડા કલાક માટે એક ઝબૂકિયા સરકાર મધરાતે જન્મી અને થોડાક કલાક ઝબૂક-ઝબૂક થઈને બાળમરણ પણ પામી ગઈ. આને જો સરકાર ગણીએ તો ઉદ્ધવની સરકારને ૨૦મી સરકાર કહેવી પડે. સરકારોનું બનવું અને વિલોપ થઈ જવું એ કંઈ નવી વાત નથી. એવું તો બન્યા જ કરે, પણ ઉદ્ધવ સરકારે એના પ્રસવકાળે જે વેદના વેઠી અને પછી ઝાઝી સુયાણીઓએ ભેગી થઈને જે વેતરને જન્મ આપ્યો એવો જન્મ સ્વતંત્ર ભારતનાં ૭૦ વર્ષના સમયગાળામાં કોઈ સરકારે જોયો નહીં હોય.

મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનનું નામ છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલું છે. મુંબઈના હવાઈ મથકનું નામ પણ છત્રપતિ શિવાજી મહારાજના નામ સાથે જ જોડાયેલું છે. આમ છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈની ગતિવિધિઓ ઉપર સતત નજર રાખે છે. શિવાજી મહારાજે અહીં બેસીને મુંબઈની જે ૨૦ સરકારોને બનતી જોઈ એમાં આ ઉદ્ધવ સરકારને બનતી જોતી વખતે તેમને જે વ્યથા અને વેદના થઈ હશે એની થોડી વિચારણા કરવા જેવી છે. આ ૨૦મી સરકાર શિવાજીના નામ સાથે સંકળાયેલી નથી. ઉદ્ધવ ઠાકરેની આ સરકાર હવે શિવસેનાની નથી. શિવસેનાએ પોતાના નામનું આત્મવિલોપન કરીને આ સરકાર બનાવી છે. હવે શિવસેના નથી, આઘાડી છે. આટલું અધૂરું હોય એમ શિવસેનાના દૈનિક વર્તમાનપત્ર ‘સામના’એ પોતાનો રંગ બદલી નાખ્યો છે. ભગવા રંગનું ‘સામના’ સત્તાપરસ્તી માટે લીલા રંગનું બની ગયું છે. એટલું જ નહીં, હિન્દુત્વના સૂત્ર સાથે પ્રગટ થતું ‘સામના’ હવે સર્વ ધર્મ સમભાવ જેવા રૂપકડા સૂત્ર સાથે પ્રગટ થવા માંડ્યું છે. સર્વ ધર્મ સમભાવ સારી વાત છે. હિન્દુત્વનું સૂત્ર કંઈ બૂરી વાત નહોતી અને છતાં એ સૂત્રનું વિસર્જન કરીને શિવસેનાએ પોતાનો અવતાર બદલી નાખ્યો છે. હવે ભગવો રંગ રહ્યો નથી અને હિન્દુત્વ પણ રહ્યું નથી. હવે જેકંઈ છે એ સરકાર છે, સિંહાસન છે, સત્તા છે. શિવસેનાનું તો વિલોપન થઈ જ ગયું છે. આ વિલોપન બીજું ગમે એ કહેવાય, સંથારો તો ન જ કહેવાય. મુંબઈના હવાઈ મથક અને રેલવે સ્ટેશન ઉપર બિરાજમાન છત્રપતિ શિવાજી મહારાજે આ દૃશ્ય જોયું હશે ત્યારે તેમને કેવી પીડા થઈ હશે એ દરેકની કલ્પનાનો વિષય છે.

છત્રપતિ શિવાજી મહારાજને જેવો સીધો સંબંધ મુંબઈ સાથે હોવાનું કહી શકાય એવો સીધો સંબંધ ગાંધીજીને મુંબઈ સાથે હોવાનું કહેવું મુશ્કેલ છે. ગાંધીજીની તમામ રાજકીય કે સામાજિક પ્રવૃત્તિઓ દેશવ્યાપી હતી અને આમ છતાં તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં હંમેશાં મુંબઈ રહ્યું હતું. ગાંધીજીએ લોકશાહીને વેશ્યા જેવા અણગમતા શબ્દોથી ઓળખાવી હતી. જોકે ૧૯૦૯માં આ ઓળખાણ કરાવ્યા પછી છેક ૧૯૪૫માં આ શબ્દને ગાંધીજીએ થોડો હળવો કરી નાખ્યો હતો.

મહારાષ્ટ્રની આ ૨૦મી સરકારના પુરોગામી તરીકે મધરાતે રાષ્ટ્રપતિશાસન પાછું ખેંચાયું અને પછી રાતબૂઢી ફડણવીસની નવી સરકાર અજિત પવાર સાથે ચોરીચપાટીથી નિયુક્ત થઈ એ  સોગંદવિધિ જોઈને ગાંધીજીને કેવી અકળામણ થઈ હશે એ કલ્પના કરવી અઘરી નથી. અજિત પવારે પરમપૂજ્ય કાકાશ્રીને દગો દીધો હતો એવું નહીં કહેવાય, કેમ કે રાજકારણમાં આવા દગાફટકાની કોઈ નવાઈ નથી. ખુદ કાકાશ્રી જ દગાફટકાથી ૪૦ વર્ષ પહેલાં મુખ્ય પ્રધાન બન્યા હતા. કાકાશ્રીને પગલે-પગલે ભત્રીજાએ જે રાતબૂઢી ભવાઈ કરી એનું ગાંધીજીને જરૂર દુ:ખ થયું હશે. મુદ્દો રાજકારણમાં સચ્ચાઈ કે ખોટાઈનો નથી હોતો, પણ જે રીતે એનું નિદર્શન કરવામાં આવે છે એ વધારે મહત્વની વાત છે. કદાચ આ આખા પ્રકરણનો આ સૌથી વધુ લજ્જાસ્પદ દેખાવ છે. એમાંય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પોતાને સિદ્ધાંતો અને સચ્ચાઈનો પક્ષ માનતી અને મનાવતી હોય ત્યારે તો ખાસ.

અહીં સુધી તો બધું ઠીકઠાક છે એવું કહી શકાય એમ નથી અને છતાં મનને મરડીને એને ઠીકઠાક કહીએ એના સિવાય વિકલ્પ નથી. મુંબઈની સૌથી અદ્યતન કહેવાય એવી હોટેલના ભવ્ય અને કુશાંદે સભાખંડમાં કૉન્ગ્રેસના બધા જ નવનિર્વાચિત સભ્યોએ સોનિયા ગાંધીના નામે વફાદારીના સોગંદ લીધા એ દૃશ્ય જેમણે જોયું હશે તેમની અકળામણનો પાર નહીં રહ્યો હોય. મહારાષ્ટ્રને ગાંધી સાથે ઘનિષ્ઠ નાતો નથી રહ્યો એનો સ્વીકાર કરવામાં ઇતિહાસને કોઈ વાંધો નથી. મહારાષ્ટ્રની રાજકીય પ્રવાહધારા લોકમાન્ય ટિળક સાથે રહી હતી અને લોકમાન્ય ટિળકને ગોપાલ કૃષ્ણ ગોખલેનો નરમ પંથ પસંદ નહોતો. ગાંધીજી ગોખલેને પોતાના ગુરુ માનતા હતા અને ફળસ્વરૂપે મહારાષ્ટ્રનું લોકમાનસ ટિળક સાથે રહ્યું હતું, ગાંધી સાથે નહીં.

અને આમ છતાં મહારાષ્ટ્રના નવનિર્વાચિત વિધાનસભ્યોને પોતાની વફાદારી વ્યક્ત કરવા માટે ટિળક કે ગાંધીજી ન મળે એ તો જાણે સમજ્યા, પણ છત્રપતિ શિવાજી કે સમર્થ સ્વામી રામદાસ સુધ્ધાં હાથવગા ન થાય એ કેવી કપરી નાલેશી કહેવાય! શિવાજી કદાચ શિવસેના સાથે સંકળાયેલા હતા એટલે આ કૉન્ગ્રેસી વિધાનસભ્યોને તેમના નામ સાથે સોગંદવિધિ કરવામાં અડચણ આવી હોય એવું બને, પણ સમર્થ સ્વામી રામદાસ તો તેમના માટે ઉપલબ્ધ હતા જ. સમર્થ સ્વામીના નામે જો સ્મરણ કર્યું હોત તો સ્વામીએ તેમના કાનમાં ‘મનાચે શ્લોક’ કહ્યા હોત અને આ ‘મનાચે શ્લોક’ શિવાજીના સમયમાં જે રીતે રામબાણ પુરવાર થયા હતા એ જ રીતે આજે પણ થયા હોત. જે સોનિયાજીના નામે કૉન્ગ્રેસનું વિભાજન થયું હતું એ જ સોનિયાજીના નામે એ એના એ જ કૉન્ગ્રેસીઓએ પોતાનું આત્મનિવેદન કર્યું એ કેવી જબરદસ્ત વિટંબણા કહેવાય.

સોનિયાજીના નામે લેવાયેલા વફાદારીના સોગંદના આ દૃશ્યને જોઈને ૭૦ વર્ષના ભારતીય લોકશાહીના ઇતિહાસને કેવું લાંછન લાગ્યું છે એની તો કોઈ કલ્પના કરવી પણ અઘરી છે.

રાજકારણના ઇતિહાસમાં સારું અને ખરાબ, સાચું અને ખોટું, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિ આ બધું બનતું જ રહે છે. રાજકારણમાં હંમેશાં બે પક્ષો નથી હોતા, ૧૦-૨૦ પક્ષો પણ એકસાથે હોય છે. આ પક્ષો કેટલીક વાર તો નર્યાં ટોળાં જ હોય છે. આ ટોળાંઓ વચ્ચે કોનો જય કે કોનો પરાજય એ કહેવું સહેલું નથી. મહારાષ્ટ્રની ૨૦મી સરકારની જે ભવાઈ તાજેતરમાં ભજવાઈ ગઈ એમાં કોનો વિજય થયો કે કોનો પરાજય થયો એની વાત માંડવી મુશ્કેલ છે. દેખીતી રીતે પોતાની નવી સરકાર માટે ટકોરાબંધ વાતો કરનાર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. જો એણે મધરાતે ચોરીછૂપીથી સરકાર રચી ન હોત તો વિરોધ પક્ષે રહેવા છતાં એને પરાજિત ન કહેવાત. હાર-જીત ભલે સંખ્યાબળ પર નિશ્ચિત હોય, પણ સંખ્યાબળ કંઈ માનવમૂલ્યોનું કાયમી ધોરણ નથી હોતું. ભારતીય જનતા પાર્ટી મૂલ્યાંકનની આ પરીક્ષામાં પરાજિત થઈ છે.

ઇતિહાસની આ ઘડીએ જો એકપક્ષી વિજય એક જ જણને સાંપડ્યો હોય તો એ જણ છે બારામતીના બાજીરાવ. આ બાજીરાવે ૪૦ વર્ષ પહેલાં ગુલાંટ મારવાની પદ્ધતિ ભારે કુશળતાથી શીખી લીધી હતી. આ પરમ વિદ્યા તેમણે પોતાના પરિવારમાં ભત્રીજાને સુપેરે શીખવી દીધી. આમતેમ ગુલાંટ માર્યા પછી પણ કોઈનેય કશું ન સમજાય એ રીતે વિજયપતાકા પોતાની પાસે રાખી. ગુરુ દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, ઋષિ ભારદ્વાજના પુત્ર હતા અને છતાં તેમની પાસે બ્રહ્મવિદ્યા નહોતી. આ ગુરુદેવે પોતાની બ્ર્રહ્મવિદ્યા માત્ર પોતાના ધ્વજમાં જ અંકિત કરી રાખી હતી. તેમના ધ્વજમાં વેદનો ગ્રંથ અને કમંડળ પ્રતીકાત્મક સ્વરૂપે હતાં. આમાં બ્રહ્મવિદ્યા અને ત્યાગનું સૂચન હતું, પણ ક્યાંય વ્યવહાર નહોતો. બારામતીના આ આધુનિક દ્રોણાચાર્ય પણ મહાભારતના દ્રોણાચાર્યને બરાબર બંધબેસતા છે. તેમણે મહારાષ્ટ્રના આ મહાયુદ્ધમાં એક કાંકરે બે નહીં, ત્રણ-ત્રણ પક્ષી પાડ્યાં છે અને પરમ વિજય પ્રાપ્ત કર્યો છે. મહાભારતના દ્રોણાચાર્ય કુરુક્ષેત્રના મેદાનમાં પરાજિત થયા હતા. મહારાષ્ટ્રના આ દ્રોણાચાર્ય અત્યારના તબક્કે તો હજી પરાજિત નથી થયા. તેમણે શિવસેના નામના કાયમી શત્રુને દફનાવી દીધો. શિવસેના નામ સુધ્ધાં મહારાષ્ટ્રના રાજકારણમાંથી અલોપ થઈ ગયું. હવે જે સરકાર રચાઈ છે એ બારામતીના બાજીરાવની છે. એટલું જ નહીં, કૉન્ગ્રેસ નામની જે સંસ્થાથી જુદા પડીને તેમણે પોતાનો જ પક્ષ સ્થાપ્યો હતો એ પક્ષને મહારાષ્ટ્રમાં ખમતીધર કરી નાખ્યો. સોનિયાજીની કૉન્ગ્રેસને તેમણે છેક છેવાડે ખૂણામાં ધકેલી દીધી.

આ વિજેતાને પ્રસાર માધ્યમો ચાણક્ય તરીકે ઓળખાવે છે. એવું લાગે છે કે ચાણક્ય શબ્દનો અર્થ જ આ પ્રસાર માધ્યમો સમજ્યાં નથી. ચાણક્ય જેકંઈ કરતા એનું રહસ્ય દેખીતી રીતે સમજાતું નહીં, પણ વાસ્તવમાં ચાણક્યનું પ્રત્યેક પગલું લાંબા ગાળાના દેશના તથા સમાજના હિતમાં રહેતું. બારામતીના બાજીરાવને ચાણક્ય સાથે સરખાવી શકાય નહીં. તેમની નજર સામે પુત્રી કે ભત્રીજો તરવરતાં હોય છે; રાજ્ય, દેશ કે સમાજ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK