આપણે સામેવાળી વ્યક્તિમાં આપણું પ્રતિબિંબ શોધતા હોઈએ છીએ

Updated: Aug 12, 2020, 17:25 IST | Sejal Ponda | Mumbai

આપણું ઘર્ષણ ત્યારે વધે છે જ્યારે આપણે વ્યક્તિને બદલવાના પ્રયત્નો કરીએ છીએ. એ વ્યક્તિ આપણા જેવી હોય એવી અપેક્ષા રાખીએ છીએ.

આપણા જેવા પર્ફેક્શનની અપેક્ષા બીજા પાસે પૂરી નથી થતી ત્યારે આપણે એ વ્યક્તિને ઇમ્પર્ફેક્ટ હોવાનું લેબલ લગાડી દઈએ છીએ.
આપણા જેવા પર્ફેક્શનની અપેક્ષા બીજા પાસે પૂરી નથી થતી ત્યારે આપણે એ વ્યક્તિને ઇમ્પર્ફેક્ટ હોવાનું લેબલ લગાડી દઈએ છીએ.

આપણું ઘર્ષણ ત્યારે વધે છે જ્યારે આપણે વ્યક્તિને બદલવાના પ્રયત્નો કરીએ છીએ. એ વ્યક્તિ આપણા જેવી હોય એવી અપેક્ષા રાખીએ છીએ. આપણે બધા જ કલ્ચર, ઉછેર, સંસ્કાર અને સ્વભાવથી જુદા છીએ. આપણા જેવા પર્ફેક્શનની અપેક્ષા બીજા પાસે પૂરી નથી થતી ત્યારે આપણે એ વ્યક્તિને ઇમ્પર્ફેક્ટ હોવાનું લેબલ લગાડી દઈએ છીએ. 

ઇચ્છા અને સપનાં આપણે વસ્તુઓ માટે સેવીએ છીએ અને અપેક્ષા આપણે વ્યક્તિઓ પાસે રાખીએ છીએ. વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણી અપેક્ષા એ વ્યક્તિ આપણી ધારણા પ્રમાણે વ્યવહાર કરે એવી હોય છે. આપણી ધારણા પ્રમાણે વર્તન કરે એવી હોય છે. અમુક કિસ્સામાં આ શક્ય બને છે તો અમુક કિસ્સામાં આપણી અપેક્ષા પ્રમાણેનું વર્તન સામેવાળી વ્યક્તિ કરતી નથી. એનું મૂળ કારણ દરેક વ્યક્તિનો ઉછેર, સ્વભાવ, વ્યવહારની પદ્ધતિ જુદી હોય છે. દુનિયામાં બધા આપણા જેવું વર્તન કરે એવી અપેક્ષા રાખનારને હંમેશાં નિરાશા જ સાંપડે છે, કારણ એ શક્ય જ નથી. આપણે બધા જ ભિન્ન છીએ એ જાણતા હોવા છતાં આપણે સામેવાળી વ્યક્તિમાં આપણું પ્રતિબિંબ શોધતા હોઈએ છીએ. જાણે આપણે આપણો ટ્વિન્સ ન શોધતા હોઈએ!
ઘરમાં સાસુ નવી વહુ પાસે પોતાના વર્ષોના અનુભવ જેવી રસોઈ બનાવવાની અપેક્ષા રાખે તો તરત સંભવ ન થઈ શકે. પોતાની રીતભાત પ્રમાણેનું ઘર સાચવવાની સાસુની અપેક્ષા જ્યારે વહુ પૂરી કરી શકતી નથી ત્યારે સાસુને નારાજગી થાય છે. જુદા ઘર અને કલ્ચરમાં ઊછરેલી વહુને નવી પદ્ધતિમાં ઍડ્જસ્ટ થતાં વાર લાગે છે. તમે તમારી પદ્ધતિ શીખવાડી શકો. એવા જ પર્ફેક્શનની અપેક્ષા ન રાખી શકો. એવું પર્ફેક્શન સમય જતાં આવે તો આવે. નવી વહુને જેમ-જેમ નવી પદ્ધતિનો અનુભવ થતો જાય તેમ-તેમ તે નવા ઘરની પદ્ધતિ સાથે તાલમેલ સાધવા માંડે છે.
સમજો કે તમે કામમાં એકદમ પર્ફેક્ટ છો અને બીજી વ્યક્તિ સાથે ડીલ કરતી વખતે એવી જ અપેક્ષા રાખો છો, પણ એ વ્યક્તિ તમારા જેવી પર્ફેક્ટ નથી તો તમારી અપેક્ષા પૂરી થતી નથી. આપણે બધા જ કલ્ચર, ઉછેર, સંસ્કાર, સ્વભાવથી જુદા છીએ. ત્યારે આપણા જેવા પ પર્ફેક્શનની અપેક્ષા બીજા પાસે પૂરી નથી થતી ત્યારે આપણે એ વ્યક્તિને ઇમ્પર્ફેક્ટ હોવાનું લેબલ લગાડી દઈએ છીએ.
જો આપણે સુદૃઢ હોઈએ અને મહેમાન થઈને જ્યાં જઈએ ત્યાં એવી જ ચોખ્ખાઈની અપેક્ષા રાખીએ તો એ શક્ય નથી હોતું. દરેક ઘરની રીતભાત ભિન્ન-ભિન્ન હોય છે.
જે વ્યક્તિ આપણા જેવી ચોખ્ખી અને ચોક્કસ નથી હોતી તે શું આપણી પાસે તેમના જેવા લઘરવઘર રહેવાની અપેક્ષા રાખે ખરી? આળસુ વ્યક્તિ તમને આળસુ બનવાની સલાહ આપે એવી અપેક્ષા રાખે તો શું તમે આળસુ બની જાઓ ખરા? ના, કારણ, એ તમારા સ્વભાવમાં જ નથી.
આપણે ઓછાબોલા હોઈએ અને જે વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો છે એ સખત બોલતી હોય તો અમુક સમય પછી આપણું માથું ભમવા માંડે છે. હવે આવી બોલકી વ્યક્તિ સાથે રોજ પનારો પડતો હોય તો શું આપણે તેને કહી શકીએ છીએ કે ઓછું બોલતા હો તો? આપણે એ વ્યક્તિને મોઢેમોઢ એવું નથી કહી શકતા, કારણ, એનાથી સંબંધ અને વ્યવહાર બગડવાની સંભાવના રહે છે. હા, આપણે પાછળથી એ વ્યક્તિની બુરાઈ કરતા હોઈએ છીએ, પણ એવી વ્યક્તિ સાથે રોજ ડીલ કરવાનું આવે તો આપણે ધીરજપૂર્વક એ વ્યક્તિને સાંભળતા હોઈએ છીએ અને તેને નિભાવી લેતા હોઈએ છીએ. એનો સીધોસાદો અર્થ એ છે કે આપણે એ વ્યક્તિને જેવી છે એવી સ્વીકારી લીધી છે.
જુદા-જુદા માણસો સાથેના વ્યવહારમાં એ માણસનાં અમુક નેગેટિવ પાસાંઓનો સ્વીકારભાવ કરવાથી આપણા મગજમાં એક વાત બેસી જાય છે કે આ માણસ આવો જ છે અને તેનું કંઈ થઈ શકે એમ નથી કે ના તો આપણે તેને બદલી શકીએ છીએ. હા એકાદ-બે વાર તેને તેનાં નેગેટિવ પાસાંઓથી વાકેફ કરાવી શકીએ છીએ, પછી સુધરવું ન સુધરવું એ તેમનો વિષય બની જાય છે.
આપણું ઘર્ષણ ત્યારે વધે છે જ્યારે આપણે વ્યક્તિને બદલવાના પ્રયત્ન કરીએ છીએ. એ વ્યક્તિ વાણી, વર્તન, મૂલ્યો, સિદ્ધાંતોમાં આપણા જેવી હોય એવી અપેક્ષા રાખીએ છીએ
ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. જો એ વ્યક્તિ આપણાં મૂલ્યો, સિદ્ધાંતો પ્રમાણે ન વર્તતી હોય તો આપણને એ વ્યક્તિ માટે અણગમો થાય છે.
ઈશ્વ રનું દરેક સર્જન ભિન્ન છે; પછી એ પક્ષી હોય, પ્રાણી હોય કે મનુષ્ય. મનુષ્ય પાસે વાચા છે, વિચારવાની શક્તિ છે એટલે મનુષ્ય બીજા મનુષ્યને મૂલવતો થાય છે, પણ જો મનુષ્ય સ્વીકારી લે કે દરેક વ્યક્તિ નિરાળી છે તો નિરાશ થવાનો વારો આવતો નથી.
માણસ તરીકેની આપણી સૌથી મોટી નબળાઈ એ છે આપણે વ્યક્તિને એ જેવી છે તેવી સ્વીકારી નથી શકતા. બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણી અપેક્ષા પૂરી ન થાય તો આપણે એવું તારણ કાઢીએ છીએ કે અમુકતમુક વ્યક્તિ સાથેનો મારો અનુભવ સારો નથી રહ્યો.
અપેક્ષા પ્રમાણેના વર્તનનું બીજું પાસું એ છે કે શક્ય છે કે બીજી વ્યક્તિ આપણી અપેક્ષામાં ખરી ઊતરતી ન હોય અને આપણી પાસે વિકલ્પ હોય તો આપણે એ વ્યક્તિ સાથેનો વ્યવહાર પૂરો કરી શકીએ છીએ અને જો વ્યવહાર કરવો જ પડે એમ હોય તો પછી સ્વીકારભાવ જ ઉત્તમ ઉપાય છે.
જેની સાથે આપણે વર્ષોથી રહીએ છીએ, જેની સાથે આપણે વર્ષોથી પ્રોફેશનલી કામ કરીએ છીએ એ બધી જ વ્યક્તિઓ આપણી સાથે અને આપણે તેમની સાથે વર્ષોથી એટલા માટે જોડાયેલા છીએ, કારણ કે આપણે એ જ વ્યક્તિ સાથે રહેવાનું છે, એ જ વ્યક્તિ સાથે કામ કરવાનું છે એટલે જ આવી વ્યક્તિઓમાં રહેલી સારપને શોધીને, એ આપણા જેવી બની રહે એવી અપેક્ષા છોડીને બધું સાચવી લઈએ તો એ વ્યક્તિ માટેની અપેક્ષા અંતે સુખદ અનુભવ તરફ લઈ જઈ શકે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK