મૂવ ઑન: છોડીને આગળ વધવાની હિંમત છે?

Published: 3rd January, 2021 07:55 IST | Kana Bantwa | Mumbai

આપણે પકડી રાખવાની પરંપરામાં જીવીએ છીએઃ છોડતાં શીખવું મુશ્કેલ છે, પણ અસંભવ નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક નાનું બાળક હાથમાં ચિનાઈ માટીનો એક કલાત્મક કુંજો લઈને મમ્મી તરફ આવ્યું એટલે મમ્મીને ચિંતા થઈ કે બાળકના હાથમાંથી જો આ કીમતી પૉટ પડી જશે તો નુકસાન થશે, એટલે તેણે બાળકને કહ્યું, ‘બેટા પૉટ નીચે મૂકી દે, તારા હાથમાંથી પડી જશે.’ બાળકે રડમસ થઈને જવાબ આપ્યો, ‘મારો હાથ પૉટમાં ફસાઈ ગયો છે, નીકળતો નથી.’ ચિંતાતુર માતાએ ઘણી કોશિશ કરી, પણ પૉટના સાંકડા ગળામાંથી બાળકનો હાથ બહાર નીકળ્યો નહીં. બાળકનો પપ્પા આવ્યો, તેણે પણ ઘણી મહેનત કરી. હાથ પર સાબુનું પાણી લગાવ્યું જેથી હાથ સરકીને બહાર આવી જાય, પણ બધા પ્રયત્નો નિષ્ફળ. અંતે બાળકના પિતાએ કહ્યું કે ‘આ બાળકનો હાથ જે કાઢી આપશે તેને હું ૫૦૦ રૂપિયા આપીશ.’ એ સાંભળીને બાળકે પૂછ્યું કે ‘હું મારો હાથ બહાર કાઢવામાં સફળ થાઉં તો તમે મને પણ ૫૦૦ રૂપિયા આપશો?’ પિતાએ કહ્યું, ‘તને પણ આપીશ’ એટલે બાળકે તરત જ હાથ બહાર કાઢ્યો અને પૉટમાં ખણખણાટ થયો. માતા-પિતાએ પૉટમાં આ ખણખણાટ શેનો થયો એ જોવા માટે તેને ઊંધો કર્યો તો એમાંથી પાંચ રૂપિયાનો સિક્કો નીચે પડ્યો. પૉટમાં પાંચ રૂપિયાનો સિક્કો પડી ગયો હતો એને કાઢવા માટે બાળકે હાથ અંદર નાખ્યો હતો અને સિક્કો મુઠ્ઠીમાં પકડીને તે હાથ બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એટલે હાથ નીકળતો નહોતો. બાળકે ૫૦૦ રૂપિયા મળવાના હતા એટલે પાંચ રૂપિયાને પડતા મૂક્યા. જેવી મુઠ્ઠી ખોલી કે તરત જ હાથ બહાર નીકળી ગયો.

સાઇકોલૉજીના એક પ્રોફેસર ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષના દિવસે છેલ્લું લેક્ચર લેવા માટે ક્લાસમાં આવ્યા. તેના હાથમાં પાણીથી અડધો ભરેલો એક ગ્લાસ હતો. બધાને થયું કે હમણાં પ્રોફેસર પેલી જૂની ઘસાઈ ગયેલી વાત પૂછશે કે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી? વિદ્યાર્થીઓ ગણગણાટ કરવા માંડ્યા, પણ, પ્રોફેસરે એ પ્રશ્ન ન પૂછ્યો. તેમણે પૂછ્યું કે ‘આ ગ્લાસમાં કેટલું વજન હશે?’ કોઈએ કહ્યું ૧૦૦ ગ્રામ, કોઈકે કહ્યું દોઢસો ગ્રામ. પ્રોફેસરે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘આ ગ્લાસ ઊંચકી શકાય? કોણ એને ઊંચકી બતાવશે?’ બધા વિદ્યાર્થીઓ ગ્લાસને ઉપાડવા તૈયાર થઈ ગયા. એક વિદ્યાર્થીને બોલાવીને પ્રોફેસરે તેને કહ્યું કે ગ્લાસને હાથમાં ઊંચે ઉપાડી રાખ. વિદ્યાર્થીએ આસાનીથી ગ્લાસ ઉઠાવીને હાથ ઊંચો કરી દીધો. પ્રોફેસર વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા. થોડો સમય થયો એટલે પેલા ગ્લાસ પકડીને ઊભેલા વિદ્યાર્થીનો હાથ દુખવા માંડ્યો. તેણે પ્રોફેસરનું ધ્યાન દોર્યું. પ્રોફેસરે તેને પૂછ્યું કે ‘હજી કેટલો સમય તું આ ગ્લાસને ઊંચકી શકીશ?’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ‘હવે માંડ પાંચ-સાત મિનિટ ઊંચકી શકાશે, હાથ દુખવા માંડ્યો છે.’ પ્રોફેસરે નવો પ્રશ્ન પૂછ્યો, ‘ગ્લાસમાં વજન બહુ ઓછું હતું તો એ ઊંચકી રાખવો અશક્ય કેમ બનવા માંડ્યું?’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સમસ્યા ગ્લાસના વજનની નથી, એને સતત ઊંચકી રાખવો પડ્યો છે એની છે, એટલે લાંબો સમય ઊંચકી રાખવો અસંભવ બની જાય છે.’

 આ બે વાર્તા યાદ રાખવા જેવી છે. જીવન સારી અને ખરાબ, ગમતી અને અણગમતી, સુખદ અને દુખદ ઘટનાઓના ગુલદસ્તા જેવું હોય છે. આપણી પ્રકૃતિ એવી છે કે આપણે સારી બાબતોને યાદ રાખવા મથીએ છીએ અને ખરાબ બાબતોને ભૂલી જવા પ્રયત્નશીલ રહીએ છીએ. ગમતી પળોની યાદ ઝાંખી થઈ જાય એ આપણને ગમતું નથી. એ ક્ષણેક્ષણને આપણે પૂરેપૂરી યાદ રાખવા ઇચ્છીએ છીએ. એને સ્મૃતિમાં વારંવાર માણવા ઇચ્છીએ છીએ. એ યાદોનો પણ એક ભાર હોય છે. એની યાદ આનંદિત કરે છે અને એની સાથે એવી પણ ફીલિંગ આપે છે કે હવે આ સુખ નથી અને એ લાગણી તમને દુખી કરી મૂકે છે. પ્રિયજનની સાથે વિતાવેલી સુંદર પળો, સ્વજનો સાથે માણેલો રોમાંચક સમય, જીવનમાં ઘટેલી આનંદદાયક ઘટનાઓને યાદ કરીએ ત્યારે એ યાદની પાછળ હવે ‘એ નથી’ની લાગણી પણ આવે છે; જે પીડા, ઉદાસી લાવે છે. જ્યારે પીડાની ક્ષણો યાદ આવે ત્યારે આપણે એ નથી વિચારતા કે હવે એ પીડા નથી. ત્યારે તો તત્કાળ એનો વિષાદ ઘેરી વળે છે અને દુખી થઈ જવાય છે. કોઈ ગમતી વસ્તુને કે ગમતી વ્યક્તિને છોડવી પડી હોય ત્યારે તેની યાદ શૂળની જેમ વર્ષો સુધી હૃદયમાં ભોંકાતી રહે છે.

 મૂવ ઑન. બે શબ્દનું અંગ્રેજીનું આ વાક્ય અદ્ભુત છે. છોડીને આગળ વધી જાઓ એવો ગુજરાતી અનુવાદ કરી શકીએ આપણે મૂવ ઑનનો. ગુજરાતીમાં મૂવ ઑન માટે કોઈ ખાસ શબ્દસમૂહ નથી, કારણ કે આપણે મૂવ ઑન શીખ્યા જ નથી. આપણી પરંપરામાં જ મૂવ ઑન નથી. આપણે પકડી રાખવાની પરંપરામાં જીવીએ છીએ. આપણે બધાએ વાર્તામાંના પેલા છોકરાની જેમ મુઠ્ઠી વાળી રાખી છે. ક્ષુલ્લક બાબતોને આપણે પકડી રાખીએ છીએ અને એમાં જ ફસાયેલા રહીએ છીએ. આપણે બધું જ પકડી રાખીએ છીએ.

સ્વજનો, દોસ્તો, ટેકેદારો, સગાંવહાલાં, પ્રિયજન, અપ્રિયજન, દુશ્મનો, ટીકાકારો, વિરોધીઓ, ગમતું, અણગમતું, સારું, ખરાબ બધું જ પકડી રાખીએ છીએ. વાંદરીનું બચ્ચું મરી જાય પછી પણ વાંદરી એને છોડતી નથી. બચ્ચાનો મૃતદેહ સડી જાય ત્યાં સુધી એને પકડી રાખે છે. આપણી તો કથાઓમાં પણ આવાં ઉદાહરણ મળે છે. ભગવાન શિવજીનાં પત્ની સતીના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં દેવાધિદેવ મહાદેવનું અપમાન કર્યું અને સતીએ જીવ

આપી દીધો. પછી ઉદાસ થઈ ગયેલા શિવજી સતીના નશ્વર દેહને ખભા પર ઊંચકીને ફર્યા. સતીના અવયવો જ્યાં-જ્યાં ખરીને પડ્યા ત્યાં-ત્યાં તીર્થ બન્યાં, એવી કથા છે.

આપણે ગળથૂથીમાં જ પકડી રાખવાનું, બાંધી રાખવાનું, ગાંઠે બાંધી લેવાનું, મુઠ્ઠી વાળી લેવાનું શીખ્યા છીએ. જે પીડા તમે ભોગવી છે એને યાદ કર્યા કરવાથી તમે ત્યાં જ અટકેલા રહેશો. તમે એ કાલખંડમાં કેદ થઈ જશો અને એ પીડા સતત તમને પીડતી રહેશે. તમારે યાદના એ પીંજરામાંથી બહાર નીકળવું પડે. એ કેદમાંથી મુક્ત થવું પડે અને એ કેદના દરવાજા ખોલવાની ચાવી તમારા સિવાય કોઈ પાસે નથી. તમને કોઈ આશ્વાસન આપી શકે. કેદમાં તમને થોડી સગવડ થાય એવી વ્યવસ્થા કરી શકે, તમને થોડા કમ્ફર્ટેબલ બનાવી શકે, પણ તમને મુક્ત ન કરાવી શકે. તમારે પોતે જ થીજી ગયેલા એ સમયનો બરફ તોડવો પડે, ઓગાળવો પડે અને બહાર નીકળવું પડે. ક્યારેક તમારે વાસ્તવિકતા સ્વીકારી લેવી પડે કે જે થઈ ગયું એને ન થયું કરી શકાય એમ નથી. એ ઘટનાને બદલાવી શકાય એમ નથી. એ ભૂતકાળને તમારે પડતો મૂકવો પડે. દરેક માણસ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ઇચ્છે છે. આપણે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરીએ છીએ જે પરિચિત હોય, સલામત હોય અને આરામદાયક હોય. આ કમ્ફર્ટ ઝોન સંબંધમાં પણ, વ્યક્તિની બાબતમાં પણ હોય છે.

કેટલીક વ્યક્તિઓને તમે એટલા માટે નથી છોડી શકતા કે તમને ડર હોય છે, વધુ સારી વ્યક્તિ નહીં મળે તો? કેટલાક સંબંધ ખરાબે ચડી ગયા છતાં એ ભૂતકાળને તમે આવજો કહીને આગળ વધતા નથી, કારણ કે તમારા મનમાં ઊંડે ઊંડે ક્યાંક આશા હોય છે ફરીથી એ સંબંધ જોડાઈ જવાની. જીવનમાં આપણે કેટલી બધી બાબતો છોડતા જવી પડે છે. હોડીમાં બેસીને નદી પાર કરીએ પછી કિનારો આવતાં ઊતરવું પડે. આપણે એમ કહીને હોડીમાં બેસી રહી શકીએ નહીં કે જે હોડીએ મને નદી પાર કરાવી એને છોડીને જવું કઈ રીતે? છોડીને આગળ વધી જવા માટે પ્રચંડ હિંમતની જરૂર પડે છે, પકડીને કમ્ફર્ટ ઝોનમાં બેસી રહેવા માટે હિંમતની નહીં, કાયરતાની આવશ્યકતા હોય છે. મૂવ ઑન, ઉજ્જ્વળ ભવિષ્ય તમારી રાહ જુએ છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK