Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શબ્દો: મૌન અને વાચાના

શબ્દો: મૌન અને વાચાના

20 September, 2020 06:05 PM IST | Mumbai
Dr Dinkar Joshi

શબ્દો: મૌન અને વાચાના

શબ્દો: મૌન અને વાચાના


૨૪ કલાકના દિવસમાંથી ૮ કલાકનો સમય નિદ્રાકાળ ગણી લઈએ તો પછી વધેલા ૧૬ કલાક પ્રવૃ‌‌ત્તિકાળ માની શકાય. આ ૧૬ કલાકના પ્રવૃ‌‌ત્તિકાળમાં આપણે સંખ્યાબંધ માણસોને હળતા-મળતા હોઈએ છીએ. પરિવારજનો હોય, પાડોશીઓ હોય, સહ-કર્મચારીઓ હોય કે પછી આવતા-જતા કેટલાય માણસોને મળવાનું થાય. આ બધા સાથે કેટલીય વાતો થાય. આ વાતો કામની પણ હોય અને નકામી પણ હોય. દિવસના અંતે જો આ બધી વાતો યાદ કરીશું તો તરત જ એમ લાગશે કે મોટા ભાગની વાતો કામની નહોતી અને છતાં આપણે રસપૂર્વક કરી હતી. પરસ્પરને પૂછપરછ કરી હતી. ‘આમ કેમ? પેલું કેમ? આનું શું? પેલાનું શું?’ આમાંના મોટા ભાગના શું-શા સહેજ પણ ઉપયોગી નહોતા.

આ ૧૬ કલાકનો પ્રવૃ‌‌ત્તિકાળ કામ વગરના શું-શાથી ભરેલો હતો તો ૮ કલાકનો નિવૃ‌‌ત્તિકાળ પણ કામના શું-શાથી ભરેલો નથી? દેખીતી રીતે એમ લાગે કે નિવૃ‌‌ત્તિકાળમાં આપણે કોઈની સાથે હળતા-મળતા નથી, વાતચીત કરતા નથી, પણ એમ નથી. નિવૃ‌ત્ત‌િકાળમાં પણ આપણે ધાર્યા કરતાં વધારે અણધાર્યા માણસોને એવી રીતે મળીએ છીએ કે આ ૮ કલાક પૂરા થતાવેંત આ મુલાકાત અને આ સંવાદ બધું ભુલાઈ જાય છે. નિવૃ‌‌ત્તિકાળમાં જેને આપણે નિદ્રાવસ્થા કહીએ છીએ એમાં માત્ર આપણા ઓળખીતા-પાળખીતા કે અજાણ્યા જ નથી મળતા, જેની કદી કલ્પના પણ ન કરી હોય એવી પ્રાણીસૃષ્ટિ આ કાળમાં સજીવ થતી હોય છે. આ કોણ છે કે શું છે એ બધું સવાર પડતાં આપણે ભૂલી જઈએ છીએ.



મૂળ વાત આ બધા ગાળા દરમ્યાન આપણે શું વાતો કરી એની છે. સહેજ પણ ઉપયોગી ન હોય એવી કેટલીબધી વાતો કરી એનો સરવાળો કરશો? આ સરવાળો જાણે ઓછો હોય એમ દિવસ દરમ્યાન કેટલીય વાતોને સંભારીને, કેટલાય સ્નેહી સ્વજનોને સંભારીને તમે એવું પણ કહ્યું હશે, ‘જોયું, પોણો કલાક ઊભો રહ્યો, પણ એણે પેલી વાત તો કરી જ નહીં. એટલું જ નહીં, તેણે જે વાત કરી એને આની સાથે કંઈ લેવાદેવા નહોતી, પણ એ લુચ્ચો મારી પાસેથી પેલી વાત કઢાવવા માગતો હતો, પણ આપણે ક્યાં મોળા છીએ? આપણે એને જાણવા જ ન દીધું.’ આ આખા દિવસમાં આવી જે વાતો થઈ એવું હુતુતુતુ કેટલી વાર રમ્યા? જે કામની નથી એવી વાતો સામેવાળા પાસેથી જાણી લેવી અને જે નકામી છે એવી વાતો આપણી પાસેથી સામેવાળાને જાણવા ન દેવી આને આપણે ચબરાકી કહીએ છીએ. યાદ કરો કે દિવસ દરમાન આવી ચબરાકી કેટલી વાર કરી? અને આટલું કર્યા પછી તમે પોતે તમારી જાતને કેટલી વાર હોશિયાર માની?


આ બધું ઑફિસમાં, વ્યાવસાયિક ક્ષેત્રે કે રસ્તા પર, ઓળખીતા-પાળખીતા સાથે જ નથી બનતું. જેને તમે ઘર કહો છો, જેને તમે સ્વજન કહો છો અને જેની સાથે તમે સ્વજન-સ્વજનની ઘર-ઘર જેવી રમત રમો છો એ બધા સાથે પણ આ ૧૬ કલાક પ્લસ ૮ કલાકમાં કેટલી અને કેવી વાતો કરો છો એ જરા સંભારો તો ખરા! વાત કહીને જ નહીં, પણ કેટલીક વાર વાત નહીં કહીને પણ પરસ્પરને કેવી છેતરપિંડી થાય છે એને જરા યાદ તો કરો? સામાન્ય રીતે બધી વાત બધાને કહેવા જેવી નથી હોતી. કઈ વાત કોને કહેવાય અને કઈ વાત કોને ન કહેવાય એ વિવેક પ્રેમલક્ષણા ભક્તિ જેવો છે. આ ભક્તિ એકપક્ષી હોય છે. તમે આ વિવેક જાણતા હો અને આ જાણકારી સાથે ભક્તિસત્ર અમલમાં મૂકતા હો પણ સામેવાળાનું શું? સામેવાળો એનો કક્કોય જાણતો ન હોય અને પેલી વાત તમે ન કરી કે આ વાત કેમ કરી એનું ભર્યું ગાંડપણ જ ગાયા કરતો હોય તો તમે શું કરો? વાત કહેવા કરતાં વાત ન કહેવાનું પણ એક ઝાઝેરું મહત્ત્વ છે.

આર્યઋષિ પરંપરામાં શિક્ષણ શ્રુત કર્મ હતું. ગુરુ દ્વારા જે જ્ઞાન શિષ્યો પાસે જતું એ ગ્રંથો દ્વારા નહોતું. ગ્રંથો થોડા પાછલા સમયમાં આવ્યા છે. ગ્રંથોના આગમન પૂર્વે શિક્ષણ કહેવા-સાંભળવાથી એટલે કે શ્રુતિ મારફત જળવાયેલું છે. કહેવાય અને સંભળાય. કહેવા માટે એક ક્ષમતા જોઈએ અને સાંભળવા માટે પણ આવી જ ક્ષમતા અનિવાર્ય. કોઈ પણ માણસ બીજા પાસેથી કશુંક જાણવા માગતો હોય તો આ જાણવા માટે એની કક્ષા હોવી જોઈએ.


શ્રીમદ‍ ભાગવદ‍્ગીતાના ૧૮મા અધ્યાયમાં શ્રીકૃષ્ણએ ગીતાનું સમાપન કરતાં અર્જુનને કહ્યું છે કે ‘મેં તને જે વાત કહી છે એ વાત ગમે તેવા ક્ષમતા વિનાના માણસને કહીશ નહીં.’ વ્યવહારમાં ઘણી વાર ઘણા બખડજંતર માણસો પોતાને ભારે સમજદાર માને છે, પોતાની સમજદારીથી બધું જ જાણી શકે છે એવી મૂર્ખતામાં મહાલે છે એટલે જ્યાં-ત્યાંથી, ગમે ત્યાંથી પોતે બધું જ જાણી શકે, સમજી શકે એમ માનીને જાણકારીનો ઢગલો એકત્રિત કરે છે અને પછી આ ઢગલો નહીં વાપરવા જેવી જગ્યાએ વાપરે છે, વેરી દે છે.

વિનોબા ભાવેના આશ્રમકાળ દરમ્યાન કોઈ સાથીએ એવું કહ્યું કે વિનોબાજી આપણા એક સાથી વિશે તમને એક વાત કહેવા માગું છું. વિનોબાજીએ તેમને કહ્યું કે ભલે કહો, પણ એ કહેતાં પહેલાં મારી ત્રણ વાતનો જવાબ આપો. પહેલી વાત તો એ છે કે તમે જે સાથીની વાત કરવા માગો છો એ સાથી અત્યારે અહીં છે?’ પેલા સજ્જને કહ્યું, ના, તે અત્યારે અહીં નથી. વિનોબાજીઓ કહ્યું, ‘હવે બીજી વાત, તમે જે વાત કરવા માગો છો એ કામની છે?’ પેલા સજ્જને કહ્યું, ‘તમારી પ્રવૃ‌ત્તિમાં એ ઉપયોગી ન પણ હોય.’ વિનોબાજીએ પેલી ત્રીજી વાત આગળ ધરી, ‘એ વાતની જાણકારીથી આપણા બન્નેનું કલ્યાણ થાય એમ છે?’ પેલા સાથીએ કહ્યું, ‘આમાં કલ્યાણની તો કોઈ વાત નથી, માત્ર જાણકારી છે.’ વિનોબાજીએ આ વાત અહીં જ સંકેલો વાળી દેતાં કહ્યું, ‘તો પછી આપણે એ વાત કરવાની જરૂર શી છે?’

જે રીતે વાતચીતમાં વપરાતા શબ્દોનો મહિમા છે એ જ રીતે મનમાં ચાલતા વિચારો પણ શબ્દોથી જ સાકાર થતા હોય છે. મનમાં ઉદ‍્ભવતા અને વિલીન થઈ જતા શબ્દોની વિશેષતા એ રહી છે કે એ કોઈ જાણતું નથી. જે શબ્દો વાણીસ્વરૂપે સાકાર થાય છે એ શબ્દોને વાઘા સમજવા પડે છે. મનમાં વિચારાતા શબ્દો સાવ નિરાવરણ હોય છે. એને નિરાવરણ રહેવું ગમે છે અને વિચાર વેળાએ એને નિરાવરણ રાખવાનું આપણને ગમે છે. દિવસ દરમ્યાન જે વિચારો કર્યા હોય એ વિચારો સાંજની વેળાએ જો સંભારી શકાય તો સંભારજો. કયા વિચારો કયા સ્વરૂપે કર્યા અને એના એ સ્વરૂપે જો એને આગળ વધાર્યા હોય તો શું થયું હોત એનો એક નાનકડો વિચાર પણ કરી જોજો. શબ્દો વિશે એવું કહેવાય છે કે વાણીને રૂપ આપવા બ્રહ્માજીએ સરસ્વતીને આજ્ઞા કરેલી. વાણી વડે પરસ્પરનો વ્યવહાર થતો હતો, પણ આ વાણીને કોઈ આકાર નહોતો. બોલચાલના શબ્દો હતા, પણ શબ્દોને કોઈ સ્વરૂપ નહોતું. આ શબ્દોએ પિતામહ બ્રહ્માને પ્રાર્થના કરી કે અમને આકાર આપો. બ્રહ્માજીએ તેમની વાત સ્વીકારી. દેવી સરસ્વતીએ એમને આકાર આપ્યો, પણ આ આકાર એકરૂપી ન રહ્યો, બહુરૂપી બન્યો. એક શબ્દ જુદી-જુદી રીતે વપરાયો ત્યારે એના સ્વરૂપને સ્પષ્ટ કરતાં બ્રહ્માજીએ કહ્યું, ‘જે માણસ જે શબ્દ પ્રયોજશે એ શબ્દ એ માણસનું જ સ્વરૂપ પ્રગટ કરશે.’

બ્રહ્માજીની આ વાત ભારે મહત્ત્વની છે. તળપદી ભાષામાં આ સમજવી હોય તો માતાને પિતાની પત્ની અથવા તો બાપની બાયડી પણ કહી શકાય. હવે કયો માણસ કયો પ્રયોગ કરે છે એ માણસની કક્ષા પર આધારિત છે. વૈચારિક કક્ષાએ માણસ સાવ ઉઘાડો હોય છે એ સમયે જે શબ્દોમાં તેના વિચારો પ્રગટ થાય છે એ શબ્દો જ એનું અસલ સ્વરૂપ બની રહે છે. આ ઉપરાંત એક મહત્ત્વની વાત નોંધવા જેવી છે કે શબ્દો દ્વારા કહેવાયેલી વાત કરતાં કેટલીય વાર શબ્દો દ્વારા નહીં કહેવાયેલી વાત વધુ મહત્ત્વની હોય છે. આ નહીં કહેવાયેલી વાત અને મૌન, બન્ને એક નથી. શબ્દો દ્વારા નહીં કહેવાયેલી વાતમાં શબ્દની શક્તિ એના અપ્રગટ સત્યમાં સચવાયેલી હોય છે, જ્યારે મૌનમાં સચવાયેલા શબ્દો માણસની પોતાની તાકાત બની જાય છે. મૌનમાં શબ્દો સાચવવા સહેલા નથી. ૧૦ કલાક વપરાયેલા શબ્દો કરતાં બે કલાક સચવાયેલું મૌન વધુ મૂલ્યવાન હોય છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 06:05 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK